સંબંધોની બારાક્ષરી-47

(૪૭)

સ્ત્રીઓને સમાન હક્ક કયારે!

આપણે હંમેશાં સ્ત્રીઓને સમાન હક્ક આપવાની વાતો કરીએ છીએ. સ્ત્રીઓને સમાન હક્ક મળવો જોઈએ તેવું દરેક વ્યક્તિ માને છે. પરંતુ શું આપણે સ્ત્રીઓને સમાન દરજ્જો, સમાન હક્ક આપીએ છીએ ખરાં? દિલપર હાથ રાખીને સાચો જવાબ આપજો. ભલે બધાંને લાગતું હોય, ‘અમે તો સ્ત્રી કે પુરુષમાં ભેદભાવ રાખતાં જ નથી.’ ‘અમારે મન તો દીકરો હોય કે દીકરી બંને સરખાં.’ ‘અમારાં કુટુંબમાં સ્ત્રીઓને પુરેપુરી સ્વતંત્રતા આપેલી છે.’ ‘અમે તો દીકરીઓને પણ જેટલું ભણવું હોય તેટલું ભણવાની છૂટ આપેલી છે.’ આ બધું તો સામાન્ય છે. સ્ત્રીઓને ભણવાની, બહાર જવાની, વાહન ચલાવવાની કે બીજી કોઈ છૂટ આપેલી હોય તેટલાં માત્રથી કે તેનાપર દયા ખાવાથી તેને સમાન હક્ક નથી મળી જતો.

સ્ત્રીઓને સમાન હક્ક આપવો હોય તો સૌથી પહેલાં તો તેમના પ્રત્યેનો દ્ષ્ટીકોણ બદલવો પડશે. દરેક પુરુષે સ્ત્રી અને પુરુષના કામોમાં પાડેલાં ભેદ દુર કરવા પડશે. કહેવાનો મતલબ, આપણે સ્ત્રીઓ પ્રત્યેની આપણી માન્યતાઓ ધરમૂળથી બદલવી પડશે. સ્ત્રીઓ સાથે થતાં દરેકે દરેક વહેવારને, દરેક કામને, દરેક વિચારને, દરેક આચારને રેશનલ નજરે ચકાસવા પડશે. અને આ બધાં બદલાવના અમલની શરૂઆત પહેલાં તો આપણા ઘરેથી કરવી પડશે.

સ્ત્રીઓ સાથેનો ભેદભાવ તેના જન્મની સાથેજ શરુ થઇ જતો હોય છે. દીકરો જન્મે ત્યારે પેંડા અને દીકરી જન્મે ત્યારે જલેબી વહેંચવામાં આવે છે. દીકરી નાની હોય ત્યારે તેને રમકડાં પણ ઢીંગલી, રસોડાનો સેટ, ઇનડોર ગેમ્સ વગેરે આપવામાં આવે છે. છોકરીઓની રમત પણ ઘરઘત્તા, થપ્પો, અડકોદડકો, પ્લેઇંગકાર્ડ, લંગડી, ખોખો વગેરે હોય છે. સ્કુલમાં પણ તેમને અમુક પ્રવૃત્તિમાં જ ભાગ લેવા દેવાય છે. ક્રિકેટ, ફૂટબોલ કે વોલીબોલ જેવી રમતો તેમના માટે અછૂત ગણાય છે. છોકરી નાની હોય ત્યારથીજ તેને રસોઈ કરવી, કપડાં ધોવાં, વાસણ માંજવા, કચરા-પોતું કરવું વગેરે ઘરકામ શીખવાડાય છે. તે સિવાય ભરત-ગુંથણ, શિવણ, રંગોળી પુરવી, પૂજા કરવી, મહેમાનોનું સ્વાગત કરવું, વડીલોને માન આપવું, વગેરે પણ અનેક બાબતો શીખવવામાં આવે છે. આશ્ચર્યની વાત તો એ છે કે આમાંનું કોઇપણ કામ પુરુષોને શીખવવામાં આવતું નથી.

છોકરી જેમ જેમ મોટી થતી જાય છે તેમ તેમ તેના પર પ્રતિબંધો વધતાં જાય છે. ફ્રેન્ડ સર્કલ ફક્ત છોકરીઓનું જ હોવું જોઈએ. રાત્રે દસ વાગે ત્યાં સુધી ઘરે પહોંચી જવાનું. માની લઈએ કે છોકરીની સલામતી માટે આવો પ્રતિબંધ લાદવામાં આવ્યો હોય પણ ખરેખર દરેક મા-બાપ ફક્ત સલામતી માટેજ આવું ફરમાન કરતાં હોય છે? સ્લીવલેસ કે ટૂંકાં કપડાં નહિ પહેરવાનાં. અમુક ટાઈપનો મેકઅપ કે શ્રુંગાર નહિ કરવાનો. એકલાં બહારગામ નહિ જવાનું. પુરુષ મિત્રો સાથે ફિલ્મ જોવા કે પાર્ટીમાં નહિ જવાનું. સ્કુલ કે કોલેજમાંથી બહારગામ ટુર પર નહિ જવાનું. ઘણાં લોકો તો પોતાની છોકરીઓને ફક્ત ગર્લ્સ સ્કુલમાંજ ભણવા મોકલે છે.

