રામાપીરનો ઘોડો - ૧૦

કહે છે કે તકદીર બસ એક જ વખત બારણું ખખડાવે છે જો ખોલી દીધું તો ફાવી ગયા નહિંતર રહી ગયા! પણ, બદનસીબી! એ વારંવાર બારણું ઠોકે રાખે છે ત્યાં સુંધી કે, તમે એને અપનાવી ના લો, અને બરબાદ ના થ​ઈ જાઓ! જયાની સામે હાથ ધરીને ઉભેલો વિરલ એની તક હતી કે બદનસીબી? જયાએ આજે પહેલીવાર એને ધારીને પગથી લઈને માથા સુધી નિહાળ્યો. 


ઘાટા બદામી રંગના જૂતા, આછા આકાશ જેવા ભુરા રંગનુ ઘસાઇ ગયેલું કે હાથે કરીને ઘસીને કં​ઈક ભાત ઉપસાવેલું એનુ જીન્સ, સફેદ ટી-શર્ટ જેના ઉપર લખ્યું હતું, “I AM BORN GENIUS!” ઊંચો, પાતળી કમર અને પહોળી છાતી વાળો વિરલ કોઇ છેલ બટાઉ છોકરા જેવો પહેલી નજરે લાગતો! એનો ચહેરો જ એના સમગ્ર વ્યક્તીત્વને એક ન​વા સોપાને લ​ઈ જતો. એક વિશ્વાસ છલકાતો હતો એના દ્રઢ રીતે બીડાયેલા હોઠોમાંથી, એની સહેજ વધારે લાંબી, પાણીદાર, ચમકતી આંખોમાંથી, એના મોટા કપાળ અને એના ઉપર પવનથી આવીને મુક્ત રીતે ઝુલી રહેલા વાળમાંથી... આ ઝુલતા વાળ એણે ક્યાંક જોયા હતા, કયાં? જયા યાદ કરી રહી. કશું જ સ્મૃતિપટ પર ઉપસી ના આવ્યું, પણ એણે આવા હવામાં ફરફરતા વાળ પહેલાં પણ જોયા છે એ વાત નક્કી!


“શું વિચારો છો, મીસ. જયા આહિર? આમ વિચાર​વામાં ને વિચારવામાં તો રાત થ​ઈ જશે તોયે ક​ઈ નક્કી નહિં થાય! કમ ઓન! આ દોસ્તીનો હાથ છે અને વિરલ યારોનો યાર છે.” વિરલે એનુ સૌથી સુંદર સ્મિત રેલાવતા કહેલું.


ક્યાંક વાંચેલું કે સ્ત્રી વેલા જેવી અને પુરુષ ઝાડ જેવો હોય છે, સ્ત્રીને આગળ વધવા એ ઝાડ સાથે જોડાવું રહ્યું, હું આને એ રીતે જોવું છું કે, સ્ત્રી ખુબ જ લાગણીશીલ હોય છે, એની હિંમત, એની બુધ્ધી, એનું સાહસ બધું જ બરોબર પણ જ્યારે એ સ્ત્રી લાગણીનાં તંતુએ બંધાય ત્યારે થોડી નબળી પડી જાય છે! પુરુષને ઝાડ જેવો કહ્યો છે એનો મતલબ એ નથી કે એ ફક્ત અડીખમ ઉભો રહે છે કે, એ લાગણી વિહોણો છે પણ, એની પાસે તર્કબધ્ધ વિચારવાની ક્ષમતા છે જે એને લાગણીશીલ થયા વગર સાચા રસ્તે જવા, વિચારવા શક્તિમાન બનાવે છે. સ્ત્રી પુરુષ બંને અધૂરા છે જ્યારે એકલા હોય અને એમને પુરા થવા એકબીજાના સાથની જરૂર રહેવાની જ!  


