રામાપીરનો ઘોડો - ૯


કોલેજમાં ન​વું વરસ ચાલું થ​ઈ ગયું. વિરલ, ધ​વલ​, આયુષમાન અને બીજા બધા છોકરાઓ ખુબ ઉત્સાહીત હતા. જયાનું પણ આ છોકરાઓ સાથે, એમની જ કોલેજમાં વસંતભાઇએ નામ લખાવી દીધેલું. જયાના દાદાના મતે એમ કે, છોકરી ત્યાં સુરત જેવા મોટા શહેરમાં રહે અને કોલેજ સુંધી ભણેલી હોય તો એના માટે એમની જ જ્ઞાતીનો, નોકરી-ધંધો કરતો અને શહેરમાંજ રહેતો છોકરો શોધી, એની સાથે જયાનાં હાથ પીળા કરાવી દેવાય. 


ડોક્ટર બનવાના સપના જોતી જયાએ એક હરફ પણ ઉચ્ચાર્યા વગર સાયન્સ કોલેજમાં દાખલો લ​ઈ લીધો. ધવલ અને બીજા છોકરાઓ અંગ્રેજી માધ્યમમા ભણેલા હતા એટલે આગળ પણ એ લોકો એ માધ્યમમાં જ ગયા એમને કોઇ ફરક ન પડ્યો પણ, જયા ગુજરાતી માધ્યમમાં ભણેલી હતી. એને ફરક પડયો છતાં, એ કંઇ ના બોલી. ફરિયાદ કરવાનું એ સમૂળગું જ ભૂલી જ ગયેલી. એને હ​વે આ બધાથી જાણે કશો ફરક જ નહતો પડતો! કદાચ એણે હવે નક્કી કર્યું હતું અંધારામાં જ રહેવાનું! એકવાર પ્રસિધ્ધ થઈને બોર્ડમાં ખુબ સારું પરિણામ લાવીને એનું વરવું ફળ એ હાલ ભોગવી જ રહી હતી...


આજે કોલેજનો પહેલો દિવસ હતો. બધા ન​વા દાખલ થયેલા છોકરા-છોકરીઓ ખુબ જ આનંદમાં હતા. અવનવા ફેશનેબલ કપડાંથી, સેંન્ટ અને ડીઓની મહેકથી, હળ​વા હસી-મજાક અને આનંદની કિલકારીઓથી આજે કોલેજનુ પ્રાંગણ ખીલી ઉઠેલું. રજાઓની લાંબી, સુની ઉદાસી છોડી આજે એ જીવંત બન્યું હતું. પાનખર પછી જાણે વસંત બેઠી હતી! આ બધાથી બેખબર આપણી જયા ઉદાસીના શણગાર સજીને ધ​વલ સાથે કોલેજમાં પ્રવેશી ત્યારે એને જોઇને વિરલનું સ્મિત ગાયબ થ​ઈ ગયું. જયા જેવી જ ઉદાસી એના રુપાળા ચહેરા પર પણ ફરી વળી. શું ઉદાસીયે ચેપી હોય છે? 


વિરલ આજે સ​વારે કોલેજ આવ્યો ત્યારે અનેરા ઉત્સાહમાં હતો. જયાને જોયા વગર એના દિવસ સુના હતા તો રાતો એકલવાયી પસાર થતી હતી. વારે, વારે કોઈ બહાનું કાઢીને ધ​વલના ઘરે જ​વાનું પણ વાજબી ન હતુ ને, એ જાય તોયે જયાના એને દર્શન થતાં જ નહી. જયા ખબર નહીં ઘરના કયે ખુણે છૂપાઇને રહેતી હતી, વિરલને એ કદી દેખાઇ નહતી. ધવલ પાસે આડકતરી વાત કરી વિરલ જયા વિશે પૂછતો તો એ એને એના બાળપણની કથા સુનાવતો. વિરલને એટલાથીયે સંતોશ થતો. એણે જયાથી દુર રહીને પણ જયા વીશે શક્ય એટલી બધી માહિતી એકઠી કરેલી. એના મતે જયા ખુબ જ હોંશિયાર, સંસ્કારી અને સ્વાભિમાની છોકરી હતી. એ મનોમન જયાને ચાહવા લાગેલો. આખો દિવસ જયાનો ચહેરો એની નજર સામે રહેતો. ઊંઘી જાય તો સપનામાંય જયા જ દેખાતી! પણ, આ સપનાવાળી જયા સાચુકલી જયા કરતા તદ્દન અલગ હતી. સપનામાં આવતી એ તો ખુબ જ વાચાળ, ખિલખિલાટ હસતી , વિરલ... વિરલ... કહીને એને જરાયે ઝંપ​વા ના દે એવી હતી! છેલ્લા કેટલાય દિવસોથી એણે સપનામાં જ જયાને જોયેલી એટલે અત્યારે આ સાચુકલી, પહેલાં કરતાય વધારે ઉદાસ જયાને જોઇને વિરલનો જીવ કળીયે કળીયે કપાઇ રહ્યો. જયાને હસતી બોલતી કર​વા એ કંઇ પણ કર​વા તૈયાર હતો. 


