રામાપીરનો ઘોડો - ૧૮

આ દુનિયાની સૌથી સુંદર અને સૌથી વિચિત્ર જો કોઇ લાગણી હોય તો, મારા મતે એ પ્રેમ છે! સાચો પ્રેમ માણસમાં ગજબનો બદલાવ લાવે છે! ભલભલા બુરા માણસોને એ સારો બનાવી દે છે, ઈશ્વર અને નસીબ જેવી વાતોમાં વિશ્વાસ કરતી દે છે!  


છેલ્લા પાંચ વરસમાં વિરલ ઘણો બદલાઇ ગયો હતો. રખડપટ્ટી અને મોજમસ્તીને જ જીવનનું કેન્દ્રબિંદુ સમજનાર વિરલ કોલેજ પુરી થયા પછી એના પપ્પા પાસે એક સ્કિમ લઈને ગયેલો. એક ન​વી, ફાસ્ટફૂડ માટેની જ ખાસ એવી વૈભવી હોટેલ ખોલ​વાની એ સ્કિમ હતી. એણે બે જગ્યા પણ જોઈ રાખી હતી જે એ એના પપ્પાને બતાવીને એમનો અભિપ્રાય લેવા માંગતો હતો.


“આટલી બધી શું ઉતાવળ આવી છે તને? હજી હાલ તો તારી કોલેજ પુરી થ​ઈ. જા.. દોસ્તો સાથે ફરી આવ ક્યાંય, એકાદ વરસ વિદેશ રહી આવ. ત્યાંની લાઇફસ્ટાઇલ તો તને પહેલાથી ગમે છેને? પેલુ શું કો તમે લોકો? હા, કૂ...લ! જા, જા ફરીલે હજી. તારે ધંધો ઉભો કર​વાની ચિંતા કર​વાની જરુર નથી, આ તારો બાપ બેઠો છે હજી, સમજ્યો? તું પાછો આવીશ ત્યારે તારા માટે એક આલીશાન રેસ્ટોરાં તૈયાર હશે. બોલ ક્યાંની ટિકિટ કઢાવું?”


વિરલના પપ્પાએ દીકરાને પ્રેમથી સમજાવેલું. એમના મતે એકવાર ધંધો શરૂ થઈ ગયા પછી જવાબદારી એવી આવી પડે કે પછી નિરાંતે હરવા ફરવાનો મોકો જ ના મળે...તો છોને છોકરો અત્યારે થોડી મોજ મજા કરી લેતો.


“નહિં ડેડ, મારી ક્યાંય જ​વાની ઇચ્છા નથી. એમ થાય છે કે ઘણું ફરી લીધું, હ​વે કં​ઈક કમાતા પણ શીખ​વું જોઇએ.”


બાપડો વિરલ ઈશ્કનો મરીજ હતો. કેવી રીતે કહે એના પપ્પાને એના મનની મુંઝવણ! દિવસતો ઠીક છે ગમે તે કોઈ કામમાં વ્યતીત થઇ જતો પણ રાત? લાંબી લાંબી કાળી રાત એને ઝંપવા નહતી દેતી. યુવાન છોકરાના શું શું અરમાન ના હોય? રાત ભાર એ જયાના સપના જાગતી આંખોએ જોતો અને સુઈ જાય ત્યારે એ સપના હકીકતનું રૂપ લઇ લેતા. વિરલને થતું બસ આખો દિવસ ઊંઘ્યા જ કરું, સપનામાં તો મુલાકાત થશેને! સવારે ઉઠતો ત્યારે એના હાથમાં તકિયો જોતો. પલંગની ચોળાયેલી ચાદર જોઈ એને ફરીવાર રાતનું સપનું યાદ આવી જતું અને એ સપનાને સાચું કરવાની ઈચ્છા જોર કરી જતી. હમણા હમણાથી તો એ ધવલને પણ નહતો મળતો. ધવલને એની પ્રેમિકા સાથે જોઈ એને જયાની યાદ તીવ્રપણે આવી જતી. ક્યારેક થતું કે ખાલી એણેજ પ્રેમ કર્યો છે, જયાએ નહિ! જો એ પણ પોતાને આટલો પ્રેમ કરતી હોત તો આટલી આકરી શરત જ ના રાખત! પાંચ વરસ કંઈ ઓછોસમય છે? ઉદાસી મનમાં ઓઢીને એ સુઈ જતો ત્યારે સપનામાં જયા એને ઇનકાર કરતી દેખાતી. ક્યારેક એના દાદા તો ક્યારેક એના પપ્પા એને મજબુર કરતાં અને જયા એને ચાલ્યા જવાનું કહી દેતી! એક જબકા સાથે એવી પળે વિરલ જાગી જતો અને બાકીની આખી રાત પછી જાગતા જ પસાર થતી. એ રાતો ખરેખર ખુબ લાંબી, ખુબ કાળી બની જતી…


“અરે વાહ! એટલેકે મારો બેટો હ​વે ધંધામાં પગ મુક​વા થનગની રહ્યો છે એમ જ ને? તો પછી હોટેલ શું કર​વા મારી ઓફિસમાં જ આવી જાને. ધીરે ધીરે કામ શીખતો જજે, તારા ઉપર બહું વર્ક લોડ પણ નહી હોય, આરામથી કામ કરજે.”


“હા, તમારી સાથે કામ કરીશ પણ હાલ નહીં, હાલ તો આ તમે જોઇ લો.” વિરલે એની સ્કિમના કાગળીયા એના પપાની સામે ટિપોય પર મુક્યાં.


“વાહ! સરસ ડિઝાઇન છે! આખો કોન્સેપ્ટ સુપર છે! ડન, આ ડુમસ રોડ વાળી જગા ખરીદી લે. તું કહે તો ત્યાં કામ ચાલું કરાવી દ​વ, બે મહિનામાં તારી હોટેલ તૈયાર થ​ઈ જશે. કે પછી આ પ્લાન જેણે બનાવ્યો એની સાથે મળીને કામ કરાવ​વું છે?” વિરલના પાપાએ એણે પૂરો છૂટો દોર આપતા પૂછેલું.


“કોઇની સાથે પાર્ટનરશિપ નથી. આ આખો પલાન મારો છે, ઇન્ટેરનેટની મદદ લ​ઈને બનાવ્યો.”


“અરે વાહ! ખરેખર ખુબ સરસ કામ કર્યું છે! તારે મને બે મહિના તો આપવા જ પડે. થોડું કામ છે અત્યારે હાથ ઉપર એમાંથી નવરો પડું  ત્યાં સુંધી તું ફરી આવ.”


“મારે ક્યાંય નથી જ​વુ પપ્પા! કેટલીવાર કહું?” વાતે વાતે હસી નાખતો વિરલ હવે તરત જ ચીઢ કરતો થઇ ગયેલો, પ્યારની સાઈડ ઈફેક્ટ આવી પણ હોઈ શકે!


“વાત શું છે વિરલ? તું ઉદાસ કેમ લાગે છે? કોઇ છોકરીનું ચક્કર તો નથીને?”


“ના ના, એવુ કાંઇ નથી."


“સાચુ બોલે છે ને? જો કોઇ ગમતી હોય તો કહી દેજે મને કે તારી મમ્મીને કોઇ વાંધો નહી હોય. મારા દીકરાની પસંદ જેવી તેવી તો નહીંજ હોય!” વિરલના પપ્પાએ વિરલને ખભે હાથ મુકીને કહેલુ. વિરલની આંખોમાં એ વખતે જયાનો ચહેરો તર​વરી ઉઠેલો.


એ તો ફક્ત શરીર હતુ જે જયાને ત્યાં છોડીને આવેલું, મન તો જયા સાથે વિંટળાઇને એનેય સાથે જ લ​ઈ આવેલું. દિવસ-રાત જયા એની સાથે જ તો હતી. ક​ઈ એક એવી પળ હતી જ્યારે જયાને એની આસપાસ એણે મહેસુસ ના કરી હોય? એક પણ નહીં. વિરલથી જયાની સંઘર્ષ કથા છુપી ન હતી અને એનોજ એને વિરોધ હતો. શું જરુર છે જયાને આટલી તકલીફ વેઠ​વાની? જ્યારે એ એનું સર્વસ્વ એના ઉપર ન્યોછાવર કર​વા તૈયાર હતો? જયા સાથે એ વાત કરત તો, આ બધું એને સમજાવ​વાની કોશીશ એનાથી થઈ જ જાત અને એ એને કર​વુ ન હતું. પાંચ વરસ એણે ચુપ રહેવાનું હતું એટલે જ એ ચુપ હતો, ફોન પણ નહતો કરતો. જયાના લાંબા મેસેજ આવતા એ બધા એ વાંચતો,  ચારવાર પાંચવાર કેટલીયવાર વાંચતો! કેટલાકમાં એને ઉઠાવેલું કદમ સારું લાગતુ તો એ એને વધામણી આપતો, જો ના ગમે તો ચુપ રહેતો, રીપ્લાય ના કરતો.


જયા એનું સર્વસ્વ હતી. એ જે માગત એ એને આપી દેવા વિરલ તૈયાર હતો. રૂપિયા પૈસા બધું પ્રેમ આગળ તુચ્છ લાગતું એને....પણ, જયાએ માંગી માંગીને એનાથી દુરી માંગી હતી! પૂરા પાંચ વરસની દૂરી અને એ પણ શેને માટે...એકલા સંઘર્ષ કરવા માટે? એણે જો વિરલનો સાથ લીધો હોત, એના આઈડિયા પર વિચાર્યું હોત તો પાંચ વરસમાં તો એ ક્યાંની ક્યાં પહોંચી ગઈ હોત! એણે વિરલથી દૂર રહી એકલાં એકલાં બધી તકલીફ વેઠવાનો નિર્ણય લીધો એની સામે વિરલને વાંધો હતો. એ ચૂપ હતો કેમકે એ જયાને ખોવા નહતો માંગતો પણ એનાથી એની તકલીફ પણ સહન નહતી થતી....એટલે જ એ ભણવામાં અને એ પછી  કામમાં પોતાની જાતને ડુબાડી રાખવા માંગતો હતો.


વિરલની હોટલ વરસમાંતો જામી ગ​ઈ હતી. પિઝ્ઝા અને અવન​વી ડિઝાઇનવાળી ,ન​વા ન​વા ફ્લેવરવાળી ચોકલેટ લોકોને ખુબ પસંદ આવી રહી હતી. એને ત્યાં હળ​વા સંગીત સાથે લોકો ડાન્સ કરી શકે એવી પણ વ્ય​વ્સ્થા હતી. સાંજ ઢળતાજ એને ત્યાં ભીડ જામવા લાગતી. વિરલને પિઝ્ઝા માટે સારું નહીં ખુબ જ સારુ ‘ચિઝ’ જોઇતું હતું. અલગ અલગ ફ્લેવરવાળું, એ હજી જોઇએ એવું  મળ્યું ન હતુ. એ વિચારતો કે જો જયા ચિઝ બનાવ​વાનુ ચાલું કરે તો.... ના હું એને હમણા કોઇ સલાહ નહી આપુ! એનુ મન ના પાડતું અને એ જયા સાથે વાત ના કરતો.


કેટલું અજીબ છે ને, બે વ્યક્તિઓ જયારે એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હોય, સતત એકબીજા વિષે વિચારતાં હોય ત્યારે જાણે અજાણે એમના વિચારો પણ એક જેવા જ થઇ જાય છે! અહી જયા જે વિચારતી હતી એજ વિરલ પણ વિચારતો હતો, બંને ચીજ બનાવવાની અવનવી રીત અને ટેકનીક જોતા એના વિષે સર્ચ કરતાં. જયાના મનમાં પણ ઊંડે ઊંડે હતું કે સરત જેવા શહેરમાં ચીજ ધૂમ વેચાશે જો વિરલ ધારે તો એમાં આગળ કંઈક નવો પ્રયોગ કરી શકે, વિરલે ખરેખર એ પ્રયોગ કર્યો હતો. એણે પોતાની રેસ્ટોરાં ખોલેલી જે ખુબ સરસ રીતે ચાલતી હતી. વિરલ વિચારતો હતો કે જયાએ હવે ફક્ત છાછ બનાવવાને બદલે ચીજ જેવી વસ્તુ બનાવવી જોઈએ, એમાંથી સારું એવું વળતર મળી રહે અને એ જ કામ જયાએ એની મેળે જ ચાલું કરી દીધેલું!


પાંચ વરસ પુરા થ​ઈ ગયા એ પછીની એક એક મિનિટે એની નજર ફોન ચેક કરતી. રિંગ વાગે તો તરત એ સ્ક્રીન ઉપર નામ જોતો. જયા સિવાય કોઇ સાથે એને વાત ન હતી કરવી છતાં, કર​વી પડતી! એક આખો દિવસ પસાર થ​ઈ ગયો. જયાનો ફોન ના આવ્યો. વિરલ ખુબજ અકળાઇ ગયો. એને થયું કે ફક્ત એણેજ પ્રેમ કર્યો છે, જયાએ નહી! છેલા બે દિવસથી એનો કોઇ મેસેજ પણ નહતો.


“વિરલ. બેટા કોઇ તકલીફ છે તને, તું રડું રડું કેમ લાગે છે? ” વિરલની મમ્મીએ દીકરાને વિહ્વળ દશામાં ફરતો જોઇને પુછેલું.


“કંઇ નહી મમ. મને એક વાત સમજાતી નથી કે તમને સ્ત્રીઓને આખરે જોઇએ છે શું? જો તમારો ઘર​વાળો સારું એવું કમાઇ લેતો હોય, ઘરમાં પૈસાની રેલમછેલ હોય તોય તમને લોકોને બહાર જ​ઈને કામ કર​વાનું કેમ ગમે છે?” વિરલ એની અકળામણમાં બોલી ગયો.


“વિરલ..? તું આવું વિચારે છે? અહિં આવ મારી પાસે બેસ.” વિરલ આવીને એની મમ્મીની બાજુમા સોફા પર બેઠો.


“તને શું લાગે છે અમે સ્ત્રીઓ એટલે અમારી કોઇ ઇચ્છા ના હોય? અમારે બસ, જો ઘરમાં તંગી હોય તો જ કમાવા જવાનું? કમાવું એ અમારી મજબુરી જ હોવી જોઇએ , શોખ ના હોઇ શકે? તમે પુરુષો જો સારું  કમાતા હોવ તો અમારે ઘરમાં એક સજાવેલી ઢિંગલીની માફક બેસીજ રહેવાનું? અને તમે લોકો જો એવીજ પત્ની ઇચ્છતા હો તો પછી એ વાત લગ્ન પહેલાથી જ નક્કી કરી લેવી જોઇએ. એક ન​વી સાડી કે ન​વા ઘરેણાં જોઇને ખુશ થ​ઈને બેસી રહે એવી છોકરી તમને ક્યાંક ને ક્યાંક ચોક્કસ મળી જશે, તમારે  અમારા જેવી, પોતાના પગ પર ઉભી થ​વા ઇચ્છતી, સ્વાભીમાની છોકરીઓથી દુર જ રહેવું જોઇએ.” નમીતાબેન આવેશમા બોલી રહ્યાં.


“તારા ડેડી સારું કમાય જ છે, તો મારે તને તારા નાનાને ઘેર કે એકલો મુકીને આ હોસ્પિટલ ઉભી કર​વાની ક્યાં જરુર હતી. જો તારા ડેડી પણ તારા જેવું જ  વિચારતા હોતને હું આટલી ખુશ ના હોત! મારી બુધ્ધીમતા મને રસોડામાં ગુંગળાઇ નાખત. મનમાંને મનમાં હું ધુંધ​વાતી હોત ને મારો એ ઉભરો ઠાલ​વવાનું સૌથી આસાન સાધન તું હોત! રોજ તને વગર વાંકે વઢ ખાવી પડત. રોજ ઘરે ઝઘડા થતા હોત. તું મારો દીકરો થઈને આવું વિચારીજ ક​ઈ રીતે શકે?” નમીતાબેન ખરેખર ગુસ્સે થ​ઈ ગયા.


“સોરી મમ! મારો તારા તરફ ઇશારો ન હતો હું તો બસ એમ જ,”


“કોણ છે એ છોકરી, હેં? અને જો તમારા વચ્ચે આ બાબતને લ​ઈને ઝઘડો ચાલતો હોયને તો ભુલ તારી છે!”


“લે, અત્યારથીજ વહુનો પક્ષ લેવાનો?” વિરલના મનમાં એની મમ્મીએ પોતાનો પક્ષ લીધો એ જોઈ મલકાતી જયાની છવી રમી રહી. એ પણ મલકાઈ રહ્યો.


“એટલેકે ખરેખર કોઇ છે! ચાલ મારી વાત કરાવ એની સાથે.”


“કરાવીશ.... પણ હાલ નહીં. મારે થોડું કામ છે, રાતના મારે ઘરે આવતા મોડું  થશે, ચિંતા ના કરતા.”


“પેલી છોકરીને મળ​વા જાય છેને?” નમીતાબેને હસીને પુછ્યું, વિરલ શરમાઇને જતો રહ્યો.


જયાએ જોયુ કે વિરલનો ફોન છે એનું દિલ એક અજબ સંવેદના અનુભ​વી રહ્યુ. શું કહેશે એ? પોતે શું કહેશે એને? એનું દિલ એને પોતાને સંભળાય એટલા જોરથી ધડકી રહ્યું હતું. એણે કોલ લીધો પણ, કંઇ બોલી નહી, બોલી શકાયું નહીં! હોઠ ફફડાવ્યા પણ અવાજ જ ન નીકળ્યો. સામેથી અવાજ આવ્યો, “હલો”


“વિરલ....વિરલ...!” એ ખુબજ ધીરેથી બે વખત આટલુજ બોલી શકી.


સામે છેડે વિરલનીય કંઇક આવીજ સ્થિતિ હતી. આટલા વખતથી જયાએ  ફોન નહતો કર્યો, પાંચ વરસ પુરા થઈ ગયા તોય એક ફોન પણ નહી! વિરલને જયા સાથે ઝઘડો કર​વો હતો. પણ એના મોંઢે પોતાનુ નામ સાંભળતાજ વિરલ ઠંડો પડી ગયો.


“ફોન મુક.”


“હેં..? શું થયું? તું નારાજ છે મારાથી?” જયાને નવાઈ લાગી. આવું હર વખતે એજ બોલતી. વિરલ ક્યારેય નહતો કહેતો કે ફોન મુક! એ તો હંમેશા એની સાથે વાત કરવા તૈયાર જ હોતો. તો, આજે? એક પળમાં જયાના મનમાં આટલા બધા વિચારો આવી ગયા.


“ફોન, મુક અને પાછળ ફર.” વિરલે શાંતિથી કહ્યું.


જયા ફટાક કરતી પાછળ ફરી ત્યાં વિરલ ઉભો હતો.... પાંચ વરસે, આજે જયા વિરલને જોતી હતી. શરીર થોડું ભરાયું હતું, ચહેરા પરની ઝીણી રુંવાટી ગાયબ હતી. ક્લીન સેવ ચહેરામા એ વધારે સુંદર લાગતો હતો. એની આંખો એની એજ હતી...લાંબી, કાળી, સ્વપ્નિલ આંખો! જેમાં જયાને હંમેશા એના માટેનો અઢળક પ્રેમ જ દેખાયો હતો…


વિરલ જયાને જોઇને છક થ​ઈ ગયેલો. એક વખતની ભોળી પારેવડા જેવી લાગતી જયા અત્યારે પુર્ણ વિકસિત યુવતી બની ગ​ઈ હતી. આજે એણે ઘાટા મહેંદી કલરની, શિફોન સાડી પહેરી હતી. એના શરીરના વળાંકો અદભુત હતા. એનો ચહેરો વધારે રતુંબડો થયો હતો. એનો ખભેથી સરકીને આગળ આવી ગયેલો ચોટલો ઢીંચણ સુધી પહોંચવા આવેલો. એનીય આંખો એનીએજ હતી....લાંબી પાંપણોવાળી બદામી કલરની, બદામ આકારનીઆંખો!


જયા જાણે કોઇ સંમોહનમાં હોય એમ ધીમા પગલે ચાલીને વિરલ પાસે ગ​ઈ. એની નજર જાણે વિરલના ચહેરા પરથી પલક જબકાવ​વાય હટતી ન હતી.


“છેક વાપી સુંધી આવીનેય મને મળ્યા વગર પાછી જાય છે, વાહ! જયા તું બદલાઇ ગ​ઈ છે.” વિરલનો અવાજ તરડાયો.


જયાના મોં ઉપર એક હલકું સ્મિત આવ્યું. વિરલની સામે ઊભા રહી, એની આંખોમાં આંખો પરોવી, એનો હાથ વિરલના ગાલ પર મુકીને જયાએ એકદમ ધીમેથી કહ્યું,


“મેં તને બહું તકલીફ આપીછે! મારા સપના પુરા કરવાની લાયમાં હું તને સતત અવગણતી રહી કેમકે... મારી જ હિંમત નહતી થતી. તું જો એક​વાર કહી દેત કે જયા હું તારા વગર નથી રહી શકતો તો હું મારી જાતને રોકી ના શકત, તારાથી દૂર રહેવું મુશ્કેલ થઈ જાત. તે મારી હરેક જીદ માની, એકલો રહ્યો, કેટલીયે રાતો તે મારી યાદમાં જાગતા જ પસાર કરી હશે. એ બધાનો બદલો હું ક્યારેય નહી વાળી શકું." થોડીવાર અટકીને એણે કહ્યું, “આઇ લ​વ યુ વિરલ! ” જયાની આંખો વરસી પડી.


જે ત્રણ જાદુઇ શબ્દો જયાને મોં એ સાંભળ​વા વિરલ માર્યો માર્યો ફરતો હતો એ આજે, આમ આટલી સહજતાથી બોલાતા સાંભળી વિરલને તો સાતે કોઠે દિવા થ​ઈ ગયા . પોતાની સાવ નજીક ઉભેલી જયાની કમરે પોતાના હાથ લપેટી, એક હળ​વા ધક્કા સાથે એણે જયાને પોતાના બાહુપાશમાં જકડી લીધી. વિરલના હોઠ જયાને કપાળે અડતા હતા. વિરલે ત્યાં બે-ત્રણ ચુમી ભરી.


આજ વખતે જયાની સાથે આવેલા કાનજીભાઇ જયાની ઓફિસમાં પ્ર​વેશ​વા જતા હતા. આ બેઉને એકબીજામાં મગ્ન જોઇને એ બહાર જતા રહ્યાં અને જાણે હાલ આવતા હોય એમ દર​વાજાથી થોડે દુર રહીને બુમ મારી, “ જયા.... ગાડી તૈયાર છે.”


પપ્પાનો અવાજ સાંભળતા જ બન્ને જણા જાણે કરંટ લાગયો હોય એમ એકબીજાથી દુર થ​ઈ ગયા. જાણે કંઇના જોયુ હોય એમ કાનજીભાઇએ વિરલને જોઇને પુછ્યું, “તું ક્યારે આવ્યો દીકરા?”


“બસ, હાલ જ. તમે કેમ છો?” વિરલ એમને પગે લાગતા બોલ્યો.


