સંબંધોની બારાક્ષરી - 36

સંબંધોની બારાક્ષરી

મનહર ઓઝા

(૩૬)

ટાંટિયા ખેંચ: સહુને ગમતી રમત

ઓલમ્પિકમાં એક નવી રમત દાખલ કરવા જેવીછે, ‘ટાંટિયા ખેંચવાની રમત.’ આ રમતની નેટ પ્રેક્ટીસ ભારતમાં સહુથી વધારે ચાલેછે. પોલીટીક્સ હોય, સરકારીતંત્ર હોય, કોર્પોરેટ ક્ષેત્ર હોય, સહકારીક્ષેત્ર હોય, સામાજિક ક્ષેત્ર હોય કે પછી ઘર-કુટુંબ હોય, ગમે તે ક્ષેત્ર કેમ ન હોય, બધીજ જગાએ એકબીજાના ટાંટિયા ખેંચવાવાળા હોવાના. ટાંટિયા ખેંચવા એટલે કોઈને ખબર ન પડે તે રીતે બીજાનું ખરાબ કરવું, કોઈના કામમાં વિઘ્ન ઉભું કરવું, કોઈને આગળ વધતાં રોકવું. આ ટાંટિયા ખેંચવાની વૃત્તિ ઈર્ષાળુ સ્વભાવમાંથી જન્મેછે. તમે જોતાં હશો કે મહદઅંશે માનવજાત ઈર્ષાળુ હોયછે.

આ ગેમમાં મઝાની વાત તો એ છે કે જેને હરાવવાનો હોય કે જેના ટાંટિયા ખેંચવાના હોય તેને તેની જરા સરખી પણ ગંધ આવે નહિ તે રીતે આખી રમત રમાતી હોયછે. આનો સારામાં સારો એક્ઝામપલ જોવો હોય તો ટીવી ચેનલોમાં ચાલતી કોઇપણ ડેલીસોપ ટીવી સીરીયલ જોવી જોઈએ. બધીજ ટીવી સીરીયલોમાં કાવાદાવા બખૂબીથી દર્શાવ્યાં હોયછે, તેમાયે સામાજિક સીરીયલોમાં તો ખાસ. ઘરમાં રહેતી હાઉસવાઇફસ તો રસપૂર્વક આવી સીરીયલો જોતી હોયછે. એટલુજ નહિ સીરીયલો જોયા પછી અંદર અંદર તેની સ્ટોરી કે કેરેક્ટરની ચર્ચાઓ કરતી હોયછે. સાયકોલોજીસ્ટોના કહેવા મુજબ રોજેરોજ આ પ્રકારની સીરીયલો જોવાથી લાંબાગાળે તેમની વિચારસરણી ઉપર તેની અસર પડેછે.

તમે નાના હશો ત્યારે સ્કુલમાં તમને આવો અનુભવ થયો હશે અથવા તો તમે જોયું હશે. કલાસમાં કેટલાંક સ્ટુડન્ટસ ભેગા થઈને કોઈક નિર્દોષને બલીનો બકરો બનાવતાં હોયછે. જે તોફાન, જે અડપલું તેણે કર્યું ન હોય, તે તેના નામે સહજતાથી ચઢાવી દેવામાં આવેછે. ક્લાસમાં મોટેભાગે કોઈ ઇનોસન્ટ સ્ટુડન્ટનો ભોગ લેવાતો હોયછે. નિર્દોષ રીતે શરુ થયેલી આ રમત મોટાં થયાં પછી ક્યારે ઈર્ષાના સ્વરૂપમાં બદલાઈ જાયછે તેનો આપણને ખ્યાલ પણ નથી રહેતો. હમેશાં બીજાને નીચે પડતાં જોવામાં, બીજાની બેઈજ્જતી થતી જોવામાં, બીજાનું અપમાન થતું જોવામાં, બીજાને રડતાં જોવામાં, બીજાને દુઃખી થતાં જોવામાં આપણને એક પ્રકારનો સેડીસ્ટીક આનંદ આવતો હોયછે.

એક ઇન્ટરનેશનલ કંપનીનો નફો ઘટતો જતો હતો. કંપનીના બોર્ડ ઓફ ડીરેક્ટર તેનાથી ચિંતિત હતાં. તેમણે એચ આર ડીપાર્ટમેન્ટ સાથે મળીને આ બાબતે તપાસ કરી તો જાણવા મળ્યું કે કંપનીના કર્મચારીઓમાં અંદરોઅંદર રાજકારણ ચાલતું હતું. બધાંજ કર્મચારીઓ એકબીજાના ટાંટિયા ખેંચતા હતાં. ડીરેક્ટરે બધાંજ કર્મચારીઓ માટે ત્રણ દિવસની ટ્રેનીંગ રાખી. ટ્રેનીંગ દરમિયાન ડીરેક્ટરે દરેક વિભાગના કર્મચારીઓને પર્સનલી મળીને તેમનો અભિપ્રાય જાણવા પ્રયત્ન કર્યો. દરેક કર્મચારી બીજાપર દોષારોપણ કરીને તેને નીચો દેખાડવા પ્રયત્ન કરતો હતો. ડીરેક્ટરે દરેકને આશ્વાસન આપ્યું કે જે લોકો કંપનીના હિત વિરુદ્ધ કામ કરી રહ્યાં છે તેમને ટ્રેનીંગના અંતે સસ્પેન્ડ કરવામાં આવશે.

