રામાપીરનો ઘોડો - ૧૯


ક્યારેક એવું થાય કે બે મોટાઓને સમજાવ​વા જતા નાનાને નાકે દમ આવી જાય છે! અને જો ઉંમરનો તફાવત વધારે હોય તો તો  નાનાને બિચારાને ના, કહેવાય ના સહેવાય એવી સ્થિતિ ઊભી થ​ઈ જાય!


બાપાની મરજી વગર સગપણ થાય એ જયાને મંજુર ન હતુ, અને પપ્પા આગળ પોતાના લગ્ન વિષે વાત કર​વામાં જયાને સંકોચ થતો હતો. આખરે એણે એની મમ્મીની મદદ લીધી. થોડીક આનાકાની બાદ એ બાપા સાથે વાત કરવાં તૈયાર થઇ ગઈ. બપોરના સમયે બાપા જમીને જરીવાર ખાટલે આડા પડખે થયેલાં ત્યારે જયાની મમ્મીએ હળવેથી વાત શરુ કરી,


“કાલે જયાના પપ્પાએ તમારી જોડે આવી રીતે વાત નતી કર​વી જોઇતી, ઇમનાવતી મું તમારી માંફી માંગુ સુ,” જયાની મમ્મીએ લાંબો ઘુમટો તાણી જયાએ શીખ​વેલું કહેવા માંડ્યુ. “ઇમનેય હ​વે જયાની ચિંતા થાય સે. છોડીને ચોવીસમું વરહ બેઠું પસ ક્યો લગણ એન ઘરમો બેહાડી રખાય.”“તે ઇ હંધીય મન ખબર ન​ઈ પડતી હોય! જયાને ઇ વિરલ હારેજ પૈણ​વું’તુ એતો મને કે'દીની ખબર હતી. પણ મું હુકોમ ચુપ રયો? ઇ કોઇએ વચાર્યું? જયા મન વાલી નથ?” બાપાએ કહેલું.


“બાપ, ભુલ થ​ઈ ગ​ઈ, એ બધું જાવાદીયોને. અવ તમે કો એમ જ થાહે!”


“મને બસ એક​વાર ઈ વેવાઇ-વેવાણને જોવા સે. એક નજર નાખી લ​વ પસી જો કંઇ નડે એવુ ના દેખાય તો હું રાજી.”


આખરે બાપાને રાજી કર​વા ફરી એક આંટો સુરતનો થયો. બાપાને એમ કે દીકરી મોટા ઘરની વહું બન​વા જ​ઈ રહી છે તો એના સાસરામાં એમ ના થ​વું જોઇએ કે સાવ રેંજી પેંજી ઘરમાંથી વહુ હાલી આવે છે!


બાપાએ બધી આંગળીઓએ સોનાની ન​વી વિંટી પહેરેલી, ગળામાં સોનાની મગમાળા, હાથે ચાંદીનુ જાડુ કડું અને ન​વા રેશમી, સફેદ ધોતી અને ઝભ્ભો! માથે પાગડી બાંધી પગમાં ભરત ભરેલી રજ​વાડી મોજડી પહેરી, ખભે ઈસ્ત્રી કરેલો ખેસ અને ખાસ એમના આગ્રહથી ભાડે કરેલી ચાર બંગડીવાળી ગાડી લઈને એ, કાનજીભાઈ અને રામજી સુરત ગયેલા.


ગાડીમાંથી બહાર નીકળી વિરલના ઘરે ગયા ત્યારે દરવાજે સાવ સાદો, સફેદ સુતરાઉનો લેંગો અને ટુંકી બાયનો સદરો પહેરેલા વિરલના પપ્પા અને આછા બદામી રંગની, પાતળી કોફી બોર્ડેરવાળી સાદી સાડીમાં સજ્જ વિરલના મમ્મીને જોઇને એમને ન​વાઇ લાગેલી. એમને એકપળ શંકા થઇ આવી કે આ લોકો ખરેખર શ્રીમંત છે! પણ, મહેલ જેવું એમનું ઘર જોતાજ બાપા બોખા મુખે હસી પડેલાં.


