તત્વમસિ....
ધ્રુવ ભટ્ટ દ્વારા લિખિત આ અદભુત નવલકથા થોડા સમય પહેલા જ એક લેખક મિત્ર એ સુચિત કરેલી.પહેલા પ્રકરણ થી લઈને અંત સુધી પૂરેપૂરી નવલકથા ફક્ત એક જ બેઠક માં વાચી નાખવાનું મન થાય એવી અદભુત રચના ગુજરાતી સાહિત્ય ને મળી છે.
નર્મદા ના કિનારે વસતા આદિવાસીઓ નું જીવન આ નવલકથા ના હાર્દ સમાન છે.ત્યાંના માણસો ની સંસ્કૃતિ,તેની પરંપરા,તેના જીવન ની ધરોહર આ બધું બસ નર્મદા જ છે એવું દર્શાવવામાં આવ્યું છે. માં નર્મદા અને તેની આસપાસ નાં જંગલો નો ઉલ્લેખ હજારો વર્ષ જૂના ગ્રંથો માં અને કાનો કાન ફરતી દંતકથાઓ માં થતો જોવા મળે છે જેને પણ લેખકે અહી ટાક્યો છે.
નાનપણ માં પોતાના વતન માં ઉછરેલો વાર્તા નાયક પોતાની માતા નાં અવસાન પછી પિતા ની સાથે જ વિદેશ નીકળી પડેલો.તે આજ વર્ષો પછી માનવ સંસાધન ના અભ્યાસ અર્થે પોતાના પ્રોફેસર ની ઇચ્છા ને માન આપી ભારતમાં નર્મદા નદી ને કિનારે વસતા આદિવાસીઓ ના જીવન નું અધ્યયન કરવા અને તેમની માનવ શક્તિ ને યોગ્ય જગ્યા એ કામે લગાડવાના આશય સાથે તે ગુજરાત માં આવે છે.
નવલકથા માં છેક સુધી નાયક ના નામ નો કોઈ જગ્યાએ ઉલ્લેખ કરેલો નથી પણ તેમ છતાં લેખકે વાર્તા નાયક નાં પાત્ર ને એક જીવતું પાત્ર બનાવવા માં કોઈ કસર છોડી નથી.
વર્ષો પછી પોતાના વતન માં પાછા ફરીને પણ નાયક અહી ની પ્રજા ને ધર્મ અને સંસ્કૃતિ વચ્ચે ફસાયેલા અભણ ગણે છે.એક પ્રસંગ માં ટ્રેન માથી નર્મદા માં સિક્કાઓ ફેંકતા અને માં નર્મદા નો જય જયકાર કરતા જોઈ નાયક તેની સામે બેઠેલા માજી ને સવાલ કરે છે કે "નદી બચાવે કે પછી ડુબાડે ? " ત્યારે માજી કહે છે "કે એ તો જેવી જેની શ્રધ્ધા". આ જવાબ નાયક ને વિચારવા મજબૂર કરી દે છે. જુદા જુદા ધર્મો,જુદી ભાષાઓ,પરંપરાઓ,અલગ-અલગ રીત-રીવાજો,અને ભિન્ન અવસ્થામાં ઉછેર પણ આમ છતા વિચારો માં જોવા મળતી એ સામ્યતા નું મૂળ આ દેશ ની હજારો વર્ષ જૂની સંસ્કૃતિ અને એ સંસ્કૃતિ ને આગળ ધપાવાતિ આ પ્રજા.ખરેખર દેશ ને એક અતૂટ દોર સાથે જકડી રાખનાર સામ્યતા આ ધરોહર નું જ પરીણામ છે એ નાયક ને આગળ જતા ધીરે ધીરે સમજાય છે.
વાર્તા માં રાણીગુફા,હરિકોઇ,મુનિ કા ડેરા,ભીમ તકિયા જેવા અનેક પ્રાચીન અને રહ્સ્યમય સ્થળો નું અદભુત વર્ણન છે.જ્યારે ધનુર્વિદ્યા માં એકદમ પારંગત એવા સાઠસાલિ ઓ નો પણ ઉલ્લેખ આવે છે.
