સંબંધો લીલાછમ - 7

સંબંધો લીલાછમ

મનહર ઓઝા

()

આંસુ: દુઃખનાં અને ખુશીનાં

ઘણાલોકો આંસુ સારનાર પુરુષને નિર્બળ અથવા નામર્દ સમજે છે. આપણા દેશમાં અને આપણા સમાજમાં પુરુષો માટે રડવું તે નીર્બળતાનું પ્રતિક મનાય છે. આવો કોઈ કાયદો નથી પણ પરંપરાથી ચાલી આવતી એક માન્યતા છે. ઘરમાં કે સ્કુલમાં કોઈ છોકરો રડે તો તેને ‘છોકરી’ કહીને બધાં ચીડવતાં હોય છે. બાળપણથી જ બાળકોનાં મનમાં એ વાત ઘર કરી જાય છે, કે છોકરીઓજ રડી શકે. છોકરાંઓ તો મર્દ કહેવાય તેમનાથી રડાય નહિ અને જે રડે તે બાયલા કહેવાય. આજે પણ ઘણાં પુરુષો આવી માન્યતા ધરાવતાં હોય છે.

નિરાશ થવું, ખુશ થવું, ગુસ્સે થવું, દુઃખી થવું વગેરે આપણા મનમાં આપણા હૃદયમાં જન્મતી જુદી જુદી લાગણીઓ છે અને તેના પ્રતિભાવ સ્વરૂપે આંસુઓ આવતાં હોય છે. આંસુ ફક્ત દુઃખનાં જ નથી હોતાં, ખુશીનાં પણ હોય છે. દુઃખની અથવા સુખની વધારે પડતી લાગણી આપણા હૃદયમાં જન્મે ત્યારે આંસુ આવતાં હોય છે. આ એક કુદરતી પ્રક્રિયા છે, તેને બળપૂર્વક રોકવાં જોઈએ નહિ. આંસુઓને જો બળપૂર્વક રોકી રાખવામાં આવે તો તેની અસર આપણા હ્રદય ઉપર પડતી હોય છે. લાગણીના અતિરેકથી ઘણાલોકોને હાર્ટએટેક આવ્યાના દાખલા સાંભળ્યા હશે. જયારે કોઈ વ્યક્તિનું સ્વજન મૃત્યુ પામેછે ત્યારે તેને તેનાં સગાં-સંબધીઓ રડાવવાના પ્રયત્નો કરતાં હોય છે. તેનું કારણ એટલુજ હોય છે, કે રડવાથી તે વ્યક્તિના હૃદયનો ભાર ઓછો થાય છે, મન હળવું થઇ જાય છે, આંખો નિર્મળ થઇ જાય છે અને દુઃખની લાગણીઓ આંસુઓમાં વહી જાય છે.

ગામડાંઓમાં તો હજુંપણ કોઈ મરી જાય ત્યારે તેની પત્નીને ટોળા વચ્ચે રાખીને છાતી ફૂટતા ફૂટતા મરશિયાં ગાવાનો રીવાજ છે. કરુણ સ્વરે ગવાતાં મરશિયાંના લીધે પથ્થર હૃદયના માનવીને પણ રડવું આવી જાય છે. રાજસ્થાનમાં તો મરણ સમયે આવાં મરશિયાં ગાવાવાળી સ્ત્રીને બોલાવવામાં આવે છે. આ મરશિયાં ગાનારી સ્ત્રી પ્રોફેશનલ હોય છે. તેને મરશિયાં ગાવા માટેનો ચાર્જ ચૂકવવો પડે છે. આ વિષય ઉપર ડીમ્પલ કાપડિયા અને રાખીને લઈને ‘રૂદાલી’ ફિલ્મ બની હતી, જેમાં લતા મંગેશકર અને ભૂપેન હજારીકાના કરુણ સ્વરમાં ગીત ફિલ્માવવામાં આવ્યું હતું, ‘દિલ હુમ હુમ કરે..’ ઘણી હિન્દી ફિલ્મોમાં આંસુને લગતાં ગીતો છે. ‘આંસુ ભરી હૈ યે જીવનકી રાહે..’ ‘દિલકે અરમા આંસુઓમે બહે ગયે..’ ‘મહોબત કી જુઠી કહાનીપે રોયે..’ વગેરે વગેરે. ગુજરાતી ફિલ્મ ‘પારકી થાપણ’નું એક ગીતની પંક્તિ સરસ છે, ‘આમ જુઓ તો આંસુ સહુનું પાણી જેવું પાણી, સુખનું છે કે દુઃખનું એતો કોઈ શક્યું ના જાણી..’

