Hato E Maro Utsav ane Mari Hajari Nahoti books and stories free download online pdf in Gujarati

હતો એ મારો ઉત્સવ અને મારી હાજરી નહોતી

હતો એ મારો ઉત્સવ અને મારી જ હાજરી નહોતી

કોલેજના સુંદર દિવસો ચાલી રહ્યાં હતાં. સરસ હરિયાળા વાતાવરણ વચ્ચે કોલેજની એ માણેલી ક્ષણો આહ્લાદક અને રંગીન હતી. આમેય યુવાની હોય છે ત્યારે બધું રંગીન જ લાગતું હોય છે. વાતાવરણ ભલે રંગબેરંગી હોય અને કોલેજમાં ભલે સ્કુલની સરખામણીમાં ખાસ્સી આઝાદી હોય પરંતુ વિજ્ઞાનના વિદ્યાર્થીઓએ કોલેજની ઉચ્ચ ડીગ્રી મેળવવા ખાસ્સો સંઘર્ષ કરવો પડતો હોય છે. આ કોલેજમાં મગજ ફેરવી નાંખે એવા અઘરા સમીકરણો ભેજામાં ઠુંસવાનું વળતર ચુકવ્યા પછી જ ભૌતિકવિજ્ઞાનમાં અનુસ્નાતકની ડીગ્રી મળતી હતી. આ ઠુંસણખોરીથી મગજને સખત થાક લાગતો પણ કોલેજ એવા તો સુંદર વાતાવરણમાં ઉભી હતી કે ત્યાંની હવા ફેફસામાં ભરો તોય થાક ઉતરી જાય.

કોલેજની દિવાલને બિલકુલ અડીને ચા ની કીટલી આવેલી હતી. ત્યાંથી રોજ બે વાર ચા પીવી એ અમારો નિત્યક્રમ હતો. બે મોટા પથરાઓ પર લાકડાનું લાંબુ પાટીયું મુકીને બનાવેલા બાંકડા પર બેઠાં બેઠાં એ દિવસે અમે ચા ની ચુસકીઓ લઇ રહ્યાં હતાં. આત્મવિશ્વાસનો ઓવરડોઝ ધરાવતા એ મિત્રે વાત ચાલુ કરી.

“બે યાર, મેં લગભગ એક મહિના પહેલાં છાપામાં એક જોરદાર લેખ વાંચેલો. ઇ.સ.૧૯૧૧માં દક્ષિણ ધ્રુવ સર કરવા માટે જે હોડ લાગેલી એના વિશેનો એ લેખ હતો. તે વાંચ્યો તો?” અતિશય આત્મવિશ્વાસથી ભરેલી નજરો વડે એણે મારી સામે જોઇને પુછ્યું.

“ના યાર. મેં નથી વાંચ્યો.” એની આંખોમાં જોયાં સિવાય મેં ટૂંકો ને ટચ જવાબ આપ્યો.

“અલ્યા યાર. તું તો બઉ મોટી વસ્તુ ચુકી ગયો. એ સખ્ખત લેખ હતો. એ નહીં વાંચ્યો તો તો તે કશું નહીં વાંચ્યું.” એણે મારી આંખોમાં જોઇને કહ્યું. આત્મવિશ્વાસ હવે એની આંખોમાંથી ઉભરાઇને બહાર ઢળી રહ્યો હતો.

જવાબમાં કંઇપણ બોલ્યા વગર મેં ચા પીવાની ચાલુ રાખી. એકાદ મિનિટ સુધી કાનમાં મંદ મંદ સુસવાટા મારતા શિયાળાના ઠંડા પવનો સિવાય બીજો અવાજ ન આવ્યો એટલે જરાક શાંતિ રેલાઇ. એ મિત્રે ફટાફટ એની ચા પુરી કરી. હું સમજી ગયો કે એના આત્મવિશ્વાસનું ઘોડાપૂર આ તરફ આવી રહ્યું હતું. એનો વિરોધ કરીને ટાઇમ નહોતો બગાડવો એટલે એની વાત સાંભળીને ટાઇમ બગાડવાનું યોગ્ય લાગ્યું. આમેય રિસેસનો સમય પુરો થવા આવ્યો હતો એટલે બહુ સમય બગડે એમ હતું નહીં. એણે એનું ગરૂડપુરાણ ખોલ્યું.

