Stri Svatantrata 2050 books and stories free download online pdf in Gujarati

સ્ત્રી સ્વતંત્રતા ૨૦૫૦

સ્ત્રી સ્વતંત્રતા

વિદ્યા બાયોટેક કંપનીની માલિક વિદ્યા ૪૦ વર્ષની આસપાસની ઉંમરની અપરિણીત મહિલા હતી. વિદ્યા બાયોટેક વિશ્વની ટોચની કંપનીઓમાં સ્થાન પામે એ સમય હજી થોડો દૂર હતો. હાલ તો વિદ્યા એક સ્મોલ બિઝનેસ વુમન હતી, છતાં બાયોટેકનોલોજીના એક હોનહાર વૈજ્ઞાનિક તરીકે જાણીતી હતી. વર્ષ ૨૦૪૦માં ૩૦ વર્ષની ઉંમરે એણે ભારતના ટેક સીટી એવા બેંગલોરમાં વિદ્યા બાયોટેક શરૂ કરી એ વાતને ૧૦ વર્ષ પુરા થઇ ગયાં હતાં. અત્યારે વર્ષ ૨૦૫૦ ચાલી રહ્યું હતું. ૧૦ વર્ષમાં વિદ્યા બાયોટેકે એની સ્ટેમ સેલ ન્યુટ્રિશન ટેકનિકથી સારી એવી નામના પ્રાપ્ત કરી હતી. આ ટેકનીક દ્વારા બનાવેલ દવાઓ પ્રેગનન્ટ મહિલાઓને આપ્યા પછી બાળકના વિકાસનો દર તેજ બની જતો. આ દવા ધીમે ધીમે વિશ્વભરમાં પ્રસિધ્ધ થઇ રહી હતી અને ટર્ન ઓવરની બાબતમાં વિદ્યા બાયોટેકનો ગ્રાફ પણ ધીમે ધીમે ઉંચે જઇ રહ્યો હતો.

હોનહાર વૈજ્ઞાનિક અને સફળ બિઝનેસ વુમન હોવા છતાં વિદ્યા મનથી સાવ એકલી હતી. સમજણી થઇ ત્યારથી શરૂ કરીને બે વર્ષ પહેલા સુધી વિદ્યા એની માતા સાથે જ રહેતી. એની માતાએ એકલે હાથે વિદ્યાનો ઉછેર કરેલો એટલે વિદ્યા ઇમોશનલી એમની અત્યંત નજીક હતી. વિદ્યાના પિતાએ લગ્નના શરૂઆતના વર્ષોમાંજ વિદ્યાની માતાને ત્રાસ આપવાનું શરૂ કરેલું અને લગ્ન આખરે છુટાછેડામાં પરિણમ્યા હતા. આ કારણોસર વિદ્યાના મનમાં પુરૂષો પ્રત્યે નફરતનો ભાવ હતો. જોકે માતા સાથે રહીને વિદ્યા ખુશ હતી. પરંતુ બે વર્ષ પહેલાં અચાનક માતાનું અવસાન થતાં વિદ્યા મનથી પડી ભાંગી. મજબુત મનોબળવાળી વ્યવસાયી મહિલા હોઇ બધું છોડીછાડી દેવાનો તો પ્રશ્ન ન હતો પણ મનના ઉંડાણમાં માતાને ગુમાવવાનું દુ:ખ એને કોરી ખાતું હતું. કંપનીના મેનેજમેન્ટનું કામ તનાવયુક્ત રહેતું અને એમાં ઘરે પહોંચ્યા બાદની એકલતા એને અંદરથી ખાલીપો મહેસૂસ કરાવી રહી હતી. એકલતાના વિચારો દૂર કરવા એ ઘરમાં પણ લેબોરેટરીનું કામ કરે રાખતી.

એ દિવસે સાંજે વિદ્યા ઘરમાં એકલી હતી. ખૂણામાં બેઠા બેઠા એને રડવું આવી ગયું. રડવાનું હજી અડધે પહોંચ્યું હતું ત્યાં શાલિનીનો ફોન આવ્યો. વિદ્યાના ગણ્યા ગાંઠ્યા બે-ત્રણ મિત્રોમાં શાલિની એક હતી. વિદ્યાની સાવ નજીક કહી શકાય એવું તો કોઇ મિત્ર ન હતું કારણ કે ‘એકદમ નજીક’ વાળો દરજ્જો વિદ્યાએ હજી કોઇને આપ્યો ન હતો છતાં બીજા મિત્રોની સરખામણીમાં શાલિની એની વધારે નજીક હતી. શાલિની બેંગલોરની પ્રખ્યાત સાયકોલોજીસ્ટ હતી અને વિદ્યાની મનોસ્થિતીથી વાકેફ હતી. એટલે ક્યારેક ક્યારેક મનોચિકિત્સકની અદાથી વિદ્યાને સમજાવવા પ્રયત્ન કરતી. મનોચિકિત્સાના પદ્ધતિસરના સેશન લેવા તો વિદ્યા તૈયાર ન હતી એટલે ક્યારેક અંગત મુલાકાત દરમિયાન જ શાલિની એની રીતે વિદ્યાને સમજાવતી. એ દિવસે ફોન પર વાત કરતાં કરતાં શાલિની પામી ગઇ કે વિદ્યા રડી રહી છે. એણે વિદ્યાને ફોન પર જ સમજાવી જોઇ. વિદ્યાનું મન ફ્રેશ થાય એ કારણોસર એણે એની બહેનની દિકરીની બર્થડે પાર્ટીમાં આવવા વિદ્યાને આમંત્રણ આપ્યું. સામાજીક ફંકશનોમાં ખાસ હાજરી આપવા ન ટેવાયેલ વિદ્યાએ કમને હા પાડી.

બીજા દિવસે સાંજે શાલિનીની બહેનના ત્યાં વિદ્યા ગુલદસ્તા સાથે પહોંચી. બેંગલોરની સૌથી મોટી ૧૭૦ માળની સ્કાયસ્ક્રેપર હોટેલના ધાબા પર આ પાર્ટી હતી. ભારતમાં આવકની એક ચોક્કસ મર્યાદાથી ઉપર ઉઠેલા વ્યક્તિઓના કપડા હવે પશ્ચિમી જગતથી પ્રભાવિત થયેલાં હતાં. આવા કપડા સાથેનો દેખાવ પ્રોફેશનલ લુક કહેવાતો. છતાં વિદ્યા જેવા ગણ્યા ગાંઠ્યા વ્યક્તિઓ હતાં જે આજે પણ ફંકશનોમાં (અને ઓફીસમાં પણ) સાડી પહેરીને જવાનું પસંદ કરતાં. વિદ્યાના સહેજ ભરાવદાર શરીર પર સાડી એવી તો દીપી ઉઠતી કે એના વ્યક્તિત્વ આગળ ‘જાજરમાન’ શબ્દ ફરજિયાત લગાવવો પડે. જોકે એના મનની સ્થિતી આગળ કોઇ રીતે જાજરમાન શબ્દ લગાડી શકાય એમ ન હતો, પણ એથી કોઇ ફેર પડતો ન હતો. હજી સ્ટેટસની દેખાદેખીમાં બાહ્ય દેખાવનું જ મહત્વ વધારે હતું. એટલામા શાલિનીની નજર વિદ્યા પર પડી. એણે વિદ્યાને પ્રેમપૂર્વક આવકારી. એની બહેન સાથે તેમજ અન્ય પરિવારજનો સાથે વિદ્યાની ઓળખાણ કરાવી. શાલિનીના બહેન અને બનેવી બંને અત્યંત ખુશ હતાં.

"વિદ્યા. એક સમય હતો જ્યારે દીકરો જન્મે તો પેંડા અને દીકરી જન્મે તો જલેબી આપવી એવાં રિવાજો હતાં અને જલેબીઓ વહેંચવી બધા મા-બાપને હંમેશા કાઠી પડતી. પણ હવે સમય બદલાયો છે. હવે મા-બાપ દિકરીઓની અપેક્ષા રાખે છે. એમનો દિકરીઓ ભારરૂપ નથી લાગતી. સમય બદલાયો છે યાર" શાલિનીએ વિદ્યાને કહ્યું.

