૧૦૮ ગઝલનો સંગ્રહ:‘હાથ સળગે છે હજી’ Hardik Prajapati HP દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

૧૦૮ ગઝલનો સંગ્રહ:‘હાથ સળગે છે હજી’

પ્રસ્તાવના:

ગુજરાતી પદ્ય સાહિત્યમાં આજે જો સૌથી વધુ કોઈ સાહિત્ય સ્વરૂપ ખેડાતુ હોય તો તે ગઝલનું છે. આ સાહિત્ય સ્વરૂપમાં શે’રના માધ્યમ દ્વારા ટૂંકમાં ઘણું બધું કહી શકવાની શક્તિ રહેલી છે, આજે ગઝલનો જે ફાલ ઉતરી રહ્યો છે એમાં કેટલીક સત્વશીલ ગઝલના સંગ્રહો પણ પ્રકાશિત થાય છે, આવા જ એક સત્વશીલ ગઝલસંગ્રહ ‘હાથ સળગે છે હજી’નો અહીં પરિચય કરવાનો ઉપક્રમ છે.

કવિ પરિચય:

અમરેલીનું નામ પડે એટલે આપણને કવિશ્રી રમેશ પારેખ અને કવિશ્રી વિનોદ જોશી યાદ આવે, મારે જે સર્જકની વાત કરવી છે એ ડૉ. પીયૂષ ચાવડા પણ અમરેલી જિલ્લાના મોટાલીલિયાના વતની છે, હાલ આ સર્જક ઉત્તર ગુજરાતની ખ્યાતનામ કૉલેજ પી. કે. કોટાવાલા આર્ટ્સ કૉલેજ, પાટણમાં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે ફરજ બજાવે છે તેમણે ‘મનોજ ખંડેરિયા’ની ગઝલો ઉપર M.Phil કર્યું છે અને ‘પ્રયોગશીલ ગુજરાતી ગઝલ’ ઉપર Ph.D પણ કર્યું છે. આથી એમણે ગઝલના સંસ્કારોને ઝીલ્યા છે એવું કહી શકાય. આ સર્જકનો અભ્યાસ ગઝલ સંજ્ઞા અને સ્વરૂપ ‘પ્રયોગશીલ ગઝલનું ભાવવિશ્વ’, ‘પ્રયોગશીલ ગઝલના અભિવ્યક્તિવિશેષો’. વગેરે પુસ્તકોમાં ગ્રંથસ્થ થયો છે.

પુસ્તક પરિચય:

‘હાથ સળગે છે હજી’ ગઝલસંગ્રહ તાજેતરમાંજ (પ્રથમ આવૃત્તિ જુલાઈ ૨૦૧૮) પ્રકાશિત થયો છે. તેમાં કવિની કુલ ૧૦૮ ગઝલ રચનાઓ છે. પ્રત્યેક ગઝલ એક આગવું સ્થાન ધરાવે છે. દરેક ગઝલના આંતર-બાહ્ય સ્વરૂપકીય માળખાને પરીચિત કરવા લક્ષણો જોવા મળે છે જેવા કે, વિચારનું સૌંદર્ય, અભિવ્યક્તિમાં કલ્પન, પ્રતિક, શેરિયત, અલંકાર, કાફિયા-રદ્દીફ, છંદ, લાંબી બહેર, ટૂંકી બહેરની ગઝલો સંહ્રહની વિશેષ લાક્ષણિકતા છે. સંગ્રહના મુખપૃષ્ઠ પર મશાલ પકડેલ નરસિંહ મહેતાનો હાથ અને ‘હાથ સળગે છે હજી’ શીર્ષકવાળી ગઝલને ચિત્રિત કરવામાં આવી છે. સંગ્રહના અંતિમ પૃષ્ઠ પર જાણીતા કવિ નીતિન વડગામાએ પોતાના હસ્તાક્ષરોથી કવિ વિષે આવકારલેખ લખ્યો છે અને આ સંગ્રહને અન્ય સર્જકો શ્રી મનોહર ત્રિવેદી, સંજુ વાળા તથા ગૌરાંગ ઠાકર વગેરેની પણ શાબ્દિક હૂંફ મળી છે.