વિરલને ચુપ જોઇને આજે પહેલીવાર આયુષે એમનું રોજનું મળતી વખતનું અને દરેક ન​વું કામ કે ગતકડું કરતી વખતે ગ​વાતું ગીત ગાવાનું ચાલું કર્યુ, 


“હોની કો અનહોની કરદે, અનહોનીકો હોની! એક જગાહ જબ જમા હો તીનો,”


આગળની લાઇન વિરલે બોલ​વાની હતી પણ, એ ચુપ હતો. બધા આયુષની સામે જોઇ રહેલા. એને થોડી શરમ આવી ગ​ઈ. એણે વિરલને ખુણીએથી એક ઠુંહો માર્યો ને બધા સામે જોઈ હસતા હસતા ફરી ગાયું, “એક જગાહ જબ જમા હો તીનો.. તીનો.... તી...નો..." આયુષે વિરલની સામે જ​ઈને ડોળા કાઢીને એનું ધ્યાન દોર્યુ. ધ​વલ અને જયા પણ ત્યાં આવી ગયેલા. વિરલને હ​વે ભાન થયુ. એણે એની લાઈન ગાઇ,

“વિ..ર​...લ...” 


 “ધ​વલ ..." 


“આયુષમાન!”


ત્રણે જણા એકમેકને ભેંટી પડ્યા. 


જયા આ બધાને છોડીને અંદર ક્લાસમાં જતી રહી હતી. એને જતી જોઇને વિરલ પણ એની પાછળ ગયો. ધવલ અને આયુષને ન​વાઇ લાગી. આ બધા નાટક વિરલે તો એમને શિખવેલા અને આજે એજ આમ જતો કેમ રહ્યો? 


વિરલ ક્લાસમાં પહોંચ્યો ત્યારે જયા અને બીજા કેટલાક વિદ્યાર્થીઓ બેંચ ઉપર બેઠેલાં હતા. વિરલ જ​ઈને જયાની બાજુમાં બેસી ગયો, “હાઇ! કેમ છે?” વિરલે કં​ઈક વાત ચાલુ કરવાના ઇરાદે પૂછ્યું હતું.


જયા કં​ઈ જ​વાબ આપ્યા વિના જ ઊભી થ​ઈને બીજી જગાએ બેસી ગ​ઈ. જેણે જેણે આ નોટીસ કરેલું એ બધા હસી પડ્યા! વિરલ છોભીલો પડી ગયો છતાં, એણે હસી નાખ્યું! 


ઘરે જતી વખતે પણ જયાએ વિરલના, “બાય” નો જ​વાબ આપ​વાનું ટાળેલું. 


ધ​વલને એના દોસ્તો સાથે બાઇક પર રખડ​વાનું ગમતું હતું. હવે જયા સાથે હોવાથી એને ગાડી લ​ઈને આવ​વું પડતું. એ જયાને ઘરે મુકીને તરત બાઇક લ​ઈને નીકળી પડતો, તે છેક સાંજ ઢળી ગયા પછી પાછો આવતો. જયાની નજરમાં આ વાત આવતાં જ એણે એકલા કોલેજ જ​વાનું ધ​વલને જણાવેલું. ધ​વેલે કહેલુ કે, એને કોઇ વાંધો નથી પણ જયા નહિં માનેલી. એ ચાલતી જ જતી. વસંતકાકાને કહેલુ કે, ચાલ​વાનું એને ગમે છે, થોડો પગ છુટો થાય. ભુજમાં પણ એ બધે ચાલતી જ જતી. કોઈએ એની એ વાતનો વિરોધ ના કર્યો, જયા અહી ધીરે ધીરે ગોઠવાતી જતી હતી એનાથી બધા ખુશ હતા. જયાએ એની ભીતરનાં તોફાનને એની અંદર જ દબાવી દીધું હતું, કોઈ એની દયા ખાય એ એને જરાય પસંદ ન હતું.


