સંબંધોની બારાક્ષરી-46

(૪૬)

પારકે ભાણે મોટો લાડુ

હંમેશાં આપણને બીજાનું સુખ અને આપણું દુઃખ મોટું લાગતું હોય છે. ઘણાં લોકોને રોદણા રડવાની ટેવ હોય છે, કોઈક સાંભળવાવાળું મળવું જોઈએ. આમ જોવા જઈએ તો સુખ અને દુઃખ એ આપણા મનની અવસ્થા છે. અતૃપ્તિનો ભાવ દુઃખનો પર્યાય છે અને તૃપ્તિનો ભાવ સુખનો. જે છે તેને માણતાં નથી આવડતું પણ જે નથી તેનો અફસોસ કરતાં આવડે છે. માણસનું મન માખી જેવું હોય છે. માખી જેમ એકની એક જગાએ જઈને બેસે છે, તેવીજ રીતે આપણું મન પણ સુખની ડાળીએથી કુદીને હંમેશાં દુઃખની ડાળીએ ઝૂલવા તત્પર હોય છે.

સુખદેવને ધંધામાં નુકશાન ગયું હતું, જેથી તે ખુબજ દુખી હતો. તેને ચેન પડતું ન હતું. ઘરમાં તેણે તેની પત્ની તથા બાળકોને આ વાત જણાવી ન હતી. નુકશાનની વાત જણાવીને તે ઘરનાં લોકોને દુખી કરવા માગતો ન હતો. તેની બેચેની વધી ત્યારે તે કોઈનેય કશુંય કહ્યા વિના ઘેરથી નીકળી પડ્યો. ફરતો ફરતો તે દરિયા કિનારે આવીને બેઠો.

            દરિયો આજે તોફાને ચડ્યો હતો. સુખદેવના મનમાં પણ વિચારોનું તોફાન ચાલતું હતું. તે દરિયાનાં ઉછળતાં મોજાઓની નજીક જઈને એક પથ્થર પર બેઠો. રાત્રીના અંધકારમાં ફક્ત મોજાઓનો બિહામણો આવાજ સંભાળતો હતો. અંધારામાં તેનો પગ નાનાં નાનાં પથ્થરોની ઢગલી પર પડ્યો. જાણેકે તેનો રોષ દરિયા પર ઉતારતો હોય તેમ તે ઢગલીમાંથી એક એક પથ્થર ઉઠાવીને દરિયામાં ફેંકવા લાગ્યો.

ધીરે ધીરે રાત વીતવા લાગી. સુખદેવનું મન પણ હવે શાંત થયું હતું. પરોઢ થતાં આછો પ્રકાશ પથરાયો. સુખદેવ ઘેર જવા માટે ઉભો થયો. છેલ્લો પથ્થર ફેંકવા જતાં તેની નજર તેનાં હાથમાં રહેલા પથ્થર પર પડી, તે ચમક્યો. તેણે આમતેમ ફેરવીને પથ્થર તપાસ્યો. તેને ખબર પડી ગઈ કે આ કોઈ મામુલી પથ્થર નથી પરંતુ સાચું મોતીછે. તેણે નીચે આજુબાજુ જોયું તો બીજું એકેય મોતી મળ્યું નહિ. તેને સમજાઈ ગયું, અંધારી રાત્રે તેણે ભૂલમાં મોતીને પથ્થર સમજીને દરિયામાં ફેંકી દીધાં હતાં.

            સુખદેવને પોતે અજાણતાં કરેલી ભૂલ પર પારાવાર પસ્તાવો થયો. તે પોતાની જાતને કોષવા લાગ્યો. તે માથું કુટીને રડવા લાગ્યો. ત્યાંથી પસાર થતાં એક પંડિતે સુખદેવને રડવાનું કારણ પૂછ્યું. સુખદેવે તેમને આખી વાત કહી. પંડિતે સુખદેવને સલાહ આપતાં કહ્યું, “અજાણતાં તેં જે ગુમાવ્યું છે તેનાપર રડવાનો કે અફસોસ કરવાનો અર્થ નથી, જે બચ્યું છે અને જે મળ્યું છે, તેનું મુલ્ય સમજીને તેનો યોગ્ય ઉપયોગ કરવાથી તેનું મુલ્ય અનેક ગણું વધી જશે.” સુખદેવને પંડિતની વાત સમજાઈ ગઈ. તે મોતી લઈને ઘેર ગયો. બીજાં દિવસે મોતી વેચીને તેણે નવેસરથી ધંધો શરુ કર્યો. સમય જતાં તે અનેકગણું કમાયો.

