Featured Books
શ્રેણી
શેયર કરો

ગુજરાતી ભાષાની પથારી ફેરવતી આજની 'ગુજરેજી !'

‛ગુજરેજી..? અલ્યા, માળું આવું કેવું નામ ? ગુજરેજી એટલે...?’

‛સુ વાત કરે છ લ્યા ! ગુજરેજી નહિ ખબર ? તૈયેં તું મુઓ બહુ મોટી હોંશિયારીઓ મારે છ, તો આની ખબર નહિ રાખતો ?’

‛બે... નહિ ખબર લ્યા.’

‛હાંભળ, ઈંગ્રેજી રયુંને એને ગુજરાતી હાઇરે મેળ નો પડતો હોય તોય તોડી મરોડીને બાંધી મેલીએ ને જે નવી કહેવાતી ભાષા ઉદ્દભવે ઈને ગુજરેજી કહેવાય. ઈમાં ગાય રોજ દૂધ આપે છે એવું નો આવે. ઈમાં કાઉ એવરીડે મિલ્ક આપે છે, એવું આવે. હમજ્યો ?’

‛હેં.. હેં.. હેં.. હેં.. આ તો ઓલા પીઝાના રોટલા પર દાળભાત ચોપડીન ખાતા હોઈએ એવું લાગે.’

***

ગઈ કાલે ભગો ને હરિયો કંઈક આવી વાતો કરતા હતા. ગામડાના એ બંનેને સમજાઈ ગયું કે ગુજરેજી પીઝાના રોટલા પર દાળભાત ચોપડીને ખાતા હોઈએ એવું લાગે, પણ આ હાઈ સોસાયટીનાં સો કોલ્ડ ‛બુદ્ધિધનો’ને હજુ નથી સમજાતું કે ગુજરેજી એટલે ઈડલી સાંભર વિથ મેગી નૂડલ્સ. ક્યાંય મેળ પડે છે ઈડલી સાંભરનો મેગી નૂડલ્સ સાથે ? બસ, તો આવી જ છે આપણી ગુજરેજી ભાષા. ક્યાંય કોઈ જગ્યાએ મેળ પડે જ નહીં ને. અમુક પંચાતીયા લોકો કેમ વગર કારણે વચમાં માથું ખાવા આવી ચડતા હોય છે, બસ એવી જ રીતની કંઈક ગુજરેજી છે. કારણ વગર ગુજરાતી ભાષાની પથારી ફેરવી નાખે. પોતે ભાષા નથી, છતાંય એ આપણી મૂળ ગુજરાતી ભાષામાં ઘર કરી ગઈ છે.

આજકાલની, ઈંગ્લિશ મીડીયમમાં ભણેલી ગૃહિણીઓ (અમુક અપવાદ હોય તો બાદ કરજો) એમનાં ઈંગ્લિશ મીડીયમમાં ભણતા બેટાને કહેશે, ‛બેટા, સ્પીડ કરો. જો સ્કૂલ બસ આવી. પછી લેટ થશે તો ખબર છે ને ટીચર પનીશ કરશે ? ટેબલ્સ ફાઈવ ફાઈવ ટાઈમ્સ રાઈટ કરવા આપશે હોમવર્કમાં...’

ભાષા છે ગુજરાતી, પણ અંદર કેટલા અંગ્રેજી શબ્દો આવ્યા એ જુઓ. નો ડાઉટ આજના આધુનિક યુગમાં અમુક શબ્દોના ગુજરાતી અર્થો શક્ય નથી. અમુકના કદાચ શક્ય હોય પણ ખરા, પણ એનો વ્યવહારિક ઉપયોગ કેમ કરશો ? મોબાઈલના ચાર્જરને ‛શક્તિવર્ધક યંત્ર’ કહેવું કેવું લાગે ? એટલે એવા શબ્દો તો નછૂટકે અંગ્રેજીમાં જ બોલવા પડે, પણ જ્યાં અંગ્રેજી શબ્દોની સહેજેય જરૂર નથી ત્યાં એ નાખો એ ન ચાલે ને ?

