સંબંધો લીલાછમ - 22

સંબંધો લીલાછમ

મનહર ઓઝા

(૨૨)

અતિસંવેદનશીલ સ્વભાવ આપણું જ નુકસાન કરે છે.

‘ઉર્વશીની ખબર કાઢવા એકલી જઈ આવી, મને કહ્યું હોત તો?!’ ‘તમારો છોકરો ટ્રેકિંગમાં ગયો? મારા અમનને સાથે લઇ ગયો હોત તો ભારે ન પડત!’ ‘મારી સામે જોઇને તમે તો હસ્યા પણ નહિ!’ ‘મને જોઇને બારણું કેમ બંધ કરી દીધું?’ ‘આબુ તો અમે સત્તરવાર ગયાં હોઈશું, પણ તમારે આગ્રહ તો કરવો જોઈએને!’ ‘છાપામાં મારો ફોટો છપાયો તોયે તમે મને અભિનંદન આપ્યા નહિ!’ આવું બધું તમે ઘણીવાર સાંભળ્યું હશે. જો ખોટું લગાડવું હોય તો તે માટેના અસંખ્ય કારણો, પ્રસંગો અને બાબતો મળી રહેશે. તમે વિચાર્યું પણ ન હોય તેવી તેવી બાબતોમાં લોકોને ખોટું લાગતું હોય છે. આપણી આસપાસ આવાં તો કેટલાંયે લોકો મળી રહેશે. તમને પોતાને આવાં લોકોનો અનુભવ થયોજ હશે.

ઘણીવાર આપણને થાય કે આમાં શું ખોટું લગાડવાનું, પણ કેટલાંક લોકો વાતવાતમાં ખોટું લગાડતાં હોય છે. અતિસંવેદનશીલ લોકોને હંમેશાં ખોટું લાગતું હોય છે. તેઓ પોતાની જાતને અસુરક્ષિત મહેસુસ કરતાં હોય છે. તેમને એવો ડર હોય છે કે હું કુટુંબથી, સમાજથી અને મિત્રોથી દુર થઇ જઈશ તો! સમાજમાં મારું મહત્વ નહિ રહે તો! તેમના મનને આ ચીંતા કોરીખાતી હોવાથી તેઓ આવું વર્તન કરતાં હોય છે. આપણને સામાન્ય લાગતી બાબત તેમના માટે સામાન્ય હોતી નથી.

જે પોતાને અસુરક્ષિત માનતું હોય તેવી વ્યક્તિની સામે, તમે કોઈ બીજી વ્યક્તિ સાથે ખાનગીમાં વાત કરતાં હોવ તોપણ પેલી વ્યક્તિ વહેમાશે. તેને એમ કે આપણે તેના વિષે વાતો કરીએ છીએ. આપણને તે તરતજ પૂછશે, ‘તમે બંને શું વાતો કરતાં હતાં?’ તેઓ તટસ્થતાથી કોઈ વાત વિચારશે નહિ. આ લોકો હંમેશાં પોતાની જાતને કેન્દ્રસ્થાને રાખીને પોતાનાં દૃષ્ટિકોણથી વિચારતાં હ્હોય છે. તેઓ જયારે તમને મળશે, ત્યારે કોઈ ને કોઈ બાબતે તમને ફરિયાદ કરશે. તે ફરિયાદ તમારી અથવા તો બીજાની પણ હોઈ શકે.

જેના વિષે આપણે ખરાબ વિચાર્યું પણ ન હોય અને તે તમને તેની ફરિયાદ કરે, ત્યારે આપણને ગુસ્સો આવે તે સ્વાભાવિક છે. શરૂઆતમાં આપણે આવાં વ્યક્તિઓના સ્વભાવથી પુરેપુરા પરિચિત ન હોઈએ ત્યારે આપણને ગુસ્સો આવશે. જેમ જેમ આપણને તેનો નજીકથી પરિચય થશે, તેમ તેમ આપણને તેના સ્વભાવનો ખ્યાલ આવશે. જો આપણને શાંતિ જોઈતી હોય તો આવાં લોકોની સાથે બને ત્યાં સુધી કોઈ બાબતે ચર્ચામાં ન ઉતરવું જોઈએ. તેમની વાતમાં હા એ હા કરીને ચુપચાપ નીકળી જવું જોઈએ. બને તેટલાં તેમનાથી દુર રહેવું જોઈએ. તમારી શિખામણની તેમના મન ઉપર કોઈ અસર થવાની ન હોય તો શું કામ તેમની સાથે માથાકૂટ કરીને આપણું મન કલુષિત કરવું જોઈએ! તેમની સાથે કેમ છો કેમ નહિ નો વહેવાર રાખવામાં જ મઝા છે.