સ્ત્રી પરણીને સાસરે આવે ત્યારે તેના માટે નવાં પ્રતિબંધોના ફતવાઓ તૈયાર જ હોય છે. સવારે વહેલાં ઉઠીને બધાં માટે ચા અને ગરમ ગરમ નાસ્તો બનાવવાનો, પુરુષો માટે નહાવાનું ગરમ પાણી અને ટુવાલ બાથરૂમમાં મૂકી આપવાનો, બપોરે ગરમ રસોઈ બનાવવાની, પુરુષો નોકરી ધંધે જાય પછી વાસણો માંજવાના, કચરાપોતું કરવાનું, ઘરનું બીજું કામ અનાજ સાફ કરવાનું, દલાવવાનું, શાકભાજી ખરીદવા જવાનું, બાળકોને તૈયાર કરવાનું, બાળકોને સ્કુલે લેવા-મુકવા જવાનું, સાંજ પડે ત્યારે પુરુષો આવે તે પહેલાં રસોઈ બનાવી દેવાની. કેટલાંક ઘરોમાં તો પુરુષો આવે અને જમવા બેસે ત્યારેજ ગરમ રોટલી કે ભાખરી બનાવીને પીરસવાની, રાત્રે મોડેથી ઘરકામથી પરવારીને સુવાનું. ઘણાં કુટુંબોમાં ઘરડાં માજી હોય તો તેમના પગ દબાવવાની પણ પરંપરા હોય છે. વાર તહેવારે વધારાનું કામ પણ ઘરની સ્ત્રીઓના માથેજ હોય છે. આ ઉપરાંત અડોશ પડોશમાં કે સગાં-સંબધીઓને ત્યાં પાપડ, મઠીયા, કાતરી, અથાણા વગરે બનાવવા જવું પડે તે વધારાનું.

કહે છે, સ્ત્રી જન્મે ત્યાંથી લઈને મારે ત્યાં સુધી રીટાયર્ડ થતી નથી. તેના દીકરાની વહુ આવે ત્યારે પણ તેને કામ કરવું પડે છે. ઘરનું કામમાં કે રસોઈમાં મદદ કરવી, પૌત્ર-પૌત્રીને ઉછેરીને મોટાં કરવાં, ઘરની તમામ જવાબદારી નિભાવવી, સામાજિક વહેવારો કરવાં, પ્રસંગોનું આયોજન કરવું વગેરે વગેરે. ટુંકમાં સ્ત્રીઓ ક્યારેય નવરી નથી પડતી. કેમકે આપણે તેમને નવરી બેસવા દેતાં નથી. ખૂબીની વાત તો એ છે, સ્ત્રીઓ પણ આ બધી બાબતોથી એવી ટેવાઈ ગઈ હોય છે. તેમના જીવન સાથે આ બધી બાબતો વણાઈ ગઈ હોય છે. સ્ત્રીઓ વિચારી શક્તિ નથી કે તેમની સાથે ભેદભાવ થઇ રહ્યો છે. એટલી હદે તેમના માનસમાં આ વાત રૂઢ થઇ ગઈ હોય છે કે તેઓ આને સહજ માને છે. સ્ત્રીઓ એમ માને છે કે સ્ત્રીઓએ તો આ બધું કરવું જ પડે. આતો તેમનું કર્તવ્ય છે, ફરજ છે, આ જ આપણું કામ છે.

સદીઓથી પુરુષોએ સ્ત્રીઓ માટેની જે વિચારધારા ઉભી કરેલી છે, જે રીતી-રીવાજો બનાવેલાં છે, જે સામાજિક નિયમો બનાવ્યાં છે તેને મૂળમાંથી બદલાવાની જરૂર છે. આ વાત દરેક સ્ત્રીએ અને દરેક પુરુષે સમજી લેવી જોઈએ. આ બદલાવ માટે આપણે કોઈ ખરડો, કોઈ બીલ કે કાયદો પસાર કરવાની જરૂર નથી. આ કામ તો આપણે સરળતાથી કરી શકીએ છીએ. તેના માટે લોકોને સમજાવવાની કે સમાજને જાગૃત કરવાની જરૂર નથી. સ્ત્રીઓને સમાન હક્ક આપવાની શરૂઆત આપણા ઘરેથી કરવી પડશે, આપણા બાળકોથી કરવું પડશે, આપણા કુટુંબથી કરવી પડશે. ત્યારબાદ આપોઆપ અન્યલોકો પણ આપણને અનુસરશે, જેના કારણે સમાજમાં પરિવર્તન આવશે.

$$$

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Brijeshkumar 3 માસ પહેલા

Verified icon

Kavita Pal 4 માસ પહેલા

Verified icon

Umesh Patel 6 માસ પહેલા

Verified icon

Manjula 6 માસ પહેલા