શાલિનીની વાત સાંભળી વિદ્યા ફ્લેશબેકમાં ખોવાઇ ગઇ. કઇ રીતે એની માતાના જન્મ વખતે એના નાનાને વાંધો પડ્યો હતો. કારણ કે એની માતા એના નાના-નાનીને ત્યાં ત્રીજી દીકરી સ્વરૂપે આવી હતી. એટલા જૂના સમયની વાત તો છોડો, એકવીસમી સદીમાં પણ વિદ્યાના જન્મ વખતે વિદ્યાના પિતા ખુશ ન હતાં. એ ગર્ભસ્થ શિશુનું જાતિ પરિક્ષણ કરાવવા ઇચ્છતાં હતાં પણ વિદ્યાના માતાએ મન મક્કમ કરી એ ગેરકાયદે કામમાં એમને સહકાર ન આપ્યો. વિદ્યા સ્વરૂપે દિકરીનો જન્મ થયો ત્યારે એ જરા પણ ખુશ ન હતાં. પરંતુ અત્યારના મા-બાપ ખુશ છે. શાલિનીની વાત ખરેખર સાચી છે. સમય બદલાયો છે.

“ક્યાં ખોવાઇ ગઇ વિદ્યા.” શાલિનીએ ચપટી વગાડી વિદ્યાનું ધ્યાન વર્તમાનમાં પાછું ખેંચ્યું.

“કંઇ નહીં. બસ, તારી વાત પર વિચારી રહી હતી. એક સ્ત્રી માટે સમય ખરેખર બદલાયો છે.” વિદ્યા બોલી.

પાર્ટી એન્જોય કરી જરાતરા ફ્રેશ થયેલા મૂડ સાથે મોડી રાત્રે વિદ્યા ઘરે પરત ફરી. રાતના અઢી વાગ્યા હતાં. વિદ્યાના એપાર્ટમેન્ટની બહાર બે રોબોટ ચોકીદાર ચોકી કરી રહ્યાં હતાં. વિદ્યાએ એની રેટીના સ્કેન આપતાં રોબોટે મેઇન ગેટ ખોલી આપ્યો. વિદ્યાની ડ્રાઇવરલેસ કમ્પ્યુટરાઇઝ્ડ ગાડી એ એપાર્ટમેન્ટના વિશાળ અન્ડરગ્રાઉન્ડ પાર્કીંગમાં જતી રહી. વિશાળ ભોંયરામાં ગાડી ઓટો પાર્ક થઇ ગઇ. લિફ્ટમાં ૭૨ મા માળે આવેલા એના એપાર્ટમેન્ટમાં જતાં જતાં વિદ્યા વિચારી રહી હતી. સમય ખરેખર બદલાયો છે. પહેલા છોકરીઓને મોડા સુધી બહાર જવા પર પ્રતિબંધ હતો. નાની હતી ત્યારે એના પિતા જ એને જવા નહોતા દેતાં અને હવે ગમે તેટલા વાગ્યા સુધી બહાર ફરી શકાય છે. વિચારોમાં ને વિચારોમાં ૭૨મો માળ આવી ગયો.

ઘણા દિવસે લોકો સાથે હળીભળી હોઇ બીજા દિવસે સવારથી જ વિદ્યા ફ્રેશ લાગતી હતી. દિવસ દરમિયાન કંપનીની લેબમાં દવાઓ પર સંશોધનો કરવાનું કામ પુરૂં કર્યાં બાદ મોડી સાંજે એ ઘરે પરત ફરી. ઘરે પહોંચીને એણે એની ફેવરીટ રેસ્ટોરન્ટમાંથી ફૂડ ઓર્ડર આપ્યો. પચીસ મિનિટમાં તો એની બાલ્કનીમાં એક ડ્રોન આવીને ફૂડ આપી ગયું. મોટાભાગના ઘરોમાં ડ્રોઇંગ રૂમની વિશાળ દિવાલ જ હવે ઓર્ગેનિક LED થી સજ્જ થયેલી કમ્પ્યુટર કમ ટીવી સ્ક્રીન હતી. વિદ્યા જમતા જમતા એ સ્ક્રીન પર મુવી જોવા બેઠી. લોકો સાથે હળવા ભળવાને કારણે બદલાયેલા મૂડ સાથે આજે ઘણા મહિનાઓ પછી એ મુવી જોઇ રહી હતી. એટલામાં સ્ક્રીન પર નોટીફીકેશન આવ્યું કે દરવાજા પર કોઇ ઉભું છે. વિદ્યાએ દરવાજા પરના કેમેરામાં જોઇ લીધું. બાજુના એપાર્ટમેન્ટમાં રહેતી ૨૦ વર્ષની દીકરી રિયા ત્યાં ઉભી હતી. ક્યારેક ક્યારેક રિયા વિદ્યાની મુલાકાત લેતી અને એ રીતે શાલિની પછી બીજા નંબરે વિદ્યા કોઇની નજીક હોય તો એ રિયા હતી.

“હાય વિદ્યા દિ. હાઉ આર યુ?” રિયા ઘરમાં એન્ટર થતાં બોલી.

“હાય રિયા. લુક એટ યુ... મોડેલિંગ કરવાની તૈયારીઓ ચાલે છે કે શું?” વિદ્યાએ પણ ઉમળકાભેર રિયાના ટૂંકા કપડા અને સ્ટાઇલો પર નજર ફેરવતા પુછ્યું.

“ના ના દિ.. એવું કંઇ નથી.” રિયા બોલી.

“રિયા. તું આમ મોડા સુધી મિત્રો સાથે હેંગઆઉટ કરતી હોય તો તને ક્યારેય કોઇ છોકરાએ હેરાન કરી હોય એવું બન્યું છે ખરૂં?” રિયાના ટૂંકા કપડા જોઇ વિદ્યાના મનમાં રહેલો પુરૂષો પ્રત્યેનો નફરતનો ભાવ પોકારી ઉઠ્યો.

“અરે દિ. તમે કઇ સદીમાં જીવો છો? એકવીસમી સદી અડધી પતી ગઇ છે. હવે છોકરીઓ ઘણી આગળ આવી ગઇ છે. હવે તો છોકરાઓ મને નહીં પણ હું છોકરાઓને હેરાન કરૂં છું.” હસતાં હસતાં રિયા બોલી.

વિદ્યાનું મન થોડીક સેકન્ડો પૂરતું ફ્લેશબેકમાં જતું રહ્યું. વિદ્યા નાની હતી અને એની માતા નોકરી કરીને ઘર ચલાવતી હતી. એના પિતા દરરોજ એની માતા પર વહેમાતા. એમને ઓફીસ જતી વખતે અમુક યા તમુક પ્રકારના જ કપડા પહેરવા એવા પ્રતિબંધો હતાં. જેના કારણે એની માતાએ આજીવન સાડી પહેરી હતી. વિરોધ નોંધાવવાની એ એમની રીત હતી. વિદ્યા પંદર વર્ષની હતી ત્યારે માતા પિતાના છૂટાછેડા થયાં. છૂટાછેડા થયાં પછી એના પિતા જ્યારે પણ વિદ્યાને મળવા આવતાં ત્યારે એના કપડા બાબતે ધમકાવતાં. એ વખતે બાળવયે જ વિદ્યાએ નક્કી કરી લીધું હતું કે માતાની જેમ એ પણ મોટેભાગે સાડી પહેરશે અને સાડી દ્વારા આ પ્રકારના પ્રતિબંધોનો આજીવન વિરોધ કરશે.

“દિ.. પાછા ક્યાં ખોવાઇ ગયાં?” વિદ્યાના ભૂતકાળગમનથી અકળાયેલી રિયા બોલી.

વિદ્યા સ્માઇલ આપીને વર્તમાનમાં પાછી આવી ગઇ અને રિયા સાથે થોડો સમય પસાર કર્યો.