        અહી સુખદેવ પણ દુઃખી હતો. ધંધામાં તેણે જે નુકસાન કર્યું હતું તેના કારણે તો તે દુઃખી હતોજ પરંતુ અજાણતાં તેણે જે મોતી દરિયામાં ફેંકી દીધાં હતાં તેનું પણ તેને દુઃખ હતું. જયારે તેને પંડિત સમજાવે છે ત્યારે તેના મનમાં સમજણનો દીવો પ્રકટે છે. જે પોતાનું હતુજ નહિ તેને ખોવાનું દુઃખ કરવાનો કોઈ અર્થ નથી, તે વાત તેને બરાબર સમજાઈ જાય છે. એક સમયે આપણીજ કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય, તૂટી ગઈ હોય કે નાશ પામી હોય તો પણ આપણે તેનું દુઃખ ન કરવું જોઈએ. હું એમ નથી કહેતો કે તેનું દુઃખ ન થાય, દુઃખ થાય તે સ્વાભાવિક છે પરંતુ તે દુઃખને ગળે લગાડીને ક્યાં સુધી ફરવાનું? ખરાબ બાબતોને ભૂલી જવામાં જ મઝા છે.

        દુઃખને ભૂલવાનો શ્રેષ્ઠ ઉપાય છે, મનને કોઈ ને કોઈ કામમાં પરોવેલું રાખવું. ‘નવરું મન નખ્ખોદ વાળે.’ આપણું મન કામમાં પરોવાયેલું રહેશે તો આપણને આપણું દુઃખ યાદ નહિ આવે. આમ તો એક કહેવત પ્રમાણે ‘દુઃખનું ઓસડ દહાડા’ પણ છે. જેમ જેમ સમય પસાર થતો જાય તેમ તેમ માણસ પોતાનું દુઃખ ભૂલતો જાય છે. દુઃખ ભૂલવાનો ત્રીજો ઉપાય છે એકલતાથી દુર રહેવું. એકલાં માણસને હજાર જાતનાં વિચારો કોરી ખાતાં હોય છે. તમે જો જો માણસ જયારે બધાંની સાથે હોય ત્યારે આનંદી, ઉત્સાહી અને ખુશમિજાજી લાગે છે. જેનું મન નબળું હોય અને જેને હંમેશાં ખરાબ વિચારો આવતાં હોય તેણે બને ત્યાં સુધી એકલાં ન રહેવું જોઈએ.

        જેના જીવનમાં કોઈ એવી ખરાબ ઘટનાઓ બની હોય તે વ્યક્તિને દુઃખ થાય તે સ્વાભાવિક છે પરંતુ કેટલાંક એવાં લોકો પણ છે કે જેમના જીવનમાં ખાસ એવું કઈ બન્યું જ ન હોય છતાંપણ દુઃખી રહેતાં હોય. તેમના દુઃખી રહેવાનું કારણ નજીવું જ હોય. જેમકે ફલાણાને તો મારાથી વધારે ઇન્કમ છે, ફલાણાને સુંદર પત્ની મળી છે, ફલાણાનો છોકરો તો અમેરિકાનો સીટીઝન છે, ફલાણાને તો છોકરાંની વહુ પૈસાદાર કુટુંબની મળી છે, ફલાણો મારાં કરતાં મોટો છે છતાંએ તેના નખમાંએ રોગ નથી વગેરે વગેરે. હવે તમેજ વિચારો, આવાં લોકોનું દુઃખ કેવું રીતે દુર કરવું? તેમણે અસંતોષના ચશ્મા પહેર્યા હોય છે જેના કારણે તેમને બીજાનાં ભાણાનો લાડવો મોટોજ દેખાય છે. છે આનો કોઈ ઉપાય?!

$$$

***

રેટ કરો અને રિવ્યુ આપો

Umesh Patel 3 માસ પહેલા

Manjula 3 માસ પહેલા

Janki 3 માસ પહેલા

Rakesh Thakkar 3 માસ પહેલા

Mewada Hasmukh 3 માસ પહેલા