સંબંધોની બારાક્ષરી - 32

સંબંધોની બારાક્ષરી

મનહર ઓઝા

(૩૨)

લગ્નની ઉંમર

ભારત દેશના લગભગ બધાંજ રાજ્યોમાં વધતાંઓછા પ્રમાણમાં બાળલગ્નો હજું આજે પણ થાયછે. બાળલગ્ન કરવાં અને કરાવવાં તે કાનૂની ગુનો બનેછે તે જાણતા હોવાં છતાં લોકો આ ગુનો કરેછે. બાળલગ્ન કરાવનારને સજા થઇ હોય તેવું તમે સાંભળ્યું નહિ હોય. સહુથી વધારે બાળલગ્નો રાજસ્થાનમાં થતાં હોવાનું સાંભળ્યું છે. જેમ જેમ શિક્ષણનું પ્રમાણ વધતું જાયછે તેમ તેમ બાળલગ્નોનું પ્રમાણ ઘટતું જાયછે. જોકે ઘણાં શિક્ષિત લોકો પણ સમાજની બીકે આવાં કુરીવાજોમાંથી નીકળી શકતાં નથી. ખાસ કરીને પછાત વિસ્તારોમાં અને ગામડાઓમાં બાળલગ્નોનું પ્રમાણ વધારે જોવાં મળેછે. ગુજરાતમાં અમુક કોમ અથવા અમુક પછાત વિસ્તારોમાં હજું પણ બાળલગ્નો થાયછે.

ખરેખર પરણવાની ઉમર કઈ ? સરકારે નક્કી કરેલી આઢાર-વીસ વર્ષની ઉમર કે પછી સમાજે ઠરાવેલી ઉમર ? સરકારે નક્કી કરેલી ઉમર શારીરિક રીતે યોગ્ય હશે પણ માનસિક પરિપકવતા આ ઉમરે હોય છે ખરી ? નાની ઉમરના યુવાનો લગ્નની જવાબદારી ઉઠાવવા સક્ષમ હોય છે ખરા ?

એક બાજુ નાની ઉમરે બાળલગ્નો થાયછે ત્યારે મોટાં મોટાં શહેરોમાં પરિસ્થિતિ ઉંધી છે. શહેરનાં યુવાન છોકરાં-છોકરીઓ નાની ઉમરમાં લગ્ન કરવામાં માનતા નથી. તેમની નાની ઉમર એટલે આપણે ધારીએ છીએ તેવડી પંદર સોળ વર્ષની નહિ, પણ પચીસ છવ્વીસની ઉંમરને તેઓ નાની ઉંમર ગણેછે. તેમના મતે ભણી રહ્યાં પછી, નોકરી-ધંધામાં સેટલ થયાં પછીજ લગ્નનું વિચારી શકાય. અરે ઘણાં લોકો તો સારું ભણ્યા હોય, સારી જોબ કરતાં હોય, સારું કમાતાં હોય તો પણ લગ્ન અંગે ઉદાસીનતા ધરાવતાં હોયછે. તેમને આ બાબતે કહીએ ત્યારે જવાબ મળી જાય, ‘હજું હું સેટલ થયો/થઇ નથી.’ હવે આનાથી વધારે કેવું સેટલ થવાનું ! તમે પૂછો, ‘પોતાનું ઘર છે, સારી જોબ છે, પોતાનું વાહન છે હવે બીજું શું જોઈએ ?’ ‘ઘર તો પપ્પાનું છે અને હજું તો ગાડી લાવવાની બાકી છે.’ તમને તરતજ જવાબ મળી જવાનો. પપ્પાના ઘરમાં સ્વતંત્રતા ના મળે અને સ્કુટર કે બાઈકપર વાઈફને બેસાડાય નહિ.