હાઈ ફાઈ કારમાં જતી મમ્મી એક જગ્યાએ ગાય ચરતી જોશે ત્યારે બાજુમાં બેઠેલા એના ટાબરિયાને કહેશે, ‛લુક બેટા ! કાઉ છે. તેં યસ્ટરડેના લર્ન કર્યું હતું ને ? કહે તો કાઉ શું ઈટ કરે ?’ ‛ગ્રાસ !’ ટાબરિયું પોતે ભણેલું પોપટની જેમ કહેશે. એના તાજા દિમાગમાં ‛કાઉ’ શબ્દ જ બેસી ગયો હોય એટલે કોઈક ગુજરાતી ભાષાનો હિમાયતી એને પૂછે ગાય એટલે શું ? તો છોકરું એમાં બે પાંચ ઘડી અટવાઈ પડે.

એક પરિવાર રક્ષાબંધન વખતે પંડિતજી પાસે નાડાછડીની રાખડી બંધાવીને ઘરે પરત ફરતો હતો ત્યારે રસ્તામાં પપ્પાએ ગમ્મત કરવા એના સોળ વરસના ઢગા બેટાને પૂછેલું, ‛તને ખબર છે હમણાં આપણે જે બંધાવી આવ્યા એને શું કહેવાય ?’ સાંભળીને બેટો તો મૂંઝાયો. વિચારે ચડ્યો. પપ્પા હસતા રહ્યા. પછી તો બેટાએ જાત જાતનાં તૂત કાઢ્યાં - કલરફૂલ દોરો... સેક્રેડ (પવિત્ર) રાખી... ને એવું બધું ઘણું કાઢ્યું. અંતે બોલ્યો, ‛હોલી થ્રેડ.’ (પવિત્ર દોરો). એક રીતે એ સાચો, પણ ખરું નામ ન કહેવાય એટલે પપ્પાએ હસીને કહેલું, ‛આને નાડાછડી કહેવાય.’ અને અંગ્રેજી મીડીયમ પર મનોમન હસેલા.

ઘણાં તો એવાય ફાટ્યા છે કે એકવચન ને બહુવચનમાં ખબર ન પડતી હોય ને વાત વાતમાં ગુજરાતીમાં અંગ્રેજી જાણે પરાણે મોંમાં કોળિયો ઠૂંસતા હોઈએ એમ ઠૂંસે. ‛આપણે તો શું છે કે બીજું બધું તેલ લેવા ગ્યું, પણ લેડીઝુંને સેટીસફેકસન મળવું જોઈ...વુમન્સ ફસ્ટ...’ હવે આ મગજના અઠ્ઠાઓને કોણ સમજાવે કે ભઈલા, તું જે શબ્દો તારા સડેલા દિમાગમાંથી કાઢે છે એનું અસ્તિત્વ જ આ ધરાતલમાં ક્યાંય નથી. લેડીઝું એટલે શું ? કાંઈક તો સેન્સવાળું બોલો. વળી અમુક લોકો એવા હોય કે અંગ્રેજી શબ્દો બોલતાં તોતડાતા હોય, અચકાતા હોય તોય અંગ્રેજી તો વચ્ચે ઘાલવું જ હોય. હવે ‛ઈન્ફ્રાસ્ટ્રક્ચર’ જેવા શબ્દો બોલતાં બોલતાં મોંમાંથી થૂંક નીકળી જાય, જીભ આડી અવળી થઈ જાય તો ભલે થાય, પણ અંગ્રેજી શબ્દ તો બોલવો જ. કેમ ? ઈન્ફ્રાસ્ટ્રક્ચરને બદલે મકાન કે માળખું બોલવામાં તમારા પૂજ્ય પિતાશ્રીનું કંઈ જાય છે એવું પૂછવાનું મન થઈ આવે.

