કિરણ Irfan Juneja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કિરણ

            સુંદર મજાની સમી સાંજનું વાતાવરણ હતું. અવિનાશ પોતાના ઘરમાં મોબાઈલ પર લેખનના શોખને માણતા માણતા ટૂંકીવાર્તા લખી રહ્યો હતો. શબ્દોની ગોઠવણ કરવામાં થોડી મથામણ કરવી પડી રહી હતી. વાંચકોના આવી રહેલા પ્રતિભાવો એને વધુ સારું લખવા માટેની પ્રેરણા આપી રહ્યા હતા. ત્યાં જ અચાનક એક ઇમેલ આવ્યો. અવિનાશે ઈમેલ ખોલ્યો. ઈમેલ જોતાની સાથે જ એના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા. એ જાણે ખુશીથી ઝૂમી ઉઠ્યો હોય એ રીતે એના હાવભાવ નજરે પડી રહ્યા હતા. ઈમેલ હતો એ સુંદરીનો જે અવિનાશને લખવા માટે પ્રેરી રહી હતી. જયારે અવિનાશે લેખનમાં પોતાના ડગલાં મંડ્યા હતા એ સમયથી સતત આ સુંદરી અવિનાશની રચનાઓને બિરદાવતી. અવિનાશને મળેલા ઈમેલથી હવે એને એ સુંદરી સુધી પહોંચવાનો રસ્તો મળી ગયો હતો.

"""
હેલો સર,

તમે જે રચનાઓ લખો છો એ સરસ છે લગભગ એ હું વોટ્સઅપ સ્ટેટ્સમાં લખું છું.

"""

ઈમેલના આ શબ્દો વાંચવામાં એટલા ખાસ ન લાગે પણ અવિનાશ માટે એ અનમોલ હતા. એક સુંદરી જેની ના કોઈ જાન ન પહેચાન છતાં સતત આ ફ્રેશર લેખકને પ્રોત્સાહન આપનારી એ નારી વિશે સતત વિચારો આવતા અને એવામાં આ ઈમેલે જાણે એના મનની ઉર્મિઓમાં વેગ ભરી દીધો.

             ખુબ વિચાર કરીને અવિનાશે એ ઈમેલનો પ્રત્યુત્તર આપ્યો.

"""
નમસ્તે કિરણ જી,

            આપના આવેલા આ સંદેશા થકી મને ખુબ જ ખુશી અનુભવાયી કે લોકો મુજ જેવા નું પણ લખેલું વાંચે છે અને એની કદર કરે છે. કદાચ હું ખોટો ન હોઉં તો તમે "કિરણ ..." નામ નું પ્રોફાઇલ ધરાવો છો એ તો નહિ ને?? જો તમે એ જ હોવ તો મને પણ તમારી લખેલી ઘણી ટૂંકી વાર્તા અને કવિતાઓ ખુબ જ ગમી. આજ રીતે તમે પણ લખતા રહો ને ગુજરાતી સાહિત્ય ને એક ઊંચા સ્થાન એ પહોંચાડો એવી જ લાગણી ની ભીનાશ..

આપનો પ્રિય,
અવિનાશ..

"""

ઈમેલનો રીપ્લાય આપ્યા બાદ અવિનાશની આતુરતા વધી રહી હતી. શું એ સુંદરીનો ફરીથી રીપ્લાય આવશે કે કેમ પણ ઘડીના છઠ્ઠા ભાગમાં જાણે રીપ્લાય આવ્યો હોય એમ એનો જવાબ આવ્યો.

"""
યસ, આઈ એમ કિરણ. થેંક્સ ફોર લાઈક માય સ્ટોરી એન્ડ પોએમ્સ અને એ પણ જુદા જ અંદાજ થી..

થેન્ક્સ અગેઇન..
"""

"""
કિરણ જી,
આપનું સ્વાગત છે!

હું આશા રાખું છું કે આપણે સંપર્કમાં રહીશું અને હંમેશા કંઈક ને કંઈક લખતાં રહીશું જે પણ મનમાં આવે.