ધ​વલે હવે બાઇક લ​ઈને આવ​વાનું શરુ કર્યુ, દોસ્તો સાથે રખડપટ્ટી કર​વાનો એને સમય મળવા લાગ્યો, ત્યારે જ વિરલે કોલેજથી સીધા ઘરે જ​વાનુ ચાલુ કર્યુ એ આશામાં કે કોઇક દિવસ તો જયા એની પાછળ બેસશે... 


એક મહીનો વીતી ગયો. ધ​વલને એક ગર્લફ્રેંડ મળી ગઈ હતી. એ હ​વે એની સાથે બાઈક પર ફરતો. આયુષ ક્યારેક વિરલ તો ક્યારેક ધ​વલની સાથે રહેતો. પણ એને લાગતુ કે જાણે એ બન્ને એનાથી પીંછો છોડાવતા હોય. ધ​વલ શેંમા વ્યસ્ત હતો એનીતો આયુષને ખબર હતી પણ વિરલ? વિરલ એનાથી દુર ભાગતો હોય એવું એને લાગવા લાગેલું, કોઈ સીધા દેખીતા કારણ વગર !


“જયા, આપણે બન્નેને એકજ જગાએ જ​વાનું છે, મારી પાસે બાઇક છે,  તો રોજ રોજ તું ચાલતી કેમ જાય છે? બેસીજા યાર! હું તને તારા ઘરે ઉતારી દ​ઈશ.” વિરલ બોલી તો ગયો પણ એને થયું કે, ‘તારા ઘરે’ એ શબ્દ ના બોલ્યો હોત તો સારું હતું. 


જયા કશો જ​વાબ આપ્યા વગર આગળ ચાલ​વા લાગી.


વિરલ બાઇક દોરીને પાછો એની આગળ જ​ઈને ખડો થ​ઈ ગયો, “બસ, બહું થયું આ બધું. ચાલ બેસી જા બાઇક પર.”


“હું મારી મેળે જતી રહીશ.” જયા આગળ વધ​વા ગ​ઈ ત્યારે જ વિરલે એનો હાથ પકડી લિધો. 


જયા થોડી ગભરાઇ, શું કર​વું? એને થયું આમ કોઈ એનો હાથ પકડી એને બળજબરીથી કંઈ ના કરાવી શકે. જો એ ચુપ રહેશે તો કાલે કોઈ બીજો આવી જ હિંમત કરશે. અચાનક એને ભુજના પેલા નેતા મયંકભાઈનો ચહેરો યાદ આવી ગયો અને એણે વિરલના ગાલે એક થપ્પડ મારી દીધી... 


વિરલ સહેજ હસ્યો પણ હાથ ના છોડ્યો, “મારીલે જોઇએ તો હજી બીજા બે, ચાર, તારી મરજી હોય એટલા લાફા મારી લે!”


જયા ઢીલી પડી ગ​ઈ. વિરલના આવા જ​વાબની એને અપેક્ષા જ ન હતી. વિરલની આંખોમાં અજબ તેજ હતું, એક ખુમારી હતી. એ કોઈ ટપોરી કે આવારા છોકરો ન હતો. જયાને પોતાના કૃત્ય પર અફસોસ થયો.


“શું જોઇએ છે તારે? શું કામ મારો પીંછો કરે છે? હું તમારા લોકો જેવી નથી, મારે એવું બન​વું પણ નથી. મહેરબાની કરીને મને મારી હાલત પર છોડી દે.” જયા બોલતાં બોલતાં રડી પડી. 


વિરલે એનો હાથ છોડ્યો નહીં, બલકે વધારે મજબુતાઇથી પકડ્યો, “પાછળ બેસીજા.” એણે મક્કમ અવાજે કહ્યું.


જયા એમને એમ ઊભી રહી. હ​વે આવતા જતા લોકોનુ પણ અહિં ધ્યાન ગયું.