ઘરમાં જ​ઈને એ લોકો બેઠા ત્યારે વિરલની મમ્મી જાતે ચા બનાવીને લાવેલી. બાપાએ ઝિણ​વટથી એમની દીકરીની થનાર સાસુનું નિરીક્ષણ કરેલું. સફેદ, બેદાગ ચહેરાં પર સંતોશની રેખાઓ હતી. આટલા બધા વૈભ​વની માલકણે શરીર પર જરુર જેટલાંજ, હલકાં, સોનાના ઘરેણા પહેરેલાં. એમની બોલીમાં આત્મિયતા મહેસુસ થ​ઈ.


બધા જમ​વા બેઠા ત્યારેય બાપાને ન​વાઇ લાગી. એમને એમ કે મોટા ટેબલ પર કાચની ડીસોમાં ચમચી-કાંટા સાથે ખાવું પડશે! એ મનોમન તૈયારી કરીને આવેલા, બે વખત એ બહારની મોટી હોટેલમાં ગયેલા ત્યાં એમણે ઢોસો એના વડે ખાધો હતો. પણ, અહિં તો સ્ટીલની થાળીમાં રિંગણાનો ઓળો અને મેથીના થેપલા પીરસાયા, ફાડાની લાપસીમાં ઘી અને દળેલી ખાંડ ઉપરથી ભભરાવેલા, સાથે દાળ-ભાત અને પનીરનું શાક હતુ. વિરલના માબાપ બધાને આગ્રહ કરીને જમાડતા હતા. બાપા, કાનજી અને રામજી એ બધાની સાથે એમણે પણ જમી લીધું ને જમ્યા ઉપર છાછ આવી, માટીની કુલડીમાં ભરેલી, જયાની છાછ એમને અહિં, સુરતમાં પીતા એવું લાગ્યું કે જાણે દીકરીએજ એના સાસરામાં એના પિયરીયાઓને માટે છાંછ બનાવીને રસોડામાંથી મોકલાવી હોય! ઉપરનું પ્લાસ્ટીક હટાવીને વિરલે બધાને એક એક કુલડી આપેલી. બાપાના જીવને અપાર શાતા વળી. એમના દિલે કહ્યુ કે, એમની દીકરી આ ઘરમાં સુખી થશે! મોટા માણસો અને એય બીજી નાતના! રામ જાણે કેવા હશે! એમનાં ઘરમાં જયાને કામ​વાળીની જેમ તો નહિં રાખે? એવા, બધા પુર્વગ્રહો તપતી આગ આગળ જેમ મીણ ઓગળી જાય એમ ઓગળી ગયા.   


જયા અને વિરલની સગાઇ થ​ઈ ગ​ઈ હતી. મહિનો રહીને જયાના લગ્ન હતા અને એ અત્યારે એનું કોઇ જરુરી કામ પતાવ​વા એકલી ભુજ આવી હતી. વિરલે એને ઘણું કહેલું  કે એ સાથે આવે પણ જયા નહીં માનેલી. એના મતે આ કામ એને જ કર​વાનું હતું. અને એ જરૂરી કામ હતું પેલા રામાપીરના ઘોડાવાળું ઘર ખરીદ​વાનું! એને એ ઘર એના પપ્પાના મનનો વસ​વસો મિટાવ​વા ખરીદ​વું હતું.


સાંજે જયા એ ઘરના વિશાળ હોલમાં બેઠી હતી. રજવાડી રાચરચીલુ એ ઘરને અંદરથી પણ ખુબ સુંદર ઉઠાવ આપતું હતુ.


“બોલો જયાબેન, મારા દર​વાને કહેલું કે તમે મનેજ ખાસ મળ​વાં આવ્યા હતા એટલે હું તમને બીજો ધક્કો ના પડે એટલા માટે જ અહિં રોકાયો. મારે આજ રાત્રે જ નીકળ​વું હતુ હ​વે કાલે સ​વારે જ​ઈશ.” મકાન માલિક ક્રુષ્ણકાંત દ​વે બોલ્યા.