હવે સંગ્રહના કેટલાક શે’ર જોઈને પુસ્તકનો પરિચય કરીએ-

આદિકવિ નરસિંહ મહેતા અને કવિ મનોજ ખંડેરિયાના સંદર્ભ સાથેનો શે’ર લઈ આ ગઝલ સંગ્રહના દ્વાર કવિ ખોલે છે-

‘ભીતરે નરસિંહ અને ખંડેરિયા ધબક્યા કરે,

ક્યાં ઠરે છે! આજ પણ આ હાથ સળગે છે હજી.’

(પૃ. ૧)

કોણ જાણે કવિઓને વિરહની વેદના કેમ આટલી પસંદ હશે? કવિની અતિસૂક્ષ્મ વિરહની વેદના તેમના આ શે’ર કરાવે છે-

‘સુર્ય સાથે રોજ ઊગે રાત કાળી, હે સખી,

લે, તને સંભારતા મેં જાત બાળી, હે સખી.’

(પૃ. ૪૦)

‘આવજે પંપાળવાને તું હવે આ ઘાવને ,

દર્દ સાથે કેટલી મેં રાત ગાળી, હે સખી.’

(પૃ. ૪૦)

‘હરક્ષણે છંટાય કેરોસીન તારી યાદનું,

રોજ મોટું થાય છે ભીતર સળગતું તાપણું.’

(પૃ. ૮)

સર્જક જલન માતરી સાહેબને કવિએ તેમના અંદાજમાં પાંચ શે’ર વાળી સુંદર ગઝલાંજલિ આપી છે, ગઝલના બે-ત્રણ શે’ર જોઈએ-

‘સુગંધી કબરમાં પથારી કરી છે,

દફન આજ જુઓ જલન માતરી છે.’

*

‘થશે આજ મહેફિલ ખુદાના નગરમાં,

...અને દાદવર્ષા, મને ખાતરી છે.’

*

‘મળી છે તો કેવળ આ શ્વાસોની હલચલ,

જલનની ગઝલ ક્યાં કદીયે મરી છે?’

(પૃ. ૬)

જગતની વાસ્તવિકતા બતાવી કવિ કહે છે કે સાચું બોલનારા અળખા થાય છે અને મીઠું અને સારું બોલનારાઓના વખાણ થાય છે-

‘આપણે શીખ્યા નહીં બસ એટલે અળખા થયા,

માત્ર મીઠું બોલનારાઓ સદા વખણાય છે.’

(પૃ. ૭)

સુંદર મઝાની કવિની ફિલોસોફી તેમના આ શે’રમાં જોવા મળે છે, શે’ર જોઈએ-

‘મંદિર, દેવ, ઈશ્વર, મસ્જિદ ને ખુદા પણ,

એ વ્યર્થ છે બધું જો ખુદને મળી શક્યો નહિ.’

(પૃ. ૯૯)

ગઝલમાં ‘ગઝલ’ શબ્દને જ રદ્દીફ લઈને કંઈક જુદો જ ભાવ નિરુપ્યો છે, બે શે’ર જોઈએ-

‘એક ખાલીપો ઉતારું હું ગઝલના શે’રમાં,

ને તમે કીધા કરો- ‘કેવી સરસ છે આ ગઝલ.’

‘જિંદગીની હર ક્ષણોનું છે અહીં સરવૈયું આ,

આમ તો આખુંય પીડાનું વરસ છે આ ગઝલ.’

(પૃ. ૩૬)

કવિએ પોતાના સંગ્રહમાં એક જ વિષય લઈને કેટલીક ગઝલો લખી છે જેમ કે ‘જલન માતરી સાહેબને અંજલી’(પૃ. ૬), ‘અલીડોસાની ગઝલ’(પૃ. ૫૨), ‘તરછોડાયેલ વૃદ્ધ’(પૃ. ૫૮), ‘ભિખારીની ગઝલ’(પૃ. ૭૧), ‘મૃત્યુની ગઝલ’(પૃ. ૭૬) વગેરે. એક ગઝલ ‘મા’ વિષય લઈને લખી છે. જોઈએ બે શે’ર-

‘તું હજી પણ સ્વપ્નમાં આવી મળે છે મા;

આયખાની હા, બધી પીડા ટળે છે મા.’