“યાર. ઇ.સ.૧૯૧૦-૧૧ નો સમય એવો સમય હતો જ્યારે દક્ષિણ ધ્રુવ સર કરવા લોકો જીવ પર આવી ગયાં હતાં. નોર્વેના સાહસિક રાલ્ડ એમન્ડસન અને બ્રિટિશ સાહસિક રોબર્ટ સ્કોટ વચ્ચે દક્ષિણ ધ્રુવ સર કરવાની ગજબ સ્પર્ધા જામી હતી. ઇ.સ.૧૯૦૯માં રોબર્ટ પિયરીએ ઉત્તર ધ્રુવ સર કર્યો એજ દિવસથી દક્ષિણ ધ્રુવ સર કરવાની હોડ લાગી ગઇ હતી. આ ડેથ રેસમાં બે સાહસિકો રાલ્ડ એમન્ડસન અને રોબર્ટ સ્કોટ ‘છેલ્લે’ ની સાવ નજીક સુધી પહોંચી ગયાં. સાવ છેલ્લે છેલ્લે તો ભારત પાકીસ્તાનની ક્રિકેટ મેચને પણ ટક્કર મારે એવો રસાકસીનો જંગ આ બંને વચ્ચે ખેલાયો. અત્યંત કપરા સંજોગોમાં બંને માત્ર મક્કમ મનોબળના સહારે છેક દક્ષિણ ધ્રુવ સુધી પહોંચી શક્યાં અને છેક છેલ્લે સુધી ટકી શક્યાં. બસ, અંતમાં રાલ્ડ એમન્ડસન જરાક વહેલો પહોંચ્યો અને ઇતિહાસમાં એનું નામ દક્ષિણ ધ્રુવ પર પ્રથમ પગ મુકનાર સાહસિક તરીકે દર્જ થઇ ગયું. રોબર્ટ સ્કોટ પણ એટલો જ પરિશ્રમ કરીને ત્યાં આવેલો પરંતુ સમયે એને સાથ ન આપ્યો. સમયસર પહોંચી ન શકવાને લીધે દક્ષિણ ધ્રુવ પર પ્રથમ પગ મુકનાર સાહસિક તરીકે એ પોતાનું નામ લખાવી ન શક્યો. આ વાતે એને એટલો હતાશ નિરાશ કરી નાંખ્યો કે વળતી સફર એના માટે અત્યંત મુશ્કેલ બની ગઇ. એનું મનોબળ તુટી ગયું. એન્ટાર્કટીકાના કપરા સંજોગો એ સહી શક્યો નહીં. વળતી સફરમાં એ જીંદગી સાથેની બાજી હારી ગયો અને એન્ટાર્કટીકાના બર્ફસ્તાનમાં જ કાયમ માટે દફન થઇ ગયો. રોબર્ટ સ્કોટના દૃષ્ટિકોણથી આ લેખમાં આ કરૂણ ઘટનાનું ભાવવાહી વર્ણન કરવામાં આવ્યું છે. આ લેખનું શીર્ષક હતું, ‘હતો એ મારો ઉત્સવ અને મારી જ હાજરી નહોતી’.” આટલું બોલતાં બોલતાં તો એ મિત્રના ચહેરા પર અફસોસના ભાવ આવી ગયાં.

જવાબમાં મેં કંઇપણ બોલ્યા વગર રાબેતા મુજબ શ્વાસ લેવાનું ચાલુ રાખ્યું.

“અફસોસ યાર, અફસોસ. તું આ અફલાતુન લેખ વાંચી શક્યો નહીં.” આખરે એનો અફસોસ એની આંખોમાંથી એના શબ્દોમાં આવી જ ગયો.

એટલામાં અન્ય એક મિત્રે બૂમ પાડીને અમને જણાવ્યું કે લેક્ચર ચાલુ થઇ ગયું છે.

“ઓ અફસોસ વાળા દોસ્ત.. મને એવો કોઇ અફસોસ નથી. એ લેખ પછી ક્યારેક વાંચી લઇશું. અત્યારે ક્લાસમાં ચાલ. લેક્ચર ચાલુ થઇ ગયું છે.” હું બાંકડા પરથી ઉભો થતાં બોલ્યો.

લેક્ચર ચાલુ થયું અને જીવનનો એ નાનકડો વિરામ પતી ગયો.