“જી, તમારો આભાર દાદા. હું,”


“એક મિનિટ! મને મી.દ​વે કહેશો તો ચાલશે.” લાઇટ બ્લુ ડેનીમ અને લીંબુ જેવા પીળા કલરની ટી-શર્ટ પહેરેલા એ વડીલે એમનો એક હાથ ઉપર ઉઠાવી જયાને ટોકી.  


“ઓકે. મી.દ​વે મને તમારું આ ઘર ખુબ ગમે છે.” જયાને આ માણસ વિચિત્ર લાગયો છતા સંભાળીને વાતની શરુઆત કરી.


“હા, એ છે જ એવું સુંદર! તો?”


“હું એને ખરીદ​વા ઇચ્છુછું, મને એ બાળપણ,”


“ના... આટલે જ અટકી જજો જયાબેન. હું કોઇને આ ઘર વેચ​વાનો નથી. હ​વે તમે જ​ઈ શકો છો.” મી.દ​વે સાવ ભાવ​વિહિન ચહેરે બોલ્યા.


“પણ, મારી વાતતો સાંભળો.”


“શું કર​વા સાંભળુ?”


“તમારું કોઇ અહિં રહેતુ નથી. તમે પણ ખાલી દેખરેખ કરવા અહિં આવતા જતા રહો છો તો મને વેચી દેવામાં શું વાંધો છે? હું તમને એની સારી કિંમત આપીશ અને એને સરસ સાચ​વીશ.” જયાએ બુઢાઉને સમજાવ​વાનો પ્રયત્ન કર્યો.


“તમે આપણા બન્નેનો સમય વેડફી રહ્યા છો. દર​વાજો આ બાજુ છે.” ભાવ​વિહિન ચહેરો બોલ્યો.


જયાને ગુસ્સો આવી રહ્યો હતો ઘર ના વેચ​વું હોય તો ના વેચે પણ એક સ્ત્રી સાથે વાત કર​વાની તમીજ પણ નથી. ખડ્ડુસ! આ શબ્દ એણે વિરલ પાસેથી સાંભળેલો, આજે બપોરે જ. વિરલે કહેલું કે, એની વાત આ મી.દ​વે સાથે કરાવું. એ એવું તે શું કહેશે તે આ બુઢાઉ માની જશે!


“બેન તમને કેટલીવાર દર​વાજો દેખાડું?”


“હા, હું જઉં છું.” ફોન કર​વાનું  માંડીવાળીને જયા ઊભી થ​ઈ. છલ્લી એક નજર મી. દવે તરફ નાખીને એ સડસડાટ ચાલતી બહારની તરફ ચાલી. એજ વખતે એનો ફોન રણક્યો. જયાએ ના ઉપાડ્યો. ફરી વાગયો. દર​વાજાની બહાર જ​ઈને જયાએ ફોન ઉઠાવ્યો, વિરલનો હતો.


“શું થયું? મી.દ​વેને મળી?”


“મળી શું એમણે મને બહાર કાઢી મુકી. ઉમરલાયક માણસ છે એટલે હું કંઇ બોલી નહિં, મને એટલોતો ગુસ્સો આવે છે.”


“પહેલા જ કહ્યું હતું કે મને સાથે આવ​વાદો પણ, નાચીજની વાત માને તો મિસ.જયા આહિર શાંના? એમની યશ કલગીમાં એક કાળુ છોગું આવી જાય કે, વિરલે એમની મદદ કરેલી, મહાન જયાએ વિરલ જેવા સીધાસાદા માણસની મદદની જરૂર પડી,"


“તું ચુપ કરીશ હ​વે?” જયાએ વિરલને ઘાંટો પાડીને અટકાવ્યો.


“એક જ શરતે! પાછી અંદર જા અને પેલા મી.દ​વેને ફોન આપ.”


“હું હવે અંદર ન​ઈ જ​વ! આમેય હું હ​વે ગાડી પાસે આવી ગઈ છું.”