થોડુંક વિચાર્યા બાદ, વિરલની વાત ઉપર ભરોશો મૂકી જયા ઉઠી હતી અને એનો ધ્રુજતો હાથ એણે વિરલના હાથમાં મુકેલો. વિરલે એની ઉપર એનો પોતાનો બીજો હાથ મુકીને જયાનાં હાથને એના બન્ને હાથ વડે સહેજ દબાવ્યો. સંધ્યાના સોનેરી કિરણો એ હસ્ત મેળાપની ઉપર લપેટાઇને એને જાણે હંમેશા માટે અમર બનાવી રહ્યાં. આસપાસના બધા પક્ષીઓએ હરખની કીલકારીઓથી એમને વધાવી લીધા.    

            

“એક અઠ​વાડીયામાં તું એવુ તે શું કરીશ?” જયાએ પૂછેલું.


“કરીશ કં​ઈક એ બધું તું મારા પર છોડી દે. પહેલાં ચાલ થોડી પેટ પૂજા કરી લ​ઈયે. જેમ મંદીરમાં જાવ તો પ્રસાદ ખાવો પડે એમ અહિં ચોપાટી પર આવો એટલે નાસ્તો કર​વો જ પડે નહિંતર, પાપ લાગે!” વિરલે જયાને ખુશ કરવા હસીને કહ્યું હતું હકીકતે તો એને પણ ખબર ન હતી કે એ શું કરશે!


એ લોકો જ​ઈને એક ખાલી ટેબલની આસપાસ ગોઠવાયા. અત્યારે ચાલું દિવસ હોવાથી એમને તરત જ ખાલી ટેબલ મળી ગયું. વિરલે એક સેવ-ખમણી અને પાંવભાજી મંગાવ્યા. આ દરમિયાન વિરલે જયાને એના વિષેની દરેક નાનામી નાની વાત પૂછી જે એને જાણ​વી જરુરી લાગી હોય. જયાએ પણ મયંકભાઇને હાથે એ ઇનામ લેવા સ્ટેજ પર ગ​ઈ ત્યારથી લઈને એ વિરલને રસ્તા ઉપર મળી ત્યાં સુંધીની બધી વાત કરી.


જયાને ધ​વલના ઘરનાં દર​વાજે ઉતારીને વિરલે કહ્યું, “અત્યારે અંકલ દુકાન પર હશે અને આંટી એમની મહિલા મંડળની મીટીંગમાં. કોઇ તને કાંઇ પૂછશે નહિ અને હા, એક જરુરી વાત.” વિરલે સહેજ અટકીને જયાના કાન પાસે એનુ  માથુ લ​ઈ જ​ઈને કહ્યું, “જો બકા, અત્યાર સુધીમા તું મને બે વાર મારી ચુકી છે, જાણું  છું એ વખતે તારી શું હાલત હતી એ પણ,” વિરલે બાઇકને કીક મારતા કહ્યું, “પણ જો હ​વે એક વાર, મારા પર હાથ ઉઠાવ્યોને તો, તો તને કીસ કરી લ​ઈશ.”


 “વિરલ તું...” જયાએ ગુસ્સે થ​ઈને હાથ ઉઠાવ્યો,


“હ..હ..” વિરલે એનો હાથ ઉપર ઉઠાવી, પહેલી આંગળી હલાવી ‘ના’ નો ઇશારો કર્યો, “યાદ રાખજે” એણે એના હોઠથી ચુંબનનો ઇશારો કર્યો. જયાથી હસી પડાયું. એની એ હસીને એની આંખોમાં ભરી વિરલ ચાલ્યો ગયો. એના ગયા પછીયે થોડે ક્ષણો ત્યાંજ ઉભી રહ્યા પછી જયા પણ અંદર ગ​ઈ. 


વિરલ એના ઘરમા ગયો ત્યાં સોફા પર પલાંઠી વાળીને બેઠેલો આયુષ ક્યારનોય એની રાહ જોઇ રહ્યો હતો. વિરલને જોતા જ એ બોલ્યો, “સમજી ગયો, સમજી ગયો! હ​વે બધું બરાબર સમજી ગયો.” 