બીજા દિવસે સવારે વિદ્યાની એક અગત્યની મીટીંગ હતી. એની જેમ જ બાયોટેકનોલોજી પરના અગત્યના રિસર્ચના કારણે નામના કમાયેલ ડૉ.સિધ્ધાર્થની કંપની એન્જલ બાયોટેક સાથે સ્ટેમ સેલની ટેકનીક માટે કેટલાક કરાર કરવાના હતાં. બંને કંપનીઓ કેટલીક પેટન્ટેડ દવાઓના સંયુક્ત ઉપયોગ માટે આ કરાર કરવાની હતી. એકજ ક્ષેત્રમાં હોવા છતાં સિધ્ધાર્થ અને વિદ્યાની આ પ્રથમ મુલાકાત હતી. સવારે અગિયાર વાગે ઓફીશીયલ મીટીંગ ચાલુ થઇ અને રાબેતા મુજબ પુરી પણ થઇ ગઇ. બીજું તો બધું રાબેતા મુજબ પુરૂં થઇ ગયું પરંતુ વિદ્યાનું મન ક્યાંક અટકી ગયું. સપ્રમાણ બાંધો અને ડાઇનેમિક પર્સનાલિટી ધરાવતા સિધ્ધાર્થે એનું મન મોહી લીધું. વિદ્યા આજે બેચેન હતી કારણ કે પુરૂષો પ્રત્યે ધિક્કારની લાગણી રાખનાર એના મનને આજે શું થઇ રહ્યું છે એ સમજવું અઘરૂં હતું. મોડી સાંજે ઘરે પહોંચ્યા પછી પણ એના મનમાંથી સિધ્ધાર્થનો ચહેરો ખસતો ન હતો. ‘લવ એટ ફર્સ્ટ સાઇટ’ જેવા વ્યર્થ ખ્યાલો પર ધરાઇને વ્યંગ કરનારી વિદ્યાને આજે આ શું થઇ ગયું હતું? એ રાત્રે વિદ્યા બરાબર સુઇ શકી નહીં. રાત્રે ત્રણ વાગે ઉંઘ સાવ ઉડી ગઇ. એણે ગુગલ પર સર્ચ કર્યું, એન્જલ બાયોટેક. એન્જલ બાયોટેક અને એના માલિક સિધ્ધાર્થ વિશેની ઘણીખરી બાબતો સ્ક્રીન પર ડીસ્પ્લે થઇ. એકીટશે એ સિધ્ધાર્થના ફોટા સામે જોઇ રહી. આજે એના મનમાં ઉભરી રહેલી લાગણીઓ એના માટે નવી હતી. છેલ્લા ૪૦ વર્ષોમાં ક્યારેય અનુભવ ન કરી હોય એવી.

સવારે રાબેતા મુજબ વિદ્યા કંપનીમાં જવા માટે રવાના થતી જ હતી અને અચાનક ફોન આવ્યો.

“હાય વિદ્યા. સિધ્ધાર્થ હિઅર..” સિધ્ધાર્થે કહ્યું. જોકે પરિચયની જરૂર ન હતી કારણ કે હવેના દરેક સ્માર્ટ ફોન કોલરનું નામ અને ફોટો ડીસ્પ્લે કરી દેતાં હતી. એ બધી માહિતી ઓનલાઇન રહેતી. ફોનમાં સેવ કરવાની જરૂર ન હતી.

“હાય સિધ્ધાર્થ.. હાઉ આર યુ?” વિદ્યા માટે સિધ્ધાર્થનો ફોન અનઅપેક્ષિત હતો.

“વિદ્યા. આજે આપણે કોફી માટે મળી શકીએ? જો તમને અનુકૂળતા હોય તો!” સિધ્ધાર્થે આશ્ચર્યનો આંચકો આપતા વિદ્યાને સામેથી કોફી માટે પુછ્યું.

“યસ. અફકોર્સ.. આપણે મળીએ આજે.” વિદ્યાએ ઉમળકાભેર ઓફરનો સ્વીકાર કરતાં કહ્યું.

સાંજે પાંચ વાગે બેંગલોરના એક સરસ કોફી શોપમાં બંને કોફી માટે મળ્યા. કોફી પે ચર્ચા જામી. ઔપચારિક વાતો પછી સિધ્ધાર્થ સીધો મુદ્દા પર આવ્યો.

“વિદ્યા. હું કાલનો તમારા વિશે વિચારી રહ્યો છું. હું બાયોટેકના કામ અર્થે ઘણાબધા વૈજ્ઞાનિકોને મળ્યો છું પણ એ બધામાં મને તમારૂં થિંકીંગ અલગ જ લાગ્યું. આઇ એમ ઇમ્પ્રેસ્ડ. હું સીધો સાધો માણસ છું. બહુ ફેરવી ફેરવીને વાતો કરતાં આવડતું નથી એટલે સીધું જ કહું છું કે જો તમને હું થોડો પણ પસંદ હોઉ તો આપણે આપણા સંબંધને વિકસવા માટે થોડો સમય આપીએ.” સિધ્ધાર્થે સીધું ને સટ કહી દીધું.

“ઓહ સિધ્ધાર્થ... હું પણ ગઇકાલની તમારા માટે આવું જ કંઇક ફીલ કરી રહી છું. ચોક્કસ, મને તમારા જેવા ઉમદા વ્યક્તિનો સાથ ગમશે. એકબીજાને સમય આપવાની બાબતે હું તમારી સાથે સહમત છું.” વિદ્યાએ ખુશી ખુશી જવાબ આપ્યો.

એ પછી બંનેની મુલાકાતોનો સિલસિલો ચાલુ થયો. બંને અવારનવાર કોફી માટે મળતા. એકવાર આવાજ કોફી હેંગઆઉટ માટે બંને મળ્યા.

“સિધ્ધાર્થ. તમને શું લાગે છે? ૨૦૫૦ના વર્ષમાં પણ સ્ત્રીની દશા બદલાઇ છે? શું સમાજ હજી પણ પુરૂષપ્રધાન છે?” વિદ્યાના સાયકો મનમાં રહેલો પ્રશ્ન આખરે બહાર આવ્યો. સિધ્ધાર્થ સાથે કૂણા સંબંધો ખીલવા છતાં વિદ્યાના મનના ઉંડાણમાં હજી પુરૂષો પ્રત્યેનો અણગમો ઓછો થયો હોય એવું જણાતું ન હતું.

“વેલ, વિદ્યા. હું માનું છું કે સ્ત્રીની દરેક પ્રકારની અભિવ્યક્તિ અને વ્યક્તિ સ્વતંત્રતામાં ઘણોબધો બદલાવ આવ્યો છે. પુરૂષપ્રધાન સમાજવ્યવસ્થા હવે હળવી બની છે. હવે સ્ત્રીઓ પોતાના નિર્ણય જાતે લેતી થઇ છે. પોતાના પગ પર સંપૂર્ણત: ઉભી રહેતી થઇ છે. એને કોઇ પુરૂષના સહારાની જરૂર નથી રહી. પુરૂષ ખરા અર્થમાં એનો જોડીદાર અને સહભાગીદાર બન્યો છે, એનો આધાર નહીં. અને આમ પણ વિદ્યા, હું અંગત રીતે માનું છું કે એક નવા જીવનું સર્જન કરવાની ક્ષમતા કુદરતે માત્ર સ્ત્રીને બક્ષી છે. એટલે એ રીતે સ્ત્રી પુરૂષ સમોવડી નહીં પણ પુરૂષ કરતાં પણ સુપિરિયર છે.” સિધ્ધાર્થે શાંત ચિત્તે જવાબ આપ્યો.

વિદ્યા સિધ્ધાર્થના જવાબથી ઘણી પ્રભાવિત થઇ. સ્ત્રીઓ પ્રત્યે સિધ્ધાર્થનો આવો હકારાત્મક અભિગમ એને સ્પર્શી ગયો.

“સમય ખરેખર બદલાયો છે અને પુરૂષોની માનસિકતા પણ..” વિદ્યા મનોમન વિચારી રહી.

“શું વિચારો છો વિદ્યા?” સિધ્ધાર્થે વિદ્યાનું ધ્યાન ખેંચ્યું.

“નથીંગ..” વિદ્યાએ આછું સ્માઇલ આપતાં કહ્યું.

“ઓકે વિદ્યા. ટેલ મી. તમે કઇ બુક્સ વાંચો છો અને કોનાથી વધુ પ્રભાવિત છો..” સિધ્ધાર્થે વિદ્યાના ગમા અણગમા વિશે પુછવાનું શરૂ કર્યું.

“આમ તો હું ઘણીબધી બુક્સ વાંચું છું પણ જીનેટિક્સ ઉપર એક રશિયન વૈજ્ઞાનિક ઇવાન રોમેનસ્કીએ લખેલ પુસ્તક મેં ઘણીવાર વાંચ્યું છે. એમાંથી જ હું જીનેટિક્સને અલગ નજરિયાથી જોતાં શીખી છું. એ સિવાય અમેરિકન અને ઇન્ડિયન સાયન્ટીસ્ટ્સની બુક્સ પણ ઘણી વાંચી છે. એ ઉપરાંત મને ઇંગ્લીશ લિટરેચર પણ વાંચવું ગમે છે. ઇંગ્લીશ લિટરેચરમાં બ્રિટિશ લિટરેચર અને સાઉથ આફ્રીકન લિટરેચર ઘણું ગમે છે.” વિદ્યાએ એનાં ટેલેન્ટની એક પછી એક પરત ખોલતાં કહ્યું.

“બસ બસ.. વિદ્યા. આટલી બધી બુક્સના નામ લેશો તો અમારા જેવાને પરસેવો વળી જશે.” સિધ્ધાર્થ પોતાનું કપાળ લુછતાં બોલ્યો.

સિધ્ધાર્થની વાત પર બંને એકસાથે હસી પડ્યાં.