હું હંમેશા આપના પ્રતિભાવો અને અભિપ્રાય લેતો રહીશ મારા સારા લખાણ માટે.

આપને કોઈપણ જાતની મદદની જરૂર હોય કે કોઈપણ જાતની માહિતી જોઈએ તો આપ વિના સંકોચે મને જણાવજો. હું હંમેશા આપના તરફથી સારી વાતો સાંભળવા આતુર રહીશ.

આપનો પ્રિય,
અવિનાશ..

"""

"""
ખુબ ખુબ આભાર, હું હંમેશા આપના સંપર્કમાં રહીશ

--
કિરણ..
"""

"""

થોડા દિવસો વીત્યા. હવે પ્રતિભાવોની જગ્યા ઈમેલ લઇ ચૂક્યું હતું. કિરણ અને અવિનાશ વચ્ચે વાતોનો દોર શરૂ થઇ ગયો હતો. થોડા દિવસોના વિરામ પછી અવિનાશે ફરીથી કિરણને ઈમેલ કર્યો.

"""
હેલો કિરણ જી,

શું આપની પાસે એવો કોઈ સુંદર વિષય ધ્યાનમાં છે જેના પર હું કોઈ વાર્તા લખી શકું?

"""

"""

ખરેખર મને એક વિચાર આવે છે કે દુનિયામાં સાચો પ્રેમ અધૂરો કેમ ? એવું નથી કે દુનિયામાં રાધા કૃષ્ણ જેવી પ્રેમની ભાવના રાખવા વાળા લોકો નથી પણ હું આ વિચાર લખવા માગું છું પણ શબ્દો મળતા નથી.સાચા પ્રેમની જ કસોટી થાય છે બાકી ખરાબ વિચારો વાળા ને બધું જ મળે છે જે એ મેળવવા માગે છે. વિચારો કદાચ તમને કોઈ વિચાર આવે.

--
કિરણ
"""

"""
કિરણ જી,

હું આપની આ વાત સાથે સહમત છું. જોઉં છું મને કોઈ આ વિષય પર રચના લખવા માટે શબ્દો મળી રહે તો જરૂર લખીશ.

"""

"""
અવિનાશ,

મારી પાસે એક બીજો વિષય પણ છે. એક દીકરીને જન્મ આપવા સમાજ હવે જાગૃત થયો છે. પણ દીકરી મોટી થાય સાસરે જાય પછી એનું જીવન કેવી રીતે વીતી રહ્યું છે એ જોવા સમાજ જતો નથી. એ બાબતે સમાજ તરફ એક કટાક્ષ સ્વરૂપ રજૂ કરતી વાર્તા તમે લખી શકો છો.

મને માફ કરજો જો મારો આ વિષય આપને ન ગમે તો, પણ મને આવા વિચારો સમાજ સમક્ષ રજૂ કરવા ગમે છે જેથી સમાજમાં કંઈક સુધાર લાવી શકાય. આ વિષય પર મેં થોડા સમય પહેલા જ વક્તવ્ય આપ્યું હતું જયારે અમારા સમાજનું એક સંમેલન થયું હતું.

આપના વિચારોની હું રાહ જોઈશ..

"""

"""
કિરણ જી,

મને આપના બંને વિષય ગમ્યા. હું બહુ જલ્દી આ વિષયો પર કંઈક જરૂર લખીશ. અને હાલ તમારો જ પ્રશ્ન છે એનો જવાબ મારી પાસે નથી પણ સમય જતાં હું મારા વિચારો આપ સમક્ષ મુકીશ.

શું આપ પરણેલા છો?

"""

"""
હા હું પરણેલી છું.

--
કિરણ
"""

"""
શું તમને વાંધો ન હોય તો હું એક સવાલ પૂછી શકું?