શહેરોમાં તમને એક કરતાં હજાર યુવક યુવતીઓ મળી રહેશે કે જેઓ પોતાની કેરીયર માટે લગ્ન કરવાનું ટાળતાં હોય. તમે નહિ માનો પણ આવો એક આખો યુવાવર્ગ ઉભો થયો છે. કેટલાંક યુવક-યુવતીઓ તો લગ્નપ્રથાને સ્વીકારવા માટે પણ તૈયાર નથી. તેઓ તો લીવઈન રિલેશનશિપને આદર્શ માનેછે. એવું પણ નથી કે તે લોકો જવાબદારીથી ભાગવા માગેછે. ઘણાં યુવક-યુવતીઓને લગ્નની વાત કરીએ ત્યારે તેઓ ફિલ્મના હીરો-હિરોઈન કે પશ્ચિમી દેશોનાં દાખલા આપીને આપણને સમજાવશે. હવે પશ્ચિમી દેશોનું કલ્ચર આપણા દેશથી સાવ અલગ છે. તે લોકો તો બાર તેર વર્ષના હોય ત્યારથીજ બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ રાખતાં હોયછે. આ ઉપરાંત તેમના દેશમાં મુક્ત સેક્સનું વાતાવરણ હોયછે. આપણા દેશમાં આવું ભાગ્યેજ બનેછે. તે જ પ્રમાણે હીરો-હીરોઈનની લાઈફસ્ટાઈલ પણ મુક્ત હોયછે. સલમાન ખાન, બિપાશા બસુ કે તુષાર કપૂર મોડાં લગ્ન કરે કે ના કરે તો પણ તેમને કે તેમના ફેમિલીને કોઈ ફર્ક પડતો નથી. દરેક વ્યક્તિ એડલ્ટ થાય ત્યારે તેનાં અંગોનો વિકાસ થાયછે. દરેક વ્યક્તિની બાયોલોજીકલ સાયકલ ગોઠવાયેલી હોયછે. આ સાયકલ મુજબ તેને શારીરિક જરૂરિયાતો સંતોષવાની ઈચ્છા થાયછે. આપણે ત્યાં લગ્ન વિના આ બધું શક્ય નથી. તેના લીધે મોટી ઉમર સુધી લગ્ન ન કરનાર લોકો પોતાની ઈચ્છાઓ દબાવી રાખેછે અથવાતો ખોટા માર્ગે ચઢી જાયછે. સાયકોલોજીસ્ટના મતાનુસાર મોટી ઉમર સુધી અપરણિત રહેતાં યુવક યુવતીઓનો સ્વભાવ ગુસ્સાવાળો અને ચીડિયો થઇ જાયછે.

આપણા દેશમાં દિવસે ને દિવસે સ્ત્રીઓની સંખ્યામાં ઘટાડો થતો જાયછે. સામાજિક અને આર્થિક રીતે તો સ્ત્રી-પુરુષોમાં અસમાનતા તો છેજ, જે હવે તેમના જન્મના દરમાં પણ ઘટતી જાયછે. જેના કારણે સ્ત્રી વિરોધી ગુનાઓનું પ્રમાણ વધવા લાગ્યું છે. ૨૦૧૧ની વસ્તીગણતરી મુજબ ભારતમાં હજાર પુરુષો ૯૪૦ સ્ત્રીઓ અને ગુજરાતમાં હજાર પુરુષોએ ૯૧૮ સ્ત્રીઓનું પ્રમાણ છે. દિવસેને દિવસે સ્ત્રીઓનું પ્રમાણ ઘટતું જતું હોવાથી સ્ત્રી વિરોધી ગુનાઓ વધવા લાગ્યાં છે. સ્ત્રી-પુરુષોમાં અસમાનતા વધતી જવાથી અને વધું ભણેલી યુવતીઓને પોતાને લાયક મુરતિયા નહી મળવાના કારણે યુવતીઓ લગ્ન કરતી નથી. પરિણામે, કેટલીક કોમોમાં મોટી ઉમરના વાંઢા યુવકોની સંખ્યા વધતી જાયછે. ઘણાલોકો પોતાની જ્ઞાતિમાં કન્યાઓ મળતી નહિ હોવાથી આદિવાસી કન્યાઓને ખરીદીને લાવેછે. આપણા સમાજની આ એક વરવી વાસ્તવિકતા છે.

એક બાજુ ગામડાંઓમાં યુવકોને કન્યાઓ મળવી મુશ્કેલ છે ત્યારે બીજીબાજુ શહેરમાં યુવક-યુવતીઓ પરણવાનું ટાળતા જોવા મળેછે. જોકે શહેરોમાં પણ સહેલાઈથી પસંદગીના પાત્રો મળતાં નથી. પત્રોની પસંદગીનાં ધોરણો પણ હવે બદલાયાં છે. શહેરમાં રહેતાં યુવક-યુવતીઓ તેમના સર્કલમાંથી એકબીજાને ઓળખતાં હોય તેવાં પાત્રને પોતાનાં જીવનસાથી તરીકે પસંદ કરેછે. તેઓ પરણીને પ્રેમ કરવામાં નહિ પણ પ્રેમ કરીને પરણવામાં માનેછે. તેમની માન્યતા ખોટી તો નથી પરંતુ દરેક વ્યક્તિને પ્રેમ થાય તે શક્ય છે ? આજના યુવક-યુવતીઓને તેમના પેરેન્ટ્સે બતાવેલું પાત્ર ગમતું નથી અને પોતે પોતાને મનગમતું પાત્ર શોધી શકતાં નથી ત્યારે ‘બાવાના બેય બગડ્યા’ જેવું થાય છે.

***

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Sunhera Noorani 7 માસ પહેલા

Verified icon

Manhar Oza Verified icon 7 માસ પહેલા

Verified icon

Jasmita 7 માસ પહેલા

Verified icon

Jasmina Divyesh 7 માસ પહેલા

Verified icon

Manjula 7 માસ પહેલા