ત્રણેક મહિના સુધી આ રીતે નિયમિતપણે મળ્યા પછી આખરે એ દિવસ આવી ગયો જ્યારે સિધ્ધાર્થે વિદ્યાને લગ્ન માટે પ્રપોઝ કર્યું. વિદ્યાએ સહર્ષ એની પ્રપોઝલ સ્વીકારી લીધી. સિધ્ધાર્થ વિદ્યા કરતાં ત્રણ વર્ષ નાનો હતો પણ એ વસ્તુ એમના સંબંધોમાં સમસ્યા ઉભી કરે એમ ન હતી. સિધ્ધાર્થ વિદ્યાના ટેલેન્ટ પર ફિદા હતો તો વિદ્યા સિધ્ધાર્થના વ્યક્તિત્વ, દેખાવ અને સ્વભાવ પર.. બંનેને જે જોઇએ એ મળી ગયું હતું. સિધ્ધાર્થે ત્યાં સુધી કહી દીધું હતું કે લગ્ન પછી ઘરની જવાબદારી આપણે સાથે મળીને વહેંચી લઇશું અને ભવિષ્યમાં જ્યારે પણ બાળકનું આગમન થાય તો એની શક્ય એટલી મહત્તમ જવાબદારી સિધ્ધાર્થ નિભાવશે. બંને એકબીજાનો સાથ પામી ખુશ હતાં. ફાઇનલી આજે એવું લાગી રહ્યું હતું કે પુરૂષો પ્રત્યે વિદ્યાની ધિક્કારની લાગણીમાં જરા ઓટ આવી હોય.

એ દિવસે મોડી સાંજે ડીનર કરી બંને છુટા પડ્યાં. સિધ્ધાર્થ સાથે માણેલ ક્ષણોની યાદો મમળાવતી વિદ્યા એની ડ્રાઇવરલેસ ગાડીને પોતાના અપાર્ટમેન્ટ તરફ લઇ જવાની જગ્યાએ પોતાની લેબ તરફ લઇ ગઇ. મોડી રાત્રે બાર વાગ્યે એ પોતાની લેબમાં પ્રવેશી. એની લેબમાં દવાઓની પેટન્ટેડ સિક્રેટ ફોર્મ્યુલાઓ સાચવવાનો એક અલાયદો રૂમ હતો. એ રૂમમાં માત્ર વિદ્યાજ પ્રવેશી શકતી. વિદ્યાની હાર્ટબીટ પેટર્ન અને એની રેટીના સ્કેન એ બંને પાસવર્ડ તરીકે આપ્યાં બાદ જ એ રૂમનું લોક ખુલતું. એ આઇસોલેટેડ રૂમમાં જવાનું ભાગ્યેજ થતું. આજે વિદ્યા અચાનક એ રૂમમાં પ્રવેશી. એણે અંદરના એક ખાનામાંથી કોઇક દવાની સિક્રેટ રેસીપી કાઢી. સમીકરણો માંડેલા હસ્તપ્રત કાગળો વાળી એક ફાઇલ એમાંથી બહાર કાઢી. એ ફાઇલ સામે રાખી વિદ્યા એકલી એકલી પોતાની જાત સાથે જ વાતો કરવા લાગી.

“પુરૂષોની વિરૂધ્ધમાં જે રિસર્ચ હું કરી રહી છું એ લગભગ તૈયાર છે. પણ જો સિધ્ધાર્થ આટલો પ્રેમાળ હોય અને એની સાથે જીવાતી જીંદગી આટલી ખુશહાલ હોય તો હવે આ રિસર્ચની મારે કોઇ જરૂર નથી. પુરૂષોની વિરૂધ્ધનું આ રિસર્ચ હવે મારે અટકાવી દેવું જોઇએ..”

આટલું બોલી વિદ્યાએ એ ફાઇલને દિવાસળી ચાંપી દીધી. વિદ્યા મોટી આંખો સાથે અને કોઇ સાયકો દર્દી જેવા હાવભાવ સાથે એ ફાઇલને ભડ ભડ બળતા જોઇ રહી.

“આઇ લવ યુ સિધ્ધાર્થ... મેં ધાર્યું હતું એનાં કરતાં પુરૂષો સારા છે.”

**********

વિદ્યા અને સિધ્ધાર્થની એંગેજમેન્ટ થઇ ગઇ. થોડા સમય પછી લગ્ન લેવાના હતાં. જોકે ૨૦૫૦ના લગ્ન કોઇ સામાજીક પ્રસંગ ન હતો પણ સાથે મળી પાર્ટી કરવાનું એક બહાનું માત્ર હતો. લગ્ન એ વિધિ મટીને માત્ર રિસેપ્શન બની ગયાં હતાં. એવામાં સિધ્ધાર્થને એક મહિના માટે કંપનીના કામે અમેરિકાના લોસ એંજીલીસ જવાનું થયું. જવાના દિવસે મોડી સાંજની ફ્લાઇટ હતી. આખો દિવસ બંને પંખીડાઓએ સાથે પસાર કર્યો. સાંજનું ડીનર પતાવી બંને એરપોર્ટ ગયાં. ફ્લાઇટનો ટાઇમ થતાં સિધ્ધાર્થ અને વિદ્યા છુટા પડ્યાં. વિદ્યા પાછી ઘરે આવી. રાત્રે સાડા અગિયારની ફ્લાઇટને પોતાના એપાર્ટમેન્ટની બારીમાંથી એ જતાં જોઇ રહી. સિધ્ધાર્થની સ્મૃતિમાં ને સ્મૃતિમાં એને ક્યારે ઉંઘ આવી ગઇ એની ખબર જ ના પડી.

બીજા દિવસે સવારે એની સ્માર્ટ ઓપરેટીંગ સિસ્ટમ વાળી સ્ક્રીને એને ઉઠાડી. આસપાસ ઘટેલી લોકલ ઘટનાઓ પણ હવે સ્માર્ટ સ્ક્રીન સીધી ડીસ્પ્લે કરતી. કામ સિવાય ઘરની બહાર નિકળવાનો પ્રશ્ન જ રહેતો ન હતો. આજે વિદ્યા માટે આંચકાજનક સમાચાર ડીસ્પ્લે થયાં હતાં. જોકે હજી વિદ્યાએ એ તરફ નજર ફેરવી ન હતી.

“મે’મ.. આ ન્યુઝ તમારી બાજુના એપાર્ટમેન્ટમાં જ બનેલી ઘટનાના છે. તમારે એ જોવા જોઇએ.” સ્માર્ટ સ્ક્રીને વિદ્યાનું ધ્યાન દોર્યું.

“ઓકે.. મને એ ન્યુઝ વાંચીને સંભળાવ.” બ્રશ કરતાં કરતાં આળસુ અવાજે વિદ્યા બોલી.

“મે’મ. તમારી બાજુના એપાર્ટમેન્ટમાં રહેતી મિસ રિયા સાથે ગઇકાલે રાત્રે ખરાબ ઘટના બની છે. મિસ રિયા શહેરના પરા વિસ્તારના સૂમસામ અને બદનામ રસ્તા પરથી રાત્રે ૨ વાગે પસાર થઇ રહ્યાં હતાં ત્યારે ત્રણ આવારા છોકરાઓએ એમની છેડતી કરી. મિસ રિયાએ એમનો વિરોધ કર્યો એટલે એ લોકો ગુસ્સે ભરાયા અને એમણે મિસ રિયા પર ગેંગ રેપ કર્યો છે. આ ક્રૂર અને ઘાતકી ઘટનાએ શહેરમાં ચર્ચા જગાવી છે. લોકોમાં ઘૃણાનો ભાવ છે. સરકારે તાત્કાલીક પેલા ત્રણની ધરપકડ કરી લીધી છે. આજે એમના પર કેસ ચાલી ચોવીસ કલાકમાં એમને કડક સજા થઇ જાય એવું સરકારનું આયોજન છે. કાયદાના જાણકારો કહી રહ્યાં છે કે ત્રણેયને મૃત્યુદંડ અથવા તો આજીવન કારાવાસ કરવામાં આવશે. મિસ રિયા શહેરની સેન્ટ્રલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સરકારે એમની સારવારની તમામ જવાબદારી લીધી છે.” સ્માર્ટ ઓપરેટીંગ સિસ્ટમ આધારિત સ્માર્ટ સ્ક્રીને વોઇસ રેક્ગનાઇઝર દ્વારા આજના સમાચાર વાંચી સંભળાવ્યા.