"""

"""
હા જરૂર પૂછો. મને કોઈ જ વાંધો નથી

"""

"""

તમારો આ વિચાર વાંચીને સવાલ થયો કે જો તમે પરણિત છો અને આવા વિચાર રજૂ કરો છો તો શું આપ સમાજથી કે પછી જીવન સાથીથી કોઈ મુશ્કેલી અનુભવી રહ્યા છો?

"""

"""
અવિનાશ,

સાચું કહું તો મારી જિંદગી જ સંઘર્ષવાળી રહી છે. ક્યારેક સંઘર્ષો વિશે થોડું લખી નાખું છું. પણ હવે એટલા સંઘર્ષો નથી રહ્યા. પણ લેખનની શરૂઆત સંઘર્ષો વિશે લખતા લખતા જ મેં કરી છે.

"""

"""
કિરણ જી,

જાણીને થોડું દુઃખ થયું. હું અપરણિત છું જેથી મને આવા કોઈ અનુભવો નથી થયા. ચાલો દુઃખની વાત બાજુ પર મૂકી બીજી વાત કરીએ. હું આપને મારો નંબર આપું છું. જો આપણે યોગ્ય લાગે તો વોટ્સઅપ પર મારો સંપર્ક કરજો અને ક્યારેય મારી જરૂર જણાય તો હું આપની મદદ જરૂર કરીશ.

"""

"""
ખુબ ખુબ આભાર અવિનાશ. હું જરૂર આપનો સંપર્ક કરીશ. આપ લેખન સિવાય બીજું શું કામ કરો છો?

"""

"""
હું એક સોફ્ટવેર એન્જિનિયર છું અને ગાંધીનગરમાં જોબ કરી રહ્યો છું. અને આપ?

"""

"""
સરસ,

હું એક શિક્ષિકા છું અને  પ્રાથમિક શાળામાં બાળકોને ભણાવું છું..

"""

            અવિનાશ અને કિરણ ઈમેલમાં વાતો કરતાં કરતાં એકબીજાની નજીક આવી રહ્યા હતા. હવે તો મોબાઈલ નંબરની પણ આપ-લે થઇ ગઈ હતી. બંને વોટ્સઅપ પર વાતો કરતાં અને જીવનમાં બનતી વાતો અને ભૂતકાળ વિશે કહેતા.

"કિરણ જી કેમ છો?" અવિનાશે થોડા દિવસો બાદ મેસેજ કર્યો.

"બસ મજામાં અને આ જી ન લગાડો તો ન ચાલે?"

"ચાલે ને પણ તમને ગમશે કે કેમ એ વિચાર આવતા લાગી ગયું.."

"સારું પણ હવે ન લગાડતા."

"હા નહીં લગાડું. સારું તમે તમારા પરિવાર વિશે તો મને ન જણાવ્યું. આટલા સમયથી વાત કરીએ છીએ છતાં. શું આપ જણાવશો?"

"હા કેમ નહીં. મારા પરિવારમાં હું મારો દીકરો અને દીકરી જ છીએ."

"સરસ અને આપના પતિ?"

"એ હવે નથી રહ્યા. એમનું થોડા વર્ષ પહેલા જ દેહાંત થઇ ગયું.."

"ઓહ.. સોરી. રેસ્ટ ઈન પીસ.."

"અરે ઇટ્સ ઓકે. સારું તો આપ હવે લખતા કેમ નથી. હું હમણાથી આપની રચનાઓની રાહ જોઉં છું."

"થોડો વ્યસ્ત રહું છું. બહુ જલ્દી એક રચના આપની સમક્ષ રજૂ કરીશ.."

"સારું, તમારા પરિવારમાં કોણ છે?"

"મારા પરિવારમાં મોમ ડેડ એન્ડ મી "

"ઓહ સરસ.."

