ફેશનફંડા : ઋતુ અને રંગ Khajano Magazine દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફેશનફંડા : ઋતુ અને રંગ

ફેશન ફંડાઃ રંગ અને ૠતુ

દાંત કચકચાવીને બેસી રહેવું પડે એવી ઠંડી ગુજરાતીઓને અનુભવવાનું બહુ ઓછું થયું હશે. તગારામાં સુકવેલા લાકડાં અને છાણાંથી તાપણું કરીને મિત્રોનું ટોળું ગોઠવાય એવું વાતાવરણ ભારતીય વર્ષમાં ત્રણેક માસ માંડ હોય છે. ક્યાંક ધોમધખતો તડકો બારેમાસ હોય તો ક્યાંક સાંબેલાધારે અવિરત વરસાદ પડતો રહેતો હોય. ઘર ઝાલીને ગોટપાઈ રહેવું કોને પોસાય ? ઋતુ ગમે તે હોય, સૌએ પોતપોતાના કામે વળગી રહેવાનું હોય. ક્યાંક ઓફિસોમાં મિટિંગો થતી હોય. ક્યાંક શાળા-કોલેજોમાં સાંસ્કૃતિક કાર્યક્રમો થતા હોય. ક્યાંક લગ્નસરાનો માહોલ હોય તો ક્યાંક મરસિયા ગવાતાં હોય. દુનિયા કાળક્રમે ગતિશીલ રહે છે, એ સ્થગિત થતી નથી. એ હિસાબે આપણે સૌ પણ એની સાથે તાલ મીલાવી ધપીએ છીએ. પ્રસંગ અને ૠતુ અનુસાર વસ્ત્ર સજ્જા કરીએ છીએ. અવારનવાર આપણા કબાટમાંનો કપડાંનો સંગ્રહ એટલે કે વૉડરોબ કલેક્શન પણ બદલતાં હોઈએ છીએ અથવા ૠતુ મુજબ કેટલાંક કપડાંઓની રોજિંદી ઉપયોગીતામાં ફેરબદલી કરીએ છીએ.

ભારત એક સમશીતોષ્ણ આબોહવા ધરાવતો દેશ છે. અહીં દરેક ૠતુનું એક સુઆયોજિત એક ચક્ર છે છતાંય ગ્લોબલ વોર્મિંગના સપાટામાં અહીંના આવર્તનકાળમાં પણ ધીમો પણ નોંધનીય ફેરફાર ચોક્કસ વર્તાય છે. એ અનુસાર આપણી જરૂરિયાતી યાદી પણ બદલાય છે.

આ ૠતુઓ કેટલી?

પહેલાં ધોરણમાં શીખેલાં આપણે, શીયાળો, ઉનાળો અને ચોમાસું. બરાબરને ? પછી પાંચમાં – છઠ્ઠાં ધોરણ સુધીમાં આપણને જાણવા મળ્યું કે શરદ, વસંત, ગ્રીષ્મ, શિશિર અને હેમંત એમ છ પેટા પ્રકાર હોય છે. અને દસમાં ધોરણથી કોલેજ સુધીમાં ક્યારેક ગણગણી લીધું હોય, “પતઝડ, સાવન, બસંત, બહાર… એક બરસ કે મૌસમ ચાર, પાંચવા મૌસમ પ્યાર !” અરે ! ના, ના પ્રેમની મૌસમ અખું વર્ષ માણી શકાય, હો ! એના માટે કોઈ ધારાધોરણ નહીં રે.. પણ આપણે તો કઈ ઋતુમાં શું એવું કરીએ કે આપણને સુઘડતા અને સગવડતા આપે એવું નક્કી કરવાનું છે અહીં તો.

દુનિયાના એક તૃતિઆંશ ભાગમાં બર્ફાચ્છાદિત અવસ્થા છે. શ્વેત આવરણ સાથે ઠંડા વાતાવરણમાં સફેદ, ગ્રે, કાળો કે મરૂન રંગ પહેરવા ઓઢવા માટે વધુ પસંદ કરાય છે. એ પછી શિશિર, હેમંત અને શરદ ૠતુ હોય, ઠંડકવાળા વાતાવરણમાં ઘેરા રંગ અને ઘાટા રંગોની પસંદગી કરાય છે. પાનખરના કરમાયેલ ભૂખરા પાનનો કથ્થાઈ રંગ હોય કે પીળા પડેલ પાનનો લાક્ષણીક રંગ, આ મોસમના મૂડની ચાડી ખાય છે. આવા રંગોમાં ઉષ્મા સભર આભા મેળવાય અને આપણી આસપાસના આવરણને હૂંફાળું કરે એવું વધુ ઇચ્છનીય રહે છે. શીયાળામાં સ્ત્રી વર્ગને ગુલાબી ઊની સ્કાર્ફ કે સ્વેટર વધુ ગમે છે. તમે નોંધ્યું હશે કે આજકાલ સૌથી વધુ પ્રચલિત થર્મોવેર પણ ગ્રે, ઓફવ્હાઈટ કે ડાર્ક ગ્રીન એવા સ્ટાન્ડર્ડ રંગોમાં જ ઉપ્લબ્ધ હોય છે. મફલર, ફૂમતાંવાળી ટોપી, હાથ મોજાં અને ઓવર કોટ, પૂલઓવર સ્વેટર, બટનવાળાં કાર્ડિગન સ્વેટર ખૂબ પ્રચલીત છે.