નાયક ની પહેલી મુલાકાત પુરિયા સાથે બતાવવામાં આવી છે.પુરિયા નો ચંચળ પણ સાફ દિલ સ્વભાવ પણ અહી વર્ણવામાં આવ્યો છે.બિહારી અને તેની માં પાર્વતીબા નો ઉલ્લેખ વાર્તા ની શરૂઆતમાં જ આવે છે.
આદિવાસીઓ ના ઉજ્જવળ ભવિષ્ય માટે સતત કાર્યરત એવી મોહક અને સમજદાર સુપ્રિયા ને પણ લેખકે વર્ણવી છે.નાયક અને સુપ્રિયા વચ્ચેના પ્રણય સંબંધ નો આછો પાતળો ઉલ્લેખ પણ લેખકે કર્યો છે.
રૂઢિગત આદિવાસીઓ નું પુરિયા ને ડાકણ બનાવવુ અને કાલેવાલિ માં નું ત્યાં આવી પુરિયા ને છોડાવીને લઈ જવું એનું પણ ત્યાં વર્ણન કરેલું છે.
સાઠસાલિઓ નાં રક્ષણ વચ્ચે વન માં ફરતી કાલેવાલિ માં પર અહીંના લોકો ની ખૂબ શ્રદ્ધા હોવાનું બતાવ્યું છે. હકિકત દર્શાવતા લેખકે સુપ્રિયા ની માં જ કાલેવાલિ માં હોવાનું રહસ્ય ખુલ્લું પાડે છે. જે અવાર નવાર અહીંના લોકો પર આવેલી મુસીબતો ને દૂર કરતી હોય છે.પણ સુપ્રિયા ની માં નું તેને છોડી આમ જોગણ બનીને ફરવાનું રહસ્ય વાર્તા પૂરી થયા પછી પણ અકબંધ રહે છે
નવલકથા નાં ગુપ્તાજી,ગણેશ શાસ્ત્રી, સુપ્રિયા , ગડું ફકીર,કાલેવાલી માં,પુરિયા,બિત્તુ બંગા જેવા અનેક પાત્રો આપણા માનસ પટ પર હંમેશ ને માટે છવાઇ જાય એવી પોતાની આગવી છટા થી લેખકે નિરૂપણ કર્યું છે.
પ્રાથમિક શિક્ષણ નો અભાવ હોવા છતાં બિત્તુ બંગા પાસે રહેલું જ્ઞાન અદભુત હતું.કોઈ પણ સમસ્યા નું સમાધાન મેળવી લેતા આ બંને ભાઇઓ ને બધી વિદ્યા સાઠસાલિઓ એ શીખવેલી.
મહાદેવ મંદિર ના પૂજારી એવા ગણેશ શાસ્ત્રી પ્રખર પંડિત ગણાતા.સંગીત ના વિવિધ સાધનો નું પૂરતું જ્ઞાન હતું તેમની પાસે.સિંહસ્થ વર્ષ માં લગ્ન કેમ ના થાય ? પીપળો ઘર ને બદલે મંદિર માં જ કેમ વવાય ? આવા અનેક પ્રશ્નો નાં ઉત્તર ગણેશ શાસ્ત્રી નાં માધ્યમ થી અહી વર્ણવેલા છે.
ગણેશ શાસ્ત્રી,ગડું ફકિર અને લેખક વચ્ચેના રોચક સંવાદો આ અહિં ના માણસો માં રહેલી ધર્મ પ્રત્યે ની શ્રધ્ધા અને તેમાં રહેલી નિરપેક્ષતા દર્શાવે છે.વગર લખાણે પૈસા અને વસ્તુ ધિરતા ઉદાર માનવતાવાદી શેઠ અને ધન થી લાચાર પણ મન થી એકદમ ચોખ્ખા આદિવાસીઓ વચ્ચે નો પ્રસંગ પણ સરસ આલેખાયો છે.
