સંબંધોની બારાક્ષરી-44

(૪૪)

શ્રદ્ધા અંધશ્રદ્ધા

કોઈપણ વ્યક્તિનું કઈક સારું થાય, કોઈ કામમાં સફળતા મળે ત્યારે તે વ્યક્તિ તેની બધીજ ક્રેડીટ ભગવાનને, અલ્લાહને કે ગોડને આપતી હોય છે. તેનાથી ઉલટું જો કોઈ વ્યક્તિનું ખરાબ થાય, તેને કોઈ નુક્શાન થાય ત્યારે તેનો અપજશ ભગવાનને, અલ્લાહને કે ગોડને આપવાને બદલે પોતાના નસીબને આપતી હોય છે. માણસની આ સારપને (કે મુર્ખામી?) આપણે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા કહીશું કે અંધશ્રદ્ધા?

એક ફિલોસોફરે કહ્યું છે કે, જે માણસને પોતાની જાત પર વિશ્વાસ હોય તે શ્રદ્ધાળું કહેવાય અને જેને પોતાની જાત પર વિશ્વાસ ન હોય તેને અશ્રદ્ધાળુ કહેવાય. તો પછી અંધશ્રદ્ધાળુ કોને કહીશું! શ્રધ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે ખુબજ પાતળી ભેદરેખા છે. માણસ જયારે શ્રધ્ધાને અતિક્રમી જાય છે ત્યારે અંધશ્રધ્ધાના વમળમાં સપડાય છે. અને શ્રદ્ધામાંથી ક્યારે અંધશ્રધ્ધામાં સરી જવાય છે તેનો ખ્યાલ મોટાભાગના લોકોને રહેતો નથી.

અંધશ્રધ્ધાનું સ્વરૂપ લોભાવનારું, લલચાવનારું અને રૂપાળું હોય છે. લાલચું, લોભી અને તકવાદી લોકો તેની મોહજાળમાં ફસાય છે, લપટાય છે, ચૂસાય છે અને છેવટે ફેંકાય છે, અંધશ્રદ્ધા કળણ જેવી છે. એકવાર તેમાં પગ મુકનાર ઊંડો ને ઊંડો ઉતરતો જાય છે. તેમાં રહેલાં આસુરી તત્વો માણસના તન-મનનો કબજો લઇ લે છે. શ્રદ્ધા સાત્વિક છે, ક્રિએટીવ છે, હકારાત્મક ભાવ છે, જેનાથી લોકોની પ્રગતિ થાય છે, સફળતા મળે છે. હમણાં અંધશ્રધ્ધાનો એક વરવો કિસ્સો જોવા મળ્યો. જે હું અહીં જાણવું છું.

લોકો પોતાનો વંશ જાળવી રાખવા માટે જાતભાતની તરકીબો અજમાવતાં હોય છે. પુત્ર માટે લોકો બાધા-આખડીઓ, વ્રત-તપ, તંત્ર-મંત્ર, દોરા-ધાગા, હોમ-હવાન, વિધિ-વિધાન થી માંડીને પથ્થર એટલાં દેવ કરતાં હોય છે. ૧૫ એપ્રિલ ૨૦૧૪ના છાપામાં એક સમાચાર વાંચીને અરેરાટી થઇ. બિહારના મનસુર નગરની જુલીની પાંચ વર્ષની દીકરી પ્રિયાની તેની સગી કાકીએ બલી ચઢાવી દીધી હતી. પ્રિયાની કાકી સુધાએ પોતાને પુત્ર થાય તેના માટે તાંત્રિકનો સંપર્ક કર્યો. તાંત્રિકે કહ્યા મુજબ વિધિઓ કરાવી અને તેની જેઠાણીની પુત્રીનો બલી ચઢાવી દીધી. આ હીન કાર્યમાં તેની સાસુએ પણ તેનો સાથ આપ્યો હતો. આરોપી કાકી, કાકા અને તેની સાસુને પોલીસે જેલમાં પૂરી દીધાં છે. આશ્ચર્યની વાત તો એ છે કે જેણે પોતાની દીકરીની હત્યા કરી હતી તેનીજ બે નાની નાની દીકરીઓને પોતાની દીકરીઓની જેમ રાખે છે. જુલી કહે છે કે મા-બાપે ગુનો કર્યો તેમાં છોકરીઓનો શો વાંક?

 ઉપરના કિસ્સામાં તમે શો પ્રતિભાવ આપશો? જે તાંત્રિકે સુધાને આવી મનઘડત અને ક્રૂર વિધિ બતાવી તેતો સજાને પાત્ર છેજ, સાથે સાથે તેની વાતોમાં આવી જનાર સુધા તેનો પતિ અને તેની સાસુ પણ માફીને પાત્ર તો નથીજ. આવાં કિસ્સાઓમાં વરસોથી જે બનતું આવ્યું છે તે આ કિસ્સામાં પણ બન્યું. આ બધાંનો સુત્રધાર તાંત્રિક ગુમ થઇ ગયો છે. અને તમે જોજો આવાં કિસ્સાઓમાં હંમેશાં પકડાઈ ગયા પછી તેનો બધોજ દોષ તાંત્રિક પર ઢોળી દેવામાં આવતો હોય છે. તો શું જયારે તાંત્રિકે તેમને કોઈની બળી ચઢાવવાની વાત કરી ત્યારે તેમની બુદ્ધિ નહોતી ચાલતી? કે પછી પુત્ર પામવાના મોહમાં બધું યોગ્ય લાગતું હતું! તે સમયે લોકોનો, સમાજનો કે પોલીસનો ડર નહોતો લાગતો? રોજેરોજ તંત્રીકોના જાતીય શોષણના અને રૂપિયા પડાવી લેવાની ઘટનાઓ બનતી હોય છે. ટીવીમાં અને છાપાઓમાં પણ આવાં કિસ્સા અવારનવાર છપાતાં હોય છે. તેમ છતાં લોકો પોતાના લોભ-લાલચના કારણે તેમાં ફસાતાં હોય છે.