**********

કોલેજના પ્રોફેસર્સ તથા સ્ટુડન્ટ્સ તમામ વચ્ચે ભૌતિકવિજ્ઞાનના ખરા ચાહક તરીકે મારી છાપ હતી. એકાદ બે ટેક્સ્ટ બુકમાંથી ક્યારેય બહાર જ ન આવનાર ‘બુકમંડુક’ ગોખણીયા રેન્કર્સ કરતાં હું એ વાતે ખાસ્સો અલગ પડતો હતો. મેં વિદેશોની રિસર્ચ જર્નલ્સ અને સાયન્ટીફીક બુક્સ વાંચવાનું સતત ચાલુ રાખેલું. હું જે દિવસથી કોલેજમાં જોડાયો એ દિવસથી (કે એના પણ ઘણા સમય પહેલાથી) ભૌતિકવિજ્ઞાની બનવાનું લક્ષ્ય લઇને આવ્યો હતો. આંખોમાં ભૌતિકવિજ્ઞાની બનવાનું ખ્વાબ અને બેગમાં પાર્ટીકલ ફિઝીક્સની મેં જાતે બનાવેલી નોટ્સ તથા ફિઝીક્સની કેટલીક બુક્સ હંમેશા હાજરી પુરાવતાં. આખી કોલેજમાં પાર્ટીકલ ફિઝિક્સની મેં બનાવેલી સુપરહિટ નોટ્સે ધૂમ મચાવી હતી. એની ઝેરોક્ષ કઢાવવા પડાપડી થતી. ભૌતિકવિજ્ઞાનમાં મારા રસ અને જ્ઞાનને લઇને પ્રોફેસર્સ મારાથી પ્રભાવિત હતાં. બધા પ્રોફેસર્સ એક સૂર માં એક જ વાત કહેતાં કે આ છોકરો તો ભૌતિકવિજ્ઞાનમાં કંઇક નવું કરવા આવ્યો છે. જાણે અજાણે પ્રોફેસર્સ મારી સરખામણી જર્મનીના ઉલ્મમાં જન્મેલા સાપેક્ષવાદના એ ભીષ્મ પિતામહ સાથે કરી દેતાં જેના પગની ધૂળ બરાબર પણ હું ન હતો. આ જ કારણે દેશ-વિદેશની અવનવી રેફરન્સ બુક્સ તરફના મારા વધુ પડતા ઝુકાવ અને ટેક્સ્ટ બુક તરફના સહેજ અણગમાને લઇને પ્રોફેસર્સ ઘણીવાર મને ધમકાવતા. ટેકસ્ટ બુક તરફ વધુ ધ્યાન આપવાની અને ડીગ્રી સર્ટીફીકેટમાં ગોલ્ડન કલરમાં સારા ટકા દેખાય એવો દેખાવ કરવાની સલાહોનો ઢગલો થઇ જતો, જે સ્વાભાવિક જ મારું હિત ઇચ્છતી સલાહો હતી. ટેલેન્ટ ગમે એટલું હશે પણ જો ફાઇનલ એક્ઝામમાં ૫૫% થી વધારે ટકા નહીં આવે તો ભવિષ્ય ધૂંધળું થઇ જશે. એક પણ વર્ષ બગડ્યા વગર ફ્રેશર તરીકે ૬૦% થી ઉપર લાવો તો રિસર્ચમાં અને ૫૫% થી ઉપર લાવશો તો પ્રોફેસર તરીકે કારકિર્દી બનાવવા મળશે, નહીં તો કોઇ ઉભા પણ નહીં રહેવા દે. આ પ્રકારના વાક્યો અવારનવાર સાંભળવા મળી જતાં.

કણોના પ્રાણીસંગ્રહાલય જેવાં સ્ટાન્ડર્ડ મોડેલને બખૂબી વર્ણવવામાં આવ્યું હોય એ પ્રકારનું મટીરીયલ ગુજરાતીમાં મળવું એ જવલ્લે જ જોવા મળતી ઘટના હતી. કોલેજકાળમાં મેં સ્ટાન્ડર્ડ મોડેલના ખુટતા કણ અને ગોડ પાર્ટીકલ તરીકે જાણીતા હિગ્સ બોઝોન વિશે ગુજરાતીમાં સાહિત્ય તૈયાર કરેલું, જે વાંચીને પ્રોફેસર્સ પણ આફરીન પોકારી ગયાં હતાં. હિગ્સ પર લખાયેલું એ પ્રથમ ગુજરાતી સાહિત્ય અને સ્ટુડન્ટ લેવલનું પ્રથમ રિસર્ચ હતું. દુનિયાની સૌથી મોટી પ્રયોગશાળા એવા CERN ખાતે લાર્જ હેડ્રોન કોલાઇડરમાં હિગ્સ નજીકના ભવિષ્યમાં જ મળી આવશે એવી સંભાવનાઓ પણ એમાં વ્યક્ત કરવામાં આવી હતી. આ પાર્ટીકલ ફિઝીક્સની નોટ્સ અને ભૌતિકવિજ્ઞાનના નવા નવા થોટ્સ વચ્ચે આખું વર્ષ પુરૂં થઇ ગયું અને પરિક્ષાઓ નજીક આવી ગઇ.

