સંબંધોની બારાક્ષરી-48

(૪૮)

ધંધો અને ધાર્મિક માન્યતાઓ

આપણા દેશમાંજ દરેક બાબતને ધર્મ સાથે જોડવામાં આવે છે. કહેવાનો મતલબ ધર્મ આપણી દરેક પ્રવૃત્તિ સાથે વણાઈ ગયો છે. કોઇપણ કાર્ય કરવાનું હોય ત્યારે, પહેલાં તેને લગતી ધાર્મિક માન્યતાઓ પૂરી કરવામાં આવે છે. જેમકે કોઈને મકાનનું બાંધકામ કરવું હોય તો જમીનની પૂજા કરવામાં આવે છે. મકાન બની ગયા પછી તેમાં રહેવા જતાં પહેલાં હોમ-હવન કરીને વાસ્તુ કરવામાં આવે છે. દુકાન કે કંપનીના ઉદ્ઘાટન વખતે પણ પૂજા કરવામાં આવે છે. કોઈને ત્યાં દીકરો જન્મે કે પ્રમોશન મળ્યું હોય ત્યારે સત્યનારાયણની કથા કરાવવામાં આવે છે. આધેડ ઉમરના લોકો ચારધામની જાત્રાએ જાય છે. કોઈનાં મૃત્યુ સમયે કથા કે ગરુડ પુરાણ બેસાડવામાં આવે છે. મેળાઓ પણ ધાર્મિક માન્યતાના લીધે થતાં હોય છે. આ સિવાય પણ વર્ષમાં કેટલીયેવાર જાત-ભાતની કથાઓનું આયોજન થતું રહેતું હોય તે જુદું. આમ વારેતહેવારે અનેક નાનામોટાં પ્રસંગોએ ધાર્મિક ક્રિયાકરમ કરવામાં આવતો હોય છે. ધાર્મિક વિધિ-વિધાન વિનાનો કોઈ પ્રસંગ આપણે વિચારી પણ શકતાં નથી. ધર્મ આપણા લોહીમાં પ્રાણવાયુની જેમ ભળી ગયો છે.

આપણો દેશ અતિશય ધાર્મિક દેશ છે. તેઓ પોતાનાં દરેક કાર્યને ધર્મ સાથે જોડી દે છે. મેં તો એવું પણ સાંભળ્યું છે કે ચોર, લુંટારા કે ધાડપાડુંઓ પોતાનું કાર્ય સફળ થાય તેના માટે દેવી-દેવતાની બાધા કે માનતા રાખતાં હોય છે. જો કાયદેસરનો ધંધો કરવાવાળા કથા-વાર્તા કે પૂજા કરાવતા હોય તો ચોર-લુંટારાઓએ શો ગુનો કર્યો! ‘ગંદા હૈ પર ધંધા હૈ.’ પોતે જે કરી રહ્યાં છે તે સાચું જ કરી રહ્યાં છે તેવું દરેક વ્યક્તિ માનતો હોય છે. આપણા ધર્મમાં દરેક વ્યક્તિના ખરાબ કાર્યોને માફી મળી જાય છે. ખરાબ કાર્યોની (જેને ધર્મમાં પાપ કહે છે.) માફી માગવા માટે આપણા ધર્મધુરંધરોએ અનેક રસ્તાઓ વિચારી રાખ્યા છે. સાધુસંતો કે બ્રાહ્મણના કહેવા પ્રમાણેની વિધિ, દાન-દક્ષિણા કરવાથી માણસના બધાંજ પાપ ધોવાઇ જાય છે અને તે પવિત્ર બની જાય છે.

હું સરકારી ખાતામાં નોકરી કરતો હતો ત્યારની વાત છે. અમારાં ખાતાના વડા બહુજ ધાર્મિક હતાં. જોકે તેઓ કરપ્ટ પણ એટલાજ હતાં. સરકારી બીલોમાંથી ઉચાપત કરીને કે કોઈની બદલી કરીને તેઓ લાખો રૂપિયા કમાઈ લેતાં હતાં. તેઓ દર વર્ષે પોતાનાં ઘેર નવચંડી હવન કરાવતાં, આ ઉપરાંત દર મહીને હનુમાનજીના મંદિરે તેલનો ડબો ચઢાવતા. બે નંબરની લાખોની કમાણી કર્યાં પછી હજાર રૂપિયાના તેલના ડબામાં હનુમાનને ફોસલાવી લેતાં હતાં. એક જોક યાદ આવે છે. એક ભાઈ હનુમાનજીના મંદિરે જઈને પ્રાર્થના કરવા લાગ્યાં. ‘હે હનુમાનજી, જો મને એક લાખ રૂપિયાની લોટરી લાગશે તો તમને તેલના બે ડબા ચઢાવીશ.’ ત્યાં આકાશવાણી થઇ. હનુમાને કહ્યું, ‘હે પામર જીવ, તું મને મૂરખ સમજે છે? હું તને એક લાખની લોટરી લાગવું અને તું મને બે ડબા તેલ ચઢાવે; તેના કરતાં હુંજ એક લાખ રૂપિયાના તેલના ડબા ન ખરીદું!’ પેલા સરકારી સાહેબ પણ આવુંજ કરતાં હતાં.