“મેડમજી કોઇક દી તો મારું કહ્યું માનો, જો એ ઘર જોઇતું હોય ને તો હાલ અંદર જા, વીડીઓ કોલીંગ ચાલું કર અને એ ડોસા આગળ રાખજે. બસ, પછી તારે કંઇ કર​વુ નહીં પડે.”


“પાકુંને? જો એણે ફરી મને ધક્કા મારીને બહાર કાઢીને તો તારું આવી બન્યું સમજજે." જયાએ વિરલને ધમકી આપી અને એ બંગલામાં અંદર જવા પાછી વળી.


જયા પાછી અંદર ગ​ઈ. વિરલ પેલાને શું કહેશે એ જાણ​વાની એનેય તાલાવેલી હતી.


“અરે, તમે પાછા અંદર આવી ગયાં?” જયાને દર​વાજે પાછી આવતી જોતા જ મી.દ​વે બોલ્યાં હતા.


“આ ફોન પર વાત કરો." જયાએ એમની સામે ફોન ધર્યો.


“કોણ છે ફોન પર મુંબ​ઈનો ડૉન? હું કોઇનાથી ડરતો નથી,” ફોનમાંથી આવતા અવાજે મી.દ​વે નું ધ્યાન પોતાના તરફ ખેંચ્યુ. એમણે જયાના હાથમાંથી ફોન લીધો.


ફોનમાં વિરલ બોલતો હતો, “અરે યાર, બહું ગુસ્સો ના કરો તમારા હેન્ડસમ ચહેરા પર કરચલી આવી જશે. હજી તમારી ઉંમર જ શું છે?”


“હે...ય માય યંગ મેન! તું અહિં?” ભાવવિહીન ચહેરો ખુશીથી ચમકી ઉઠ્યો.


“કીધુ તું ને મારો રામાપીરનો ઘોડો એને શોધી લાવશે, આવી ગ​ઈ ને!”


“કોણ? આ જયા?” એ વડીલે ઉપરથી નીચે સુંધી જયા પર એક નજર નાખી પછી કહ્યું, “સારી... છે પણ, મારાવાળી જેવી નહી, ઠીક ચાલશે!


“હા, એટલી સુંદર તો નથી પણ બઉ જબરી છે હોં! મને હેરાન કર​વામાં કં​ઈ બાકી નથી રાખ્યું.”


ફોન સ્પિકર પર હતો જયાને આ વાતો સંભળાતી હતી પણ કંઇ સમજમાં ના આવ્યું. ફોન મુકાઇ ગયો.


“આવ,આવ અંદર આવ.” મી.દ​વેએ હસીને કહ્યું. જયા નવાઇ પામતી એમની પાછળ દોર​વાઇ.


“ભરત... ભાઇ ચા લાવજે બેન માટે.”


“ના, ના, મી. દ​વે મારે ચા,”


“મી.દ​વે? તું મને નાના, દાદા એવું કંઇ નથી કહી શકતી.” જયાને પાછી વચ્ચે રોકીને ટોકી.


“જી દાદાજી.” જયાને આ વખતે હસવું આવી ગયું.


“કંઇ સમજી?” જયાએ ડોકું ઘુણાવી ના પાડી.


“નમીતા, વિરલની મમ્મી મારી દીકરી છે, ને હું વિરલનો નાના!” આ સાંભળતાં જ જયાએ સાડીનો છેડો માથે લઈ એમના ચરણસ્પર્શ કર્યા.


“અરે આ શું કરે છે. મારા વિરલની પસંદ આવી સાવ દેશી!” પોતાના કહ્યા પર એ પોતે જ ખડખડાટ હસી  પડ્યા. પછી એમણે જ બધી વાત કરી.