તમે જોયું હશે કે માણસ પહેલાં કરતાં અત્યારે વધારે અંધશ્રદ્ધાળુ બન્યો છે. ખરેખર તો માણસ જેમ જેમ પ્રગતિ કરે તેમ તેમ તે અંધશ્રધ્ધાથી દુર થવો જોઈએ. એક બાજુ વિજ્ઞાન અને ટેકનોલોજી નો વિકાસ થતો જાય છે અને બીજીબાજુ લોકો અંધશ્રધ્ધામાં ડૂબતાં જાય છે. આવું શા માટે થાય છે? તેનું કારણ લોભ અને લાલચ તો છેજ પરંતુ બીજું કારણ એ છે કે હવે આ ક્ષેત્રમાં ધુતારા, ઠગ અને લંપટ લોકોએ પગપેસારો કર્યો છે. દુઃખની વાત તો એ છે કે આ લોકો અદ્યતન ટેકનોલોજી અને કોમ્પ્યુટરનો ઉપયોગ કરીને લોકોને છેતરે છે. જે લોકો પશ્ચિમના દેશોને, તેની સંસ્કૃતિને ગાળો આપે છે, તે જ લોકો પશ્ચિમે શોધેલો ટેકનોલોજીની મદદથી અંધશ્રધ્ધાનો ફેલાવો કરે છે.

એક નાનકડો દાખલો આપું. આજથી વીસ કે ત્રીસ વર્ષ પહેલાં કોઈ છોકરા-છોકરીનું સગું કરવાનું હોય ત્યારે ભાગ્યેજ જન્મકુંડળી મેળવવામાં આવતી હતી. તે સમયે કુંડળી મેળવવી સહેલી પણ ન હતી. કેમકે તેના માટે જ્યોતિષે કેટલીયે જાતનાં પંચાગ અને ટીપ્પણા જોઇને જાત જાતની ગણતરીઓ કરવી પડતી હતી. હાલમાં આ વસ્તુ એકદમ સહેલી થઇ ગઈ છે. કોમ્પ્યુટર આવવાથી હવે તો કુંડળી માટેનું સોફ્ટવેર તૈયાર થઇ ગયું છે. હવે તો સામાન્ય માણસ પણ પોતાનાં કોમ્પ્યુટરમાં આ કુંડળીનું સોફ્ટવેર રાખતો થઇ ગયો છે. તેના માટે સોફટવેરની મદદથી કુંડળી મેળવવી હવે આસન થઇ ગઈ છે. કેટલાંક ભણેલાં ગણેલા લોકોએતો જ્યોતિષનો ધંધો અપનાવી લીધો છે. કેમકે વગર મૂડીના આ ધંધામાં સૌથી વધારે નફો છે. અને તેની સૌથી મોટી ખૂબી એ છે, કે તમે કોઈ વાતમાં ખોટા પડ્યા તોપણ તમને કોઈ ફાંસીના માંચડે લટકાવી દેવાનું નથી. તમે ન્યુઝપેપરમાં આવતી જ્યોતિષ અંગેની જાહેરાતો વાંચશો તો ખ્યાલ આવશે કે આ ધંધો કેટલો ફૂલ્યોફાલ્યો છે!

હજારો લાખો પ્રકાશવર્ષ દુર બેઠેલાં ગ્રહો માણસ પર શી અસર કરવાનાં હતાં. અને જો તેની અસર થતી હોય તો બધાને સરખીજ થવી જોઈએને? બીજું ગ્રહોની અસર માણસ સિવાય બીજાં પ્રાણીઓ, પશુ-પક્ષીઓ કે જીવ-જંતુઓ ઉપર નહિ થતી હોય? ત્રીજી વાત ગ્રહોની અસર માણસોનેજ થતી હશે તે વાત માનીપણ લઈએ તો પૃથ્વી પરનાં બધાંજ લોકો પર થાય, કે ફક્ત હિંદુ ધર્મના લોકોનેજ થાય? લોકોને આટલી સરળ બાબત કેમ નહિ સમજાતી હોય?! તેમને આ વાત સમજાતી નથી કે સમજવા માંગતા નથી? કે પછી તેમની આંખોપર, તેમની બુધ્ધીપર અને તેમના મગજપર લોભ અને લાલચની પટ્ટી બંધાયેલી છે! કોણ જાણે!

$$$

***

રેટ કરો અને રિવ્યુ આપો

darshna nizama 3 માસ પહેલા

Umesh Patel 3 માસ પહેલા

Janki 3 માસ પહેલા

Rakesh Thakkar 3 માસ પહેલા

Raish D. Ghori 3 માસ પહેલા