પ્રતિક્ષા - ૩૩ Darshita Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રતિક્ષા - ૩૩

મનસ્વીને શું સુજ્યું કે તેણે તરત જ પૂછી નાંખ્યું,
“અહીં રહેવું ગમશે??”
“અહીં?” ઉર્વા પોતે પણ હવે આશ્ચર્યમાં પડી ગઈ. આ સ્ત્રી આટલી સહેલાઈથી કોઈને પોતાના ઘરમાં અને મનમાં જગ્યા આપી શકતી હશે? આટલો વિશ્વાસ કેમ કરી શકતી હશે?
“અં...અં... હા તને ગમે તો! તું અહીં રહી શકે છે. મને ગમશે તું અહીં રહીશ તો...” મનસ્વીને પણ નહોતું સમજાઈ રહ્યું કે પ્રસ્તાવ મુકતા તો મૂકી દીધો તેણે ઉર્વા પાસે પણ હવે કહેવું શું?
“આં...ટી. તમે કંઇજ નથી જાણતા મારા વિષે...” ઉર્વા પણ સામે એટલો જ ખચકાટ અનુભવી રહી હતી. પછી અચાનક યાદ આવતા તેણે ઉમેર્યું,
“અને તમારા હસબન્ડ! એમને પણ તો પૂછવું જોઈએ...! આમ અચાનક કેમ નિર્ણય લઇ શકાય?” ઉર્વા બોદું સ્મિત કરતા બોલી રહી.
“ઉર્વા, તારી આંખો છે ને એ કાચ જેટલી સાફ છે. તારું મન પણ એટલું જ સાફ હશે એ હું ચોક્કસથી કહી શકું છું. બીજું એ કે તું રચિતની ફ્રેન્ડ છે અને રચિત તો મારા દીકરા જેવો છે એટલે વધુ કોઈ ઓળખાણની જરૂર નથી. રહી વાત મારા હસબન્ડની... એમને ક્યાં ઘરે રહેવું જ હોય છે!” મનસ્વી પોતાની વાતમાં વેદનાનો અણસાર પણ ના આવે તેમ ઉર્વિલની વાત કરી રહી ને પછી ઉમેર્યું,
“જો આટલું મોટું ઘર છે ને રહેવા વાળી હું એકલી છું. બોમ્બે તારે જવું નથી તો અમદાવાદમાં શું વાંધો છે? તું પી.જી સમજીને રહી લે.” મનસ્વી છેલ્લું વાક્ય જાણીજોઈને ભાર આપીને બોલી.
ઉર્વાના ચેહરા પરથી મનસ્વીને લાગ્યું કે તેના લગભગ પ્રશ્નનું સમાધાન થઇ ગયું હતું. પણ તેને ક્યાં ખબર હતી કે ઉર્વિલ સાથે એક છતની નીચે રહેવું એ ઉર્વા માટે કેટલું કપરું હતું!!
ઉર્વા હજુ મનસ્વીની સામે નિઃશબ્દ જ ઉભી હતી. તે ક્યા વિચારમાં હતી તે મનસ્વી નહોતી સમજી શકતી.
“અં... આં...ટી...” ઉર્વા કંઇક કહેવાની કોશિશ કરી રહી પણ મનસ્વીએ તેને વચ્ચે જ રોકી દીધી.
“અત્યારે ને અત્યારે શું કામ આટલું વિચારે છે? આરામથી વિચારીને કહેજે.” મનસ્વી આટલું જ બોલીને ઉર્વાના ચેહરા પરનો અજંપો દુર થઇ ગયો. મનસ્વી જાણતી હતી કે ઉર્વાને સમયની જરૂર પડશે એટલે તેણે સામેથી જ તેને વિચારવાનો સમય આપી દીધો.
“આ તું આંટી આટલું વિચિત્ર રીતે કેમ બોલે છે!” મનસ્વી પીઝાના રોટલા પર પીઝા સોંસ લગાવતા લગાવતા ઉર્વાને વિચારોના વહેણમાંથી બહાર લાવવા બોલી રહી.
“કેમ શું થયું?” ઉર્વાને પણ નવાઈ લાગી
“અરે આ આંટી તારા મોઢેથી બહુ અજીબ લાગે છે. નોર્મલ નથી બોલતી તું...”
“અરે આ આંટી અંકલ મમ્મી ડેડી કંઇજ કહેવાની મને આદત નથી!” ઉર્વાના અવાજમાં આછો એવો રંજ ભળી રહ્યો.
“તો તું બધાને શું કહે?”
“હું મોસ્ટલી ફર્સ્ટ નેમથી જ બધાને બોલાવું છું. હું રેવાને પણ રેવા જ કહેતી એટલે એની ફ્રેન્ડસ પણ મને ફર્સ્ટ નેમથી જ બોલાવવા પર ઇન્સીસ્ટ કરતી.” ઉર્વાની સામે ફરી એકવાર રેવાની યાદો ફરી વળી પણ એને ત્યાંજ ખંખેરતા તેણે ઉમેર્યું, “હા, અમારા નેબર હતા દેવ. એમણે ટોકી ટોકીને આદત પાડી છે મને દેવ અંકલ બોલવાની...! પણ તો ય હજી ક્યારેક દેવ કહેવાઈ જાય!” ઉર્વા હસી પડી
“તો મને શું કામ પરાણે આંટી કહે છે. મને ય મનસ્વી જ કહે.” મનસ્વી કહી રહી.
“પણ એમ કેમ તમને નામથી બોલાવું?” ઉર્વા વિસ્મયથી એને જોઈ રહી.
“તું નામથી બોલાવીશ તો ય અદબ એટલી જ જળવાશે હો! રીસ્પેક્ટ તો મનમાં ના હોય ઉર્વા?” મનસ્વી મસ્તીભર્યા સ્વરે પૂછી રહી.
“ઓકે મનસ્વી હવે હું તમને મનસ્વી જ કહીશ!” ઉર્વા મનસ્વીને રેડી થયેલા પીઝા ઓવનમાં મુકવા હાથમાં આપતા સ્મિત સાથે કહી રહી.
મનસ્વીની પીઠ તેની તરફ ફરતાં જ તેનું સ્મિત ઓજલ થઇ ગયું.
“આઈ એમ સોરી રેવા...” તે પોતાની જાતને જ કહી રહી. જે સ્ત્રીને લીધે ઉર્વિલ અને રેવા સાથે ના રહી શક્યા તેની સાથે આ માયાનું બંધન તેને ગૂંગળાવી રહ્યું. કંઈ કેટલુય વિચારવા પર મજબુર કરી રહ્યું

***

ઉર્વિલ કાઉચ પર આડો પડ્યો જ હતો કે ડોરબેલ વાગી. દરવાજો ખોલતા જ સામે કામવાળી બાઈને જોઇને ઉર્વિલ આશ્ચર્યમાં પડી ગયો. ફ્લેટમાં લાગેલા ઉર્વિલના ફોટોથી પણ તે કામવાળી પરિચિત હતી તેની સાથે વાત કરીને તેને જાણવા મળ્યું કે રેવાએ અઠવાડિયામાં ૩ દિવસ ફ્લેટની સાફ સફાઈ થાય તેવી વ્યવસ્થા પહેલેથી જ કરાવીને રાખી હતી.
“સાહેબ જમવાનું બનાવવાનું છે? મેડમે કીધું તું...” સફાઈ પતાવી કામવાળી પૂછી રહી
“ના, તમે જઈ શકો છો.” ઉર્વિલ એટલું જ બોલી શક્યો ને કામવાળી દરવાજેથી બહાર નીકળી ગઈ. આટલું થયા પછી પણ રેવાને ખાલી ઉર્વિલનો જ વિચાર આવતો હશે કે શું! તે એક દિવસ આ ફ્લેટમાં આવી ચડે તો તેને તકલીફ ના પડે એના માટે તે કેટલું વિચારતી હશે! અને પોતે...
ઉર્વિલ આ વિચાર જીરવી ના શક્યો તે સીધો રૂમમાં જઈ રેવાની ડાયરીઓમાં રેવાને શોધવા લાગ્યો.

એક પછી એક ડાયરીઓના પાનાં ફરી રહ્યા હતા અને ઉર્વિલની સામે રેવાના ૨૦ વર્ષ ઉઘડી રહ્યા હતા. દેવ અને સ્વાતીએ રેવાનું મિનિટે મિનીટ જે ધ્યાન રાખ્યું હતું તેના માટે ઉર્વિલને ખરેખર અહોભાવની લાગણી થઇ રહી હતી.
કહાનની કાલીઘેલી વાતોમાં રેવાનું હસવું, ઉર્વિલની યાદમાં કલાકો ખોવાયેલું રહેવું, સ્વાતી પાસે નાના બાળકની જેમ જીદે ચડવું, દેવનું રેવા સાથે ફક્ત દવા ટાઈમ પર લેવા માટે રોજ ઝઘડવું, આવનારા બાળક સાથે વાતો કરવું... એવું કેટલુય એ પાનાઓ પર વિખરાયેલું પડ્યું હતું. એ એક એક ક્ષણ નવી નક્કોર જ લાગતી હતી ઉર્વિલને. એની સામે જ બનતી હોય તેટલી વાસ્તવિક લાગતી હતી. ડાયરીના પાને પાને ઓછામાં ઓછું ૧૦ વાર અંકાતું “આઈ મિસ યુ ઉર્વિલ, જલ્દી આવ...” ઉર્વિલનું કાળજું ચીરી નાખતું હતું. ઉર્વિલ બસ એક જ વાત વિચારી રહ્યો હતો કે કાશ! એક મોકો મળે ને એ બધું જ સરખું કરી નાંખે. ભૂતકાળમાં જઈને કરેલી ભૂલોને બસ એક વાર સુધારી નાંખે. એક વાર રેવાને ઉર્વિલમાં સમાવી લે. પણ તે તો શક્ય જ નહોતું. આ વેદનાથી જ ધ્યાન હટાવવા તેણે ડાયરીમાં રઘુ પર ફોકસ કરવાનું શરુ કર્યું. ડાયરીના પાનાઓ પર ક્યારેક ક્યારેક રઘુનું નામ આવી જતું પણ એ જસ્ટ સ્વાતિને મળવા આવ્યો હોય અને રેવાના હાલચાલ પૂછીને નીકળી જાય એવું જ બનતું. એવી એકેય ઘટના હજુ સુધી તેની સામે નહોતી આવી જેનાથી તેને સમજાઈ શકે કે રઘુ એ તેની સાથે એવું વર્તન શું કામ કર્યું.

તે એક પછી એક પાનાં વાંચી રહ્યો હતો પણ તેને શું સુજ્યું કે તે તરત જ ડાયરીના છેલ્લા પાને ચાલ્યો ગયો. તે જોઈ શક્યો કે ડાયરીના ૩-૪ પાનાં કોઈએ ફાડી નાંખ્યા હતા. તે એક પછી એક બધી ડાયરીના પાનાઓ રેન્ડમલી જોવા લાગ્યો. બાકી બધી જ ડાયરીઓ બરાબર હતી પણ ૪ નંબરની ડાયરીના પણ અમુક પાનાઓ ગાયબ હતા.
તેણે તરત જ સાહિલને ફોન જોડ્યો
“કામમાં છો?” ઉર્વિલ આદતવશ બોલી રહ્યો
“ના, બોલ શું થયું?”
“રઘુને લગતી કોઈ સરખી વાત આમાં નથી...”
“હા, તો નહી હોય.” સાહિલને વાત બહુ સમાન્ય લાગી.
“અરે અમુક પાનાં પણ ગાયબ છે.” ઉર્વિલને હવે ઉચાટ થતો હતો
“આટલા વરસ થયા યાર. ઉંદરડા કાતરી ગયા હશે!” સાહિલને રસ જ નહોતો કદાચ એકેય વાતમાં
“ભાઈ મારા, સ્પેસિફિક કાગળ ગાયબ છે. આઈ ડોન્ટ નો હું શું કરું.” ઉર્વિલ બરાબરનો ચિડાયો
“ઉર્વિલ, ભૂતકાળના જવાબ શોધવા જઈશ તો વર્તમાન ભસ્મીભૂત થઇ જશે.”
“એટલે?”
“આઈ નો તને એમ લાગતું હશે કે મને તારી કંઇજ પડી નથી. કે હું તારી આ વાતમાં રસ લેતો નથી બટ સાચું કહું તો મને ભૂતકાળમાં રસ નથી. મનસ્વી તાં વર્તમાન છે એને સાચવ. ઉર્વા માટે શું કરી શકાય એમ છે એ જો એમાં હું નહિ રોકું. પણ જે વીતી ગયું એની પાછળ એક મિનીટ પણ હવે ના ખર્ચ તું.” સાહિલના અવાજમાં ભારોભાર લાગણી હતી
“પણ રઘુ...!” ઉર્વિલ હજુ એ જ પોઈન્ટ પર અટકેલો હતો
“એ ક્યારેક ને ક્યારેક સામે આવી જશે. તું બસ તારું અત્યારનું સાચવ બધું. મનસ્વીને સાચવ યાર...” સાહિલના શબ્દે શબ્દમાં ભાર હતો.
“સારું.” ઉર્વિલ પણ સમજી રહ્યો હતો કે સાહિલ સાચું કહે છે.

ફોન કાપીને તેણે અછડતી નજર આખા રૂમમાં નાંખી. ડાયરીઓથી પથરાયેલા પલંગને છોડી. શાવરમાં પોતાના ભૂતકાળને વહાવી પોતાના ઘર તરફ નીકળી પડ્યો.

ઘરના મેઈન ગેટ પર કેબના પહોંચતા જ તે પોતાને મનોમન કહી રહ્યો હતો કે મનસ્વીને દુનિયાની બધી ખુશીઓ આપશે હવે. એના ભાગનો બધો જ પ્રેમ આપશે અને ફરિયાદનો એકપણ મોકો નહિ આપે.
તે ઉતાવળા પગે ઘરના દરવાજે પહોંચ્યો અને ડોરબેલ વગાડી. આજે આટલા વર્ષે તે મનસ્વીનો ચેહરો જોવા અધીરો થઇ રહ્યો હતો. તેની નજર નીચી જ સ્થિર થઇ ગઈ હતી

“હેલ્લો ઉર્વિલ...” એક જાણીતો અવાજ તેના કાને અથડાયો અને એક જ ઝાટકે તેણે નજર ઉંચી કરી.

***

(ક્રમશઃ)