**********

પરિક્ષાનો પહેલો દિવસ મને આજેય યાદ છે. પહેલું પેપર હતું અને બાઇક લઇને હું કોલેજ જઇ રહ્યો હતો. પરીક્ષા ખંડમાં પહોંચવાની ઉતાવળમાં ક્યાંક પ્રવેગક (એક્સલરેટર) પર જરા વધુ હાથ ફરી ગયો. સાઇડમાંથી આવતી એક ગાડીનો ખૂણો બાઇકને અડી ગયો. બાઇક સાથે હું ઘસડાઇને ફસડાઇ પડ્યો. જમણા પગમાં ફ્રેક્ચર થયું. એ પરીક્ષા હું ન આપી શક્યો. મારૂં વર્ષ બગડ્યું. બીજા વર્ષે ઘરે બેસીને પરીક્ષા આપી. રિપિટર તરીકે વધુ ટકા આવવા (કે રિપિટરને વધુ ટકા આપવા) અશક્ય હતાં. એ પરિક્ષામાં ૫૦% આવ્યાં. બીજું વર્ષ (મારૂં ત્રીજું વર્ષ) રેગ્યુલર ચાલુ કર્યું. ‘બુકમંડુકતા’નો અભાવ તો પહેલેથી હતો અને એમાં મોરલ ડાઉન થઇ ગયું હતું. ખાસ્સી મહેનત પછી ગાડી ૫૮.૮% પર અટકી. બંને વર્ષની એવરેજ ૫૪.૪% થઇ. ૫૫% માત્ર ૦.૬% જેટલા છેટે રહી ગયાં. મારૂં ભવિષ્ય સાવ ધૂંધળું થઇ ગયું.

**********

ટીપીકલ મીડલ ક્લાસ ફેમીલીમાં નોકરી વધુ અગત્યની હોય છે. અહીં સપનાઓ, લક્ષ્યો, ટેલેન્ટ અને શિખરો સર કરવાની વાતો કલ્પનાઓ પુરતી સિમિત હોય છે. પેટે પાટા બાંધી અનુસ્નાતક સુધી ભણાવનાર મા-બાપનું ઋણ અદા કરવું જ રહ્યું. ઉપરાંત “૫૫% ન આવવાથી આખી જીંદગી ખરાબ થઇ જાય છે અને હવે પછીનું ભવિષ્ય ધૂંધળું છે” એ સનાતન સત્ય સ્વીકારવા એ નંગ સહેજ પણ તૈયાર ન હતો. એ સનાતન સત્યને ખોટું પાડવાની ચેલેન્જ બંદાએ સ્વીકારી લીધી. સરકારી નોકરીની તૈયારીઓ ચાલુ થઇ ગઇ. વિજ્ઞાનના વિશિષ્ટ જ્ઞાનને નેવે મુકીને સામાન્ય જ્ઞાનમાં મનને પરાણે પરોવવામાં આવ્યું. વિશિષ્ટ જ્ઞાનની બુદ્ધિમત્તા સામાન્ય જ્ઞાનમાં જબરદસ્ત કામમાં આવી. માત્ર બે મહિનાની મહેનતમાં તો સારામાં સારી નોકરીમાં પસંદગી થઇ ગઇ. ધીરે ધીરે કરીને સેટ થવામાં ઘણો સમય પણ પસાર થઇ ગયો.

