સંબંધોની બારાક્ષરી - 34

સંબંધોની બારાક્ષરી

મનહર ઓઝા

(૩૪)

જવાબદારીથી ભાગો નહિ.

કોઈને પણ તમે કોઈક જવાબદારી સોંપવા માંગતા હોવ તો તે જવાબદારી લેવા તૈયાર નહિ થાય. ગમે તે બહાનું બનાવીને તે છટકી જશે. મેં જોયું છે કે મોટાભાગના લોકો જવાબદારીથી ભાગતાં હોયછે. મોટાભાગનાં લોકો જવાબદારી લેવા તૈયાર થતાં નથી. તેનું કારણ શું હશે ? શોધવા બેસીએ તો એક કરતાં અનેક કારણો મળી રહેશે. આ બધાં કારણોમાં સૌથી કોમન રીઝન કામચોરી છે. જવાબદારીમાંથી ભાગવાવાળાઓને કામ કરવામાં રસ નથી અથવા તો કામ કરવું ગમતું નથી. કેટલાંક લોકો એવું વિચારેછે કે ‘મારે શું !’ ‘હું શું કામ જવાબદારી લઉં !’ ‘તેમાં મને શો ફાયદો થવાનો છે ?’ આવું વિચારવા પાછળ કયું માનસ કામ કરતુ હશે ? આપણી આ માન્યતાઓના બીજ બાળપણમાં જ રોપાયછે. ઘરમાંથીજ બાળક શીખતું હોયછે.

તમે જોયું, સાંભળ્યું કે અનુભવ્યું હશે. કેટલાંક માં-બાપ તેમના સંતાનોના મનમાં બાળપણથી જ શિખામણોનો મારો ચલાવે છે. ‘જોજે પાછો લગનમાં આગળ પડીને બધું કામ કરવા ના લાગતો.’ ‘મામાના ઘેર જાય ત્યારે મામી ઘરનું કામ કરાવે તો ના પાડી દેજે.’ ‘સ્કુલમાં ટીચર ભણવા સિવાયનું કામ સોંપે તો નહિ કરવાનું.’ ‘પડોશીઓ વસ્તુ લેવા મોકલે તો બહાનું કાઢીને ઘરે આવતાં રહેવાનું.’ તે સમયે અજાણતાં જ બાળકોનાં મનમાં રોપાયેલાં બીજ મોટાં થતાં વટવૃક્ષ બની જતાં હોયછે. બાળપણથી જ આપણને કામચોરીની આદત પડી જાયછે. જે આદત મોટાં થયાં પછી નડેછે. નોકરીમાં પણ આપણે બહાનાં બનાવીને છટકી જઈએ છીએ. સરકારી ઓફિસોમાં કે બેન્કોમાં આવાં અનેક માણસોનો તમને અનુભવ થયોજ હશે. એક સમયે સરકારી કે અર્ધસરકારી ઓફિસોમાં આવાં માણસો ચાલી જશે પણ ખાનગી પેઢીઓ કે કોર્પોરેટ કંપનીઓમાં તેમની આ વૃત્તિ તેમને નડશે. આવી જગાએ એકવાર ‘કામચોર’નું લેબલ લાગી ગયાં પછી તેને બદલવું મુશ્કેલ થઇ જાયછે.

સ્વૈચ્છિક સંસ્થાઓ, રાજકીય સંસ્થાઓ કે ટ્રસ્ટો આવાં માણસોથીજ ભરેલી હોયછે. અધ્યક્ષ, પ્રમુખ, મંત્રી કે ખજાનચીનો હોદ્દો શોભાવતાં મહાનુભાવો શોભાના ગાંઠિયા જેવાં હોયછે. સંસ્થાનું કોઈ કામ કરવાનું આવે ત્યારે આવાં લોકો બહાનું બનાવીને છટકી જતાં હોયછે. જે લોકો ખરેખર સેવા ભાવથી સંસ્થામાં જોડાયેલાં હોયછે તેવાં ગણ્યાગાંઠ્યા લોકો થકીજ આવી સંસ્થાઓ ચાલતી હોયછે. તેઓ કોઇપણ આનાકાની વિના હસતાં મોઢે જવાબદારી સ્વીકારશે. જોકે પેલા કામથી ભાગનારાઓ તો આવાં માણસોને ગાંડા કે મુર્ખ જ માનશે. વધારે કામ કરવાથી કે વધારે જવાબદારી સ્વીકારવાથી ખરેખર નુકશાન થાયછે? ના, ઉપરથી આવી જવાબદારીના કારણે માણસ ઘડાયછે, તેની બુદ્ધિ-શક્તિનો વિકાસ થાયછે, તેના કામમાં ચોકસાઈ આવેછે, તેની હિમત અને સાહસમાં વધારો થાયછે. અંગ્રેજીમાં કહેવત છે ‘પ્રેક્ટીસ મેક મેન પરફેક્ટ.’

