સંબંધોની બારાક્ષરી-49

(૪૯)

પોતાનો અંગત મત

દરેક વ્યક્તિને જીવન પ્રત્યેની પોતાની એક માન્યતા હોય છે, પોતાનો મત હોય છે, પોતાનો એક દૃષ્ટિકોણ હોય છે, પોતાનાં આગવાં વિચારો હોય છે, પોતાનાં ગમા-અણગમા હોય છે. દરેકની પોતાની આગવી એક જીવનશૈલી હોય છે. દરેક વ્યક્તિને પોતાની રીતે પોતાના મત મુજબ, પોતાની માન્યતા મુજબ જીવવાનો અધિકાર છે. આપણે આપણી આસપાસ આપણા મિત્રો, સગાંઓ કે પાડોશીઓને જોઈશું તો આનો ખ્યાલ આવશે. દરેકે દરેક વ્યક્તિ બીજાથી અલગ છે, જુદી છે. એટલાં માટેજ આ દુનિયા પચરંગી લોકોથી ભરી પડી છે. આવું કેમ થાય છે? સાયકોલોજીકલ રીતે જોઈએ તો દરેક વ્યક્તિ જયારે જન્મે છે ત્યારે તે તેના પેરેન્ટ્સના અને પોતાનાં કુટુંબના સંપર્કમાં આવે છે. તે સમયે તેને જે અનુભવો થયાં હોય તેના આધારે તેનું વ્યક્તિત્વ, તેના વિચારો, તેના ગમા-અણગમા અને તેની જીવનશૈલી ઘડાય છે. આ ઉપરાંત તે જે ગામ, શહેર કે દેશમાં જન્મી હોય તેનું ભૌગોલિક અને સામાજિક વાતાવરણ પણ તેના વ્યક્તિત્વ ઘડતરમાં ભાગ ભજવે છે. એકજ ઘરમાં જન્મેલાં બાળકો પણ અલગ અલગ વ્યક્તિત્વ ધરાવતાં હોય છે, કેમકે તે બધાંને પણ જુદાં જુદાં અનુભવો થયાં હોય છે.

બાળક જયારે નાનું હોય ત્યારે તેના ઘડતરમાં દરેક મા-બાપે ધ્યાન આપવું જોઈએ. જયારે બાળક નાનું હોય છે ત્યારે તેની ગ્રહણ શક્તિ વધારે હોય છે, જેથી તેને શીખવવામાં આવતી તમામ બાબતો તે ઝડપથી શીખી જાય છે. આપણે ત્યાં ઊંધું થાય છે. જયારે બાળક નાનું હોય છે ત્યારે તેના ઘડતરમાં મા-બાપ ધ્યાન આપતાં નથી અને જયારે તે યુવાન થઇ જાય છે ત્યારે તેની દરેકે દરેક બાબતોમાં ચંચુપાત કરે છે. બાળક યુવાન થાય છે ત્યારે તેનું વ્યક્તિત્વ ઘડાઈ ગયું હોય છે. યુવાન થયાં પછી તેને કોઈની પણ સલાહ ગમતી નથી હોતી. ખરેખર તો બાળક યુવાન અને પુખ્તવયનું થાય ત્યારે તેને પોતાની જિંદગી અંગેના નિર્ણયો જાતે લેવા દેવા જોઈએ. ખોટાં નિર્ણયો લઈને ભૂલો કરે તો કરવાદો, ભુલોમાંથીજ તે અનુભવ મેળવશે અને અનુભવમાંથી તે શીખશે.

તમારાં વિચારો બીજાપર થોપી બેસાડશો નહિ. આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિ અલગ છે, છતાંપણ આપણે એવું ઇચ્છીએ છીએ કે દરેક વ્યક્તિ મારું કહેવું કરે, મારી જીવનશૈલી અપનાવે, મારા વિચારો મુજબ જીવે, મારી ઈચ્છા મુજબનાં કપડાં પહેરે, હું કહું તે ડોક્ટરની દવા કરાવે, મને પસંદ હોય તેની સાથે સંબધ રાખે. મેં જોયું છે, કેટલાંક લોકો તો પોતાની નજીકની વ્યક્તિ તેની વાત ન માને તો તેની સાથે બોલવાનું બંધ કરી દે છે. પોતાનું આધિપત્ય દાખવવા માટે, કે પોતાનો ઈગો સંતોષવા માટે કેટલીક વ્યક્તિઓ આવો દુરાગ્રહ રાખતી હોય છે. જ્યાં સુધી સામેની વ્યક્તિ તેમની વાત માનતી હોય ત્યાં સુધી વાંધો નથી આવતો પણ જો તે વ્યક્તિ તેની વાત મને નહિ ત્યારે તેમને ખુબજ દુઃખ થાય છે. ‘હું જે કહું છું તે એનાં ભલા માટેજ કહું છું,’ તેવું આવાં લોકો મનોમન માનતા હોય છે. ઘણીવાર તે વ્યક્તિને ખોટું ન લાગે એટલા માટે સામેની વ્યક્તિ તેની વાત માનતી હોય છે અથવા તો તેની હામાં હા મિલાવતી હોય છે.