બે સહેલીઓ મોલમાં ખરીદી કરવા જાય છે. બધું મોંઘું દાટ છે એટલે પહેલી સહેલી બીજીને કહે છે, ‛અલી, લુક ! ઓલ આઇટેમ્સ બહુ કોસ્ટલી છે. આમાં તો કાંઈ પરચેઝ જ નહીં કરી શકાય. સો, આપણે જસ્ટ વિન્ડોશોપિંગ કરી લઈએ.’ ત્યારે બાજુમાં ઊભેલી એની બારમું પાસ સહેલી ફાટશે, ‛હેં... હમણાં તો તે એવું કીધું કે અહીંયા બધું બહુ મોંઘું છે ન તારે હવે આ બારીની સોપિંગ કરવી છ..? ઘરમાં બારીઓ ઓછી છ કે તારે આય આવીન મોંઘીદાટ બારીયું ખરીદવી છ.. અન બારીયું લેવા આવા મોલ બોલમાં અવાતા હશે ?’ બોલો લ્યો... થઈને ગરબડ. હવે જો એ બહેને ‛વિન્ડોશોપિંગ’ બોલવાને બદલે માત્ર એટલું કહ્યું હોત કે ખાલી નજર મારીને ચાલ્યા જઈએ તો કયું આભ તૂટી પડવાનું હતું ? કારણ વગર આ જોક બની ગયો ને !

‛આયાં આ લાયબ્રેરીમાં તો જો. કેટલી બધી બુકો છે..’ બુકો ?? અલા ભઈ, કાં તો બુક્સ બોલો અથવા પુસ્તકો બોલો. આ બુકો એટલે શું ? અંગ્રેજી અને ગુજરાતીનાં મિશ્રણથી જન્મેલા મંદબુદ્ધિ બાળક જેવો શબ્દ જ ને કે બીજું કાંઈ ?

હોટલવાળા નાહકની ફિશિયારીઓ મારવા એના મેન્યુકાર્ડમાં ધના ધન જવા દેશે - બોઈલ્ડ ટોમેટો સૂપ વિથ ઇન્ડિયન ક્રિસ્પી નૂડલ્સ ! હેં...? ઇન્ડિયન નૂડલ્સ વળી કેવા હોય ? પછી જોઈએ તો ખબર પડે કે ભાઈ તો સેવટમેટાના શાકની વાત કરે છે - ઓય વોય.

આટલી સરસ ગુજરાતી ભાષા આપણને વારસામાં મળી છે તો એનો ઉપયોગ કરો ને. જ્યાં અંગ્રેજી શબ્દોની જરૂર હોય ત્યાં મૂકો એ બરોબર છે, પણ પછી છોકરી પાછળ પડેલા ગુંદરિયા છોકરાની જેમ બધા વાક્યોમાં અંગ્રેજી ન હોય. આપણે રહીએ છીએ ગુજરાતમાં, માતૃભાષા ગુજરાતી, (લગભગ) ખાઈએ ગુજરાતી, દિલથી ગુજરાતી, દિમાગથી ગુજરાતી... આખે આખા ગુજરાતી જ, તોય આ ગુજરેજીનો છેડો કેમ છોડતા નથી ? ખેર, એ તો વિચાર વિચારની વાત છે. ‛તુંડે તુંડે મતિ ભિન્ન’ની જેમ બધાના અલગ વિચારો હોય. કોણ રોકે ? બસ, આપણે તો એટલું જાણીએ કે જ્યાં સુધી આ ગુજરેજી ભાષા અસ્તિત્વમાં હશે ત્યાં સુધી આપણને ભરપેટ હસવા મળી રહેવાનું છે. બાકી, તમે શું સમજ્યા ??

- પરમ દેસાઈ

(જ્ઞાન-વિજ્ઞાન-મનોરંજન પીરસતા ‘ખજાનો’ મેગેઝિનના લેખો કલરફૂલ પેજ તથા સચિત્ર માણવા લોગ ઓન કરો : www.khajanogujratimagazine.wordpress.com)