સંબંધોની બારાક્ષરી - ૨૮

(૨૮)

મનના ભિખારી માણસો

        એક કહેવત છે કે, ‘ધનના ભિખારી સારાં પણ મનના ભિખારી ખોટાં’ આ કહેવત ઘણું બધું કહી જાયછે. ઘણાં લોકો ધનથી ભિખારી એટલેકે નિર્ધન હોયછે અને ઘણાં લોકો મનથી ભિખારી એટલેકે કંજૂસ હોયછે. આપણે એવાં ઘણાં માણસો વિષે સાંભળ્યું હશે કે જેઓએ પોતાનું સર્વસ્વ દાનમાં આપી દીધું હોય. અમેરિકાનો મહાન ઇન્વેસ્ટર ‘વોરન બફેટ’ ખુબજ ધનવાન છે. તે ધારે તો દુનિયાની સારામાં સારી જગાએ પોતાનો બંગલો બાંધી શકે તેમ હોવાં છતાં તે એક સામાન્ય ફ્લેટમાં રહેછે. તમે નહિ માનો, સીધી સાદી જિંદગી જીવતા આ માણસે તેની છન્નું ટકા સંપત્તિ દાનમાં આપી દીધીછે. દુનિયામાં આવા પ્રકારના માણસો બહુ ઓછા હોયછે. સંપત્તિથી પણ ધનવાન અને દિલથી પણ ધનવાન હોવું તે સોનામાં સુગંધ ભળવા જેવું કહેવાય.

        મને યાદ છે અમે નાના હતાં ત્યારે ગામડામાં કોઈ સગાને ત્યાં જતાં ત્યારે મહોલ્લામાં રહેતાં પડોશીઓ અમને ચા-પાણી કરવા માટે બોલાવતાં હતાં. આજે પણ ગામડાઓમાં લોકોનો પ્રેમભાવ જોવા મળેછે. આજે પણ મહેમાનોને સારીરીતે પ્રેમથી રાખવા વાળા માણસો જોવા મળેછે. ગામડાના પ્રમાણમાં શહેરમાં લોકોનાં મન ટૂંકા થઇ ગયાછે. શહેરમાં કોઈ મહેમાન આવે તો ઘણા લોકોને અકળામણ થાયછે. તેમાં પણ જો તે ચાર-પાંચ દિવસ રહેવાનો હોય તો પતી ગયું. બે દિવસમાં તો તમને તેમના ચહેરાપર અણગમો ચોખ્ખો દેખાઈ આવે. ચાર દિવસમાં તો પેલા મહેમાનને બે ટાઈમ બહાર જમવું પડે તેવી સિચ્યુએશન ઉભી થઇ જાય. (આવી સિચ્યુએશન જાણીજોઈને ઉભી કરવામાં આવી હોય.) જયારે મહેમાન જાય ત્યારે ‘બસ જવુછે ? રોકાઈ જાઓને !’ ‘ભલે ત્યારે ફરીથી ક્યારે આવશો ?’ ‘લો તમે આવ્યા તે બહુ સારું થયું, અમારે તો નીકળાતુંજ નથી.’ જેવાં ચાપલુસી ભર્યા વાક્યો સંભાળવા મળશે.

        હવે તો ગામડામાં પણ આવાં દૃશ્યો જોવા મળેછે. તેનું એક કારણ મોંઘવારી છે. સામાન્ય જીવનજરૂરીયાતની વસ્તુઓજ એટલી મોંઘી થઇ ગઈછે કે ઘરમાં કોઈ વધારની વ્યક્તિ આવે તો આખા મહિનાનું બજેટ ખોરવાઈ જાયછે. સ્વાભાવિક છે કે આવા સંજોગોમાં યજમાનને મહેમાન પર ભાવ કયાંથી જાગે ? એક વ્યક્તિ કમાતી હોય ને ચાર જણા ખાવાવાળા હોય ત્યારે બે છેડા માંડ માંડ ભેગા થતાં હોયછે. તેમાં પણ ઘરમાં બે છોકરાંઓ ભણતાં હોય ત્યારે તો ખાસ. મોંઘવારી વધી તેની સાથે સાથે બાળકોના શિક્ષણનો ખર્ચ પણ વધી ગયોછે. ખાનગી સ્કૂલોની ફીઓ ઉપરાંત ટ્યુશન કલાસીસની ફીનો બોજો સામાન્ય વ્યક્તિની કમર તોડી નાખેછે

