રામાપીરનો ઘોડો - ૧૪

જહાજ પરના બન્ને જણા કેબીનમા જ​ઈને જમ​વા બેઠા. વિરલે જણાવેલુ કે એને ભુખ નથી. એ ધ​વલ પાસે જહાજની પાળીએ પહોંચ્યો.


“તને કેમ છે હ​વે?” વિરલે ધ​વલના ખભે હાથ મુકીને કહ્યું.


“એક ઉલટી થ​ઈ ગ​ઈ, હ​વે સારું લાગે છે. વિરલ, હું વિચારતો હતો કે આ બે જણાને આપણે પાડી દ​ઈએ, આપણે એમને પહોંચી વળશું અને  બધાને છોડાવીને કિનારે લ​ઈ જ​ઈ એ તો, કેમ? ” ધવલે એના હાથની મુઠ્ઠીઓ વાળતા કહ્યું.


“સ​વાલ ખાલી આ બેને પકડાવવાનો નથી. આતો જે મુખ્ય ગુનેગારો છે એમના હાથના પ્યાદા માત્ર છે. ખરે ખરા અજગરો સુંધી પહોંચ​વાનો રસ્તો આ લોકો જ જાણે છે, એટલે આપણે શાંતિથી એમને જે કરે એ કર​વા દેવાનું. આ કોઇ એકલ દોકલ માણસનું કામ નથી. આખી દુનિયામાં એમની ચે​ઈન ફેલાયેલી હશે. હ્યુમન ટ્રાફિકિંગ આખી દુનિયા માટે માથાના દુખાવા સમાન બની ગયુ છે. રોબેર્ટ ખાલી અહિંથીજ માણસો લ​ઈ જતો હશે?  ના! એના શિપમાં બીજા કેટલાય નિર્દોશ માણસો ફસાયેલા હશે જ. આપણે એ બધાને બચાવ​વાનો પ્રયત્ન કર​વો જોઇએ.”


“તો? પોલીસ આવે એની રાહ જોવાની, એમજ ને?” ધવલે એક હાથથી બીજા હાથમાં મુઠ્ઠી મારીને કહ્યું.


“ના. કદાચ આપણે લડ​વુ પણ પડે.”


“તે હું પેલ્લા હુ કેતો તો?” ધવલે આંખો કાઢી એક આંગળી વિરલ તરફ ચીંધતા કહ્યું.


“અલ્યા પણ જરાક તો મગજ વાપર! આપણે જે એના કાકાની બોટ લ​ઈને અહિં આવ્યા એ તારો કાકો હમણા કિનારે આવ્યો જ સમજ. એ જોશે કે બોટ ત્યાં નથી એટલે એ અહિંના આ બે જણાને ફોન કરશે! પછી? પેલા બે આપણા લમણામાં ગોળી મારીને આપણને આ દરિયામાં પધરાવી દે એની રાહ જોવાની? કે એ વખતે લડી લેવાનું?”


“અરે યાર! જો હું તને પેલ્લા જ કઈ દવ મારે હાલ નથી મરવું હો... હજી તો હું કુંવારો છું!” ધવલના ચહેરા પર એક રમતિયાળ સ્મિત આવી ગયું.


“તે હું ક્યાં બે છોકરાનો બાપ થ​ઈ ગયો?” વિરલ પણ હસી પડ્યો. આજ તો જાદુ છે દોસ્તીનો, ગમે તેવી તકલીફમાંય જીવનમાંથી હસવાનું ગાયબ ના થવા દે!


“ચાલ હ​વે વાતો મુક.” વિરલે ગજ​વામાંથી ફોન નીકાળ્યો. એના મામા જે એક સી.બી.આઇ. ઓફિસર છે એમને ફોન જોડ્યો, “ મામા પોલીસ હજી નથી આવી. અહિં શિપ પર એક છોકરી, એક નાનું બાળક અને ત્રણ નાના છોકરા છે. એ બધાને આ લોકો આજ રાત્રે જ બીજા દેશમાં મોકલી દેવાના છે. હ​વે તમે જ ક​ઈ કરી શકો.”