રિયાના આવા દુખદ સમાચાર સાંભળી વિદ્યાના પગ તળેથી જમીન સરકી ગઇ. એની ચારેતરફ રિયાનો માસુમ ચહેરો ફરવા લાગ્યો. એની આંખોમાં જાણે કે પૂર આવ્યું. વિદ્યા તાબડતોબ શહેરની સેન્ટ્રલ હોસ્પિટલમાં પહોંચી.

રિયાની હાલત ગંભીર હતી. ઇન્ટરનલ બ્લીડીંગ વધારે હોઇ એ આઇ.સી.યુ. માં સઘન સારવાર હેઠળ હતી. વિદ્યા રિયાના માતા-પિતા સાથે આઇ.સી.યુ. ની બહાર સજળ નયને બેઠી હતી. સાંજ સુધી રિયાની ટ્રીટમેન્ટ ચાલી. સાંજે એની તબિયત સ્થિર હોવાનું જણાવાયું. વિદ્યાએ આઇ.સી.યુ.ના કાચમાંથી રિયા સામે એક દૃષ્ટી નાંખી ત્યાંથી વિદાય લીધી. એણે એની ગાડીને સીધી એની લેબ તરફ હંકારી મુકી.

લેબમાં પ્રવેશતી વિદ્યાની આંખોમાં અંગારા સ્પષ્ટપણે જોઇ શકાતા હતાં. એનું મગજ આઉટ ઓફ કંટ્રોલ હતું. એનો ક્રોધાગ્નિ આજે જ્વાળામુખી બનીને ફાટી રહ્યો હતો.

“હું ખોટી હતી. હું સાવ ખોટી હતી. સ્ત્રીઓ માટે કોઇ સમય નથી બદલાયો. પુરૂષો પણ બદલાયા નથી. પુરૂષો સ્ત્રીને માત્ર ઉપભોગની વસ્તુ જ સમજે છે. પણ આજે હું આ આખીય પુરૂષપ્રધાન સમાજવ્યવસ્થાનો વન્સ ફોર ઓલ ફેંસલો લાવી દઇશ. આજ પછી ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી.. આ પૃથ્વી પર પુરૂષ રહેશે તો સ્ત્રી પર અત્યાચાર કરશે ને! હે રચયિતા, તેં આ પૃથ્વી પર પુરૂષોને બનાવીને એક ગંભીર ભૂલ કરી નાંખી છે. હવે હું તારી આ ભૂલને સુધારી લઇશ. હું આ પૃથ્વીને પુરૂષોથી જ મુક્ત કરી દઇશ. હવે ગર્ભાધાન માટે સ્ત્રીઓને પુરૂષોની જરૂર નહીં પડે. સ્ટોરેજમાં સચવાયેલા વીર્યના શુક્રકોષોની મદદથી હું કરોડો નવા શુક્રકોષો તૈયાર કરી દઇશ. વગર પુરૂષોએ હવે ગર્ભાધાન થશે અને જન્મ થશે માત્ર દિકરીઓનો... માત્ર સ્ત્રીઓનો... આ પૃથ્વી પર સામ્રાજ્ય હશે, માત્ર સ્ત્રીઓનું.... મારી રિસર્ચ ફાઇલ બળી ગઇ તો શું થયું. વિદ્યાના આ કમ્પ્યુટરછાપ મગજમાં બધી જ ફોર્મ્યુલાઓ સેવ થયેલી છે.” વિદ્યા સાયકો પેશન્ટ બની પોતાની જાત સાથે જ વાતો કરી રહી હતી.

એ આખી રાત લેબમાં કામ કરી વિદ્યાએ દવાનું એક ભસ્માસુર સંયોજન તૈયાર કરી નાંખ્યું. બીજા દિવસે એનો સ્ટાફ આવ્યો એટલે વિદ્યાએ અગત્યની મીટીંગ બોલાવી.

“મિત્રો. આપણે અત્યાર સુધી સ્ટેમ સેલ ન્યુટ્રિશન ટેકનીકથી બાળકોના વિકાસને વેગવંતો કર્યો હતો. હવે આપણે એક નવી ટેકનીક ઇન્ટ્રોડ્યુસ કરવા જઇ રહ્યાં છીએ. આ નવી ટેકનીક છે સ્ટેમ સેલ ન્યુટ્રિશન બુસ્ટીંગ ટેકનીક. હવેથી આપણી કંપની માત્ર સ્ટેમ સેલ બુસ્ટીંગ ટેકનીકની મારી ફોર્મ્યુલા દ્વારા બનેલી દવાઓ જ વેચશે. ધેટ્સ માય ફાઇનલ ડીસીઝન.” વિદ્યાએ એનો ફેસલો સંભળાવ્યો.

કંપનીના કેટલાક સિનિયર કર્મચારીઓના વિરોધની વચ્ચે એજ દિવસથી વિદ્યા બાયોટેકે નવી ફોર્મ્યુલાવાળી દવાનું ઉત્પાદન શરૂ કરી દીધું. ભારતના ઘણાબધા શહેરો અને અમેરિકાના બે-ત્રણ નાના શહેરોમાં વિદ્યા બાયોટેકની દવાઓ નિયમિતરૂપે જતી હતી. એ બધે નવી દવાઓનો સપ્લાય ચાલુ થઇ ગયો.

**********

આ તરફ સિધ્ધાર્થ લોસ એંજીલીસથી ક્યારનોય વિદ્યાને ફોન કરી રહ્યો હતો. બે દિવસથી વિદ્યા એનો ફોન ઉપાડતી ન હતી. સિધ્ધાર્થને સમજાતું નહોતું કે આખરે વિદ્યાને કઇ વાતે વાંકુ પડ્યું હતું. એના એકપણ ફોનનો જવાબ વિદ્યા આપી રહી ન હતી. એમાં સિધ્ધાર્થે વિદ્યા બાયોટેકનું નવી દવા વાળું એનાઉન્સ્મેન્ટ સાંભળ્યુ. વિદ્યાની સ્ટેમ સેલ ટેકનીક વાળી દવાઓ સરસ કામ કરી રહી હતી અને એ બાબતે એન્જલ બાયોટેક સાથે કરાર પણ થયા હતાં તો પછી આ સ્ટેમ સેલ બુસ્ટીંગ ટેકનીકની જરૂર શી છે એ હજી સિધ્ધાર્થની સમજ બહાર હતું.

બરાબર એક મહિના પછી સિધ્ધાર્થ ભારત પરત ફર્યો. આવતાવેંત સીધો જ વિદ્યાની લેબમાં પહોંચ્યો. વિદ્યાની કેબીનનો દરવાજો ઝડપથી ખોલીને અંદર પ્રવેશ્યો.

“વિદ્યા. ધીસ ઇઝ ટુ મચ.. તને થઇ શું ગયું છે? તું મારો એકપણ ફોન ઉપાડતી નથી. એકપણ વાર તે મને જવાબ નથી આપ્યો. વ્હોટ ઇઝ ધ પ્રોબ્લેમ?” સિધ્ધાર્થ સહેજ ગુસ્સામાં હતો.

“મિ.સિધ્ધાર્થ. હાઉ ડેર યુ ટોકિંગ ટુ મી લાઇક ધેટ? મારી સાથે ગુસ્સે થઇને વાત નહીં કરવાની. મારે કોઇ પુરૂષ સાથે કોઇ સંબંધ નથી રાખવો. એટલે મેં નિર્ણય લીધો છે કે આપણા સંબંધો પર આપણે પૂર્ણવિરામ મુકી દઇએ. એટલે મેં મુકી દીધું.” વિદ્યાને નિરસ રીતે જવાબ આપ્યો.

“ઓહ.. તુ શું બોલી રહી છે વિદ્યા? એટલે આપણા સંબંધો આટલા સસ્તા થઇ ગયાં કે તને ઇચ્છા થઇ ત્યારે તે એના પર પૂર્ણવિરામ મુકી દીધું? અને પૂર્ણવિરામ મુકતા પહેલા એકવાર મારી સાથે વાતચીત કરવાની તને કોઇ જરૂર ન લાગી? મને પુછ્યા વગર જ તે પૂર્ણવિરામ લગાવી દીધું?” સિધ્ધાર્થે સજળ નયને વિદ્યાને પુછ્યું.

“યસ મિ.સિધ્ધાર્થ. આ મારી લાઇફ છે. એમાં મને જેમ ઇચ્છા થશે એમ હું કરીશ. મારે કોઇને કંઇજ પુછવાની જરૂર નથી. બધા પુરૂષો સરખા હોય છે, એકદમ ગરજ મતલબી અને અસ્તિત્વ ધરાવવાને લાયક ન હોય એવા, અને તમે પણ એવા જ એક પુરૂષ છો મિ.સિધ્ધાર્થ.” વિદ્યાએ નફરતના ભાવ સાથે કહ્યું.