‘રોજર ફેડરર’ ટેનીસનો મહાન ખેલાડી છે. તે કહે છે, ‘જયારે જયારે હું મેચ જીતી જાઉં કે હારી જાઉં ત્યારે ત્યારે મારી આંખોમાં અચૂક આંસુ આવે છે, આને હું નિર્બળતા નથી માનતો પણ તેના લીધે હું સામાન્ય માનવી છું તેવો અહેસાસ થાય છે.’ સામાન્ય માનવીની જેમ રડવામાં તેમને શરમ આવતી ન હતી. ઘણાં મહાન માણસો જાહેરમાં રડ્યા હોય તેવાં પ્રસંગો ઓછાં નથી. હમણાં ભારતમાં લોકસભાની ચુંટણી થઇ, જેમાં ભાજપાએ જંગી બહુમતી મેળવી. ભાજપાએ તે સમયે તેમના સાથી પક્ષો સાથે મીટીંગ કરી જેમાં તેમણે નરેન્દ મોદીને વડાપ્રધાન તરીકે ઘોષિત કર્યાં તે સમયે નરેન્દ્ર મોદીની અને અડવાણીની આંખોમાં આંસુ આવી ગયાં હતાં. જયારે અભિનેતા, ખેલાડી, લેખક કે કોઈ કલાકારને એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે ત્યારે તેઓની આંખોમાં હર્ષનાં આંસુ જોઈ શકાય છે. આ એક સામાન્ય વાત છે. માણસ જયારે ખુબજ ભાવુક થઇ જાય ત્યારે આંસુઓનું પુર ઉમટે છે.

આંસુ ઘણાં પ્રકારનાં હોય છે, જેમકે દુઃખનાં, સુખનાં, લાચારીના, ક્રોધનાં, જુદાઈના, વિરહનાં, અને બનાવટના. પોમલાં અને પોચકાં લોકોને વાત વાતમાં આંસુ સારવાની ટેવ હોય છે. દરેક પ્રસંગે અને દરેકની સામે રોદણાં રડવાની ટેવ ધરાવતાં માણસોથી ચેતવા જેવું છે. આવાં માણસોનો અનુભવ દરેકને થયો હશે. શરૂઆતમાં તો તમે આવાં વ્યક્તિને ઓળખીજ ન શકો. આંસુઓ આંખવગા રાખતાં આ લોકો ધારે ત્યારે રડી શકે છે. મારા એક ફ્રેન્ડની વાઈફને આવી ટેવ છે. તે ગમે તેની સામે તેનું દુઃખ રડવા બેસી જાય અને વાતવાતમાં રડી પડે. કોઇપણ લાગણીશીલ વ્યક્તિ તેની વાત સાચી માનીલે અને તેના પ્રત્યે સહાનુભૂતિ દાખવે.

આવાં લોકોનો આશય સામેવાળી વ્યક્તિનો પ્રેમ અને સહાનુભૂતિ મેળવવા માટેનો હોય છે. એટલાં માટેજ તેઓ રોદણાં રડતાં હશે. જે વ્યક્તિ પોતાનાં ઘરમાં કોઈની સામે બોલી શકતી ન હોય ત્યારે તે આવી રીતે બહારની વ્યક્તિ સામે પોતાનું દુઃખ ગાઈને બીજાની નજરમાં બિચારી બાપડી બનવા પ્રયત્ન કરતી હોય છે. ઘણી સ્ત્રીઓ કોઈને સેન્ટીન્મેન્ટલી એક્સપ્લોઇટ (ભાવનાત્મક શોષણ) કરવા માટે પણ રડવાનું નાટક કરતી હોય છે. પોતાના પ્રેમી, પતિ કે સંતાનો સામે ઘણી સ્ત્રીઓ આંસુઓના હથિયારનો ઉપયોગ કરતી હોય છે. સ્ત્રીઓનાં આંસુ સામે ભલભલાં જવાંમર્દ પુરુષો પીગળી જતાં હોય છે.

તમે ફિલ્મો જોઈ હશે. ફિલ્મોમાં તમે એક્ટર એકટ્રેસને રડતાં અને હસતાં જોયા હશે. ઘણાં એકટર એક્ટ્રેસ રડવાની અને હસવાની એક્ટિંગ ખુબજ સારી રીતે કરી શકતાં હોય છે પરંતુ રડવાની સાથે હસવાની એકટીંગ કરવી મુશ્કેલ હોય છે, જે અમુકજ લોકોજ કરી શકતાં હોય છે. પોતાનાં દિલમાં દર્દ છુપાવીને ચહેરો હસતો રાખવાની એક્ટિંગ રાજકપૂર સરસ રીતે કરી શકતાં હતાં. ચાર્લી ચેપ્લીનની પણ આ પ્રકારનાં હાવભાવ ચહેરાપર લાવવામાં માસ્ટરી હતી. સંજોગોથી મજબુર લોકોની દુનીયાજ અલગ હોય છે. પોતાની વેદના; પોતાનું દુઃખ છુપાવીને લોકોનું રંજન કરતી બારડાન્સરો અને રૂપજીવિનીઓ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. મારું એક મુક્તક છે.

ચોધાર આંસુએ રડ્યો છું, ખબર છે કોને કેટલો નડ્યો છું.

માર્યું છે પડેલાંને પાટું બધાએ, વિશ્વાસે તારા અહી પડ્યો છું.

***

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Daksha 4 માસ પહેલા

Verified icon

Umesh Patel 5 માસ પહેલા

Verified icon

Decent patel 5 માસ પહેલા

Verified icon

Manhar Oza Verified icon 5 માસ પહેલા

Verified icon

Viral 5 માસ પહેલા