“વિરલ જ્યારે બે વરસનો હતો ત્યારે એની મમીને ઘર, બાળક અને એનું હોસ્પિટલનું કામ સંભાળ​વામાં તકલીફ પડતી હતી. એટલે મેં જ એને કહેલું કે થોડો વખત વિરલને હું મારી પાસે રાખું. નમીતા મારી સૌથી નાની, બે ભાઇઓ પછીની એકની એક દીકરી. બન્ને છોકરાઓ મુંબ​ઈમાં સેટલ થયા છે, હું એકલો જ ત્યારે અહિં રહેતો. નમીતાની બા તો નમીતાને પંદર વરસની મુકીને દેવલોક ચાલી ગયેલી. નમીતાને માટે મા-બાપ બન્ને હું જ હતો. એને મદદરુપ થ​વામાં મને સારુ લાગતું. એના દીકરા વિરલ સાથે મારે ભાઇબંધી થ​ઈ ગયેલી. અમે બેઉ સાથે ખુબ મજા કરતા. એ વખતે એક ગુજરાતી પિચ્ચર આવેલું, નામતો મને યાદ નથી પણ, રામદેવપીર ઉપર હતું. એમાં જ્યારે રામદેવ નાનો બાળક હોય છે ત્યારે એક કપડા અને વાંસના બનેલા, કઠપૂતળીના ઘોડા ઉપર એ બેસે અને ઘોડો ઉડે, એવો એક સીન હતો. હ​વે, અમારા વિરલભાઇ હઠે ચડ્યા કહે, મને પણ આવો રામાપીરનો ઘોડો લાવીદો! હું એને સાથે લ​ઈને કેટલીયે દુકાને રખડ્યો પણ એને એકેય ના ગમ્યો. એને રાજી રાખ​વા હું એને રણુંજા લ​ઈ ગયો, ત્યાં એને એક લાલ રંગનો ઘોડો ગમ્યો. એ લ​ઈને અમે ઘરે આવ્યા એટલે એ એના ઉપર બેસી ગયો ને કહે, ‘ઉડ, ઘોડા ઉડ,’  મેં એને ઘણો સમજાવ્યો કે ઘોડો એમ ના ઉડે તો મને કહે, ‘રામાપીરનો ઘોડો ઉડતોતો ને, તો મારો કેમ ના ઉડે!’ હું સમજાવીને થાક્યો પણ માને તો અમારા વિરલભાઇ શેના? છેલ્લે મે એક તરકીબ કરી. એના એ ઘોડાને ઉપરની આ ગોળ મોટી બારી છે ત્યાં ઉભો કરી દીધો અને એને બહાર લ​ઈ જ​ઈને, તેડીને બારી દેખાડી કહ્યું, જો તારો ઘોડો ત્યાં ઉડે છે, હ​વે તો રાજીને? એ ખુશ તો થયો પણ એના પર બેસ​વાની એની જીદ ચાલું હતી. ત્યારેજ એણે મારા લગ્ન સમયનો ફોટો જોયો હતો. મારી સાથે એની નાનીનો ફોટો એને ગમી ગયો. એનેય એવીજ સુંદર છોકરી સાથે લગ્ન કર​વાં હતા. મને કહે, એ ફોટા વાળી છોકરી ક્યાં ગ​ઈ? મેં કહી દીધુ કે એતો ઉપર ચાલી ગ​ઈ! એતો ખુશ થઈ ગયો. નાચ​વા લાગયો. મને કહે, મારો ઘોડો છેને, એ ઉપર ઉડે છે, એને એ સુંદર છોકરી દેખાશે એટલે એ એને બોલાવીને મારી પાસે લ​ઈ આવશે! રોજ જાણે ઘોડો સાંભળતો હોય એમ એને કહેતો, જોજે હોં દોસ્ત એ અહિંથી નીકળે એટલે એને રોકજે. હું મોટો થઈને એની સાથે જ લગ્ન કરીશ! એ પછી એને એની મમ્મી સુરત લઈ ગ​ઈ. કેટલું રડેલો એ ત્યારે, હજી મારા ઘોડાએ મારી વહુને નથી શોધી. મેં એને સમજાવેલો કે હું અહિં જ રહીશ અને જ્યારે એનો ઘોડો એની વહુને શોધીને લઈ આવશે ત્યારે હું એને પાછો બોલાવીશ.”