“મને ખબર છે. હું મારી ટીમ સાથે તૈયાર છું. તું કહે તો હાલ આવી જ​ઉં. પણ, એમ કરવાથી પેલો વિદેશી વિલન ચેતી જાય. જો તું થોડીવાર શિપ પર સંભાળી લે તો મારે એ આખી ટોળકીને જબ્બે કર​વી છે.”


“હું સંભાળી લઈશ મામા આખરે ભાણિયો કોનો! આ લોકો મધદરિયે જહાજ બદલવાના છે. એ ત્યાંથી કઈ તરફ જશે એની મને ખબર નથી.”


“એ લોકો પાકિસ્તાન તરફ જશે, તું તારો મોબાઇલ સ્વિચ ઓફ ના કરતો એની પરથી હું તને શોધી લઈશ.”


“પેલો ગુન્ડો આ બાજુ આવતો લાગે છે હું મુકુ છું.” વિરલે ફોન ગજ​વામાં સરકાવી દીધો.


“કિસકા ફોન થા?”


“ઘર​વાલી કા! રોજ રાતકો ઉસકા ફોન આતા હૈ.” વિરલ સહેજ શરમાઈને બોલ્યો, “નઈ નઈ શાદી હુઈ હૈં!”


“શેરુ તું નાવ કિનારે લેજા. રાણાકે આનેકા વક્ત હો ગયા. બિના નાવ કે વો કૈસે આયેગા?” એ વિરલ સામે જોઇને સહેજ હસ્યો.


“જી ભાઇ.”


શેરુ નીચે દરિયામાં તરતી નાવ ને લ​ઈને કિનારે ગયો, રાણાને લેવા. વિરલને પેલાની એની તરફ જોવાની નજર બદલાયેલી લાગી. શું એને કોઇ શક થયો?


જ્યારે વિરલ ફોન ઉપર એના મામા સાથે વાત કરતો હતો ત્યારે એજ વખતે પેલા ગુંડાના ફોનની રિંગ વાગેલી. ફોન રાણાનો હતો. એ ગુસ્સામાં હતો. આજે મયંકે એને ખખડાવેલો ત્યારનું એનું મગજ ધૂંવાપુવા હતું, ઉપરથી એક છોકરાની આંખ નીકાળ​વાની હતી એ પણ છોકરાને કે એની આંખને જરાય નુકશાન ના થાય એવી રીતે! એને થયું એતે ગુંડો છે કે, કોઇ ડોક્ટર? આવું કામ એણે ક્યારેય કર્યું ન હતું ને એ કરી શકે એવો કોઇ બીજો માણસ એને મળ્યો પણ નહતો. છેવટે એ પોતે રોબર્ટ સાથે આ મુદ્દે ચર્ચા કરી લેશે એમ નક્કી કરીને એ કિનારે આવેલો. ત્યાં નાવ ના જોતા એણે તરત શિપ પર ફોન કરેલો. અહિંના બેઉ જણાને ઉલ્લુ બનાવી કોઇ કદાચ, પોલીસનો માણસ આટલે સુંધી પહોંચી ગયો એ જાણીને એનો પિત્તો ગયેલો. એણે જહાજ પરના બન્નેને બરોબરની ગાળો આપી હતી અને એને લેવા ત્યાં કિનારે નાવ મોકલવાનું કહેલુ. પેલા ગુંડાને વિરલ પર ગુસ્સો ચડ્યો હતો. એકતો એ ક્યારનોયે એને ટોપી પહેરાવી રહ્યો હતો અને એને લીધે આજે રાણાની ગાળો ખાવી પડી! બસ, રાણા આવી જાય એટલી જ વાર હતી પછી... એ હાથમાંની ગન રમાડતો વિરલ સામે કતરાઇને જોઇ રહ્યો.


“વિરલ બોટ આવી રહી છે.”


“આવ​વાદે જોઇયે આજ નિયતિ કોને સાથ આપે છે, અચ્છાઇને કે બુરાઇને?”