૪ થી જુલાઇ, ૨૦૧૨. સ્વીટ્ઝર્લેન્ડના જીનીવા ખાતે દુનિયાના સૌથી વિરાટ પાર્ટીકલ એક્સેલરેટર (CERN) માં આખરે પાર્ટીકલ્સના ભગવાન એવાં ગોડ પાર્ટીકલ ઉર્ફે હિગ્સ બોઝોને દર્શન દીધાં. હિગ્સ આખરે પ્રાયોગિક રીતે પકડાયો. સ્કોટલેન્ડની એડિનબર્ગ યુનિવર્સિટિના પીટર હિગ્સ તથા ફ્રાંકોઇસ એંગ્લર્ટ જેવા ધુરંધર ભૌતિકવિજ્ઞાનીઓએ બિલકુલ દક્ષિણ ધ્રુવ સર કરવા જેટલી જ માનસિક મથામણોથી કોઇપણ પદાર્થના દળ માટે જવાબદાર એવાં શૂન્ય સ્પીન વાળા કણ વિશે છેક વર્ષ ૧૯૬૪ માં જે થિયરી આપેલી એ આજે પ્રાયોગિક રીતે સાચી પડી. આ સાથે એમને નોબેલ પ્રાઇઝ મેળવવાનો રસ્તો પણ મોકળો થઇ ગયો. આ કણ શોધાયાના બીજા દિવસે ભૌતિકવિજ્ઞાનની આલમમાં ઉત્સવનો માહોલ હતો. નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર ઉતર્યો એના કરતાંય વધુ ઉત્સાહનો માહોલ હતો. હું પણ ઉત્સવના મુડમાં હતો. આ શોધના બીજા દિવસે દુનિયાના, ભારતના અને ગુજરાતના તમામ ન્યુઝપેપરોએ હિગ્સ બોઝોનની શોધને ફ્રન્ટ પેજ કવર આપ્યું હતું. બધાં ન્યુઝપેપરોનું મથાળું અને પહેલું આખું પેજ ભરીને માહિતી હિગ્સ વિશે જ હતી. વિજ્ઞાનના સમાચાર છાપવા ન ટેવાયેલા છાપાઓએ પોતાની આદતથી વિપરીત જઇને આંખોની તકલીફવાળાનેય દેખાય એટલા મોટા અક્ષરવાળા મથાળા છાપ્યાં હતાં. હિગ્સે બધા પર કંઇક જાદુ કર્યો હતો. હું સાતમા આસમાનમાં વિહરતા મન સાથે જ્યારે ઓફીસમાં પહોંચ્યો ત્યારે ત્યાંનુ વાતાવરણ સાવ કોરુંધાકોર હતું. ઓફીસમાં સવાર અને સાંજ બંને ટાઇમ ચાય પે ચર્ચાનું અદભુત કલ્ચર વિકસ્યું હતું. છાપાના મથાળાના સમાચારો, રાજકારણ અને શેરબજારની ચર્ચા ત્યાં કાયમ થતી રહેતી. પણ આ શું? આજે બધાં છાપાંના ફ્રન્ટ પેજ ભરી ભરીને હિગ્સ વિશે ન્યુઝ હોવા છતાં એ વિરાટ કેમ્પસમાંની વિશાળ ઓફીસમાં સમ ખાવા પુરતો એકપણ શખ્સ એ વિશે વાત કરી રહ્યો નહોતો. દરરોજ છાપાના ફ્રન્ટ પેજ ન્યુઝ વિશે ચર્ચા કરવા ટેવાયેલા એ બધા માટે એ દિવસના ફ્રન્ટ પેજના ન્યુઝ જાણે કે અદૃશ્ય હતાં. આજે એમની ચર્ચા છાપાના બીજા પેજથી શરૂ થતી હતી. કદાચ એ બધાના સામાન્ય જ્ઞાનથી લદાયેલા મગજ વિજ્ઞાનના વિશિષ્ટ જ્ઞાનને ગ્રહણ કરવા ટેવાયેલા નહીં હોય! એ જે પણ હોય તે, પણ આ મારા કાલ્પનિક ઉત્સવના માહોલ પર ફ્રીઝરમાં મુકેલું ચીલ્ડ પાણી ફરી વળ્યું. જે છોકરાએ હિગ્સ બોઝોન પર ગુજરાતીમાં પ્રથમવાર માહિતીઓ ભરી દીધી હતી એ જ છોકરો હિગ્સ બોઝોનના પ્રસંગમાં ગેરહાજર હતો.