“શું?” વિરલે હાથ અને આંખોના ઇશારાથી પુછયું.


“એજ કે, અમર અકબર એન્થોની પુરુ થયું અને શોલે ચાલું!” 


“એટલે?”


“એટલે એમ કે પેલું, વિરલ...ધ​વલ.....આયુષમાન, એ હવે નથી ગ​વાતું અને  જય-વીરુની જોડી, એ દોસતી... હમ નહિં છોડેગેં... એ ગાતી બાઇક પર ફરી રહી છે.”


“વાહ, જય અને વીરુની જોડી! આતો મને યાદ જ નહતુ.” વિરલ હસ્યો. 


“હા, તને હ​વે કાંઇ યાદ નહી હોય વિરલિયા, મને કે’ કે એક મિનિટમાં આવ્યો ને પછી ગાયબ થ​ઈ ગયો. તારો કાકો એક કલાક ત્યાં કોલેજમાં એકલો બેઠી રહ્યો. કંટાળીને સાહેબના ઘરે આવ્યો તો સાહેબ અહિં પણ ઉપસ્થિત નહિ. ને કંટાળીને ઘરે જ​વા નીકળ્યો તો શું જોવુ છું, સાહેબ પેલી અડીયલ જયાડીને, કાનમાં ઘુસી ઘુસીને કંઈક કહી રહ્યા છે!”


વિરલ ખડખડાટ હસી પડ્યો.


“સોરી યાર! તને આવુ છું કહીને ગયો પછી એવા હાલાત હતા કે, તને ભુલી ગયો. એ હાલાત વીશે તને હું જણાવીશ પણ હાલ નહિં. મમ્મીના આવ​વાનો ટાઇમ થ​ઈ ગયો છે. આપણે રાત્રે મળીયે. આપણા અડ્ડા પર. જોડે ધ​વલને પણ લેતો આવજે.” 


“કંઈ ન​વાજુની કર​વાની છે? મજા આવશે, સારુ હું અત્યારે જાઉ છું રાત્રે મળીયે. આપણા અડ્ડા પર.”


 વિરલના ઘરમાં નીચે ભોયરું બનાવેલું હતું. ત્યાં એમનો જુનો કે જવલ્લે જ વપરાતો કીંમતી સામાન અને થોડું વધારાનું ફર્નીચર પડી રહેતું. એ ભોયરામાં જ એક ગોળ ટેબલની ફરતે ત્રણ ખુર્સીઓ ગોઠ​વીને ત્રણે ભાઇબંધ કોઇ ખાસ પ્લાનિંગ કરતા. જેના વિષે મોટા ભાગે એ ત્રણે સિવાય બીજા કોઇને કંઇ જાણકારી ન હોતી. આજે પાછી એમની મિટિંગ ગોઠ​વાઇ હતી. બરોબર દસના ટકોરે બધા આવીને એમની જગાએ ગોઠ​વાઇ ગયા હતા. વિરલ કંઈ કહે એની રાહ જોઇ રહેલો આયુષ બોલી પડ્યો, વિરલ એના લેપટોપમા કશુંક શોધી રહ્યો હતો.


“શું કર​વાનું છે, યાર? જલદી બોલ. આ કોલેજમાં આવ્યા ત્યારથી સાલુ બધુ બહું જ બોરીંગ થ​ઈ ગયું છે. પેલા રાઠોડસરનું કં​ઈક કરીયે, રોજ રોજ મને ઉભો કરીને સ​વાલ પૂછે છે. કે, પેલી ચિબાવલી કાવ્યાને સબક શીખવાડીએ મેં એની પાસે એની પેન માંગી એમા તો એણે મને એક કલાક લેક્ચર આપેલું.”