“ઓકે. ફાઇન. તારે બ્રેક અપ કરવું છે ને.. ડન.. આપણો સંબંધ આજથી પુરો.” સિધ્ધાર્થ પણ ગુસ્સામાં ને ગુસ્સામાં ત્યાંથી નીકળી ગયો.

**********

સિધ્ધાર્થ અને વિદ્યાના સંબંધો પર પૂર્ણવિરામને છ મહિના થઇ ગયાં. જીનેટીકલ સાયન્સને લગતી એક કોન્ફરન્સ બેંગલોરમાં ચાલી રહી હતી. એમાં સિધ્ધાર્થ પણ ભાગ લઇ રહ્યો હતો. લેક્ચર પતાવ્યા પછી જીનેટિક્સમાં એક્સપર્ટ એવાં એક ગાયનેકોલોજીસ્ટ મિત્ર ડૉ.સમીર સાથે સિધ્ધાર્થ વાતોએ વળ્યો.

“સિધ્ધાર્થ. મને છેલ્લા બે-ત્રણ મહિનાથી એક શંકા પડે છે. એ હું તારી સાથે શેર કરવા માંગુ છું.” ડૉ.સમીરે કહ્યું.

“અરે બોલ ને દોસ્ત..” સિધ્ધાર્થ બોલ્યો.

“સિધ્ધાર્થ. મને એમ લાગે છે કે છેલ્લા છ મહિનામાં મારા અને મારી આસપાસના ક્લિનિકમાં જન્મેલા બાળકોમાં છોકરાઓનો જન્મદર ઘટ્યો છે અને છોકરીઓનો જન્મદર વધ્યો છે. મેં અમેરિકામાં મારા એક ડૉક્ટર મિત્ર સાથે પણ વાત કરી. અમેરિકાના એક-બે નાના શહેર પુરતું એમનું પણ એવું અવલોકન છે કે આ વાત સાચી છે.” સમીરે જરા વિચારશીલ મુદ્રામાં કહ્યું.

“શું? એવું તો ન થાય યાર. પણ કંઇક યોગાનુયોગ હશે કે અમુક સમય પૂરતું દિકરીઓ વધુ જન્મી હશે..” સિધ્ધાર્થે કહ્યું.

“હા. એમ બની જ શકે છે. પણ સતત છ મહિના સુધી આવું થયું એટલે મેં ખાલી આ વાત તારા ધ્યાને મુકી.” સમીરે કહ્યું.

“તમે લોકો તમારે ત્યાં આવતી પ્રેગનન્ટ મહિલાઓને દવાઓ તો રેગ્યુલર આપો છો એજ આપતા હશો ને! કે કોઇ નવી દવા આવી છે?” સિધ્ધાર્થે પુછ્યું.

“આમ તો બધી રેગ્યુલર દવાઓ જ આપીએ છીએ. બસ, પેલી સ્ટેમ સેલ ટેકનીકમાં નવી આવી છે ને સ્ટેમ સેલ બુસ્ટીંગ ટેકનીક વાળી દવા... વિદ્યા બાયોટેક વાળી.. તમારા એક્સ ફિયોન્સી ની કંપનીની દવા.. એ એકજ નવી દવા છે.” એક્સ ફિયોન્સી શબ્દ પર ભાર મુકી સિધ્ધાર્થની ખેંચવાના ઇરાદે સમીરે કટાક્ષમય હાસ્ય આપ્યું.

સિધ્ધાર્થ આ વાત સાંભળીને ચોંકી ઉઠ્યો. એણે ક્યારેય વિદ્યા બાયોટેકની દવાઓ બાબતે સંશય નહોતો કર્યો. પણ હવે એ દવાઓ સંશયના દાયરામાં હતી.

સિધ્ધાર્થ પોતાની લેબમાં પાછો આવ્યો. એણે બજારમાંથી વિદ્યા બાયોટેકની સ્ટેમ સેલ બુસ્ટીંગ ટેકનીક વાળી દવા મંગાવી. લેબમાં એનાં પર પ્રયોગો ચાલુ કર્યાં. કંપનીના સિનિયર સાયન્ટીસ્ટ્સ ડૉ.રંગનાથન અને અન્ય વૈજ્ઞાનિકોની હાજરીમાં કરાયેલાં બધાં જ પ્રયોગોમાં પરિણામ બરાબર મળતું હતું. એ દવાઓ ગર્ભમાંના બાળકનો વિકાસ વધારવામાં મદદ કરતી હતી.

“સર. આ દવાઓ બરાબર જ છે. આ દવાઓ બાળકોના વિકાસદરને તેજ બનાવે છે એ વાત સાચી છે.” ડૉ.રંગનાથને કહ્યું.

“ઓકે. ડૉ.રંગનાથન. હવે મને એમ કહો કે,, ગર્ભ રહ્યાના દોઢથી બે મહિનામાં ગર્ભમાંના બાળકોમાં લિંગનિશ્ચયન થાય છે. રાઇટ?” સિધ્ધાર્થ બોલ્યો.

“યસ. ધેટ્સ રાઇટ સર. તમે જાણો જ છો એમ મનુષ્યોમાં ૨૩ જોડ રંગસુત્રો (ક્રોમોસોમ) હોય છે એમાંથી ૨૩ મી જોડ સેક્સ ક્રોમોસોમ તરીકે ઓળખાય છે. એ જોડમાં બંને રંગસુત્રો XX હોય તો બાળકી અને XY હોય તો બાળક જન્મે છે. મતલબ કે ૨૩ મી જોડમાંનું પ્રથમ રંગસુત્ર તો હંમેશા X જ હશે પણ બીજું રંગસુત્ર X હશે કે Y એ ગર્ભના શરૂઆતના બે મહિનામાં નક્કી થાય છે.” ડૉ.રંગનાથને જવાબ આપ્યો.

“હમ્મ.. ડૉ.રંગનાથન.. એવું શક્ય ખરૂં કે આ બીજું રંગસુત્ર Y કોઇક રીતે X માં ફેરવાઇ જતું હોય? ભલે ધીમી તો ધીમી ગતિએ, પણ આવું કંઇ થતું હોય એવું શક્ય ખરૂં.” સિધ્ધાર્થે શંકા વ્યક્ત કરતાં કહ્યું.

“સર, મને યાદ છે કે આજથી ત્રીસ વર્ષ પહેલાં એક રશિયન વૈજ્ઞાનિક ઇવાન રોમેનસ્કી એ તેમનાં પુસ્તકમાં તમે કહો છો એ પ્રકારની દવા બનાવવાનો ઉલ્લેખ કર્યો હતો. પણ હજી સુધી એવી કોઇ દવા કોઇએ બનાવી હોય એવું મારા ધ્યાનમાં નથી.” ડૉ.રંગનાથન એમના અનુભવનો લાભ આપતાં બોલ્યાં.

“વ્હોટ? ઇવાન રોમેનસ્કી?? … ” સિધ્ધાર્થના મોઢામાંથી નીકળી ગયું. એકવાર વાતવાતમાં વિદ્યાએ કહ્યું હતું કે એણે રશિયન જીનેટિક્સ એક્સપર્ટ ઇવાન રોમેનસ્કીની બુક્સ ઘણીબધી વાર વાંચી છે અને જીનેટિકસમાં એનો દૃષ્ટીકોણ ઇવાન રોમેનસ્કીને આભારી છે. બંનેના બ્રેક અપ વખતે સિધ્ધાર્થ વિદ્યાને મળવા એની ઓફીસ ગયો ત્યારે પણ વિદ્યાએ ગુસ્સામાં એને કહ્યું હતું કે તું પણ એવો જ પુરૂષ છે. અસ્તિત્વ ધરાવવાને લાયક ન હોય એવો.. આ બધી વાતો વિદ્યા પુરૂષોની વિરૂધ્ધમાં કોઇ રિસર્ચ કરી રહી હોવાની ચાડી ખાતી હતી. જો એવું હોય તો તાત્કાલીક ટોચના વૈજ્ઞાનિકોની મદદ લઇ આખી ગૂંચ ઉકેલવી પડે. પ્રાકૃતિક સંતુલન માટે પણ આવું કરવું જરૂરી હતું. એક સાયકો પેશન્ટના હવાલે માનવજાતિનું ભવિષ્ય ન છોડી દેવાય.

સિધ્ધાર્થે ડૉ.રંગનાથન સિવાયના એનાં સંપર્કમાં હોય એવાં દેશના ટોચના વૈજ્ઞાનિકોને તાત્કાલિક પોતાની લેબમાં બોલાવ્યાં. બીજા દિવસે સવારે પાંચ વૈજ્ઞાનિકો અને સિધ્ધાર્થની મીટીંગ મળી.