તેજ આખા ઘરને આપે, જાત સળગાવી,

કોડીયાની શગ થઈ હરપળ બળે છે મા.’

(પૃ. ૫૦)

કવિનો ગઝલ પ્રત્યેનો ઊંડો પ્રેમ તેમના આ શે’ર માં જોઈ શકાય છે-

‘જાત સાથે વાત કરવાની મજા કંઈ છે અલગ,

હું મને મળતો રહું છું હર ગઝલના શે’રમાં.’

(પૃ. ૧૦૪)

સંગ્રહમાં કવિએ લાંબી બહેરને સારી એવી નિભાવી છે, લાંબી બહેરની પણ કેટલીક કવિએ ગઝલોનો સમાવેશ કર્યો છે. એક-બે લાંબી બહેરના શે’ર જોઈએ –

‘તમે અમારા હૃદયદ્વાર પર હળવા હાથે દસ્તક દઈને સ્મિત કરો છો, વળગણ જેવું લાગ્યા કરતું.

આવીને કલ્લાકો બેસો પછી નીકળો તો પણ સાલ્લું મળવું તો બસ, પળભર જેવું લાગ્યા કરતું.’

(પૃ. ૧૦)

‘જખ્મ મારા છે હજી તાજા અને ઉપર લગાવો છો તમે બહુ પ્રેમથી મીઠું બધે,

ફૂલ જેવા સાવ નાજૂક આપના આ હાથથી કૃપા સતત વરસ્યા કરે હું શું કરું?’

(પૃ. ૭૦)

ટૂંકી બહેરની ગઝલના બે-ત્રણ શે’ર જોઈએ-

‘હું સફર પુરી કરીને જાઉં છું,

જાતને ખુદ છેતરીને જાઉં છું.’

(પૃ. ૮૩)

‘શસ્ત્ર મારાં સામટાં બૂઠાં થયાં,

પાંપણો નાજુક ઝુકાવી તમે.’

(પૃ. ૬૮)

સંગ્રહની છેલ્લી ગઝલ એટલે કે ૧૦૮મી ગઝલનો એક શે’ર સાથે આ પુસ્તકના દ્વાર બંધ કરીએ –

‘શ્વાસના મણકા ફરે છે, હર ઘડી છે જાપ તારા,

હું કદી ગણતો નથી કંઈ એકસોને આઠ માળા.’

(પૃ. ૧૦૮)

સંગ્રહમાં કવિએ રમલ છંદ પર વધારે ભાર મુક્યો છે, તે સિવાય પણ મુતકારિબ, હઝજ, રજઝ, મુતદારીક જેવા અન્ય છંદોનો પણ સારો પ્રયોગ કર્યો છે. સાથે સાથે કલ્પનો, પ્રતીકો, ગઝલનું શાબ્દિક અર્થ સૌન્દર્ય પૂરું પાડવામાં ભાગરૂપ નીવડે છે.

ઉપસંહાર:

આમ, તો આ સંગ્રહના પાનેપાને અટકી અને નોંધી શકાય એવા રસસ્થાનો છે, ખરેખર ૧૦૮ ગઝલના ગુલદસ્તાથી આખો સંગ્રહરૂપી બાગ મધમધે છે. આવો ઉત્તમ ગઝલસંગ્રહ આપવા બદલ સર્જકને ખૂબ ખૂબ અભિનંદન.

(પુસ્તકનું નામ: હાથ સળગે છે હજી, લેખક: પીયૂષ ચાવડા, કિંમત: ૧૧૦ રૂપિયા, પ્રથમ આવૃત્તિ: જુલાઈ ૨૦૧૮,પ્રકાશક: આસ્થા પબ્લિકેશન, રાજકોટ.)

પ્રસ્તુસ્તકર્તા:

- હાર્દિક પ્રજાપતિ(MA,SI.)

Hardikkumar672@gmail.com

સબોસણ, જી:પાટણ. પીન.૩૮૪૨૬૫

મો: ૮૧૪૧૧૨૫૧૪૦