જેના ઘરમાં, કુટુંબમાં કે મિત્ર વર્તુળમાં આવાં લોકો હોય કે જેઓ ખુબજ સંવેદનશીલ હોય અને જેઓને વાતવાતમાં ખોટું લાગતું હોય, તેમણે આવાં લોકોની સાથે સહાનુભૂતિ રાખવી જોઈએ. તેમની સાથે પ્રેમથી વર્તવું જોઈએ. તેમને પ્રેમ અને હુંફ આપવી જોઈએ. ધીરે ધીરે તેમને તેમના આ સ્વભાવ બાબતે વાકેફ કરીને તેમને સમજાવવા જોઈએ. આસપાસની દરેક વ્યક્તિઓને પણ તેનીસાથે કેવીરીતે વર્તવું તે જણાવવું જોઈએ. આમ કરવાથી પેલી વ્યક્તિમાં ચોક્કસ સુધારો થશે. તમારાં બધાંના પ્રયત્ન છતાં જો કોઈ ફરક ન પડે તો માનસશાસ્ત્રીની સલાહ લેવી જોઈએ. આમ તો આ બહુ સામાન્ય બીમારી છે પરંતુ જો તેનો ઈલાજ કરવામાં ન આવે તો તે દિવસે દિવસે વધતી જાય છે.

મારા એક મિત્રની પડોશમાં એક બહેન રહે છે. શિલ્પાબેન ખુબજ વહેમી અને સંવેદનશીલ છે. તેઓ તેમના પતિ સાથે એકલાં જ રહે છે. તેમના પતિની પહેલી પત્નીનો એક પુત્ર છે શ્રીકાંત. તેનાં લગ્ન થઇ જવાથી તે પણ જુદો રહે છે. જયારે શ્રીકાંત તેમની સાથે રહેતો હતો ત્યારે શિલ્પાબેન તેમના પતિ સંજયભાઈ ઉપર વહેમાતા હતાં. તેમને હતું કે સંજયભાઈ તેના પુત્ર સાથે તેમના વિષે વાતો કરતાં હશે. તેમના આવાં સ્વભાવને કારણે બંને પતિ-પત્નીમાં રોજ ઝઘડાં થતાં હતાં. શ્રીકાંત જુદો રહેવા ગયો તે પછી પણ તેમના ઝઘડાં ચાલુ છે. શિલ્પાબેન તેમના સગાંઓ, પડોશીઓ અને મિત્રો ઉપર પણ વહેમાય છે. તેમને લાગે છે કે આ બધાં ભેગાં થઈને તેમના વિરુદ્ધ કોઈ કાવતરું કરે છે.

શિલ્પાબેનના આવાં સ્વભાવને કારણે હવે સંજયભાઈના ઘેર કોઈ જતું નથી. શિલ્પાબેનના લીધે સંજયભાઈને પણ સહન કરવું પડે છે. હવે તો તેમનો સ્વભાવ એટલો બધો બગડી ગયો છે કે રોજેરોજ કોઈની ને કોઈની સાથે ઝઘડો કરે છે. આમ થવા પાછળનું કારણ તપાસીશું તો આપણને વાસ્તવિકતાનો ખ્યાલ આવશે. શિલ્પાબેન જયારે શરૂઆતમાં ખોટું લગાડતાં હતાં ત્યારેજ તેમના પતિ સંજયે તેમને સમજાવવાની જરૂર હતી. તેમને વિશ્વાસમાં લઈને ધીરે ધીરે લાગણીપૂર્વક સમજાવ્યા હોત અને કોઈ સારા માનસશાસ્ત્રીની મદદ લીધી હોત, તો તેમનામાં સુધારો થયો હોત. તેના બદલે સંજયભાઈ અને બીજાં સગાવહાલાઓએ તેમને ગુનેગારની જેમ ટ્રીટ કર્યાં હતાં, જેથી આજે તેમનું માનસ વધારે બગડી ગયું છે.

આપણા દેશમાં હજુપણ માનસિક રોગને લોકો સ્વીકારતા નથી. અને એટલેજ તેને મનોચિકિત્સક પાસે લઇ જઈને સારવાર કરાવતા નથી. હજુ આપણા દેશમાં માનસિક રોગો પ્રયે જાગૃતિ આવી નથી. અભણ લોકો માનસિક રોગીને ભૂત વળગ્યું છે તેમ માનીને ભુવા પાસે લઇ જતાં હોય છે. જેનાથી દર્દીની માનસિક અવસ્થા વધારે બગડે છે. ભણેલાં લોકોને પણ માનસિક રોગનો ખ્યાલ આવતો નથી. તે લોકો પણ તેમના સગાં-સંબધીને મનોચિકિત્સક પાસે લઇ જતાં નથી. આજે પણ લોકોમાં એ માન્યતા છે કે ગાંડા હોય તેમને જ મનોચિકિત્સક પાસે લઇ જવાય, જે માન્યતા ભૂલભરેલી છે. આપણે પણ આપણી જાતને ચકાસવી જોઈએ. કયાંક આપણો સ્વભાવ પણ શિલ્પાબેન જેવો તો નથીને! જો એવું લાગતું હોય તો પોતાનાં સ્વભાવમાં સુધારો લાવવો જોઈએ.

***

***

રેટ કરો અને રિવ્યુ આપો

Manjula Makvana

Manjula Makvana 5 માસ પહેલા

Hitesh Dhameliya

Hitesh Dhameliya 5 માસ પહેલા

Daksha

Daksha 5 માસ પહેલા

Rohit A Pathak

Rohit A Pathak 5 માસ પહેલા

neela

neela 5 માસ પહેલા