“લોકો આગળ તમાશો ખડો કર્યા વગર બેસી જા.” વિરલે જયાનો હાથ છોડી દીધો. 

જયામાં હ​વે વિરલનું અપમાન કર​વાની હિંમત ન હતી. એ બેસી ગ​ઈ. વિરલે ધીરેથી બાઇક આગળ ધપાવ્યું. અઠ-​વાલાઇન્સના જે ખુણામાં એમને વળ​વાનું હતું એ આવીને ગયો. જયાએ એ જોયું એને વિરલને રોક​વાનું મન થયું પણ, એ એમ કરી ના શકી.


બાઇક એક જગાએ જ​ઈને અટકી, એમના ઘરથી થોડે દુર! તું અહિં ઊભી રે હું બાઈક પાર્ક કરીને આવ્યો. જયા આજ્ઞાકારી પૂતળાની જેમ ઊભી રહી. થોડીવારે એ પાછો આવ્યો તો જોયું કે હજી જયા એમને એમ, એજ સ્થિતિમાં ઉભેલી.વિરલ સહેજ હસ્યો, દર્દ ભરેલું. એની આંખોમાં ભીનાશ હતી કે જયાને એવુ લાગ્યું! જોઇએ હજી શું શું સહન કર​વાનું નસીબમાં લખ્યું છે એમ, વિચારી જયાએ વિરલને ના રોક્યો ના કશુય  પુછ્યું.  


“ચાલ,” જયાની ચાર આંગળીઓ એના એક હાથમાં પકડીને એ આગળ થયો પાછળ જયા ચાલી. “આ આપણી ચોપાટી છે. તાપીનો કિનારો, મારી ફેવરીટ જગા.” વિરલ જયાને લઈને સુરતની ચોપાટી પર, તાપીને કિનારે આવ્યો હતો. તાપીમાં વહી જતું પાણી આગળ જઈને દરિયામાં ભળી જતું હતું. ઘણું બધું પાણી હતું તાપીમાં એ પાણી તાપીનું જ હતું કે દરિયા પાસેથી લીધેલું ઉધાર! કોને ખબર? પાણીની તો કોઈ જાત નથી હોતી બસ, એકમેકમાં ભળી જવું એજ એની નિયતિ હતી.જયા વિચારી રહી અને વિરલની પાછળ પાછળ ચાલતી રહી.


થોડેક આગળ જતા જ કેટલાક મોટા ઝાડ પાસે આવી એ અટક્યો હતો. જયા પણ અટકી. “કંઇ સંભળાય છે તને?”


 “કેટલા બધા પક્ષી એકસાથે કલબલાટ કરી રહ્યા છે.” 


 હ​વે જ જયાનું ધ્યાન અવાજ તરફ ગયું. ત્યાંના દરેક ઝાડ પર અસંખ્ય પક્ષીઓ બેઠેલા હતા. એ બધા જુદી જુદી જાતના હતા અને બધાં ખુબ અવાજ કરી રહ્યાં હતાં. એમાના કેટલાક તો જયા આજે પહેલી વાર જોતી હતી. 


“જો દરેક ડાળી પર કેટલા બધા પક્ષી છે. બધા અલગ અલગ પ્રકારના. એમાના કેટલાક અહિંના સ્થાયી છે તો કેટલાક બહારથી આવ્યા છે. દુર વિદેશથી આવેલા પણ હશે. એમના સંજોગ એમને અહિં ખેંચી લાવ્યા. જીવતા રહેવા એમના માટે એમનું એ સ્થળાંતર જરુરી હતું અને એમણે એ કર્યું. જ્યારે એમના દેશની આબોહ​વા એમને અનુકૂળ થઈ જશે ત્યારે એ પાછા ઉડી જશે, એમના ઘરે. અત્યારે એ લોકો સુરતનાં લોકલ પક્ષીઓ સાથે કેટલી ખુશીથી જીવી રહ્યાં છે, ગાઇ રહ્યાં છે, એમણે એમની પરિસ્થિતિ સાથે સમાધાન કરી લીધું છે એટલે ખુશ છે, તો તું કેમ નહિ જયા? તું એમ કેમ નથી માની લેતી કે આ એક કપરો સમય ચાલી રહ્યો છે તારા જીવનમાં  જે એક ને એક દિવસ વીતી જશે. તું ઘરે પાછી જ​ઈશ, જરુર જ​ઈશ, તારા મા-બાપ પાસે પણ, એ દિવસને હજી વાર છે તો એટલા દિવસ તું આમ ઉદાસ રહેવાને બદલે ખુશીથી પણ રહી શકેને?”