તમે તમારી સોસાયટી કે ફ્લેટની મીટીંગમાં ગયા હશો ત્યારે તમને કેવો અનુભવ થયેલો ! મોટાભાગે આવી મીટીંગોમાં સભ્યો જાતજાતનાં સૂચનો કરતાં હોયછે. આવીજ એક મીટીંગમાં હું હાજર હતો. ફ્લેટના વહીવટની વાત ચાલતી હતી. કોઈ સભ્ય વહીવટની જવાબદારી લેવા તૈયાર ન હતો. એક રીટાયર્ડ કાકા અત્યારસુધી વહીવટ કરતાં હતાં. કાકા હવે તેમાંથી છૂટવા માંગતા હતાં. છેવટે બધાનાં આગ્રહને વશ થઈને કાકાએ વહીવટ કરવાનું સ્વીકાર્યું. તે પછી બીજો મુદ્દો પાર્કિંગનો આવ્યો. બધાંનું કહેવું હતું કે લોકો આડુંઅવળું પાર્કિંગ કરતાં હોવાથી વાહનો મુકવાની જગા રહેતી ન હતી. કેટલાંક સૂચન કર્યું કે પાર્કિંગ પ્લોટમાં નોટીસ લગાવો કે દરેક વ્યક્તિએ વ્યવસ્થિત પાર્કિંગ કરવું. એક સભ્યએ એવું સુચન કર્યું કે ગેસ્ટને બહાર પાર્કિંગ કરવા કહેવું. સૂચનો સારાં હતાં, તેનાથી પ્રશ્ન ઉકલી શકે તેમ હતો પરંતુ તેનો અમલ કેવી રીતે કરાવવો ? કેમકે આ ફ્લેટમાં કોઈ સિક્યોરીટીવાળાને રાખ્યો ન હતો. સિક્યોરીટીવાળાને રાખવાની વાત આવી એટલે ઘણાં લોકોએ વિરોધ કર્યો, કારણ કે તેનાથી મેન્ટેનન્સ ખર્ચ વધતો હતો.

ત્રીજો પ્રશ્ન પાણીનો હતો. ફ્લેટનો પોતાનો બોર હતો. બોર ચાલુ બંધ કોણ કરે તે મોટો પ્રશ્ન હતો. તેના માટે ફલેટમાંથી નીચે આવવું પડે અને સમયનું પાલન પણ કરવું પડે. રોજેરોજ આ કામ કરવાની જવાબદારી લેવા કોઈ તૈયાર ન હતું. અત્યાર સુધી જે વહીવટ કરે તે બોરનું કામ સાંભળતું હતું. હવે કાકાએ આ કામ બીજાને સોપવાની વાત કરી હતી. છેવટે દરેક સભ્યના વારા રાખવાનું ઠરાવ્યું, જેમાં કેટલાંક સભ્યોએ વિરોધ નોંધાવ્યો. તેમનું કહેવું હતું કે તેઓ નોકરી ધંધો કરતાં હોવાથી તેમને સમય નથી. ટૂંકમાં તે લોકો જવાબદારીમાંથી છટકી જવા માંગતા હતાં. બીજીબાજુ એજ લોકો એજ લોકો વાતો કરવાના કે આમને હોદ્દાનો બહુ મોહછે, કેટલાં વર્ષોથી ચીપકી રહ્યાં છે.

આતો એક નમુનો હતો. કેટલીયે ઓફિસો, સંસ્થાઓ, કંપનીઓ કે સમાજમાં, જ્યાં જ્યાં જવાબદારીની વાત આવશે, ત્યાં ત્યાં જવાબદારીથી ભાગનારા મળી રહેશે. અંતે પેલા કાકા જેવાં ભલાં માણસોના માથે જવાબદારીનો ટોપલો આવી પડશે. જે લોકો જવાબદારીથી કે કામથી ભાગેછે તે લોકો ભલે પોતાની જાતને સ્માર્ટ સમજતાં હોય પણ વાસ્તવમાં તે લોકો મહામુર્ખ છે. જે લોકો સામે ચાલીને કામ કરેછે કે જવાબદારી સ્વીકારેછે તેમની બોલબાલા હમેશાં રહેછે, તેમનું સમાજમાં માન વધેછે, લોકો સાથે તેમના સંબધો વિસ્તરે છે.

***

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Sunhera Noorani 7 માસ પહેલા

Verified icon

Janki 7 માસ પહેલા

Verified icon

Manjula 7 માસ પહેલા

Verified icon

Rakesh Thakkar Verified icon 7 માસ પહેલા