સંબંધોની બારાક્ષરી-43

(૪૩)

સૌથી મોટો ધર્મ: માનવતા

કોઈ માને કે ના માને, દુનિયાનો સૌથી મોટો ધર્મ જો કોઈ હોય તો તે માનવતા છે. આ વાત દરેક ધર્મ અને દરેક વ્યક્તિ સ્વીકારે છે, છતાં તેની રોજબરોજની જીંદગીમાં તે ભૂલી જતો હોયછે, તેની અવગણના કરતો હોયછે. ચુસ્ત ધાર્મિક લોકોને મેં નજીકથી જોયાં છે. તેઓ તેમના ધર્મ માટે કેટલોયે અધર્મ આચરતાં હોયછે. હું લંડનમાં હતો ત્યારનો એક કિસ્સો મને યાદ આવે છે.

મારા પડોશમાં મીનેશ રહેતો હતો. તે ઇન્ડીયાથી કમાવા માટે આવેલો. તેની પાસે વર્ક પરમીટ હતું નહિ એટલે તે ઇન્ડીયનોની દુકાનમાં નોકરી કરતો હતો. મિતેશ વેમ્બલી ના ઇલિંગ રોડ પર આવેલી એક શાકભાજીની દુકાનમાં નોકરી હમણાં નોકરી લાગ્યો હતો. એક વિક નોકરી કરાવ્યાં પછી તેના માલિકે તેને છુટો કરી દીધો. મિતેશ નિરાશ થઇ ગયો. તેને એક વીકના પૈસા આપવામાં પણ પેલો દુકાનદાર બહાનાં બતાવવા લાગ્યો. મિતેશ રોજ તેની પાસે પૈસાની ઉધરાણી કરતો. છેવટે દસેક દિવસ પછી પેલા દુકાનદારે તેને પૈસા આપ્યાં પણ તેને લેવાના થતાં હતાં તેમાંથી પચાસ પાઉન્ડ કાપી નાખ્યા. મિતેશે પૂછ્યું તો તેણે કહ્યું કે તેનું કામ બરાબર ન હતું. હદ તો ત્યારે થઇ કે જયારે તે દુકાનદારે તે પચાસ પાઉન્ડ તેની દુકાનમાં રાખેલી ધર્માદા પેટીમાં નાખી દીધા.

આ કેવી ધર્મ પ્રિયતા, આ તે કેવો ધર્મ? તમે એક વ્યક્તિનો હક્ક છીનવીને તેના રૂપિયાનું દાન કોઈ ધાર્મિક સંસ્થાને કરો તે યોગ્ય છે? એક બાજુ આ ગુજરાતી દુકાનદારનો કિસ્સો મેં જોયો હતો તો બીજીબાજુ એક અંગ્રેજ સ્ત્રીનો કિસ્સો મેં સાંભળ્યો હતો. તે કિસ્સો કઈક આવો હતો.  

ઇન્ડીયાથી ભરત અને તેની પત્ની રમીલા વિઝીટર વિઝાપર લંડન ગયાં હતાં. એજન્ટને પૈસા આપીને તેઓ અહીં કમાવા માટે આવ્યાં હતાં. શરૂઆતમાં તેઓ તેમનાં કોઈ ઓળખીતાને ત્યાં ઉતર્યા હતાં. પરદેશમાં કોઈ કેટલાં દિવસ રાખે, ચાર દિવસમાંજ ભરત અને રમીલાને બીજે રહેવાની વ્યવસ્થા કરવી પડી હતી. શેરિંગમાં રહેતાં બીજાં તેમનાં જેવાં ગુજરાતીઓની સાથે તેઓ રહેવા ચાલ્યા ગયાં. થોડાંક દિવસમાં રમીલાને કેટરિંગમાં જોબ મળી ગઈ. ભરતને છેક મહિના પછી જોબ મળી.

        ધીરે ધીરે બંને પતિ-પત્ની લંડનની લાઈફસ્ટાઈલથી ટેવાઈ ગયાં. જોકે બંને ઈલીગલ અને ઓછું ભણેલાં હોવાને કારણે તેમને લેબર જોબ મળતી અને તે પણ ટેમ્પરરી. જોબની અનિશ્ચિતતાને લીધે તેમને વારેઘડીએ રેસીડેન્ટ પણ બદલવું પડતું. એમ કરતાં કરતાં ભરતને એક સ્ટોરમાં જોબ મળી ગઈ. સ્ટોરનો માલિક ગુજરાતી હતો. ભરત મહેનતુ હોવાથી તેને કાયમ માટે જોબમાં રાખી લીધો. આ સ્ટોરની નજીકમાં એક અંગ્રેજ ડોશી એકલી તેના હાઉસમાં રહેતી હતી. તે પોતાના હાઉસનો એક રૂમ ભાડે આપતી હતી. ભરતને તે ડોશીનો રૂમ ભાડે મળી ગયો. તેની પત્ની રમીલા ક્લીનીંગનું છૂટક કામ કરવા લાગી. હવે બંને જણ લંડનમાં સારી રીતે સેટ થઇ ગયાં હતાં. તેઓ પોતાની બચત દર મહિને ઇન્ડિયામાં રહેતાં તેમના ફેમિલીને મોકલાવતાં હતાં. તેમનાં બે સંતાનો ભરતના મા-બાપની સાથે રહીને ભણતાં હતાં.

