સંબંધોની બારાક્ષરી - 37

સંબંધોની બારાક્ષરી

મનહર ઓઝા

(૩૭)

જીવનસાથીની પસંદગી: યુવાઓને મુંઝવતો કોયડો

દુનિયાએ ગમેતેટલી પ્રગતિ કરી હોય, ભલે આપણે એકવીસમી સદીમાં જીવી રહ્યાં હોઈએ, ભલે કોમ્પ્યુટર, ઈન્ટરનેટ, મોબાઈલ, ટેબ્લેટ, એલ.ઈ.ડી., એલ.સી.ડી., એચ.ડી., બ્લુરે, ફેસબુક, ટ્વીટર કે વોટ્સએપનો જમાનો હોય. આજની થર્ડ જનરેશન ભલેને કોઇપણ કામ કોમ્પ્યુટરની મદદથી ચપટી વગાડતાંમાં કરી શકતી હોય. બધીજ બાબતોમાં માહિર અને સ્માર્ટ આજની થ્રીજી પ્રજા પણ એક કામ કરવામાં પાછી પડેછે. આજનાં યુવા વર્ગને સતાવતો આ મહાપ્રશ્ન છે ‘જીવનસાથીની પસંદગી’.

આજથી પચાસ સાઈઠ વર્ષ પહેલાં આ સમસ્યા એટલી ગંભીર ન હતી, કેમકે તે સમયે વડીલો સિવાય કોઈ યુવક-યુવતીને પોતાનો જીવનસાથી જાતે પસંદ કરવાની છૂટ ન હતી. તે સમયે ઘરનાં વડીલો જે પાત્ર પસંદ કરે તેની સાથે ચુપચાપ પરણી જવું પડતું હતું. માં-બાપ, ભાઈ-બહેન, કાકા, મામા, ફોઈ, માસી, દાદી, નાની વગેરેની પસંદગીનો ચાન્સ માણસને મળતો નથી. જન્મતાંની સાથેજ આ બધાં લોહીનાં સંબધો તો દરેકને વારસામાં મળેછે. એકજ સબંધને પોતાની રીતે પસંદ કરવાની તક મળેછે. આમ જોવા જઈએ તો આ એક મોટી ઓપોર્ચ્યુનીટી કહેવાય ! જો કે ઘણાલોકોને તો આ તક પણ મળતી નથી. ઘણાં લોકોનાં માં-બાપ રૂઢીચુસ્ત હોવાનાં કારણે તેમને આજે પણ સહન કરવું પડેછે. જોકે હવે દરેક સમાજ પોતાનાં સંતાનોને પોતાનો જીવનસાથી પસંદ કરવાની છૂટ આપેછે.

ગ્લોબલાઇઝેશનને લીધે ધીરે ધીરે દરેકની રહેણીકરણીમાં, દરેકના વાની-વર્તનમાં અને વિચારોમાં પણ પરિવર્તન આવ્યુંછે. મઝાની વાત તો એ છે કે, સમાજમાં મોટાભાગનાં યુવાન-યુવતીઓને પોતાનો જીવનસાથી પસંદ કરવાની છૂટ હોવાં છતાં જયારે તેમની સામે પસંદગીનો સવાલ આવે ત્યારે યુનિવર્સીટીની એક્ઝામ કરતાં પણ અઘરું લાગેછે. આ સમયે તેઓ મૂંઝાઈ જાયછે. એટલા માટેજ ઘણાખરાં યુવક-યુવતીઓ પ્રથમ મુલાકાતમાં આઠ-દસ ગોખી રાખેલાં થોડાંક સવાલો પૂછીને પોતાનાં જીવનસાથીની પસંદગી કરતાં હોયછે. શું એકાદ બે મુલાકાતથી કે થોડાંક સવાલોથી કોઈ વ્યક્તિને ઓળખી શકો ખરાં ? જો કોઈ વ્યક્તિને પુરીરીતે ઓળખી ન શકીએ તો તેને તમે પસંદ કરો કે કોઈ બીજું કરે તેમાં કોઈ ફેર ખરો ?

યુવાઓ કહેશે કે એટલા માટેજ અમને અરેન્જ મેરેજ પસંદ નથી. જે વ્યક્તિને અમે ઓળખતાં ન હોઈએ, જેની સાથે પ્રેમ ન થયો હોય, તેની સાથે મેરેજ કેવી રીતે કરાય ? તેમની વાત તો સાચી છે પરંતુ શું તમે માનોછો કે દરેક વ્યક્તિને પ્રેમ થાય ? દરેક વ્યક્તિનો સ્વભાવ અલગ અલગ હોયછે. ઘણાં એટલાં શરમાળ પ્રકૃતિના હોયછે કે અજાણી વ્યક્તિ સાથે વાત પણ કરી શકતાં નથી, પછી પ્રેમ તો દૂરની વાત કહેવય. એ લોકો લકી કહેવાય કે જેમને કોઈકની સાથે પ્રેમ થાય અને તે પ્રેમ લગ્નમાં પરિણમે. તો શું બીજાંબધાંએ સમાજે બનાવેલી ટીપીકલ રીતરસમ પ્રમાણેજ જીવનસાથીની પસંદગી કરવાની ?

