અતુલ્ય ભારત Irfan Juneja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અતુલ્ય ભારત

દુનિયામાં અત્યારે ૧૯૫ જેટલા દેશો છે. કોઈ વિસ્તાર ની દ્રષ્ટિએ મોટા છે તો કોઈ વસ્તી ની દ્રષ્ટિએ. ભારત પણ આ ૧૯૫ દેશો માનો એક દેશ છે. વસ્તી ની દ્રષ્ટિએ ભારત દુનિયામાં બીજા સ્થાને છે. ભારત ની વસ્તી ૧૩૨.૪૨ કરોડ (૨૦૧૬ ની ગણતરી ને આધારે) છે. ૩૨.૮૭ લાખ સ્ક્વેર કિમિ વિસ્તાર ધરાવતો દેશ ભારત દુનિયામાં અનોખું સ્થાન ધરાવે છે.

ભારતમાં હાલ ૨૨ જેટલી ભાષાઓ બોલાય છે જેમાં અસામી, ગુજરાતી, હિન્દી, ઉર્દુ, સંસ્કૃત, બંગાળી, પંજાબી, કશ્મીરી, તેલગુ, મલયાલમ, સિંધી જેવી ભાષાનો સમાવેશ થાય છે. ભારત માં વિવિધ ધર્મો પાળતા લોકો રહે છે. હિન્દૂ, ઇસ્લામ, ખ્રિસ્તી, પારસી, બૌદ્ધ, સિક્કિઝમ જેવા અનેક ધર્મો ને ભારત માં સ્થાન મળ્યું છે. ૨૯ રાજ્યો અને ૭ કેન્દ્રશાસિત પ્રદેશ ધરાવતું ભારત પોતાની આગવી છાપ આપે છે.

દેશ માં દિવાળી, હોળી, ઉતરાયણ, ઇદ, મોહરમ, નવરાત્રી, રક્ષાબંધન, પોન્ગલ, ગણેશ ચતુર્થી, દશેરા, ગૌરી પૂજા, જેવા અનેક તહેવારો ઉજવાય છે. ભારત પોતાની આ પરંપરા અને રીતિ-રિવાજો અને તહેવારો થી જ દુનિયામાં પ્રખ્યાત છે.

ભારત તહેવારો નો દેશ છે, ભારત પવિત્ર યાત્રાઓ નો દેશ છે, જેવી કે હજ યાત્રા, અમરનાથ યાત્રા, કાશી યાત્રા , રથ યાત્રા. ભારત વિભિન્ન કપડાઓ માટે પણ પ્રસિદ્ધ છે. સારી, સાફો, ધોતી, કેડયું, કુરતો, ઓઢણી, બાંધણી, ખાદી, બુરખો, લુંગી , ચણિયાચોળી જેવા વિવિધ કપડાઓ આપણાં ભારત ની જ ઉપજ છે. ભારત મેળાઓ માટે પણ પ્રખ્યાત છે. ભારત માં કુમ્ભનો મેળો, પુસ્કર નો મેળો , તરણેતર નો મેળો જેવા વિવિધ મેળાઓ ભરાય છે અને લોકો એનો આનંદ માણે છે. તદુપરાંત બોલિવૂડ પણ ભારત ને દુનિયામાં અનોખી છબી દર્શાવવા માટે એક સ્થાન આપ્યું છે. શાહરુખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, રિશી કપૂર, શશી કપૂર, રણવીર શિંઘ, દીપિકા પાદુકોણ, માધુરી દીક્ષિત, જયા બચ્ચન, નરગીસ, શર્મિલા ટાગોર, આશા ભોંસલે, લતા મંગેશકર, જાવેદ અખ્તર, સમીર, એ. આર. રહેમાન જેવા કલકારો, ગીતકારો અને ગાયકો એ ભારત ને દુનિયા માં ખુબ જ નામના અપાવી છે.

યોગા અને યોગ ગુરુ ના કારણે પણ ભારત પ્રસિદ્ધ છે. બાબા રામદેવ અને બીજા યોગ ગુરુ ની મદદ થી ભારત એ દુનિયા માં નામના મેળવી છે અને હવે તો ૨૧ મી જૂન ને વૈશ્વિક યોગા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઐતિહાસિક સ્થળો અને ઇમારતો માં દુનિયાની ૩૫ જેટલી ઐતિહાસિક ઇમારતો ને ભારત સાચવીને બેઠું છે. નાલંદા, રણકી વાવ, હિમાલયા, અજંતા ઇલોરા ની ગુફાઓ, તાજમહલ , સૂર્ય મંદિર, જંતર મંતર, લાલ કિલ્લો જેવી અનેક અજાયબીઓ ભારત પાસે આજે પણ ઉપલબ્ધ છે.