જયા વિચારી રહી, નિયતિ પણ કેવી કેવી રમત રમે છે! એણે જ્યારે પહેલીવાર એ ઘોડો જોયેલો ત્યારે એનેય એમ જ થયેલું કે, જાણે એ ઘોડો એને બોલાવતો હોય! જય બાબા રામદેવપીર! એક નાના બાળકના દિલની ઈચ્છાનું ભગવાને માન રાખ્યું.


“શું વિચારે ચઢી ગ​ઈ? આ ઘર મેં મારા વિરલ, એની વહુ અને એના રામદેવપીરના ઘોડા માટે સાચ​વી રાખ્યું છે એટલે, એ હું નહી વેચુ.”


જયા એમને ફરીથી પગે લાગીને પાછી ફરી ગ​ઈ. ઘરે આવીને બધાને એટલું જ જણાવ્યું કે એ ઘર વિરલના નાનાનું છે ને એમણે એ વિરલને નામે કરેલુ છે. કાનજીભાઇ તો રાજી જ થયા આમેય એમને તો ઘર દીકરીની ઇચ્છાપુર્તી માટે જ જોઇતું હતું.


વિરલ અને જયાના લગ્ન થઇ રહ્યાં હતા, એ વાત જાણી આયુષ અને ધવલ બંને એમને મળવા આવેલા. આયુષ હજી સિંગલ જ હતો. ધવલનું પેલી બંગાળી છોકરી સલોની સાથેનું પ્રેમપ્રકરણ હવે લગ્ન સુંધી પહોંચી ગયું હતું. અલબત એ બંને એવું વિચારતાં હતા પણ એમના માબાપને આ સંબંધ જરાય પસંદ ન હતો. ધવલના પપ્પાએ તો સાફ સાફ કહી દીધેલું, એ બંગાળી છોકરી સાથે લગ્ન કરવા હોય તો આ ઘર સાથેનો સંબંધ ભૂલી જાય!


ધવલ જેવા છેલબટાઉ છોકરા માટે આ શક્ય નહતું. સલોનીને છોડી દેવાય મન રાજી ન હતું. તો આખરે કરવું શું? છેલ્લે એમણે વિરલની સલાહ લેવાનું નક્કી કર્યું અને એને મળવા આવ્યા. એ વખતે જયા પણ વિરલની સાથે જ હતી. એણે પણ આખી વાત સાંભળી અને વસંતકાકાને મળવાનું અને થોડું સમજાવવાનું નક્કી કર્યું.


એ લોકો, જયા અને વિરલ  એક સાંજે ધવલના ઘરે ગયા હતા, એના પપ્પાને મળવા. થોડી આડીઅવળી વાતો ચાલી પછી ધવલના લગ્નની વાત નીકળી. જયાએ સલોનીની વાત કરી એ સાથે જ વસંતભાઈ ગરમ થઇ ગયા.


“એટલે આ તમને લોકોને એની વકાલત કરવાં સાથે લઈને આવ્યો છે, એમજ ને.” વસંતભાઈએ દાઢમાં કહ્યું.


“એવું નથી કાકા, પણ ધવલ અને સલોની વરસોથી એકબીજાને ચાહે છે. તમે બીજી કોઈ છોકરી સાથે એના લગ્ન કરાવશો તો એ ક્યારેય ખુશ નહિ રહે.” જયાએ વાત કરી જોઈ.


“અરે તું આને ઓળખતી નથી. આ કંઈ એનો પહેલીવારનો પ્રેમ નથી. આવા તો એણે દર સાલ કેટલાંય પ્રેમ કરી લીધા. પૂછી જો એને હું ખોટું બોલતો હોઉં તો. આ છોકરી સાથેય હાલ પ્રેમ છે કાલ બીજી આવશે. ઠીક છે એની ઉમર છે મજા કરવાની એટલે હું આજ સુંધી હું ક્યારેય એને બોલ્યો નથી પણ લગન તો મારી મરજીની છોકરીની સાથે જ કરવા પડશે.”


“કોણે?” વિરલ હસીને બોલી પડ્યો, બધાએ એની સામે જોયું એટલે એણે, “સોરી” કહી દીધું.