છેલ્લા દિવસે નોટીસ બોર્ડ પર એક મેસેજ લખેલો હતો. જેમાં લખ્યું હતું, કે જે વ્યક્તિ કંપનીની પ્રગતિમાં અવરોધરૂપ હતી તેનું ગઈ કાલે અવસાન થઇ ગયુછે. જેના અંતિમ દર્શન માટે બધાએ હોલમાં એકઠા થવું. આ વાંચીને બધાંજ કર્મચારીઓ દુઃખી થઇ ગયાં. બધાં જાણવા માંગતા હતાં કે આખરે તે વ્યક્તિ છે કોણ ? હોલમાં એક મંચપર કોફીન મુકેલું હતું. દરેકને મંચપર વારાફરથી જઈને અંતિમ દર્શન કરવાની સુચના આપવામાં આવી. એક પછી એક કર્મચારી મંચ પર આવીને કોફીનમાં ડોકિયું કરતો અને બીજી બાજુએથી ચુપચાપ નીચે ઉતરી જતો. હકીકતમાં કોફીનમાં એક મોટો અરીસો મુકેલો હતો જેમાં દરેકને પોતાનુજ પ્રતિબિંબ દેખાતું હતું. અરીસાની બાજુમાં લખ્યું હતું, ‘માત્ર એકજ વ્યક્તિ છે કે જે તમારાં વિકાસની આડે આવી શકે છે અને તે તમેજ છો.’ નીચે ઉતરતાં દીવાલપર બીજું એક લખાણ મુક્યું હતું જેમાં લખ્યું હતું, ‘તમારું જીવન ત્યારેજ બદલાયછે જયારે તમારો બોસ બદલાય છે, તમારો પાર્ટનર બદલાયછે, તમારો મિત્ર બદલાયછે. તમારાં જીવનમાં ત્યારેજ પરિવર્તન આવેછે કે જયારે તમે ખુદ બદલાવ છો. સહુથી સારો સંબધ એ હોયછે જે તમે તમારી જાત સાથે બનાવો છો.’

આ પ્રસંગમાં પણ માનવીની ઈર્ષા દૃષ્ટિગોચર થાયછે. કંપનીનો બોસ તેના કર્મચારીઓને અપ્રત્યક્ષ રીતે તેમની માનસિકતા છતી કરેછે. જયારે ટાંટિયા ખેંચવાની પ્રવૃત્તિ વધી જાય ત્યારે આવાં ટાંટિયા ખેંચુઓને અરીસો બતાવવો જોઈએ. ઇનડાયરેક તેમને આ બાબતની હિંટ તો આપવીજ જોઈએ. છતાંપણ તેઓ પોતાની આ હરકત બંધ ન કરે તો તેમને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દેવું જોઈએ. આવાં માણસોને જાહેરમાં ઉઘાડાં પડવા જોઈએ. તેમાં કઈ ખોટુંપણ નથી. કોઈ વ્યક્તિ પોતે કેવીછે તે અરીસો ધર્યા વિના તેને ખબર પડતી નથી.

ઘણાં માણસો તો એટલાં નફફટ એટલાં ધીટ હોયછે કે તમે તેમને ઉઘાડાં પાડો તો પણ તમારી વાત હસી કાઢેછે. પોલીટીશીયનો આ પ્રકારના ખંધા, લુચ્ચા અને શ્રૂઢ હોયછે. જાહેરમાં તેઓએ લાખો માણસોને આપેલો વાયદો જાણીજોઈને ભૂલી જાયછે અને બીજી ટર્મમાં ફરીથી એજ જાણતા સામે હાથ જોડીને વોટ માગવા ઉભા થઇ જાયછે. આવી લુચ્ચાઈ આવી નફ્ફટાઈ ત્યારેજ આવે કે જયારે માણસ લાગણીહીન થઇ જાય, બુઠ્ઠો થઇ જાય. દરેક વ્યક્તિએ રોજેરોજ સુતાં પહેલાં પોતાની જાતને પૂછવું જોઈએ કે આજે મેં કોઈનું ખોટું તો નથી કર્યુંને, કોઈને દુભવ્યા તો નથીને, કોઈનો હક્ક છીનવી તો નથી લીધોને ! જો આપણે રોજ આપણી જાતને આટલાં પ્રશ્નો પૂછીશું તો આપણામાંની સંવેદના જળવાઈ રહેશે. આપણે કોઈકનું ખોટું કરતાં અટકી જઈશું.

***

***

રેટ કરો અને રિવ્યુ આપો

Kavita Pal 1 માસ પહેલા

Sunhera Noorani 4 માસ પહેલા

Manhar Oza 4 માસ પહેલા

Janki 4 માસ પહેલા

Rohini Trivedi 4 માસ પહેલા