પોતાનાં ઘરમાંજ આપણને આવાં અનુભવો થતાં હોય છે. આપણા પેરેન્ટ્સ કે આપણા વડીલો છાછવારે શિખામણોની લહાણી કરતાં હોય છે. કોઈક મોટો નિર્ણય લેવાનો હોય અને તેઓ પોતાનો મત જાહેર કરે તે અલગ બાબત છે પણ નાની નાની બાબતોમાં ચંચુપાત કરે ત્યારે અકળામણ થાય છે ‘આ શું સાવ લઘરવઘર કપડાં પહેર્યા છે?’ ‘આ બ્લેક કલરનો ટોપ તને જરાયે શોભતો નથી.’ ‘ભઈસાબ, તું મીડી સ્કર્ટ પહેરીને પાર્ટીમાં ના જઈશ.’ ‘તારી આ દાઢી અને વાળમાં તું ગુંડા જેવો લાગે છે.’ ‘મેકઅપ આપણને ના શોભે.’ ‘આ ઘરમાં રહેવું હોય તો રાત્રે વહેલાં સુઈ જવું પડશે.’ આવાં તો કઈ કેટલાંયે વટ હુકમો રોજેરોજ સાંભળવા મળતાં હશે. જેના કારણે ઘણીવાર યુવાનો પોતાનાં ઘરમાં અમુક વાતો કહેવાનું ટાળતા હોય છે.

જીતુભાઈ મારા એક મિત્રના મિત્ર છે. તેઓ દેખાવમાં થોડાંક શ્યામ છે. તેમનાં પત્ની તેમના કરતાં ગોરી છે. આ ભાઈ પોતે શ્યામ હોવાં છતાં ખુબજ શોખીન છે. તેમને જાત જાતનાં રંગબેરંગી કપડાં પહેરવાનો શોખ છે. જયારે તેઓ યુવાન અને અપરણિત હતાં ત્યારે તેઓ ફેશનેબલ કપડાં પહેરતાં હતાં. તે સમયે તેમને કોઈ રોકટોક કરવાવાળું ન હતું. જ્યારથી તેમનાં લગ્ન થયાં છે ત્યારથી તેમનાપર પત્નીરુપી સેન્સરબોર્ડ બેસી ગયું છે. એક સમયના શોખીન જીતુભાઈ હવે સાવ સીધાસાદા કપડાં પહેરે છે. તેમની પત્ની તેમને રંગીન, ભડકીલા અને કાબરચીતરા કપડાં પહેરવા દેતી નથી. તેની પત્ની માને છે, તમને શોભે તેવાજ કપડાં પહેરવાં જોઈએ.

આમાં બિચારા જીતુભાઈનો શો વાંક? તેમને પોતાને જે કપડાં પહેરવાં ગમતાં હોય તે પહેરવાપર તેમની પત્નીએ પાબંદી લગાવી છે. મનમારીને તેઓ તેમને ન ગમતાં હોય તેવાં કપડાં પહેરે છે. હું તો કહું છું, ભલેને જીતુભાઈને અમુક કપડાં ન શોભતાં હોય તો શું થયું? તેમને પોતાને ગમતાં કપડાં પહેરવાનો તેમને અધિકાર આપવો જોઈએ. તેમની પત્નીએ તેમાં દખલઅંદાજી ન કરવી જોઈએ. જીતુભાઈને ન શોભે તેવાં કપડાં પહેરીને પણ તેઓ જો ખુશ થતાં હોય તો કોઈને તેમની ખુશી છીનવી લેવાનો શો અધિકાર છે? તેમની પત્ની જો એવું માનતી હોય કે અમુક કપડાં ફક્ત ગોરી વ્યક્તિઓએજ પહેરવાં જોઈએ, તો તેમની તે માન્યતા ખોટી છે. શું શ્યામ કે કાળી વ્યક્તિઓએ ફેશનેબલ કે રંગીન કપડાં પહેરવાનાં જ નહિ?! તેમનો ગુનો એટલોજ ને કે તેઓ દેખાવડાં નથી? એનો અર્થ એ આફ્રિકનો કે સીદીઓને કોઈ જાતનાં શોખ જ નહિ કરવાના?! આતો રીતસરની ભેદભાવ વાળી નીતિ કહેવાય. તમે પણ વિચારજો, આપણો મત બીજાં પર ઠોકી બેસાડવામાં ક્યાંક આપણાથી અન્યાય તો નથી થતોને!

$$$

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Ajit Shah 4 માસ પહેલા

Verified icon

Suresh Patel 4 માસ પહેલા

Verified icon

Janki 4 માસ પહેલા

Verified icon

Abhijeet S. Gadhvi 5 માસ પહેલા

Verified icon

Jasmina Divyesh 6 માસ પહેલા