 “ઘર? કયુ ઘર? મારા મમ્મી પપ્પા? તું શું જાણે છે, મારા વિશે?” જયા બોલી હતી ગુસ્સેથી રડતાં, ધ્રુજતા અવાજે! વિરલે એને રડ​વા દીધી.


“નથી જાણતો! હું કંઈજ નથી જાણતો! તો? તું જણાવ મને. એવુ તો શું છે જે તને અંદરને અંદર કોરી રહ્યું છે. કહીદે જયા, તારા દિલની હર એક વાત મારે જાણ​વી છે.”વિરલ થોડો ભાવુક થઈને કહી રહ્યો હતો.


“પણ શા માટે?”


“સાચો જ​વાબ આપુ તો ફરી લાફો તો નહિં મારેને? ” વિરલે હસીને પૂછ્યું . 


“એટલે?” જયાએ આંખો ફાડીને વિરલની આંખોમાં જોતાં કહ્યું.


“આઇ લ​વ યુ! પ્રેમ કરુ છું તને. તને જ્યારે પહેલીવાર જોઇને ત્યારનો.”


“હું તને કંઈ લવ બવ નથી કરતી.બકવાસ છે એ બધું અને તને તો કોઈ પણ છોકરી મળી જશે, સુંદર, ફેશનેબલ,ફડફડ અંગ્રેજીમાં  બોલે તેવી, અમીર ઘરની કોઇ પણ તું મારી પાછળ વખત બગડવાનું રહેવા દે!”


“કોઇ પણ! પણ જયા નહિં?” વિરલે જયાની આંખોમા જોતા કહ્યું. 


“ના. જયા નહિં. જયાના જીવનમાં હ​વે કશું જ બચ્યું નથી. મારા પપ્પા જેલમાં છે, મમ્મી અપંગ, દાદા બિચારા  ઘસાઇ ગયા છે છતાં, હજી બધી જ​વાબદારી સંભાળે છે. હ​વે હું એ લોકોને બીજી કોઇ તકલીફ નહી આપું. મારી જિંદગીનુ બસ એક જ મકસદ છે, મારાં પપ્પાને જેલમાંથી છોડાવ​વા અને મારા પરિવારને પાછો, પહેલાં હતો એમ નિરાંતે જીવતા જોવો. આમાં તારી કોઇ જગા નથી, કોઈની પણ જગા નથી. હું ક્યારેય એક સામાન્ય છોકરીની જેમ નહિ જીવી શકું. જે કંઈ મારા પર વીત્યું છે એ ભૂલવું શક્ય જ નથી!” વિરલની આંખોમાં ના જોવાતું હોય એમ જયાએ નજરો નીચી કરી લીધી.


“સરસ અને મને જરા જણાવશો મેડમ કે તમે આ બધું એકલા કેવી રીતે કરશો? ત્યાં ભુજમાં એકલા પગ મુક​વાની હિંમત છે?”


“હાલ નથી ખબર પણ હું કરી લ​ઈશ.”


“તું કંઇ જ નહિ કરે શકે! આ બધું કર​વા તને કોઇના સાથની, કોઇના સહારાની જરુર પડશે જ અને એમાં ખોટું શું છે? એકબીજાના સાથ અને સહકારથીજ આ દુનિયા, આ પૂરું વિશ્વ ચાલે છે! ચાલ બીજું બધું જવા દઈએ, ફક્ત દોસ્તીના દાવે કહુ છું, એક​વાર મારા હાથમાં તારો હાથ સોંપીજો,  જો એક અઠ​વાડીયામાં તારું કામ પૂરું ના કરુંને તો જિંદગી ભર તારી સામે નહિ આવું.”  વિરલ એનો હાથ લંબાવી ને જયા સામે ધરી રહ્યો...

                 

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Heena Suchak 1 માસ પહેલા

Verified icon

Sweta Desai Patel 3 માસ પહેલા

Verified icon

Sonal Mehta 4 માસ પહેલા

Verified icon

Nimavat Bhargavbhai 4 માસ પહેલા

Verified icon

Shabnam Sumra 4 માસ પહેલા