ભારત પોતાના નૃત્ય માટે પણ ખુબ પ્રખ્યાત છે. સાંસ્કૃતિક નૃત્ય, ફોલ્ક નૃત્ય, કલાસિકલ નૃત્ય જેવા વિવિધ નૃત્ય ના પ્રકાર છે. ભરતનાટ્યમ, કથક, કુચિપુડી, જેવા વિવિધ નૃત્યો દુનિયાભરમાં ભારત ને આગવી ઓળખ અપાવે છે. ભારતના વિવિધ ભોજન ગુજરાતી થાળી, દાલબાટી, રસગુલ્લા, પાણીપુરી, ભેળ, ઢોસા, ઈડલી, પંજાબી જેવા અનેક રસથાળ ભારત ના વિભિન્ન સ્વાદ ની પરખ કરાવે છે.

ભારત માં વિભિન્ન આભૂષણો પહેરવામાં આવે છે. જેમ કે મંગળસૂત્ર, રુદ્રાક્ષ, તુલસીની માળાં, માંગ ટિકો, કાનના એરિંગ્સ, નાક ની નથ , ગળાનો હાર, હાથમાં બંગડી, પગમાં પાયલ, કેળે કનદોરો જેવા વિવિધ આભૂષણો ભારત ની જ દેન છે.

ભારતમાં દરેક ક્ષેત્રે મહાપુરુષો જન્મ્યા. ચાહે આઝાદી ની લડાઈ હોય કે વિજ્ઞાન ના સંશોધન, નામચીન ઉદ્યોગપતિ હોય કે પછી દેશના રમતવીરો. મહાત્મા ગાંધીજી, ભગતસિંહ જેવા દેશની આઝાદી ના લાડવૈયાઓ આ ભારત માઁ ની કોખે જ જન્મ્યા. અબ્દુલ કલામ, હોમી ભાભા, વિક્રમ સારાભાઈ જેવા વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિકો એ દેશને આગવી ઓળખ આપી. મુકેશ અંબાણી, અનીલ અંબાણી, રત્ન ટાટા જેવા ઉદ્યોગપતિઓ એ ભારત નું સ્થાન વૈશ્વિકસ્તરે ખુબ ઊંચું કર્યું. વિરાટ કોહલી, સચિન તેંડુલકર, રોહિત શર્મા, કપિલ દેવ, એમ. એસ. ધોની, મેરી કોમ, સંગ્રામ શિંઘ, અભિનવ બિન્દ્રા, સાનિયા મિર્ઝા જેવા રમત વીરો એ વૈશ્વિક જગત માં ભારત પણ રમતગમત માં આગવું સ્થાન ધરાવે છે એવું પુરવાર કર્યું.

આજે ભારત પાસે સૌથી વધુ યુવાધન છે. ભારતમાં કોઈપણ કાર્ય કરવા માટે સક્ષમ યુવાઓ છે. ભારત માં મેહમાનો ને દેવ તરીકે માની એમની મહેમાનગતિ કરવામાં આવે છે. અંગ્રેજો, ફિરંગીઓ, મુઘલો જેવા અનેક લોકો એ આ દેશને પોતાના કબજા માં લેવાની અને લૂંટવાની કોશિસ કરી પણ ભારત દરેક પરિસ્થિતિ માંથી ઉભરી આવ્યું અને આજે સ્વતંત્ર ભારત બની ને દુનિયા ના નકશામાં સોનાની ચીડિયા ની જેમ ચમકે છે.

ભારત ને બરબાદ કરવા અમેરિકા, ઇંગ્લેન્ડ, પાકિસ્તાન જેવા અનેક દેશોએ ઘણા પ્રયત્નો કર્યા. પણ ભારત દરેક પરિસ્થિતિમાં જીત્યું. આજે પણ દેશમાં ઘણા આંતરિક દુશ્મનો છે જે જાતિવાદ, ધર્મવાદ, પૈસા ના કૌભાંડો, ઘણા નેતાઓ, પૈકીના કોઈ ને કોઈ નજરે પડે છે. પણ દેશમાં સારા લોકો આ નહિવત લોકો ના પ્રમાણ માં વધારે છે. જેમકે વફાદાર પોલીસ ઓફિસર, દેશની સરહદ અને જરૂર પડે ત્યારે દેશ ની આંતરિક હિફાઝત કરવાવાળા જવાનો. દેશના સમાજસેવકો, દેશના હિતેચ્છુ શિક્ષકો, વૈજ્ઞાનિકો. જેના કારણે દેશ ને આજે પણ ગૌરવ થી દુનિયામાં સર ઉઠાવતા કોઈ રોકી શકતું નથી.

"મારુ ભારત અતુલ્ય, અખંડ અને બિનસાંપ્રદાયિક છે..."

સમાપ્ત....


******


આપનો પ્રિય
ઈરફાન જુણેજા