        જેનું મન ઉદાર છે તેમને આ બધી બાબતો લાગુ પડતી નથી. તેઓ તો નિર્ધન હોવાં છતાં તેમનો  પરોપકારી સ્વભાવ છોડતાં નથી અને જે ટૂંકા મનના છે તેઓ ધનના ઢગલામાં આળોટતા હોવાં છતાં કોઈની મદદ કરતાં નથી. આવાં લોકો દરેક બાબતમાં પોતાનોજ સ્વાર્થ જુએછે. તેમનો જીવન મંત્ર ‘મારું શું અને મારે શું’ નો હોયછે. તમે તેમણે કોઈ કામ બતાવો ત્યારે તે તમને પૂછશે, ‘આમાં મને શું મળશે ?’ અને જયારે ની:સ્વાર્થ ભાવે કોઈકનું કામ કરવું પડે તેમ હોય ત્યારે, ‘મારે શું, હું શું કામ મદદ કરું ?’ કહીને ઉભા રહેશે. કચ્છમાં ભૂકંપ આવ્યો હોય, કે ઉત્તરાખંડમાં પુર આવ્યું હોય. આવાં લોકોને કોઈ ફેર પડતો નથી. આવા સમાચાર વાંચીને કે સંભાળીને તેમના શરીરનું એકેય રૂંવાડુંયે ફરકતું નથી.

        હું એવાં કેટલાંયે ધનવાનોને ઓળખું છું કે જેઓ ધારે તો નિરાધાર લોકોને મદદ કરી શકે તેમ છે. તેમની નાનકડી કૃપાદ્રષ્ટિ ઘણાં લોકોનું જીવન બદલી શકે તેમ છે. દુઃખની વાત તો એ છે કે આ ધનવાનો ધર્મ સંસ્થાઓ અને મંદિરોને દાન કરેછે, કેમકે તેમને પુણ્ય કમાવું છે. સાધુ-સંતો, ધર્મ ગુરુઓ તેમને પૂર્વજન્મ અને સ્વર્ગ-નર્કના નામે ડરાવીને દાન પડાવેછે. જો તેઓના મનમાં આવો કોઈ ડર ન હોય તો આ મનના ભિખારી લોકો તેમને પણ કશું આપે નહી !

        અમદાવાદના માણેકચોકમાં એક પચાસ વર્ષની આસપાસનો ભિખારી રોજ ભીખ માંગતો હતો. એક દિવસ એક માણસે તેને ઓળખી કાઢ્યો. પોલીસને તેની જાણ કરી. પોલીસે પેલા ભિખારીને પકડ્યો ને તેની ઉલટતપાસ લીધી. પોલીસને સાચી હકીકત જાણવા મળી તે આ હતી. પેલો ભિખારી કોઈ સામાન્ય ભિખારી ન હતો. ખરેખર તો તે ભીખારીજ ન હતો. તે માણસ એક સુખી કુટુંબનો વ્યક્તિ હતો. તેનો પોતાનો બંગલો, ગાડી, નોકર-ચાકર, પત્ની, સંતાનો વગેરે વગેરે એ બધુજ હતું જે સુખી માણસ પાસે હોવું જોઈએ. છતાં આ માણસ ભીખ માંગતો હતો. રોજ સવારે રીક્ષામાં માણેકચોક આવતો અને સાંજે રીક્ષામાં ઘેર પાછો જતો. ભીખમાં જે પૈસા મળતાં તે બેંકમાં પોતાનાં ખાતામાં જમા કરાવતો હતો. તેની પત્ની અને બાળકોને એમ કે તે સમય પસાર કરવા માટે ફરવા જાયછે.

        આ આખો કિસ્સો તદ્દન સાચો છે. પેપરમાં પણ આ કિસ્સો ચગ્યો હતો. સમાજમાં આવી બદનામી થયાં પછી પેલા ભાઈ સુધરી ગયાં હશે તેવું આપણે માની લઈએ, પરંતુ તેમના સ્વજનોને આ બદનામીથી જે માનસિક યાતના ભોગવવી પડી હશે તેની કળ વળતાં કેટલો સમય લાગશે ! ઘણીવાર ઘરની નજીકની વ્યક્તિઓ આવી હરકત કરી બેસે ત્યારે ઘરનાં તમામ લોકો શરમજનક પરિસ્થિતિમાં મુકાઈ જતાં હોયછે.

        આપણે આ માણસને કઈ કેટેગરીમાં મુકીશું ? જેની પાસે કમાવાનું કોઈ સાધન નથી તે વ્યક્તિઓ ના છૂટકે ભીખ માગીને પોતાનું ગુજરાન ચલાવે તે સમજી શકાય પરંતુ પોતાની પાસે બધુજ હોવાં છતાં ભીખ માગીને રૂપિયા ભેગા કરે તેને તો માનસિક વિકૃતીજ કહેવાય. આવી રૂપિયા ભેગા કરવાની ઘેલછા ઘણાં લોકોમાં હોયછે. તમે ધ્યાનથી જોશો તો તમારી આસપાસ આવાં લોકો મળી આવશે. કદાચ તેઓ ભીખ માગીને નહિ તો બીજી રીતે રૂપિયા ભેગા કરતાં હશે. આને તમે શોખ કહેશો કે માનસિક વિકૃતિ ?

&&&

***

રેટ કરો અને રિવ્યુ આપો

Manhar Oza 5 માસ પહેલા

Sunhera Noorani 5 માસ પહેલા

Vanraj Mahida 5 માસ પહેલા

Manjula 5 માસ પહેલા

Janki 5 માસ પહેલા