“રિસ્પેક્ટેડ સાયન્ટીસ્ટ્સ.. હું વિદ્યા બાયોટેક કંપનીની આ દવાની માણસના ૨૩મી જોડના રંગસુત્ર પર થતી અસર ચકાસવા માંગુ છું. અને એ પણ જેમ બને એમ જલદી. એટલે તમે લોકો સત્વરે આ અંગે મને રિપોર્ટ આપશો એવી આશા રાખુ છું. બદલામાં તમે જે ચાર્જ લેશો એ મને મંજુર રહેશે.” સિધ્ધાર્થે હાથમાં વિદ્યા બાયોટેકની દવા રાખી એની સામે વૈજ્ઞાનિકોને ઇશારો કરતાં કહ્યું.

સિધ્ધાર્થની લેબમાં Y રંગસુત્ર X માં ફેરવાય છે કે નહી, ફેરવાઇ શકે છે કે નહીં એ શોધવાનું રિસર્ચ જોરશોરથી ચાલુ થયું. થોડું થોડું કરતાં એક મહિનો નીકળી ગયો. દરમિયાનમાં વિદ્યા બાયોટેકની દવા જ્યાં સપ્લાય થતી હતી એવાં વિશ્વના ઘણા ભાગોમાંથી નવજાત બાળકોમાં દીકરી જન્મનું પ્રમાણ અત્યંત વધી ગયું હોવાના સમાચાર આવતાં થયાં. છતાં હજી વિદ્યા બાયોટેકની દવા સામે સિધ્ધાર્થ સિવાય બીજા કોઇએ આંગળી ચીંધી ન હતી, કારણ કે એ દવા ખરેખર બાળકોના વિકાસને બુસ્ટ કરતી હતી. એ તેજીને કોઇ નકારી શકે એમ ન હતું. એટલે એ દવા પર પ્રતિબંધનો કોઇ સવાલ ન હતો.

એક મહિના સુધી રાત દિવસ સઘન સંશોધનો પછી સિધ્ધાર્થની ટીમને એ દવામાંથી એક નવું તત્વ મળ્યું. એ દવાને વારંવાર ઓગાળ્યા પછી જ એ તત્વ પાણીમાં છૂટું પડતું હતું. જે યોગાનુયોગે સિધ્ધાર્થની ટીમની પકડમાં આવી ગયું. આ તત્વને સિધ્ધાર્થની ટીમે ‘ડાર્ક X’ નામ આપ્યું કારણ કે એ Y રંગસુત્રમાં મ્યુટેશન એટલે કે વિકૃતિ પેદા કરતું હતું અને એને X રંગસૂત્રમાં પરિવર્તિત કરી દેતું હતું. સિધ્ધાર્થની ટીમે કરેલા પ્રયોગમાં લગભગ એક મહિના પછી Y રંગસુત્રની વિકૃતિએ એને X રંગસૂત્રમાં પરિવર્તિત કરી દીધું. પ્રાયોગિક રીતે સાબિત થયેલી આ બાબત હાહાકાર મચાવી દેનાર સત્ય હતું. Y રંગસુત્રનું (અને એ રીતે પુરૂષોનું) અસ્તિત્વ મિટાવી દેવાનું આ સજ્જડ પ્લાનિંગ હતું.

સિધ્ધાર્થે તાબડતોબ પ્રેસ કોન્ફરન્સ બોલાવી. પ્રેસ કોન્ફરન્સમાં આ દવાનું સત્ય ઉજાગર કરવામાં આવ્યું. સિધ્ધાર્થે ખુદ મીડીયા સમક્ષ આવી આ દવા વિશે જણાવ્યું.

“વિદ્યા બાયોટેકની આ દવા પૃથ્વી પરથી પુરૂષ જાતિનું અસ્તિત્વ ભૂંસી નાંખવા માટે બનાવવામાં આવી છે. આવું કરીને આપણે પ્રાકૃતિક સંતુલનને તોડી ન શકીએ. પ્રાકૃતિક સંતુલન તુટશે તો સૃષ્ટીનો અંત આવી જશે. આ દવા બનાવનાર વ્યક્તિ માનસિક રીતે બિમાર છે એટલે એ આ બધું સમજી શકશે નહીં. પરંતુ આપણે પ્રાકૃતિક સંતુલન તોડવાનું જોખમ લઇ શકીએ નહી. એટલે હું તમામ ડૉક્ટર્સને અપીલ કરૂં છું કે વિદ્યા બાયોટેકની સ્ટેમ સેલ ન્યુટ્રિશન બુસ્ટીંગ ટેકનિકથી બનેલ દવાનો સંપૂર્ણ વિરોધ કરે. આ દવા કોઇ પેશન્ટને લખે નહી અને આ દવા પર કડક પ્રતિબંધ લગાડવામાં આવે.”

સિધ્ધાર્થની પ્રેસ કોન્ફરન્સથી બાયોટેકનોલોજી તથા સમગ્ર ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં હલચલ મચી ગઇ. વિદ્યાની દવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ આવી ગયો. સરકારી પરિક્ષણમાં પણ એ દવામાં 'ડાર્ક X' નું પ્રમાણ જણાયું, જેના કારણે Y રંગસુત્ર X માં પરિવર્તિત થતું હતું. એકાદ દિવસમાં તો વિદ્યા બાયોટેકને તાળા વાગી ગયાં. છેલ્લા દસ વર્ષમાં કમાયેલી નામના એક ઝાટકે ધૂળમાં મળી ગઇ. વિદ્યાની ધરપકડ કરવામાં આવી અને એને જેલના હવાલે મોકલવામાં આવી. ઉપરાંત એને નિયમિતપણે મનોચિકિત્સકના સેશન કરવાનું ઠરાવવામાં આવ્યું.

વિદ્યા પાસે જે કંઇ હતું એ બધું જતું રહ્યું. વિદ્યા મનથી સાવ એકલી પડી ગઇ. એની માનસિક હાલત વધુ બગડી ગઇ. હવે એને જેલમાં રાખી શકાય એમ ન હતી. એને જેલમાંથી ફૂલ ટાઇમ માનસિક રોગોની હોસ્પિટલમાં શિફ્ટ કરવી પડી. અહીં પણ દવાનો એકેય ડોઝ એને માફક આવતો ન હતો. છેલ્લે એને ઇલેક્ટ્રિક શોક થેરાપી આપવામાં આવી, જે નિયમિત પણે આપવાનું ચાલુ કરવામાં આવ્યું. ઇલેક્ટ્રિક શોકથી એની પાગલપનવાળી હરકતોમાં થોડો ફરક પડ્યો અને વિદ્યા શાંત થઇ ખરી પણ એ શાંતિ સ્મશાનવત શાંતિ હતી. વિદ્યા હવે જીવનમાંથી એનો રસ ગુમાવી બેઠી હતી. સિધ્ધાર્થ વિદ્યાની દવા કરનાર ડોકટરના સંપર્કમાં હતો અને સંપર્કમાં રહે એ સ્વાભાવિક હતું. બ્રેકઅપ વિદ્યાએ કર્યું હતું, સિધ્ધાર્થે નહોતું કર્યું. સિધ્ધાર્થનું મન તો આજે પણ વિદ્યામાં લાગેલું હતું.

આખરે એક દિવસ સવારે એ દવાખાનામાં સિધ્ધાર્થનું આગમન થયું. વિદ્યાની હાલતમાં થોડોક સુધારો થયો છતાં આ હાલતમાં ડોક્ટરો એને ઘરે જવાની સહેજ પણ છુટ આપી શકે એમ ન હતાં. પોતાના જોખમે અને પોતાની જવાબદારી પર સિધ્ધાર્થ વિદ્યાને પોતાના ઘરે લઇ ગયો. છ મહિના સુધી એણે વિદ્યાની બરાબર દેખરેખ કરી. માતા પછી પ્રથમવાર કોઇનો પ્રેમાળ સાથ અને સ્પર્શ વિદ્યાને મળ્યો. જૂની કડવાશ ભુલી સિધ્ધાર્થે વિદ્યાને દિલોજાનથી સાચવી. એના પ્રેમના કારણે છ મહિનામાં વિદ્યા ખાસ્સી સ્વસ્થ થઇ. છતાં હજી એ મનથી સંપૂર્ણ સ્વસ્થ નહોતી પણ સિધ્ધાર્થના પ્રેમને બખૂબી સમજી શકે એટલી સ્વસ્થ જરૂર હતી. એકવાર રજાના દિવસે બંને સાથે નવરાશની પળો ગાળતા હતાં ત્યારે વિદ્યાને સિધ્ધાર્થને પુછ્યું.