સરકારી નોકરિયાતો હોય કે ધંધાદારીઓ, દરકે દરેક વ્યક્તિ આ ધર્મની ચુંગાલમાંથી છટકી શકતી નથી. એકબાજુ માણસનો પોતાનો સ્વાર્થ તેને ખોટું કરવા લલચાવે છે અને બીજીબાજુ ભગવાનનો ડર તેને સતાવે છે. આ બેમાંથી છુટવા માટે તે વચ્ચેનો રસ્તો અજમાવે છે, ધર્મનો રસ્તો. આપણા ધર્મના વડાઓએ દરેક ખોટાંકામોના પાપથી બચવા માટેની છટકબારીઓ શોધીજ રાખી છે. તમારી કમાણીમાંથી (બે નંબરની જ તો) અમુક રકમ દાન-ધર્મ પાછળ વાપરવાથી બધાંજ પાપ ધોવાઇ જાય છે. મુસ્લિમ ધર્મમાં પણ કમાણીનો અમુક હિસ્સો ખુદાના નામે કાઢવામાં આવે છે.

હું પશ્ચિમના ઘણાં દેશોમાં ફર્યો છું. ત્યાંની નાની દુકાનોથી લઈને મોટામોટા મોલમાં પણ ગયો છું. હજુ સુધી મેં એકેય દુકાનમાં દેવી-દેવતાઓના કે ઈશુ ખ્રિસ્તના ફોટા કે દીવાબત્તી કરતાં હોય તેવું જોયું નથી. તેઓ ધાર્મિક હોવાં છતાં આપણી જેમ ધંધામાં ક્યાંય ભગવાનને લાવતાં નથી કે રોજેરોજ ચર્ચમાં દર્શન કરવા જતાં નથી. છતાં તેમના ધંધાઓ વ્યવસ્થિત ચાલે છે અને નફો પણ કરે છે. આપણે હિંદુઓ સવારે દુકાન ખોલીએ ત્યારેજ ભગવાનના ફોટા સામે ફૂલહાર ચઢાવવાનો, દીવાબત્તી કરવાની, પ્રાર્થના કરવાની ત્યરબાદ જ કામ શરુ કરવાનું.

આપણા દેશમાં ધર્મના નામે એક બીજું પણ તુત ચાલે છે. તમે કોઈ દુકાન કે ઓફિસમાં જાવ ત્યારે તમારે તમારાં જૂતાં બહાર ઉતારીને અંદર જવું પડે છે. જૂતાં પહેરીને અંદર જવાની મનાઈ હોય છે. ઓફીસ કે દુકાન જુતાના કારણે ગાંડી થાય તેના માટે જૂતાં બહાર ઉતારવાના નથી હોતાં પરંતુ તેમની ધાર્મિક માન્યતાના કારણે જૂતાં બહાર ઉતરાવવામાં આવે છે. ઘણીવાર તો જૂતાં ઉતારીને અંદર જઈએ ત્યારે આપણા પગ ગંદા થાય તેટલી ગંદી તેમની દુકાન હોય છે.

હું એક બેંકમાં સવારે દસ વાગે ગયો. હજુ હમણાંજ બેંક ખુલી હતી. કાઉન્ટર પર હજુ કોઈ આવ્યું ન હતું. એક બહેન પાંચ મિનીટ પછી આવ્યાં. આવીને બે મિનીટ સુધી હાથ જોડી, આંખો બંધ કરીને મનમાં પ્રાર્થના કરી. મને એમ કે હવે તેઓ કામ શરુ કરશે પણ તે બહેને તો ટેબલના ખાનામાંથી નાનકડી ડાયરી કાઢીને તેમાં કઈક લખવા લાગ્યાં. આ બાજુ લાઈન લાંબી થતી જતી હતી. મારો પહેલો નંબર હોવાથી મેં તે બહેનને કામ શરુ કરવા માટે કહ્યું. તેઓએ મારી તરફ ગુસ્સાથી જોઈને કહ્યું, ‘દેખાતું નથી? ભગવાનનું નામ તો લેવા દો..!’ હું દલીલ કરવા જાઉં તે પહેલાં તો લાઈનમાંથી કોઈ બોલ્યું, ‘વાંધો નહિ બેન, ભગવાનનું નામ પહેલું.’ મારે તો કહેવું હતું, ‘લોકોનો સમય બગડ્યા વિના આ બધું ઘેર પતાવીને આવતાં હોવ તો! અને જો એટલાં બધાં ધર્મિષ્ટ હોવ તો નોકરી શું કામ કરો છો, મંદિરમાં જઈને બેસોને!’ પણ હું તેવું કહી શકતો ન હતો કેમકે લોકોને તે ગમતું હતું.

$$$

***

રેટ કરો અને રિવ્યુ આપો

Ajit Shah 1 માસ પહેલા

Chandubhai Panchal 2 માસ પહેલા

Jasmina Divyesh 3 માસ પહેલા

Dipak Rajgor 3 માસ પહેલા