આદિવાસીઓ ને એકઠા કરી તેમના છોકરાઓ ને માટે નિશાળ ખોલવી,તેમને શિક્ષિત કરવા, મધમાખી ના ઉછેર માટે પ્રેરિત કરવા અને ફૂલો નો ઉછેર આવા ઘણા મુદ્દાઓ લેખકે પોતાની નવલકથામાં આવરી લીધા છે.
વધુ સંપતિ એટલે વધુ સુખ એવી પાંગળી વિચારધારા ધરાવતી આપણી આ શહેરી દુનિયા થી વિપરીત આ લોકો નાં જીવનને લેખકે ખૂબ જ સારી રીતે રજૂ કર્યું છે.
માં નર્મદા ના નીર ની વાત હોય કે પછી અહીંના રમણીય જંગલો, દિવસ હોય કે રાત,લહેરાતા ખેતરો હોય કે ડુંગર ની કોતરો બધી જ રચનાઓ ને લેખકે જાણે પ્રકૃતિ ના ખોળે બેઠી ને નિરિક્ષણ કર્યું હોય તેમ બારિકાઇ થી રજૂ કર્યું છે.
અમરકંટક થી નિકળતી અને ૧૨૦૦ માઇલ ની સફર ખેડી દરિયામાં ભળતી માં રેવા ની દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ પરિક્રમા કરે છે.શરૂઆતમાં નાયક ને આ બધી વાતો વ્યર્થ લાગતી પણ એક પ્રસંગ માં રેલવે સ્ટેશન પરથી તેનો સામાન ચોરી થયા બાદ તેમનું મન પરિવર્તન થાય છે અને તે પણ પરિક્રમા કરવા માટે નીકળી પડે છે.
અંતે ફક્ત પોતાના પ્રોફેસર ના કહેવાથી અભ્યાસ માટે આવેલ નાયક પોતાનું જીવન આ આદિવાસીઓ ના સુધાર માટે સમર્પિત કરી દેતા વર્ણવ્યા છે.
ધ્રુવ ભટ્ટ દ્વારા લિખિત આ નવલકથા પરથી એક ફિલ્મ પણ બનાવવામાં આવી છે..જેનું નામ છે ' રેવા '.હાલ જ આ ફિલ્મ ને નેશનલ ફિલ્મ ફેસ્ટિવલ તરફ થી બેસ્ટ ગુજરાતી ફિલ્મ નો એવોર્ડ પણ જાહેર થયો છે.આ પરથી તમે ચોક્કસ વિચારી શકો કે આ નવલકથા ની અસર કેવી હશે.
ભારતીય સંસ્કૃતિના ત્રણ મહાકાવ્યો : ' અહં બ્રહ્માસ્તિમ્ ' , 'તત્વમસિ' , ' સર્વ ખલુ ઇદં બ્રહ્મ' - જાણે કે એક રસ થઈ એક શબ્દ " રેવા " માં સમાઈ જતા હોય તેવું અનુભવાય છે અને ' નમામિ દેવી નર્મદે' નો જાપ કરતા આપણે ખુદ પરિક્રમા કરીને કાંઠે આવતા હોય એવો સહજ અનુભવ આ પુસ્તક ને અંતે થયા વિના રહેતો નથી.
બસ આ સાથે જ મારી વાત ને વિરામ આપું છું.મારા થી બનતી બધી વિગત મેં આપના સમક્ષ રજૂ કરી છે.હવે બસ તમે એક વાર આ નવલકથા જરૂર વાચશો એવી મને આશા છે.
આપના અમૂલ્ય પ્રતિભાવો મને વધુ સારી રીતે લખવાની પ્રેરણા આપશે..તો એ આપવાનુ પણ ભૂલશો નહીં..
આભાર સહ....નર્મદે હર ....