"સિધ્ધાર્થ. હું આટલી ખરાબ હતી. મેં તારી સાથે પણ બહુ ખરાબ વર્તન કર્યું છતાં તું શા માટે મને પાગલખાનામાંથી અહીં લઇ આવ્યો?" વિદ્યા પ્રશ્ન પુછી એકીટશે સિધ્ધાર્થની સામે જોઇ રહી.

"વિદ્યા. હું તને મળ્યો એ દિવસથી મેં તને દિલથી ચાહી છે. તું ભાન ભુલી નૈતિકતાની મર્યાદાઓ ઓળંગી રહી હતી. તું કુદરતના પ્રાકૃતિક સંતુલનને જોખમમાં મુકી રહી હતી. તું મારો પ્રથમ પ્રેમ છે અને હંમેશા રહીશ પણ કુદરતના નૈતિક મૂલ્યોથી આગળ હું તને ન મુકી શકું. નૈતિકતાથી આગળ તો હું કે તું કોઇ નથી. એટલે મારે ન છુટકે તારી દવા પર પ્રતિબંધ મુકાવવો પડ્યો. તારી દવા પર પ્રતિબંધ મુકાતા જ તારી કંપની બંધ થઇ જશે એ મને ખબર હતી અને એ રીતે હું તારો ગુનેગાર થઇશ એ પણ હું જાણતો હતો છતાં મેં એવું કર્યું કારણકે માનવજાતિના અસ્તિત્વ ખાતર અને પ્રાકૃતિક સંતુલન ખાતર એ અત્યંત જરૂરી પગલું હતું. મારા એ પગલાના પ્રાયશ્ચિતરૂપે હું તને આજીવન સાચવીશ.. હું છું ત્યાં સુધી તને કોઇ તકલીફ નહી પડવા દઉં. બસ, એટલા માટે જ હું તને મારા ઘરે લઇ આવ્યો. વિદ્યા એક વખત તો મેં તને પુછ્યું હતું. આજે ફરીથી પૂછું છું, વીલ યુ પ્લીઝ મેરી મી??" સિધ્ધાર્થ વિદ્યાની સામે ઘુંટણીયે પડી એને પ્રપોઝ કરતાં બોલ્યો.

જવાબમાં વિદ્યા કંઇજ ન બોલી શકી. રડતાં રડતાં એ સિધ્ધાર્થને ભેટી પડી.

"વિદ્યા. પુરૂષ અને સ્ત્રી બંને આ સૃષ્ટીના બે આધારસ્તંભ છે. એના આધારે જ તો રચયિતાએ આ સૃષ્ટીને ટકાવી છે. પ્રકૃતિને બંનેની એકસરખી જરૂરિયાત છે. એટલે જ તો ઉત્ક્રાંતિમાં બંનેનું અસ્તિત્વ ટકી રહ્યું. જો જરૂર ન હોત તો કાળક્રમે કોઇ એકનું અસ્તિત્વ નાબુદ ન થઇ જાત? તો જેને ઉત્ક્રાંતિએ બચાવી રાખ્યા છે એને નામશેષ કરવા વાળા આપણે કોણ? બંનેના સહઅસ્તિત્વથી આ દુનિયા ટકે છે. એમાંય સ્ત્રી તો આ અસ્તિત્વનું અને સામાજીક દુનિયાનું અભિન્ન અંગ છે. સ્ત્રી આપણે ત્યાં માતા તરીકે પુજાય છે. વિદ્યા, મેં અગાઉ કહ્યું હતું અને ફરી કહું છું કે સ્ત્રી એ પુરૂષ સમોવડી નથી પણ પુરૂષ કરતાં એક કદમ આગળ છે. નવા જીવનું સર્જન કરવાની ક્ષમતા ઇશ્વરે માત્ર સ્ત્રીને આપી છે. જેમ એક પુરૂષ સ્ત્રી-પુરૂષના ભેદભાવો રાખે એ ખોટું છે એમ જ એક સ્ત્રી પણ સ્ત્રી-પુરૂષના ભેદભાવો રાખે એ ખોટું છે. આપણે વર્ષ ૨૦૫૦માં છીએ અને સ્ત્રીઓને એ તમામ હક છે જે પુરૂષોને છે. સ્ત્રીઓ પણ એ તમામ નિર્ણય લઇ શકે છે જે પુરૂષ લઇ શકે છે. રિયા સાથે જે થયું એ ખોટું હતું.. સદંતર ખોટું.. આવું ન જ થવું જોઇએ અને આવું કરનારને કડકમાં કડક સજા કરવી જોઇએ, જે થઇ પણ છે. એ બંને ને આજીવન કારાવાસ કરવામાં આવ્યો છે. આ પ્રકારની સજાના ભયથી બીજું કોઇ આવું કરવાની હિંમત ન કરે એવી સજા હોવી જ જોઇએ.. આજે વર્ષ ૨૦૫૦ માં પણ આ પ્રકારનું કૃત્ય થાય છે એ આપણા બધાં માટે અત્યંત દુ:ખદ અને શરમજનક બાબત છે. લોકોમાં સેક્સ્યુઅલ મેટર્સ પ્રત્યે હજી વધી જાગૃતિ ફેલાવવાની જરૂર છે, જેનાથી આ પ્રકારની નિમ્ન માનસિકતા બદલી શકાય. આ પ્રકારનું કૃત્ય કરવાની વાત તો દૂર રહી પણ લોકો આ પ્રકારનો વિચાર પણ ન કરી શકે એવું કંઇક શિક્ષણ અને સંદેશ આપણે ફેલાવવો જોઇએ અને ફેલાવીશું. આજે ૨૦૫૦માં લોકો સ્ત્રીઓને સન્માનની નજરથી જોતાં થયાં છે. છતાં આવા છુટાછવાયા ઘૃણાસ્પદ બનાવ બને છે એને રોકવા લોકોનો સ્ત્રી પ્રત્યેનો દૃષ્ટીકોણ હજી પણ બદલવાની જરૂર છે. રિયા જેવી દિકરીઓ માટે દરેકના મનમાં ઉચ્ચ સન્માન હોવું જ જોઇએ અને એને કોઇપણ પ્રકારના ભેદભાવ વગરનું જીવન આપવું જ જોઇએ અને આપણે આપીશું. પરંતુ આ કૃત્યનો બદલો લેવા માટે કુદરતના નિયમોનો ભંગ ન કરી શકાય. એનો બદલો લેવા પ્રાકૃતિક સંતુલનને તોડી ન શકાય. પ્રકૃતિ ખાતર મારે તારી વિરૂધ્ધમાં જવું પડ્યું વિદ્યા. તને ખોટા રસ્તેથી સાચા રસ્તે લાવવા માટે મારે આવું કરવું પડ્યું."

સિધ્ધાર્થ વિદ્યાની આંખોમાં જોઇને બોલી ગયો.

"ઓહ સિધ્ધાર્થ... હું ખરેખર ખોટી હતી. મારી ગંભીર ભૂલ થઇ ગઇ. મને માફ કરી દે..." રડતાં રડતાં વિદ્યા બોલી.

જવાબમાં કંઇપણ બોલ્યાં વગર સિધ્ધાર્થે વિદ્યાને છાતીસરસી ચાંપી દીધી.

"સિધ્ધાર્થ.. એન્જલ બાયોટેકમાં કોઇ જગ્યા ખાલી છે ખરી? હું ઘરે એકલી એકલી બોર થઇ ગઇ છું. તારી સાથે રહીને કંપનીમાં કંઇક કામ કરીશ તો મારૂં મન વળશે. ગમે એવી નાની જગ્યા હશે તો પણ મને ચાલશે." ખાસ્સું રડી લીધાં પછી જરાતરા ફ્રેશ થયેલી વિદ્યા બોલી.

"હા વિદ્યા. એન્જલ બાયોટેકના સી.ઇ.ઓ. ની જગ્યા ખાલી છે. તારા જેવી જીનિયસ વ્યક્તિ એ જગ્યાને શોભાવશે તો કંપનીનું અને દુનિયાનું ભલું થશે." સિધ્ધાર્થે વિદ્યા સામે જોતા કહ્યું.

"સિધ્ધાર્થ... હવે પછી હું ક્યારેય કુદરતી નૈતિક મૂલ્યોને નહી ભૂલું. થેન્ક્યુ વેરી મચ..." આટલું બોલતાં તો વિદ્યા સિધ્ધાર્થને ભેટી પડી. વિદ્યાની આંખોમાંથી પશ્ચાતાપના આંસુ ટપકી રહ્યાં હતાં.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED