રામાપીરનો ઘોડો - ૧૬


 “તમે ભાઇ ક​ઈ નાતના?”


રાતના વાળું પતાવીને બધા છોકરાઓ આંગણામાં ઢાળેલા ઢોલીયા પર બેઠા બેઠા હસી મજાક કરી રહ્યા હતા ત્યારે જયાના બાપાએ આવીને રંગમાં ભંગ પાડતો સવાલ પૂછ્યો. એ વિરલને પૂછતા હતા. 


 “હેં..? શું કહ્યું?” વિરલની સમજમાં પહેલાતો ના આવ્યું કે બુઢાઉ શું બોલ્યા. આજદિન સુંધી કોઇએ એને આવો સ​વાલ ગુજરાતીમાં તો નહતો જ ર્યો!


“વિરલ એ તારી કાસ્ટ વિશે પુછે છે.” ધ​વલે થોડા કચવાઇને કહ્યું. એને આ નાત જાતના વાડામાંથી બહાર નિકળવું  હતું ને આ, એના અભણ ગામ​વાળા હજી એમાથી બહાર આવ​વા જ નહોતા માંગતા. ધ​વલે મનોમન નક્કી કર્યુ કે જો બાપા વિરલને ખોટું લાગે એવુ કંઇ પણ બોલ્યા તો એ ચુપ નહી રહે. 


       

વિરલ એની આદત મુજબ હસ્યો, એ ઊભો થયો, બે કદમ ચાલીને જયાના બાપાની એકદમ સામે જ​ઈને ઉભો રહ્યો અને બોલ્યો,


“મને આવો સ​વાલ કરવાનું કોઇ ખાસ કારણ, વડીલ? આના કરતા કોઈ સારો સવાલ પૂછીને આપણે વાત શરુ ના કરી શકીએ? તમે એમ પુછોને કે હું માણસ કેવો છું? વ્યસન કરુછું કે નહીં? સ્ત્રીઓને સમ્માન આપુ છું કે નહીં? જુઠ્ઠું કેટલુ બોલુ છું? ચાલો બીજુ કંઈ ન​ઈ તો હું ભણ​વામાં કેવો છું, આગળ ભવિષ્યનો શો વિચાર કર્યો છે? વગેરે, વગેરે. મારી જાત મારા જનમને આધારે છે અને એ વખતે મને ભગવાને પણ નહતું પૂછ્યું કે મારે કઈ નાતમાં, કોને ઘરે જનમવું છે!” જાણે અત્યારેજ બધા પ્રશ્નો હલ કરીને જયા સાથે પરણી જવું હોય એમ વિરલ એકધારું આટલું બધું હિંમતથી બોલી ગયો.


હ​વે સ્તબ્ધ થ​વાનો વારો બાપાનો હતો. આજ સુંધી આ સવાલ એમણે, એમની જિંદગીમાં હજારોવાર બીજા લોકોને કરેલો પણ, આજ સુંધી કોઇએ એમને સામે આવો સ​વાલ નહતો પુછ્યો.


“ચાલાક છે! બહાદુર, નીડરય ખરો  પણ, આહિર નથી!” જયાના બાપા વિરલનો ખભો થપથપાવી ચાલ્યા ગયા.


 “યે દાલ ઇતની જલદી ગલનેવાલી નહિં હે બીડું! હેં ભગવાન જો તું ક્યાંય બેઠો બેઠો મને સાંભળતો હોય તો આજે મારી એક ઈચ્છા પૂરી કરી દે, જયાના આ બુઢાંઉને ઉઠાવી લે પ્રભુ! એનું રામનામ સત્ય બોલાવી દે!” આયુષે એક હાથ વિરલના ખભે મુક્યો અને બીજા હાથે આકાશ તરફ આંગળી ચીંધી બુમ પાડી.


“આમીન.” ધવલે ધીરેથી કહ્યું અને ત્રણેય જણા એકબીજાને ભેટીને હસી પડ્યા.


“વાણિયાનો દીકરો છે, એ. વૈષ્ણ​વ વાણિયા! સુરત રહે છે. આપણે સ્વપ્નમાં પણ ના વિચાર્યું હોયને એટલું સુંદર ઘર છે એનું. સફેદ, આ ભુરીના દુધથીયે સફેદ, મહેલ જેવું!  વીસ પગથીયા ચડીને ઉપર જાવ ત્યારે તો એના ઘરનો દર​વાજો આવે. ઘરની બહાર ઇશાન ખુણામાં એમનું  અલાયદુ મંદીર છે એય સફેદ! તાપીને કિનારે એણે સ્વર્ગ સજાવ્યું છે!” ઘરનાં વાડાનાં એક ખુણે ભુરી ગાયને પસ​વારતી જયાએ બાપાને એ બાજુથી આવતા જોઇને જ​વાબ આપેલો. વિરલ સાથેની બધી વાતચીત એણે અહીં જ ઊભા ઊભા સાંભળી હતી.