        થોડાંક મહિના તો બંનેનું ગાડું બરાબર ચાલ્યું પણ અચાનક એક દિવસ ભરતને તેના માલિકે જોબમાંથી છુટો કરી દીધો. ધંધામાં નુકશાન જવાથી ભરતના માલિકે તેની દુકાન વેચી દીધી હતી. રમીલાને પણ છૂટક કામ ઓછું મળતું હતું. બે મહિના સુધી તો તેમણે જેમતેમ કરીને પોતાનું ગાડું ગબડાવ્યું. બહું પ્રયત્ન કરવા છતાં ભરતને જોબ મળતી ન્ હતી. છેલ્લા બે વીકથી તેમણે ઘરનું ભાડું પણ ચુકવ્યું ન હતું. અંગ્રેજ ડોશીએ તેમને ઘર ખાલી કરવાનું અલ્ટીમેટમ આપી દીધું હતું. રોજ અંગ્રેજ ડોશી તેમની સાથે ભાડા ઘર ખાલી કરવા બાબતે કંકાસ કરતી હતી. જેમતેમ કરીને ખાધાખોરાકીનો ખર્ચ કાઢતાં પતિ-પત્ની ભાડું ચુકવવા માટે અસમર્થ હતાં.

        બે દિવસથી અંગ્રેજ ડોશી દેખાતી ન હતી; આથી તેમને થોડીક શાંતિ લાગતી હતી. ત્રીજા દિવસે પણ ડોશી તેના રૂમમાંથી બહાર ન આવી, ત્યારે ભરતે તેના રૂમમાં જઈને તપાસ કરી. તેણે જોયું તો ડોશી બીમાર હતી. ભરતે રમીલાની મદદથી તેની સેવા કરી. ડોક્ટરને બોલાવ્યો. ડોશીને ટાઈફોઈડ થયો હોવાથી બંનેએ લગભગ વીસ દિવસ સુધી તેની સારવાર કરી. રમીલા ડોશીને નવરાવતી, તેના માટે ખાવાનું બનાવતી અને તેના ધરની સાફસફાઈ પણ કરતી. ડોશી હવે સાજી થઇ ગઈ. તે પછી ડોશીએ તેમને મફતમાં રહેવાં દીધાં.

        થોડાંક દિવસ પછી ડોશી ફરીથી બીમાર પડી. આ વખતે તે ઉભી ન થઇ શકી. ડોશીના મોતના સમાચાર ભરતે અમેરિકામાં રહેતાં તેના દીકરા અને દીકરીને આપ્યાં. તેઓ તાત્કાલિક લંડન આવી ગયાં અને ડોશીની દફનવિધિ પતાવી. ભરત અને રમીલાને લાગ્યું કે હવે તો તેમને ઘર ખાલી કરવું પડશે. એક દિવસ ડોશીના છોકરાએ બંનેને તેમની પાસે બોલાવ્યાં અને ઘરની ચાવી આપતાં કહ્યું, ‘હવેથી આ ઘર તમારું છે.’ બંને પતિ-પત્નીને આ વાત ગળે ઉતરી નહિ. ડોશીના દીકરાએ તેમને સમજાવ્યું; કે તમે મારી મધરની સેવા કરી હતી તેથી આ ઘર મારી મધર તમારાં નામે કરતી ગઈ છે. બંનેએ તે ઘર લેવાની ના કહી, તેમણે કહ્યું કે આ ઘરપર તેમનો કોઈ અધિકાર નથી. ડોશીના દીકરા-દીકરીએ તેમને સમજાવતાં કહ્યું, કે ‘અમારી મધરે પ્રેમથી આ ઘર તમને આપ્યુંછે; જેથી તમારે તે લેવું પડશે.’ છેવટે તેમને મકાન સોંપીને બંને ભાઈ-બહેન અમેરિકા ચાલ્યાં ગયાં.

        આ હતી માનવતાની જીવતી જાગતી મિશાલ. એક અંગ્રેજ ઘરડી મહિલાની સારવાર અજાણ્યા દેશના માણસો કરે છે અને તે પણ કોઈ જાતની અપેક્ષા વિના. આ જ ખરી માનવતા કહેવાય. કહેવાય છે કે જયારે તમે કોઈને નફરત આપો તો સામે તમને નફરત મળશે અને જો પ્રેમ આપશો તો પ્રેમ મળશે. આ યુવા કપલે એક ઘરડી સ્ત્રીને પ્રેમની હુંફ આપી. તેનો બદલો તેમને એ અંગ્રેજ મહિલાએ વળી આપ્યો. તે અંગ્રેજ મહિલાની ઉદારતા કે માનવતાના જેટલાં ગુણગાન ગાઈએ તેટલાં ઓછાં કહેવાય. તે મહિલા તો માનવતાવાદી હતીજ પરંતુ તેના સંતાનો પણ તેનાથી ચઢે તેવાં નીકળ્યાં. તેનાં સંતાનોએ પણ તેમની માતાની ઈચ્છા મુજબ તેની મિલકત ઇન્ડીયન કપલને આપી દીધી. તેમણે ધાર્યું હોત તો પેલા ઇન્ડીયન કપલને ઘરની બહાર કાઢીને તે ઘર પોતે રાખી શક્યાં હોત. પણ તેવું કરવામાં તેમની માનવતા તેમને વારતી હતી. તેમને મન માનવતા એ મોટો ધર્મ હતો.

$$$

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

darshna nizama 6 માસ પહેલા

Verified icon

Jayanti Patel 6 માસ પહેલા

Verified icon

Rakesh Thakkar Verified icon 6 માસ પહેલા

Verified icon

Nirali Pistolwala 6 માસ પહેલા

Verified icon

Manjula 6 માસ પહેલા