            થોડા દિવસો આમ જ વાતો ચાલતી રહી. ખબર જ ન પડી કે કિરણ અને અવિનાશ ક્યારે એકબીજાને પસંદ કરવા લાગ્યા. બને જાણતા હતા કે આ સંબંધ ફ્રેન્ડ્સ સુધીનો રહે તો બંને માટે સારું છે. પણ કહેવાય છે ને કે મન પર કોઈ કન્ટ્રોલ નથી. જેમ જેમ દિવસો વીતવા લાગ્યા બંને એકબીજાની નજીક આવવા લાગ્યા. કિરણની કવિતાઓની સાથે સાથે એની ખુબ સુરતી પણ અવિનાશને એની તરફ આકર્ષી રહી હતી. ઘઉંવર્ણી એની ત્વચા પણ સામે એક સુંદર ફેસક્ટ હોવાથી એનો ચહેરો મોહક લાગતો. ચાલીસી વટાવી ચૂકેલી કિરણ વીસ થી પચ્ચીસ વર્ષની સુંદર કન્યાની જેમ દેખાઈ રહી હતી. અવિનાશ કિરણથી ઉમરમાં ખુબ જ નાનો હતો પણ કિરણ એને એ ક્યારેય એહસાસ ન થવા દેતી. જાણે બંને કોલેજ ફ્રેન્ડ્સ હોય એ રીતે જ બંનેની વાતો થતી.

            અવિનાશ ધીરેધીરે કિરણને હિંટ આપવાની કોશિષ કરતો પણ કિરણ જાણી જોઈને વાત ફેરવી દેતી. અવિનાશના પ્રયાસો સતત ચાલુ રહેતા. અવિનાશને ઘણીવાર એમાં નિષ્ફળતા મળી. અવિનાશ ઉદાસ થઇ ગયો. અવિનાશની કિરણ પાસેથી એક્સપેકટેશન વધારે હતી. કિરણનો કંઠ બહુ જ સુરીલો હતો. અવિનાશને રીઝવવા એને પોતાના સુરીલા કંઠથી એક ગીત ગાયું અને અવિનાશને મોકલ્યું.

"
તુમ જો આયે જિંદગી મેં બાત બન ગઈ,
ઇશ્ક મઝહબ ઇશ્ક મેરી ઝાત બન ગઈ,

સપને તેરી ચાહતો કે દેખતા હું અબ કહી,
દિન હે સોના ઔર ચાંદી રાત બન ગઈ..

"

અવિનાશના ચહેરા પર આ શબ્દો અને સુર સાંભળીને સ્માઈલ આવી ગઈ. કિરણના અવાજમાં જાદુ હતો. અવિનાશ હવે એને પામવા મથામણ કરી રહ્યો હતો. પણ કિરણ એને નિરાશ કરવા માંગતી નહોતી એટલે પ્રેમથી સમજાવતી.

"જો અવિનાશ તું અપરણિત છે. તારી જિંદગી હજુ શરૂ થાય છે. મારી તો જિંદગી જ હવે છેલ્લા દાયકામાં છે. સમાજમાં બદનામી ન થાય અને બંને ખુશ રહીએ એ માટે હું તને આ રસ્તે ક્યારેય નહીં આવવા દઉં. તું હંમેશા મારો મિત્ર બનીને રહીશ. હું તારી ફીલિંગ્સની રિસ્પેક્ટ કરું છું અને હંમેશા કરીશ. પણ મારા જીવનમાં હવે કોઈ પુરુષ એ સ્થાન નહીં લઇ શકે. મેં એ રસ્તે જવાનું મૂકી જ દીધું છે."

            અવિનાશે કિરણની વાત સાંભળી પણ એનું મન આ રસ્તેથી પાછળ વળે એ હાલતમાં નહોતું. પોતાના મનના વિચારોને, પ્રેમ ભર્યા શબ્દોને, કિરણ માટેના એ અનમોલ વ્હાલને બસ એને મનમાં જ દબાવી દીધી. એને નિર્ણય કરી લીધો કે હવે એ કિરણ આપેલા વિષય સાચો પ્રેમ કદી પૂરો થતો નથી ને પોતાના જીવનમાં ઉતારશે. પહેલીવાર જન્મેલા આ નિસ્વાર્થ પ્રેમને અવિનાશે મનમાં જ દફનાવી દીધો. પણ એ પ્રેમની ભાવનાઓ, પ્રેમની તાકાત હમેશા જીવિત રહી. અવિનાશે કિરણને પોતાની પ્રિયતમા માની લીધી હતી. એક દિવસ રાત્રે કિરણને ખુબ જ યાદ કરીને અવિનાશે એક પત્ર લખ્યો પણ એ એને મોકલ્યો નહિ.