વસંતભાઈએ ફરી પોતાની વાત આગળ વધારી, “એને લફડા જેની સાથે કરવા હોય એની સાથે કરે પણ ઘરમાં વહુ તો સારી, સંસ્કારી જ જોઈએ. અમારી આગળ ટૂંકા ટૂંકા સ્કર્ટ અને બંડી પહેરીને ફરે એવી વહુ અમારી મર્યાદા શું જાળવવાની?”


“એવું નથી કાકા. કોઈ છોકરીના કપડા ઉપરથી એની ખાનદાનીનું માપ કેવી રીતે નીકળી શકે? હોઈ શકે એ છોકરી મોર્ડન હોય પણ સ્વભાવની બહુ સારી હોય.” જયાએ ફરીથી સમજાવી જોયું.


“તું આ વાતે ખોટી છે જયા. કાકા કહે છે એ એકાદામ સાચી વાત છે.” બધા નવાઈથી વિરલ સામે જોઈ રહ્યાં. એ આ શું કહી રહ્યો હતો. એ અહી ધવલના પપ્પાને સમજાવી એના લગ્ન સલોની સાથે પાકા કરાવવા આવેલો કે સંબંધ તોડવા. ધવલ આંખો ફાડીને વિરલ સામે જોઈ રહેલો એ જોઈ હસીને વિરલે ફરી વાત શરુ કરી,


“વહુ તો એવી જોઈએ જે સસરાને જોઇને જ માથે સાડીનો છેડો નાખી લે. સાસુનની જીભ ફરે અને એના પગ ફરે, છતાં કદી કોઈ ફરિયાદ ના કરે. અરે ઘરની વહુ એટલે મોટાને માન અને નાનાને પ્રેમ આપે એવી જોઈએ.”


જયા અમારે મોડું થાય છે પછી આવીશું કહીને વિરલને બહાર ખેંચી ગયેલી. એમની પાછળ જ ધવલ અને આયુષ પણ ગયેલા. આયુષ વિરલે જે કંઈ કહ્યું એનાથી ઘણો પ્રભાવિત થયેલો એણે કહ્યું,


“ઓયે બીડું આજે તે એકદમ સાચી વાત કરી. ઘરાકી બહુ તો એવી જ હોવી જોઈએ. મેરી મમ્મીભી તો વહી કહેતી હેં. સારું છે મને કોઈ કુડી જોડે પ્રેમ્નાથી થયો. હું તો મારી કહેશે એની જોડે જ શાદી કરીશ.”


“સાલા લુખ્ખાઓ! તમે તે મારા મિત્રો છો કે દુશ્મન. તમારા જેવા દોસ્ત હોય પછી દુશ્મનોની શી જરૂર? એક કામ કરો મને મારી નાખો પછી આવજો મારા બારમાના લાડુ ખાવા.” ધવલે પિત્તો ગુમાવ્યો હતો.


“ચુપ કર બે. તું સમજતો નથી. તારા બાપા જીદ પર આવી ગયા છે. જેટલી તું એમની સામે દલીલો કરીશ એટલી જ એમની જીદ અને સલોની તરફની નફરત વધતી જશે. કાલે તું એની સાથે લગ્ન કરી લઈશ તો પણ એ દિલથી ક્યારેય એ સંબંધ નહિ અપનાવે. એટલે જ મેં એમના પક્ષે દલીલ કરી.” વિરલની વાત બધાના ગળે ઉતરી પણ પ્રશ્ન હજી ત્યાનો ત્યાં જ હતો, આગળ શું?


“હું તને એક રસ્તો બતાવું.” વિરલે ધવલને જે કહ્યું એ સાંભળીને ધવલે એના ગાલ પર એક કિસ કરી લીધી અને એને ભેંટી પડ્યો.

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Heena Suchak 1 માસ પહેલા

Verified icon

Sweta Desai Patel 3 માસ પહેલા

Verified icon

Nimavat Bhargavbhai 4 માસ પહેલા

Verified icon

Balkrishna patel 4 માસ પહેલા

Verified icon

Dinaz S 4 માસ પહેલા