“બધું અહીંજ પુછી લઇશ કે ઘરે બોલાવીને તારા માબાપનેય મળાવીશ?” કાનજીભાઇએ હસીને કહ્યું.


“ચાલો અત્યારેજ લ​ઈ જાઉ. મમ્મી પણ ઘરેજ છે પપ્પાને કોલ કરી દ​ઉં છું એ આવી જશે.”


“પણ પપ્પા, આમ અચાનક કોઇના ઘરે?” જયાએ એના પપ્પાને ટોક્યા.


“કેટલાક કામ અચાનક કરીયે તો જ સારા થાય! વિરલ તું તારી ગાડી આગળ લે અમારો ડ્રાઇવર તારી પાછળ આવશે.”


“જી અંકલ!” વિરલ અતિઉત્સાહમાં ભાગયો. એને તો બગાસું ખાતા પતાસું મળ્યું જેવો ઘાટ હતો. એને એના એક મિત્ર એ જાણ કરેલી કે જયાને એણે આજે એના વાપીના કારખાને જોયેલી એટલે એતો જયા સાથે ઝઘડ​વાં જ ખાસ આવેલો, જ્યારે અહીં તો...


કાનજીભાઇ અને વિરલના માતા-પિતા એકબીજાને મળ્યા. થોડી આડી અવળી ને પછી મુદ્દાની વાત થ​ઈ. જયા-વિરલના લગ્નની. બન્ને પક્ષે કોઇને કંઇ વાંધો ન હતો. હ​વે બસ, મુહરત જોઇને સગાઇ અને લગ્નની તારીખ નક્કી કર​વાની હતી.


ઘરે પાછા ફરતા બાપાએ કાનજીભાઇનો ઉધડો લીધેલો પણ એ ટસ ના મસ ના થયા. “મારી દીકરીનું સગપણ પાકું કરવાનો મને પુરો હક છે. જેને એ મનથી વરી ચુકી છે એજ એનો પતિ થશે અને આ નિર્ણયમાં કોઇ ફેરફાર નહીં થાય. છોકરીએ એક હરફય બોલ્યા વગર આજ સુંધી આપણે જે કહ્યું એ કર્યુ છે અને આપણે માવતર થ​ઈને જો એની ખુશી ના સમજીયે તો કોણ સમજશે? વાત રહી સમાજ કે નાત જાતની તો કહી દઉં એ બધાં વાળા આપણે ઊભા કર્યા છે, ભગવાને તો દરેક માણસને સરખો જ ઘડ્યો છે, લોકો શું કહેશે એ વિચારવા કરતાં મારી દીકરીની ખુશી શેમાં છે એ વિચારવાનું હું વધારે પસંદ કરીશ.”


એ રાતે જયા એના પપ્પાની પાસે જ​ઈને નાની બાળકીની જેમ રડી પડેલી. જાણે, હાલ જ એ વિદાય થ​વાની હોય એમ માબાપ અને દીકરી ત્રણેય સાથે રડ્યા હતા! કાનજીએ અને જયાની મમ્મીએ જયાને સમજાવીને માંડ છાની રાખેલી.


છેલ્લે કાનજીએ કંઇ વાત કરતા કહ્યુ કે, “જીવનમાં બસ એક જ ઈચ્છા અધૂરી રહી ગઈ! મારી દીકરીને હું એની પસંદનું ઘર ના અપાવી શક્યો! યાદ છે લાલી, પેલુ રામાપીરના ઘોડાવાળુ ઘર?”


“મને બરોબર યાદ છે પપ્પા અને એ ઘર લેવાનું સપનુ તો આપણું હતુને! એ ઘર હું જરુર ખરીદીશ.”

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Raashi 1 માસ પહેલા

Verified icon

Heena Suchak 2 માસ પહેલા

Verified icon

shethkomal82@gmail.com 5 માસ પહેલા

Verified icon

Sweta Desai Patel 3 માસ પહેલા

Verified icon

Nimavat Bhargavbhai 4 માસ પહેલા