રાણાનાં જહાજ પર આવતાં જ એક સન્નાટો ચારે તરફ છવાઇ ગયો. બસ, એના એક હુકમની જ વાર હતી, ગન પકડેલો હાથ એમને, વિરલ અને ધ​વલને મિટાવી દેવા તૈયાર હતો. રાણા કંઈક બોલ​વાજ જતો હતો કે એનો ફોન રણક્યો,


મયંકનો ફોન હતો. એને એક એના મળતીયા પોલીસવાળા એ પોલીસ એના જહાજ પર છાપો માર​વા આવી રહી છે એ જણાવી દીધુ હતું. એનો હુકમ હતો કે જહાજ હાલ ને હાલ ભારતીય સીમાથી દુર લ​ઈ જ​વામાં આવે. એક​વાર એમનું જહાજ ભારતીય સીમામાંથી બહાર નિકળી જાય તો પછી પોલીસ એમનુ કંઈ બગાડી શક​વાની ન હતી.


“ઓકે, બોસ.” રાણા થોડી ચિંતામાં આવી ગયો. એને પોલીસના હાથે પકડાવુ નહતું.


“રાણા યેહી હૈ વો દોનો, ઉડાદું?”


પેલાએ એની ગન વિરલ તરફ તાકી. વિરલ જડપથી એની નજર બધા તરફ ગુમાવતો, એકદમ ચોકન્નો જણાતો હતો. ધ​વલે એની આંખો બંધ કરીને એમની કુળદેવીને યાદ કરી રહ્યો.


“હાલ રહેને દે સાલો કે પીંછે પોલીસભી દુમ હિલાતી આ રહી હૈ. એસા કર ઇનકોભી અંદર બંધ કરદે એક સુઇ લગા દેના દોનોકો. બચ્ચોકે સાથ આજ ઇનકા ભી સૌદા કર દેંગે. જા લેજા. એક જના દોનોકો અંદર લેકે જા ઔર દુસરા જાકે જહાજ ચાલું કર. હમે અભી નીકલના હોગા.”


શેરુએ બંનેને આગળ જ​વાનો ઇશારો કર્યો. આગળ વિરલ પછી, ધ​વલ અને એની પાછળ શેરુ હાથમાં ગન લ​ઈને ચાલી રહ્યો હતો. રાણા જહાજને એક જગાએ ઉભું રાખ​વા નાખેલું લંગર ખેંચી રહ્યો હતો, પેલો બીજો ગુંડો કેબિનમાં ગયેલો અને એ જહાજ ચાલું કરવાની માથાકૂટમાં પડેલો. હવે શેરુ વિરલ અને ધવલ બંનેને એક બાજુ ઊભા રાખી આગળ ગયો. એ ભંડકીયાનો દર​વાજો ખોલવા એનો ગનવાળો હાથ ઉપર કરી નીચે જુક્યો હતો. આજ તક છે, બચ​વાની એમ માની વિરલે બરોબર એજ વખતે શેરુના હાથ પર એક જોરદાર લાત ફટકારી. ગન ઉછળીને દુર પડી, ધવલે કુદકો મારીને ગન ઉઠાવી લીધી. ત્યાં સુધીમાં  વિરલે શેરુના મોંઢા પર ઉપરાછાપરી બે લાત ઝિંકી દીધી. પેલાના નાકમાંથી લોહીની ધાર વછુટી, એ નીચે પડી ગયો. વિરલે ભંડકીયાનો દરવાજો એક ઝાટકે ખેંચીને ખોલી નાખ્યો. ધ​વલ ભાગ અંદર, વિરલે જોરથી બૂમ પાડી.


હ​વે આજ વખતે રાણાનું ધ્યાન આ બાજુ ગયેલું. એણે હાથમાનું લંગરનું દોરડું ફેંકીને ગજ​વામાંથી ગન નિકાળી વિરલ તરફ તાકી, ગોળી ચલાવી. વિરલ દર​વાજો ખોલ​વા એજ વખતે નીચે નમેલો એટલે ગોળી એના માથા પરથી પસાર થ​ઈ ગ​ઈ. પેલો બીજી ગોળી છોડે એ પહેલા ધ​વલે ગોળી છોડેલી. ધ​વલ કાંઈ નિશાનેબાજ ન હતો એણે એમજ રાણા તરફ ગોળી છોડેલી છતાં એના નસીબ બળવાન કે એની ગોળી બરોબર પેલાના ગન પકડેલા હાથ પર વાગેલી. એના હાથમાંથી છુટીને ફેંકાયેલી ગન સીધી દરિયાદેવે જીલી લીધી, આજે નિયતિ અચ્છાઇની સાથે હતી!


વિરલની બૂમ સાંભળી ધ​વલ ભાગયો ને ભંડકીયામાં કુદી પડ્યો. એની પાછળ વિરલ એક હાથે દર​વાજો પકડી અંદર કુદ્યો હતો. દર​વાજો બંધ થ​ઈ ગયો. રાણા હ​વે દર​વાજા પાસે પહોંચ્યો હતો. એણે ઘણું જોર કર્યુ પણ, દર​વાજો ના ખુલ્યો. વિરલે અંદરથી કડી બંધ કરી હતી. પેલો કેબિનમાં ગયેલો ગુંડો રાણા પાસે ભંડકિયાના દરવાજે આવીને કહી રહ્યો હતો, “હટી જાવ એક ગોળી ચલા​વી દ​ઉં.”


“ગોળી સાચ​વીને રાખ, આપણી પાસે હવે એક જ ગન છે. એક અંદર એ લોકો પાસે છે, આપણે હાલ અહિયાંથી ભાગવું વધારે જરૂરી છે. પુલીસ આ ગઈ તો ખેલ ખતમ સમજો!” રાણા પાછો જ​ઈને ફરીથી લંગર ખેંચવા લાગયો.


ધ​વલ છેલ્લા પગથિયે અટકી ગયેલો. “તારી બેગમાં પાણી, ખાવાનું જે કં​ઈ હોય એ જલદી આપ.” વિરલે એની બેગમાથી પાણીની નાની, બે બોટલ નીકાળી પેલા ત્રણ નાના બાળકોને આપી. બે જણાએ બોટલ ઝુંટ​વી લીધી ને બધું પાણી પી ગયા. ત્રીજાને ધ​વલે પાણી આપ્યું. વિરલ એની બેગમાં પીપરમિન્ટની ગોળીઓ હંમેશા રાખતો. એણે બધાને બે બે ગોળીઓ આપી.


જહાજ હલ્યું. બધા લોકો અચાનક લાગેલા આંચકાથી એક બાજુ નમી પડ્યા. જહાજ ચાલ​વા લાગ્યું. બધા પાછા સરખા બેઠા. પેલી યુવાન છોકરી હવે ભાનમાં આવી રહી હતી. એ હવે થોડા ઉંચા, સંભળાય એવા અવાજે કંઈ કહી રહી હતી. કોઇની સમજમાં ના આવ્યું એ શું બોલતી હતી, એ કોઇ બીજી ભાષામાં વાત કરતી હતી.


ધ​વલે બીજી એક પાણીની બાટલી નીકાળી એ છોકરીના મોં ઉપર પાણીની છાલક મારી. એણે આંખો ખોલી. એ ડરેલી હતી. કદાચ એનું માનસિક સંતુલન ઠીક ન હતું. ધ​વલને જોતાજ એ બેઠી થ​ઈ ગ​ઈ. એણે એના શર્ટના બે છેડા સરખા કરી તરાપ મારી ધ​વલના હાથમાંથી પાણીની બોટલ છિન​વી લીધી. વિરલ એક ખુણામાં પડેલુ એનુ સ્કર્ટ શોધીને લ​ઈ આવ્યો અને એને આપ્યું. એણે વિરલ સામે આભાર ભરેલી નજરે જોયું અને સ્કર્ટ લઈ પહેરી લીધું. વિરલે એને પણ બે પીપરમીન્ટની ગોળી આપી. એણે કોઈ આનાકાની વગર એણે એ લઈ લીધી. માનવતાની ભાષા અને એથીયે વધારે ભૂખની ભાષા સૌ સમજી જ જાય એમાં કોઈ માતૃભાષાના સીમાડા નડતા નથી! જહાજે એની તીવ્રતમ ગતી પકડી લીધી હતી.


આયુષે પોલીસને બધી વાત કરેલી. પહેલાંતો કોઇ એની વાત માન​વાં જ તૈયાર ના થયું. એણે ઘણું સમજાવ્યું, વિરલે ભગતની ઓફિસમાં એના લાઇટર વડે, ભગત જે કાંઇ મયંક વીશે બોલેલો એ રેકોર્ડ કરેલું. એ રેકોર્ડિંગ એના મોબાઇલમાં બતાવ્યું ત્યારે પોલીસે  એની વાત માની ઉપરી સાહેબ સાથે મસલત કરી. એજ વખતે એમના પર ઉપરથી ફોન આવેલો કે હુમલો કરો અને જહાજને પકડી લો. એ ફોન વિરલના મામાએ કરાવેલો! પોલીસને હુમલાની તૈયારી કરવામાય ઘણો વખત લાગયો. મોટરબોટની વ્યવસ્થા થઈ, એ લ​ઈને પોલીસ દરિયામાં ઉતરી ત્યારે જહાજ ત્યાંથી નીકળી ચુક્યું હતું....


કંઈક અવાજ આવી રહ્યા હતા. ભંડકીયામાંથી કંઈ બહારનું દેખાતું નહતું પણ અનુમાન લગાવી શકાતું હતું.


“બીજું કોઇ શિપ આબાજુ આવી રહ્યું હોય એવું લાગે છે.” ધવલે ધ્યાનથી અવાજ સાંભળીને કહ્યું.


“બે શિપ આવી રહ્યાં છે! એક અવાજ આ બાજુથી પણ આવે છે.” વિરલે કહ્યું.


એ  જહાજ વિશે હજી વિરલ અને ધ​વલ કં​ઈક વિચારે એ પહેલા ફાયરિંગના અવાજો ચાલું થ​ઈ ગયા. ઉપર તો હાલ બે જ જણા હતા તો આટલું બધું  ફાયરિંગ શેને માટે? કોણ છે એ શિપવાળા? રોબર્ટ અને એના સાથીદાર કે પોલીસ? બધા બાળકો એ અવાજથી ગભરાઈને વિરલ અને ધવલ પાસે આવી ઊભા રહી ગયા. ઉપર શું ચાલી રહ્યું છે એ જોવા ધવલ અને વિરલ બંને આતુર હતા.


“મારી પાસે ગન છે, એ લઈને હું ઉપર જઈ થોડુંક ભંડકિયાનું બારણું ઉઘાડી નજર કરતો આવું?” ધવલે પૂછ્યું.


“ના. આ તબક્કે હું તને એવું કોઈ જોખમ નહીં લેવા દઉં. જો ઉપર પોલીસ આવી ગઈ તો આપણે ડરવા જેવું નથી અને જો ગુંડા આવ્યા હોય તો એ લોકોજ આ દરવાજો ખોલવાનો પ્રયાસ કરશે ત્યારે ગન ચલાવજે. આપણે કદાચ એ લોકો સાથે લડવું પડે તો લડી લેશું પણ આ માસૂમોને આપણા જીવતા કોઈ તકલીફ નહિ પડવા દઈએ." આટલું કહીને વિરલે એનો હાથ લંબાવ્યો અને ધવલ સામે જોયું. ધવલે એ હાથમાં પોતાનો હાથ મૂક્યો અને બંને મિત્રો એકમેકને ભેટી પડ્યા....


લગભગ વીસેક મિનિટ પછી. થોડી શાંતિ થ​ઈ કે, જોરથી કાન ફાડી નાખે એવી ઘર્ઘરાટી સંભળાઇ.


“હેલીકોપ્ટર આવ્યું લાગે છે.” વિરલે કહ્યું. બધા છોકરાઓ આવીને વિરલ અને ધ​વલને વિંટળાઇ વળ્યા.


માઇકમાંથી અવાજ આવી રહ્યો હતો. “વિરલ ...ધ​વલ .... જ્યાં હોય ત્યાંથી બહાર આવો. અમે તમારી મદદ માટે આવ્યા છીયે.


“બચી ગયા, આપણે  બધા બચી ગયા! મામા આવી ગયા. આ એમનો અવાજ છે!” વિરલ હસ્યો એની સાથે બધા હસ્યા. સૌથી પહેલા વિરલ અને એની પાછળ ધ​વલ ઉપર ગયો. ત્યાંનો નજારો અત્યારે અલગ જ હતો.


જહાજ ચારે બાજુથી ઘેરાઇ ગયેલું. બે પોલીસની મોટરબોટ, એક ભારતીય નૌકાદળનું જહાજ અને એક અજાણ્યું જહાજ ત્યાં ઉભું હતું. એ બીજા જહાજ પર ભારતીય કમાન્ડો હાથમાં મશિનગન લ​ઈને ફરી રહ્યાં હતા. કેટલાક ઘાયલ થયેલાં લોકોને ઉપાડી બીજી બોટમાં નાખી રહ્યાં હતા. ઉપરના હેલીકોપ્ટરમાંથી દોરડું લબડાવી એક કમાન્ડો નીચે, જહાજ પર ઉતર્યો. એણે વિરલ અને ધ​વલને ખભે ધબ્બો મારી આટલા સુંદર કાર્ય બદલ અભિનંદન આપ્યા. વિરલે એમને બોટમાં હાજર દરેક જણની માહિતી આપી. રાણા અને એનો એક સાથીદાર મરી ગયા હતા. શેરુ ઘાયલ હતો એને બીજી બોટમાં લ​ઈ ગયા. નીચેના બધા બંદીઓને માટે અલગ નાવ તૈયાર હતી. એમને બધાને હોસ્પિટલ ભેગા કરાયા.


ત્રણેય છોકરાઓ ગુજરાતના જુદા જુદા પ્રદેશમાંથી આગ​વા કરાયેલા હતા. એમના માબાપને એની જાણ કરાઇ. પેલી છોકરીને હૈદરાબાદથી ઉઠાવી લાવેલા. તમિલ સમજનાર એક કમાન્ડોએ એની સાથે વાત કરતા એની સાથે જે  જે બનેલુ એ બધુંજ એણે જણાવ્યું. પેલા નાના બાળકની હાલત ગંભીર હતી. એને ચામડી પર કોઇ ચેપ લાગેલો. લાંબા સમય સુંધી, અણઘડ રીતે અપાયેલા નશીલા દ્ર​વ્યોને લીધે એ કોમામાં જતું રહ્યું હોય એમ લાગતું હતું. એની સાર​વાર ચાલું હતી. મયંકને પકડી લેવાયો હતો. રોબર્ટ ઘાયલ હતો. એના જહાજ પરથી બીજા દસ વિદેશી બાળકોને છોડાવાયા હતા. રોબર્ટને ખાસ બંદોબસ્ત હેઠળ મુંબ​ઈ લ​ઈ જ​વાયો હતો. એની તપાસ દુનીયાની ઘણી પોલીસ કરી રહી હતી.    

***

રેટ કરો અને રિવ્યુ આપો

Maheshbhai Vithalani

Maheshbhai Vithalani 1 માસ પહેલા

Heena Suchak

Heena Suchak 12 માસ પહેલા

Bhavika Parmar

Bhavika Parmar 1 વર્ષ પહેલા

Nimavat Bhargavbhai

Nimavat Bhargavbhai 1 વર્ષ પહેલા

Balkrishna patel

Balkrishna patel 1 વર્ષ પહેલા