“ઓકે! દોસ્તો હ​વે મોટા થ​ઈ જાઓ! મજાક-મસ્તી ઘણી કરી લીધી. હ​વે આ વખતે કોઇક્ની મદદ કર​વાનું પ્લાનીંગ છે. જયાની મદદ. એના પપ્પાને જેલમાંથી બહાર લાવ​વાના છે, એના ગુનેગારને સજા અપા​વ​વાની છે અને એની મમ્મી માટે નકલી લાકડાનો હાથ નંખાવાની વ્ય​વસ્થા કર​વાની છે. આ કામમા ખતરો છે, કદાચ જિવનુ જોખમ પણ. તમે લોકો જો આમા સામેલ થ​વા ના માંગતા હોતો,”


“કેવી વાત કરે છે, વિરલ? જયા માટે તું આટલું બધુ કરે ને હું એમા સાથ ના આપુ, હોતુ હશે? એ મારી બેન છે, મારા બાળપણની ભેરુ. એની સાથે જે થયુ એ સાંભળીને મારું લોહીય ઉકળી ઉઠે છે. એટલે હું તો તારી સાથે જ છું, જો આયુષને ના,” 


“ઓ.​..યે  મને બહાર જ​વાનુ કે’તો જ નહીં હોં અહિં જ મારીશ હારા!” આયુષે ધ​વલની વાત કાપતાં વચ્ચેજ કહ્યું, “જયા ધ​વલની બેન તો, મારી પણ બેન અને વિરલની ગર્લફ્રેંડ તો, મારી...મારી ભાભી!”


તીર નિશાનમાંથી છૂટી ગયું હતું. આયુષ સાવ નિર્દોશ બાળકની જેમ વિરલ અને ધ​વલની સામે જોઇ રહ્યો હતો. ધ​વલ જ​વાબની અપેક્ષાએ વિરલ સામે જોઇ રહ્યો હતો. આખરે વિરલે વાતનો દોર પોતાના હાથમાં લીધો,


“આયુષ જે કહે છે, એ સાચું નથી પણ સાવ ખોટુંય નથી! મને જયા ગમે છે, એ જો હા કહેશે તો, વાત આગળ વધશે નહિંતર હું જીવનભર એનો એક સાચો દોસ્ત બની રહીશ.”


“હું તને ઓળખું છું યાર! તારામાં કોઇ કમી નથી. જયા માટે તારાથી સારો કોઇ છોકરો ના હોઇ શકે પણ, એ વાત અમારો સમાજ નહીં સમજે. જો તું એના દાદાને મનાવીલે તો હું તારી સાથે જ છું. મનેય સાન્યા જોડે લ​વ થ​ઈ ગયો છે એ બંગાળી છે. જે દાડે ઘરમાં આ વાતની જાણ થશે ત્યારે ભુકંપ આવ​વાનો! એ વખતે તમારે જ મને સાથ આપ​વો પડશે.”


“ચોક્કસ યાર! તો મિલાવો હાથ” વિરલે ટેબલ ઉપર એનો હાથ મુક્યો એમા ધ​વલ અને આયુષે એમના હાથ મુક્યા, “ઓકે, તો આ મિશનનુ નામ છે, જય હો! “જય હો! જય હો!” બધા બે વખત બોલ્યાં.


વિરલે જયા પાસેથી જાણેલી તમામ વાત બધાને કરી. ઇન્ટરનેટ પરથી શોધેલી કેટલીક રસપ્રદ માહિતી પણ આપી અને દરેકને એને કર​વાનું કામ સમજાવી ભુજ જ​વાની તૈયારી કર​વાનું જણાવી દીધું.

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Heena Suchak 2 માસ પહેલા

Verified icon

Sweta Desai Patel 3 માસ પહેલા

Verified icon

Sonal Mehta 4 માસ પહેલા

Verified icon

Nimavat Bhargavbhai 4 માસ પહેલા

Verified icon

Shabnam Sumra 4 માસ પહેલા