જીવનસાથીની પસંદગી બાબતે પિતા-પુત્રી વચ્ચે ચર્ચા ચાલતી હતી. પુત્રી કહે, ‘જીવનસાથી પસંદ કરવાની આ તે કેવી પદ્ધતિ ? છોકરો છોકરીને જોવા આવે, તેની સાથે વાત કરે, સ્ટુપીડ જેવાં સવાલો કરે, પછી ચાલ્યો જાય. કોઈવાર આવી બીજી મુલાકાત ગોઠવાય કે ન પણ ગોઠવાય. મુલાકાતને અંતે છોકરીને પૂછવામાં આવે, ‘ગમ્યું કે નહિ ?’ મને એ નથી સમજાતું કે આટલાં ટૂંકા પરિચયને અંતે લગ્ન જેવી મહત્વની બાબતનો નિર્ણય કેવી રીતે લઇ શકાય ?’ છોકરીની વાત સાંભળીને તેના પિતા વિચારમાં પડી ગયાં. છોકરીની વાત તો સાચી હતી. ખુબ વિચાર કર્યાં પછી તેમણે જવાબ આપ્યો. ‘બેટા, તારી વાત સાથે હું સંમત છું. અરેંજ મેરેજમાં જીવનસાથી પસંદ કરવાની આ પદ્ધતિ સો ટકા સાચી નથી. એમ તો લવ મેરેજમાં પણ છોકરાં-છોકરી એક બીજાના પ્રેમમાં પડેછે ત્યારે, તેઓ પણ ક્યાં એકબીજાથી પરિચિત હોયછે ? ઘણીવાર તો તેઓ એકબીજાની નાત-જાત, ધર્મ, ઉમર, અભ્યાસ, ગમા-અણગમા વગેરે કશુજ જાણતા નથી હોતાં, કે એકબીજાથી પરિચિત પણ નથી હોતાં, છતાંપણ એકબીજાને પસંદ કરેછે. જયારે અરેંજ મેરેજમાં તો તમે આ બધી બાબતો તો પહેલાંથીજ જાણતા હોવછો. બંનેમાં ફર્ક એટલો છે કે લવ મેરેજમાં લગ્ન પહેલાં પ્રેમ થાયછે જયારે અરેંજ મેરેજમાં લગ્ન પછી પ્રેમ થાયછે.’ પુત્રી પિતાની વાત સાંભળી રહી, તેમની વાત પણ ખોટી ન હતી.

યુવા મિત્રો લવ મેરેજ કરો કે અરેંજ મેરેજ, બંનેમાં પ્રેમનું તત્વ અનિવાર્ય છે. આટલી સાદી વાત સમજાય એટલે બહુ થયું. રહી વાત જીવનસાથી પસંદ કરવાની, તો એનાં માટે મને જે યોગ્ય લાગેછે તેવી કેટલીક ટીપ્સ આપુછું. યોગ્ય લાગે તો અજમાવી જોજો. (૧) સાથે રેસ્ટોરન્ટમાં જાવ ત્યારે સામેવાળાનું બિહેવિયર, એટીટ્યુડ માર્ક કરજો. વેઈટર કે સ્ટાફ સાથેનું વર્તન તોછડું હોય તો ચેતી જજો. (૨) ખરીદી કરવા જાવ ત્યારે તમારો સાથી મોટી-મોટી વાતો કરતો હોય તો સમજી જજો કે તેને શો-ઓફ કરવાની ટેવછે. તે કેટલા રૂપિયા વાપરેછે તેના પરથી તેની કંજુસાઈ કે ઉડાઉપણાનો ખ્યાલ આવશે. (૩) તમારા સાથીને વ્યસન હશે તો તે વધારે વાર સુધી છુપાવી નહિ શકે, હા તેના માટે તમારે નાક, આંખ, કાન ખુલ્લા રાખવા પડશે. (૪) અજણ્યા વ્યક્તિ સાથે સંબધ નક્કી કરતાં પહેલાં તે વ્યક્તિની અને તેના કુટુંબની ઊંડાણ પૂર્વક તપાસ કરવી જોઈએ. ફોરેનના કિસ્સામાં તેનું લીવીંગ સર્ટિ, ડીગ્રી સર્ટિ, પાસપોર્ટ, વિઝા, જે તે દેશનું રેસિડેન્સી પ્રૂફ વગેરે ખાસ તપાસવાં જોઈએ. (૫) વાતવાતમાં જેને ખોટું લાગતું હોય કે ઈગો હટ થતો હોય તેવાં વ્યક્તિ સાથે લગ્ન કરતાં પહેલાં સો વાર વિચારજો. (૬) સામેની વ્યક્તિ શોખીન હોય તે સારી વાત છે પરંતુ તેનો શોખ ભવિષ્યમાં નડતરરૂપ ન બને તે વિચારજો. (૭) વધારે પડતાં વહેમીલા અને પઝેસીવ વ્યક્તિને સ્ટ્રેટઅવે ના પડી દેજો. (૮) ઓછું ભણેલાં પણ સમજું અને ક્રિએટીવ વ્યક્તિને પહેલી પસંદ કરજો.

***

***

રેટ કરો અને રિવ્યુ આપો

Manhar Oza 4 માસ પહેલા

Manjula 4 માસ પહેલા

Varsha Satikuvar 4 માસ પહેલા