"""
પ્રિય કિરણ,

મારા જીવનમાં તું એક વંટોળ બનીને આવી અને હવા બનીને મારા ચારે તરફ ફેલાઈ ગઈ. હું જયારે પણ શ્વાસ લઉ છું મને તો બસ તારી જ અનુભૂતિ થાય છે. મને તારા મોકલેલા ગીતો સાંભળીને સુકુન મહેસુસ થાય છે. ક્યારેક નીંદર ન આવે તો હું આપણી ચેટ વાંચતો હોઉં છું અને મને એ વાંચીને જાણે તું મારી સામે બેસીને વાતો કરી રહી છે એની અનુભૂતિ થાય છે.

જાણું છું એ દિવસ ક્યારેય નહીં આવે જયારે તું મને અપનાવી લઈશ. પણ મારો પ્રેમ હંમેશા એટલો જ રહેશે જેટલો આજે છે. હું હવે તને એ નહીં જતાવું પણ તું મારા મનમાં જીવંત રહીશ.  તારોને મારો આ પવિત્ર સંબંધ અમર રહેશે. દુનિયામાં આપણા બંને માંથી કોઇપણ વિદાય લે છતાં આ પ્રેમ આ ધરતીપર ગુંજતો રહેશે.

જયારે ભગવાન સાથે મારો મેળાપ થશે હું એમને એ સવાલ અવશ્ય કરીશ કે શું કિરણને પ્રેમ કરવો મારી ભૂલ હતી? અને જો ભૂલ નહોતી તો એવા સંજોગો જ કેમ ન આવ્યા કે હું જીવનમાં એને એકવાર રૂબરૂ મળી શકું? બસ ઈન્ટરનેટની દુનિયામાં જ અમારી મુલાકાત થઇ, પ્રીત થઇ અને અમે પ્રભુ તારી પાસે આવી ગયા. હે પ્રભુ! શું તું મને એક મોકો નહીં આપે જેથી હું દુનિયામાં જઈને કિરણને મારી બનાવી શકું?

સાચું કહુંને કિરણ તો હું જીવું છું પણ ક્યાંક અધુરાશ અનુભવાય છે. ક્યાંક ખોટ વર્તાય છે. ક્યાંક સુનું લાગે છે. હું જાણું છું એ તારા સિવાય બીજું કોઈ જ પૂરું નહીં કરી શકે પણ ચાલશે હું એ  અધુરાશ સાથે જ જીવી લઈશ. તારી સાથે સંપર્કમાં રહીને પણ તને આ વાતનો એહસાસ નહીં કરાવું. બસ હવે તો તું જેમ કહીશ એમ જ કરીશ પણ પ્રેમ તો તને જ કરીશ..

તારો વ્હાલો,
અવિનાશ..
"""

            અવિનાશે પોતાનો પ્રેમભર્યો આ કાગળ ફક્ત શબ્દોમાં નહીં પણ ભાવનાઓથી ભીનો કરી દીધો. મનમાં સમાવીને રાખેલી ભાવનાઓને એને કાગળપર ઉતારી દીધી. કિરણ જીવી ત્યાં સુધી અવિનાશ સાથે સંપર્કમાં રહી પણ ક્યારેય અવિનાશની ન થઇ અને અવિનાશ પણ કિરણ સાથે વાતો કરતો રહયો પણ ક્યારેય પોતાના મનની વાતો એને કહ્યા વગર જ જીવ્યો.

અસ્તુ..

***
✍ ઈરફાન જુણેજા "ઇલ્હામ"
    ~ અમદાવાદ