આખો દિવસ ઓફીસના કામકાજમાં જતો રહ્યો. બીજા દિવસે કંઇક વિશિષ્ટ પ્રકારની મીટીંગ હતી, જેના માટે આજે ઓવરટાઇમ કરવો પડે એમ હતું. બધાંના ઘરે ગયાં પછી પણ હું મારા સ્થાન પર બેઠો હતો અને શૂન્યાવકાશમાં ક્યાંક તાકી રહ્યો હતો. “આ ક્યાં આવી ગયો હું?” એ પ્રશ્નનાં પડઘા મારા ખાલી મનમાં બરાબર ગુંજવા લાગ્યાં. પેલા મિત્રની દક્ષિણ ધ્રુવ સર કરવા વાળી સ્ટોરી મને યાદ આવી ગઇ અને યાદ આવી ગયો રોબર્ટ સ્કોટ. રોબર્ટ સ્કોટને કેટલો અફસોસ થયો હશે એ આજે મને બરાબર સમજાયું. મારૂં દિલ રડી પડ્યું. દિલમાંથી ફૂટેલા આંસુનો પ્રવાહ જરા વધારે જ હશે કારણ કે એ પ્રવાહનો નાનકડો અંશ આંખોના ખૂણામાંથી બહાર નીકળવા પ્રયત્ન કરતો જોઇ શકાતો હતો. કોઇ જોઇ ન જાય એ રીતે એ ખૂણા લુછી નાંખવામાં આવ્યાં.

ઓવરટાઇમ પુરો કરી ઓફીસેથી નીકળતાં ઘણું મોડું થઇ ગયું. ધરાતળને અંધારાએ બરાબરનું ઘેરી લીધું હતું. મારા મનનાં પણ કંઇક એવાંજ હાલ હતાં.

“કાલે ઓફીસ આવતી વખતે એક કોરી સીડી લેતો આવજે. ઓફીશીયલ પ્રેઝન્ટેશન સીડીમાં સબમીટ કરાવવું પડશે.” જતાં જતાં બોસે સુચના આપી.

“કેમ, પેનડ્રાઇવ નહીં ચાલે? આજના જમાનામાં કોણ કૂતરોભઇ સીડી વાપરે છે??? ડફોળ જેવી વાતો કરો છે...!!” વિદ્રોહી મને જવાબ આપ્યો. પણ મનના એ જવાબના પડઘા અધરો સુધી પહોંચે એ પહેલાં જ શમી ગયાં.

“યસ સર. લેતો આવીશ.” મનના અવાજને દબાવીને આજ્ઞાંકિત શરીરે જવાબ આપ્યો.

હું ઓફીસેથી નીકળી સીધો દુકાનમાં ગયો.

“કાકા. એક કોરી સીડી આપો ને..”

“સીડી તો છે પણ એનું કવર નથી. ચાલશે?”

“અરે કાકા. તમે પણ! ખુલ્લી સીડી તો હું કેમની લઇ જઇશ? એક કામ કરો. જૂના પેપરનો ટુકડો ફાડી એમાં લપેટીને આપી દો એટલે સ્ક્રેચ ના પડે.” મેં ઉપાય સુચવ્યો.

“હા. એ આપી દઉં. પેકિંગ માટેના કાગળ ખુટ્યાં હતાં એટલે આજે સવારે જ હું જૂના છાપાઓનો ઢગલો લઇ આવ્યો છું.” એમ કહીને કાકાએ પીળા પડી ગયેલાં એક જૂના છાપાનો ટુકડો ફાડ્યો અને એમાં સીડી લપેટીને આપી.

સીડી લઇને હું ઘર તરફ રવાના થયો. જમી-પરવારી શાંતિથી બેઠો. સામેના કબાટમાં કંઇક વસ્તુ માટેની શોધખોળ દરમિયાન પાર્ટીકલ ફિઝિક્સ પરનું જૂનું પુસ્તક અનાયાસે જ હાથમાં આવ્યું. એની અનુક્રમણિકામાં હિગ્સ બોઝોન નામ નજરે ચડી ગયું. પણ... કાલે ઓફીશિયલ પ્રેઝન્ટેશન હતું અને એની તૈયારી બાકી હતી. પુસ્તક પાછું એના સ્થાને મુકાઇ ગયું. પેલી સીડીને પીળા પડી ગયેલાં અને લોચો વળી ગયેલાં છાપાના એ ટુકડાના ભરડામાંથી બહાર કાઢી અને યોગ્ય કવરમાં શોભાયમાન કરી. પેલા પીળા પડી ગયેલાં રદ્દી ટુકડાને કચરાટોપલીમાં નાંખતા પહેલાં અનાયાસે જ મારી નજર એમાં છપાયેલાં લખાણ પર પડી. દુકાનદારે તો છાપામાંથી આ ટુકડો જેમ-તેમ ફાડી લીધો હતો પણ કુદરતની કોઇ અદભુત કરામાતથી એ ટુકડો એમાં એક આખો લેખ આવી જાય એ રીતે કટ ટુ કટ ફાટ્યો હતો. એ લેખનું શીર્ષક હતું,

“હતો એ મારો ઉત્સવ અને મારી જ હાજરી નહોતી.”

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED