સંબંધોની બારાક્ષરી-50

(૫૦)

ડર કે આગે જીત હૈ

મુશ્કેલીથી ભાગ્ય વિના તેનો સામનો કરવો જોઈએ. જે વ્યક્તિ મુશ્કેલીઓથી, નિષ્ફળતાના ડરથી ભાગે છે તે ક્યારેય સફળતા મેળવી શકતી નથી. નિષ્ફળતાની સીડીઓ ચઢીને જ સફળતાના શિખર ઉપર પહોંચી શકાય છે. પૃથ્વીપર જન્મેલા દરેક જીવને તે જીવે ત્યાં સુધી સંઘર્ષ કરવો પડતો હોય છે. બીજાં પ્રાણીઓ, પક્ષીઓ કે જીવ-જંતુઓની સરખામણીએ માણસોને સહુથી ઓછો સંઘર્ષ કરવો પડે છે. બીજાં જીવોને તો પોતાનો જીવ બચાવવા માટે સતત ઝઝૂમવું પડે છે. બીજાં જીવો કરતાં માણસ જાત વધું બુદ્ધિશાળી હોવાથી તેણે અવનવાં સંશોધનો કરીને પોતાનું જીવન સરળ બનાવ્યું છે. તેમ છતાં દરેક માણસે ઓછોવત્તો સંઘર્ષ તો કરવોજ પડે છે, આલબત્ત તે અન્ય પ્રાણીઓ કરતાં જુદાં પ્રકારનો હોય છે.

ભય કે ડર એ આપણી માનસિક અવસ્થા છે. હકીકતમાં આપણે કોઈ ઘટનાના પરિણામથી નહિ પણ તે પરિણામની કલ્પનાથી ડરીએ છીએ. એટલે કે આપણે ધારીએ છીએ તેટલું તેનું પરિણામ ખરાબ નથી હોતું, જેટલી તેની કલ્પના હોય છે. વર્ષો પહેલાં હું મલેશિયા ફરવા ગયો હતો. અમે ગેન્ટીન્ગ હાઈલેન્ડના થીમપાર્કમાં ફરવા માટે ગયા હતાં. ત્યાં જાત-ભાતની રાઇડ્સ હતી. મને ઉંચાઈનો ડર લાગતો હતો જેથી અમુક રાઇડ્સમાં હું બેસતો ન હતો. ત્યાં એક રોલરકોસ્ટરની રાઈડ હતી. અહી આવ્યા હોવ અને રોલરકોસ્ટરમાં ન બેસો તો નકામું કહેવાય. એકબાજુ મને ડર હતો અને બીજીબાજુ આ રાઇડમાં બેસવાની ખુબજ ઈચ્છા હતી. હિમત કરીને હું તેમાં બેસી ગયો. જેવી રાઈડ શરું થઇ તેવીજ મેં આંખો બંધ કરી દીધી. પેટમાં ગલગલિયાં થવા લાગ્યાં. થોડીક સેકન્ડ્સ પછી મેં મન મક્કમ કરીને આંખો ખોલી નાખી. રાઈડ પૂરી થઇ ગઈ, સાથે સાથે મારો ડર પણ ગાયબ થઇ ગયો. તે પછી તો મેં બધીજ રાઇડ્સમાં બેસીને મઝા લુંટી. મારો ભય કાલ્પનિક હતો જે મને તે સમયે સમજાઈ ગયું હતું.        

દરેકના જીવનમાં ચડતી પડતી તો આવતીજ હોયછે. મુશ્કેલીના સમયે જે હિમત હાર્યા વિના તેની સામે ઝુઝતો રહેછે તેને એક દિવસ સફળતા જરૂર મળેછે. હોલીવુડના એક મહાન કલાકારની સાથે પણ આવુંજ થયું હતું. તે આર્થિક રીતે એટલો પાયમાલ થઇ ગયો હતો, કે તેણે તેની પત્નીના ઘરેણાં અને તેનો વ્હાલો કુતરો વેચવાની ફરજ પડી હતી. તે દિવસે તે ખુબજ રડ્યો હતો. જયારે તે સાવ નિરાધાર થઇ ગયો ત્યારે તેને ન્યુયોર્કના બસસ્ટેશનમાં ત્રણ રાત ખુલ્લામાં ગુજારવી પડી હતી. બે અઠવાડિયા તેણે ભૂખ્યાં તરસ્યાં કાઢી નાખ્યાં હતાં.

        એક દિવસ તેણે બોક્સર ‘મહંમદઅલી’ અને ‘ચક વેપનર’ વચ્ચેની બોક્સિંગની મેચ જોઈ. તેમાંથી તેણે પ્રેરણા મેળવીને ફિલ્મની એક સ્ક્રીપ્ટ લખી નાખી. સ્ક્રીપ્ટ લખવામાં તેને વીસ કલાક લાગ્યાં હતાં. તે સ્ક્રીપ્ટ વેચવા નીકળ્યો. તેને એક લાખ પચીસ હજાર ડોલરની ઓફર મળી. તેણે સામે શરત મૂકી, ‘આ ફિલ્મમાં હીરોનો રોલ પોતે કરશે.’ સ્ક્રીપ્ટ ખરીદનાર સ્ટુડીઓવાળા આ માટે તૈયાર ન થયાં. એક દિવસ સ્ટુડીઓવાળાએ તેનો સંપર્ક કરીને બે લાખ પચાસ હજાર ડોલરની ઓફર કરી, પણ તે પોતાની શરતને વળગી રહ્યો. ત્રીજીવાર ત્રણ લાખ પચાસ હજાર ડોલરની ઓફર થઇ. તે હજું પણ તૈયાર ન હતો. તેણે કહ્યું કે ભલે પૈસા ઓછા મળે પણ હીરોનો રોલ તો હુંજ કરીશ. છેવટે તેને હીરોનો રોલ મળ્યો પરંતુ સ્ક્રિપ્ટના તેને ફક્ત પાંત્રીસ હજાર ડોલર જ મળ્યા.

        ત્યારબાદ જાણેકે તેનું નસીબ ખુલી ગયું. તે ફિલ્મે અનેક રેકોર્ડ તોડ્યા. ઓસ્કાર એવોર્ડમાં તેને બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડિરેક્શન, બેસ્ટ એડીટીંગ વગેરે શ્રેણીમાં એવોર્ડ મળ્યા. આ ફિલ્મનું નામ હતું ‘રોકી’ અને તેનો હીરો બીજો કોઈ નહિ પણ સુપ્રસિદ્ધ કલાકાર ‘સિલ્વેસ્ટર સ્ટેલોન’ હતો. આ ફિલ્મને અમેરિકન ફિલ્મના ઈતિહાસની મહાન ફિલ્મોમાંની એક માનવામાં આવેછે. સિલ્વેસ્ટર સ્ટેલોને કહ્યું હતું, ‘ઘણીવાર તક તમારી સામેથી પસાર થઇ જાયછે અને તમે કશુંજ કરી શકતાં નથી, કેમકે તે સમયે તમારું કશુંજ અસ્તિત્વ હોતું નથી. જો તમે કઈક સારું પણ કરોછો, તો લોકો તમારી પ્રોડક્ટ લેવાં તૈયાર થાયછે, તમને નહિ. જો તમે શ્રીમંત અને જાણીતાં નથી, તો લોકો તમારી સાથે ખરાબ વર્તન કરેછે. લોકો તમારી પાસેથી બધુજ ઝુંટવીને તમારી આશાઓ કચડી નાખવા માગેછે. જીવતાં રહેવાં માટે તે બધુંજ કરવું પડેછે, જે તમે કયારેય કરવા માંગતા નથી. ભૂખ્યાં તરસ્યાં ખુલ્લા આકાશ નીચે તમારે રાતો પસાર કરવી પડેછે. તેમ છતાં તમારે તમારાં સપનાં જીવતાં રાખવાં પડેછે. કેમકે સપનાં પુરા કરવા માટે તેનું જીવતાં રહેવું જરૂરી છે.’

        ખુબજ ખ્યાતનામ અને બહુવિધ પ્રતિભા ધરવતો સિલ્વેસ્ટર સ્ટેલોન જો તેના શરૂઆતના સંઘર્ષના દિવસોમાં જ મનથી હારી ગયો હોત, તો આજે દુનિયા તેને ઓળખતી ન હોત. જેમ જેમ તેના જીવનમાં મુશ્કેલીઓ વધતી ગઈ, તેમ તેમ તેનું મનોબળ દ્રઢ થતું ગયું. સંજોગોથી ડર્યા વિના, થાક્યા વિના, હાર્યા વિના તે સતત લડતો રહ્યો.

        જયારે આપણને કોઈપણ કામ કરવામાં ડર લાગતો હોય ત્યારે સૌથી પહેલાં તો આપણું મન શાંત કરવું જોઈએ. અશાંત મન હોય ત્યારે આપણે નિર્ણયો લઇ શકતાં નથી. મન શાંત કરવા માટે આંખો બંધ કરીને ઊંડા શ્વાસ લેવાં જોઈએ. થોડીકવાર પછી આપણું મન શાંત થાય, ત્યારે પોતાની જાત સાથે સંવાદ સાધવો જોઈએ, જાત સાથે વાત કરવી જોઈએ. ડર વિશેની કલ્પનાઓ બંધ કરીને તે કામ સફળ થયાં પછી થનારાં ફાયદાઓ વિષે વિચારવું જોઈએ. નકારાત્મક વિચારોને બદલે હકારાત્મક વિચારો કરવા જોઈએ. પરિણામે, આપણામાં હિમતનો સંચાર થશે અને આપણું મન તે કામ કરવા માટે તૈયાર થઇ જશે. એકવાર આપણા મનમાંથી ડર નીકળી ગયો પછી તો, ‘ડર કે આગે જીત હૈ.’

$$$

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Brijeshkumar 3 માસ પહેલા

Verified icon

Kavita Pal 4 માસ પહેલા

Verified icon

Ajit Shah 4 માસ પહેલા

Verified icon

Jaydeep Shah 4 માસ પહેલા

Verified icon

Suresh Patel 4 માસ પહેલા