વસંત ૠતુ તો ફૂલો અને ફળોની રાણી છે. જેમાં દરેક પ્રકારનાં હળવાં રંગો, પીળો, લીલો, જાંબલી, પોપટી અને આછા ખુલતા રંગોની ભરમાર આ ૠતુની ખાસીયત ગણાય છે. જાણે બાગમાં ખીલેલા દરેક ફૂલોના રંગોની છાંટ આપણાં કપડામાં, ઓઢણી અને સાડીના પાલવમાં સમાઈ ગઈ હોય એવું અનુભવાય છે. હળવા રંગો સાથે ઝીણું કપડું જેવું કે જોર્જેટ, કોટન, સિલ્ક અને સાટીન આ મોસમમાં પહેરવું અનુકૂળ રહે છે. રંગબેરંગી ફૂલોના બુટા, મોટી કે ઝીણી પાનવેલીની ભાત અને સોનેરી-રૂપેરી કોરવાળી બોર્ડર પચરંગી કે મલ્ટી કલરનાં કપડાંની વધુ માંગ હોય છે.

આબોહવા ગ્રીષ્મ થતાં ગરમી વધે છે. સૂરજના કિરણો પૃથ્વી સુધી પહોંચતાં રતાશ પડતા રંગોથી લઈને આછા પીળા રંગ સુધી એક લસરકો પડે એમ ઉનાળુ માહોલ વધુ આકર્ષક થતો જાય છે. દરેક રંગના ઘેરા રંગથી માંડીને આછેરા રંગોની પસંદગી ઉનાળાના દિવસોમાં ઉપયોગમાં લેવાય છે. લાલ, કેસરી, ગુલાબી, રાણી હોય કે જાબલી કે આકાશી રંગ ઉળાનામાં આવતા દરેક પ્રસંગોમાં શોભે છે. કેરીની ઝીણી ડિઝાઈન, સોનેરી બુટાઓ અને મોટી-ટીકીવાળી ભાત લગ્નપ્રસંગો અને ભારતીય પરિધાનમાં સુતરાઉ કાપડ અને એની વિવિધ જાતની બનાવટો વધુ ઉમેરાય છે.

ઝરમર વરસતા વરસાદી મોસમમાં ગરમાગરમ ચા સાથે સમોસા કે ભજીયાં પહેલાં યાદ આવે, ખરું ને ? વાતારણમાં ઠંડક પ્રસરી હોય અને ભેજ પણ વળ્યો હોય ત્યારે સામાન્ય વસ્ત્ર સજ્જામાં એવું કાપડ કે જે શરીરથી બહુ ચોંટે નહીં અને ઝટ સૂકાઈ જાય એવું હોય. નાયલોન કે પોલિયેસ્ટરનાં અથવા બ્લેન્ડિંગવાળું કાપડ વધુ વપરાશમાં આવે છે. આ મોસમમાં બોટલ ગ્રીન, સ્કાય કે નેવી બ્લ્યુ અને ગ્રે રંગ કે જે કુદરતી વાતાવરણને મેળ ખાતો વપરાય છે. ફિલ્મોમાં જોયેલો રેઈનકોટ તો ટ્રાન્સપરન્ટ કે ડાર્ક કલર લેધર કે પ્લાસ્ટિક, પોલિવિનાઈલ મટિરિયલથી બનેલ હોય છે, જેમાં જેકેટ, કેપ, ગમબૂટ, હૂડઝ કોટ વગેરે શામેલ છે. પ્લેન કે પોલ્કા ડોટસ અને ફ્લાવર્સ પેટર્ન પણ એમાં આવરી લેવાય છે.

આ આખી વાતને અંતે એક આશ્ચર્યજનક તારણ ઉપજે છે કે કોઈ ફેશન એનાલિસિસ કરે, અભ્યાસુ હોય કે સામાન્ય રીતે કપડાં અને આકર્ષક જીવનશૈલીના શોખીન જીવ હોય તો અનાયાસે જ એ આ કલર પેલેટને ફોલો કરતું રહે છે, એની પાછળનું એક મજાનું તર્ક એ છે કે એ વ્યક્તિ કુદરતી નિર્દેશોને મનભરીને જીવનમાં રંગાઈને માણી લે છે.

- કુંજલ પ્રદીપ છાયા

(જ્ઞાન-વિજ્ઞાન-મનોરંજન પીરસતા ‘ખજાનો’ મેગેઝિનના લેખો કલરફૂલ પેજ તથા સચિત્ર માણવા લોગ ઓન કરો : www.khajanogujratimagazine.wordpress.com)