“સ​વાલ વીરલ ને કર્યોતો ને જ​વાબ તું આપે! આ ખરું!” બાપાએ જયા સામે જોતા કહ્યુ, “ઇ જ્યારે જમતો’તો ને ત્યારેજ મુને ખબર પડી જયેલી. વાણિયાનો દીકરો અન્નનો બગાડ નો કરે! જોઇએ એટલુજ ઇ લેતો, નાના કોળીયા ભરી, ચાવીને શોંતિથી ખાતો’તો ઇ. એના આ સંસકાર ઇને વારસામાં મળ્યા હશે. હું કોય તારો દુશમન નથ છોડી. એના રુપાળા, સફેદ ઘરમાં કદાચ તારો હમાવેહ થૈ જાહે પણ તારો આ દાદો? જો ને મારું તો ધોતીયુંય ધુળવાળું સ! એમના ઘરમો મું પગ મેલુ તો ઘર ગંધાતુ થૈ જાહે!” બાપા જાણે આ બધુ એમની આંખોથી હાલ જ જોતા હોય એમ બોલીને હસી પડ્યા. પછી ગંભીર થ​ઈને કહ્યું, “બીજાનો મહેલ જોઇને આપણી ઝૂંપડી બાળી નો મેલાય! હગુ હરખે હરખામાં થાય તો હરખ રહે, બાકી પરેમનો નશો વરહ બે વરહ!” 


બાપા ચાલી ગયા ને જયાને વિચારતી કરી ગયા. એ આખી રાત જયાને ઊંઘ ના આવી. વિરલને એ ‘ના’ કહી શકે એમ ન હતી. પ્રેમ તો હતો એ ઉપરાંત એણે જે કાંઈ કર્યુ હતું જયા માટે એ ભુલી જાય એટલી એ નગુણી ન હતી. તો, સમાનતા! વિરલની અને એની નાત અલગ હતી. એમાં એ કંઇ કરી શકે એમ નહતી, એ તો જે ભગ​વાને આપ્યુ એ ખરું! પણ, સામાજીક દરજ્જો કે પૈસા? આમાયે વિરલ એના કરતા ક્યાંય આગળ હતો. ગર્ભશ્રીમંત! જયાએ આજ સુંધી આ શબ્દ ખાલી ગુજરાતીની ચોપડીમાં જોયો હતો, સાચુકલો આવો માણસતો હવે જોયો હતો એય જો સુરત જ​વાનું ના થયું હોત તો ના બન્યું હોત. એ રાતે, જ્યારે એ ભાગી રહી હતી ગુંડાઓથી બચીને, ની:સહાય, બિચારી, ડરેલી જયા! ત્યારે જો વિરલે એની મદદ ના કરી હોત તો? પેલા મયંકનું મોઢું યાદ આવતાજ જયાના હાથની મુઠીઓ વળાઇ ગ​ઈ. બે ઘડી એ પડી રહી, પડખું બદલ્યું. પડખું બદલતાંજ વિચારેય બદલાયો. એને કંઇક યાદ આવ્યું…


જયા ભુજથી જુનાગઢ આવી રહી હતી એ રાતની એક વાત. ટ્રકના પાછળના ભાગમાં એની મમ્મીના ખોળામાં માથુ રાખી એ સુતી હતી ત્યારે એણે એક સપનું જોયું હતું. એ જ સપનું અત્યારે ફરીથી જયા ખુલ્લી આંખોથી જોઇ રહી. પેલું ઘર દેખાયું, કાચની મોટી, ગોળ બારી વાળું, એમાંથી ડોકીયા કરતો રામાપીરનો ઘોડો, ઉપર એ બારીમાં જઈને ઉભેલી જયા, એ ત્યાં ઊભી ઊભી નીચે બગીચામાં જોતી હતી. ત્યાં એક યુવાન એક નાનકડા ટેણિયાને એજ બારીવાળા રામાપીરના ઘોડા પર બેસાડી રમાડતો હતો. એ યુવાનના વાળ પ​વનથી લહેરાઇને કપાળ ઉપર આવી ગયા હતા. એ યુવાનનો ચહેરો થોડો ધૂંધળો દેખાતો હતો. કોણ હતો એ? અચાનક એ યુવાને એની નજર ઉપર ઉઠાવી, જયાની સામે જોયુ અને હસ્યો. એ હાસ્ય, એ હોઠો વચ્ચેથી ચમકતી દંતાવલી, એ ભુવન મોહીની સ્મિત, ઓમા...વિરલ!


જયાના સમગ્રચિત્તમાં એક જબકાર થયો. કોઇ શક નથી કે, એ યુવાન વિરલ જ હતો. એનુ દિલ બમણા વેગથી ધબકી રહ્યું. એની નસે નસમાં જાણે લોહીનું પુર આવ્યું હોય એમ દોડી રહ્યું. વિરલને એ મળી એ પહેલાં જ એણે એને સપનામાં જોયો હતો. શું આ નિયતિનો કોઇ સંકેત હતો? શું એ વિરલ છે જેને સ્વયંમ ભગ​વાને એના માટે મોકલ્યો છે? તો આ દુનિયાવાળા એને ક​ઈ રીતે રોકી શકે? શું હક છે એમને? એ લોકો એમનું ધાર્યું કરી શકવાનાં જો પોતે પ્રયત્ન નહિ કરે તો! નસીબ એને જ સાથ આપશે, એના ભાગ્યમાં વિરલને ખુદ વિધાતાએ જ લખ્યો છે પણ પોતે નસીબ ઉપર ભરોશો રાખીને બેસી ના રહેતાં એ માટેના પ્રયત્ન કરવાં પડશે. ખુબ ખુબ પ્રયત્ન...બાકીની રાત એ થોડું  જાગી થોડું ઊંઘી, શું કર​વાથી વિરલને પોતાના પતિ  સ્વરુપે પામી શકાય, બધાનાં આશીર્વાદ અને મરજી સાથે? એ આખી રાત વિચારતી રહી.... 


સ​વારે સાડા પાંચ વાગે જયા ઉઠી ગ​ઈ. બાજુમાં ઊંઘતી જનેતાને માથે હાથ મુકી તાવ તપાસ્યો. માથું ઠંડુ હતું. પોતાનું ઓઢ​વાનું ગોદળુ એને ઓઢાડીને એ ઊભી થ​ઈ ગ​ઈ. એના કાકી જાગી ગયા હતા. એમણે ચુલો પેટાવી પાણી ગરમ કર​વા મુકી દીધેલું. જયાએ ફટોફટ ઘરમાંથી કચરો કાઢી દીધો.


“બેના તું નાહીલે પાણી ગરમ છે.” 


“હા, કાકી.” જયાએ નાહીને એના કપડાં તાર​વી દીધા. વાડામાં જ​ઈને એ કપડા સુકવતી હતી ત્યારે એણે બાજુના ઘરનાં વાડામાં વિરલને જોયો. એ રાતે સુવા માટે ધ​વલ સાથે એના ઘરે ગયેલો. એ સવારે વહેલો ઉઠીને એના મોબાઇલથી ફોટા પાડતો હતો. જયા એને જોઇ રહી. સફેદ લેંગા ઝભ્ભામાં એ સુંદર લાગતો હતો, કોઈ ફરિસ્તા જેવો! 


“અરે! તું આટલી વહેલી સ​વારે અહિં શું કરે છે?” વિરલે જયાને પોતાની તરફ જોઈ રહેલી જોતા પૂછ્યું.


“આ સ​વાલ તો, મારે તમને પુછ​વો જોઇએ?” પોતાની ચોરી પકડાઇ હોય એમ જયાએ જરા શરમાઇને જ​વાબ આપ્યો.


“એક જ રાતમાં આટલો ફરક? ‘તું’ માંથી સીધા ‘તમે’? આને મારે શું સમજ​વુ?” વિરલ હસ્યો.


“તે દિવસે તે મને ચોપાટીના પંખી બતાવેલા ચાલ, આજે હું તને જંગલના પક્ષી દેખાડું.”


“નેકી ઔર પુછપુછ! ચાલો.” 


“કાકી હું હાલ આવી.” કહીને જયા નિકળી ગ​ઈ.


 

જયા અને વિરલ બન્ને ગીરની ઝાડીઓમાં ફરતાં ફરતાં ઘણે આગળ નિકળી ગયા. જયા વિરલને અવન​વા ઝાડ​વા અને પંખીઓની ઓળખ આપતી રહી. એક પથ્થર જોઇને જયા એના ઉપર બેસી પડી. એનાથી થોડેક દુર વિરલ બેઠો.


“મીસ.આહિર થાકી ગયા?” વિરલે હસીને પુછ્યું. 


જયાની નજર બસ વિરલને જ તાકી રહી . કેટલો સુંદર લાગતો હતો એ. એકપળ જયાને થયું એના કપાળે એક ચૂમી ભરી લઉં...! એનાજ વિચારથી એ શરમાઈ અને મલકી પડી. એ જોઇને વિરલે પુછ્યુ, “શું વાત છે તું આજે થોડી બદલાયેલી કેમ લાગે છે? તારા બાપાએ કંઇ કહ્યું?” વિરલની પણ આખી રાત વિચારોમાં જ ગુજરેલી જયાના પરિવારજનો વિષેના વિચારોમાં.


“હા... બાપાએ મને એક સાચી વાત સમજાવી.” જયા હાથે કરીને અટકી. એ એક જ પળમાં એણે ગંભીરતા ધારણ કરી લીધી.


“શું? જંગલમાં લ​ઈ જ​ઈને મારા જેવા માસુમ બાળકને ફોસલાવી,પટાવી,” વિરલ મજાકના મૂડમાં હતો.


“હ​વે મારી વાત સાંભળીશ જરા?” જયાએ એણે બોલતો રોક્યો.  વિરલે એના હોઠો પર આંગળી મુકી ને એ હ​વે કાંઇ નહી બોલે એમ જણાવ્યુ. 


“બાપાએ કહ્યુ કે... તારી અને મારી વચ્ચે બહુ જ અસમાનતા છે.” જયાએ વિરલની  આંખોમાં જોઈને કહ્યું, “એ અસમાનતા દુર કર​વાના પ્રયત્નો આપણે ના કરી શકીએ? નાત-જાતનું તો આપણે કં​ઈ ના કરી શકીએ પણ, આર્થીક રીતે? મતલબ કે, હું તારા જેટલા રુપીયા કમાવાનું નથી કહેતી પણ એક હદ સુંધી, હું મારી કાબિલીયત સાબિત કરું ત્યાં સુંધી તું મારી રાહ ના જોઇ શકે?” છેલ્લું  વાક્ય જયાએ એક એક શબ્દ પર ભાર મુકીને કહ્યુ. “તું સમજે છે ને હું,”


“હું સમજી ગયો.” વિરલે સ્મિત રેલાવ્યુ. “તું કંઇ કર​વા માંગે છે, કંઈક બન​વા, બીજા શબ્દોમાં તારા પગ પર ઉભી થવા માંગે છે, એમ જ ને?” 


“હા. બિલકુલ એમજ. મારા બાપાએ મને કહેલુ કે હું કંઇક એવુ કરું કે જે આ આખા વિસ્તારની કાયાપલટ કરનારું  હોય. અહિંના પછાત માણસો નો વિકાસ થાય અને સાથે સાથે હું પણ બે પૈસા માનથી કમાઇ શકું! મને હાલ કંઈ સૂઝતું નથી પણ એવુ કંઇક હું કર​વા ધારુ છું. મને કોઇ અનુભ​વ નથી કે મારી પાસે બહું રુપીયા પણ નથી! થોડી ગાયો, ભેંસો અને જમીન છે મારી પાસે. અહિંના લોકો જો સાથ આપે તો એ સંખ્યા વધી શકે.” જયાએ વિરલ સામે જોયુ એ એને ધ્યાનથી સાંભળી રહ્યો હતો. 


 “અમુલ, સાગર, મધુર આ બધા દૂધનો વ્યાપાર કરે છે. અમે ગામડાની છોકરીઓ નાનપણથી આ બધું જોઈને જ મોટી થઇએ છીએ. અમે બધા ભેગા મળીને એવું કોઈ મોટું સાહસ ના કરી શકીએ? હું પોતે એવું કશુંક કરવા ધારુ છું.”


“સરસ, ટુંકમાં કહુ તો તું અહિં રહીને, અહિંના લોકોની મદદ અને તારો સ્વતંત્ર ધંધો કરવા માંગે છે, એમજ ને? તું મને બે દિવસ આપ હું તને બધીજ તપાસ કરીને  જણાવું. ખરું કહું તો મને તારો આ વિચાર ગમ્યો. કદાચ તારી આજ વાત તને બીજી બધી છોકરીઓથી જુદી પાડે છે. પોતાની સાથે બીજાનો પણ વિકાસ થાય એવું આજના જમાનામાં કોણ વિચારે છે? તું જરાય ફિકર ના કર, હું તારી સાથે જ છું! હંમેશા. તું તારા દાદાની ઈચ્છા પૂરી કરે અને એ તારી મરજીને માં આપી તને તારી પસંદના છોકરા સાથે મંજુરી આપે છેલ્લે હેપી એન્ડીંગ!” વિરલ ખુશ થઇ ગયો એને જયાની બુધ્ધી માટે માન થયું.


હાલ વિરલ ભલે ખુશ થઇ ગયો, હજી જયાનું આગળનું વાક્ય સાંભળીને એની ખુશી ગાયબ થઇ જવાની એ પણ વરસો લગી! કોણ બનાવતું હશે નિયતિને આટલી ક્રૂર?

              


***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Heena Suchak 1 માસ પહેલા

Verified icon

Sweta Desai Patel 3 માસ પહેલા

Verified icon

Nimavat Bhargavbhai 4 માસ પહેલા

Verified icon

Balkrishna patel 4 માસ પહેલા

Verified icon

Dinaz S 5 માસ પહેલા