સંબંધોની બારાક્ષરી- ૨૭

(૨૭)

સંતાનો સ્વતંત્ર કયારે થશે?

        આપણો દેશ આઝાદ કહેવાય છે. ભારતનો દરેક નાગરિક કાયદાની રુએ સ્વતંત્ર છે. દરેક વ્યક્તિ પોતાની મરજી મુજબ જીવવા, મરજી પ્રમાણેનો ધર્મ પાળવા કે ન પાળવા, અને વયસ્ક થયાં પછી પોતે ઈચ્છે તે ધર્મની વ્યક્તિ સાથે લગ્ન કરવા માટે સ્વતંત્ર છે. સંભાળવામાં તો આ બધી વાતો સારી લાગેછે. પરંતુ ઉપર જણાવેલી બાબતો દરેક વ્યક્તિ પોતાની મરજી મુજબ કરી શકે છે ? ભલે ભારત દેશ સ્વતંત્ર થયો હોય, ભલે ભારતના કાયદાઓ દરેકને માટે સમાન હોય છતાંપણ દરેક વ્યક્તિ પોતે પોતાનાં માટે સ્વતંત્ર નથી. કેમકે દરેક વ્યક્તિ પોતાનાં કુટુંબથી અને સમાજથી જોડાયેલી છે. તેનો દરેક નિર્ણય કુટુંબ કે સમાજ દ્વારા પ્રેરિત હશે.

        નાની લગતી આ મોટી વાતની ગંભીરતાનો આપણને ખ્યાલ નથી. કેમકે દરેક વ્યક્તિ સમાજે બનાવેલા વણલખાયેલા નિયમને ફોલો કરેછે. આગુસે ચાલી આતી હૈ. તમે નાના હશો ત્યારે તમને આવા અનુભવો થયા હશે. આપણે ત્યાં કુટુંબ પ્રથા એટલી મજબુત છે (મજબુત કરતાં જડ કહેવી વધારે યોગ્ય રહેશે.) કે સંતાનો પુખ્ત વયના થઇ ગયા પછી પણ મા-બાપ તેમને સ્વતંત્ર રીતે નિર્ણયો લેવા દેતાં નથી. દરેક બાબતમાં મા-બાપ ચંચુપાત કરશે, જાણેકે તેમનો પુત્ર કે પુત્રી ભોટ ન હોય! સંતાનો જન્મે ત્યારથી લઈને તેઓ પરણી જાય ત્યાં સુધી તેમને જાત-ભાતના નિયંત્રણો અને સલાહોનો સામનો કરવો પડતો હોયછે. ઘણાં માં-બાપ તો તેઓ જીવતાં હોય ત્યાં સુધી સંતાનો પર કડપ રાખતાં હોયછે.

        સંતાનો નાનાં હોય કે ટીન એજનાં હોય ત્યારે તેમનામાં સમજણ ઓછી હોય અને દુનિયાદારીનું જ્ઞાન ન હોય તે સમજી શકાય તેવી બાબત છે. તે સમયે તેમને ગાઈડ કરવાં કે તેમને સાચો રસ્તો બતાવવો તે દરેક માં-બાપની ફરજ છે. જોકે અભ્યાસની બાબતમાં ઘણીવાર માં-બાપ અમુક લાઈન લેવા માટેનો દુરાગ્રહ રાખતાં હોયછે. આજના સમય પ્રમાણે શેની ડીમાંડ વધુ છે અને કઈ લાઈનમાં જવાથી ભવિષ્યમાં ફાયદો થશે તેની માહિતી પેરન્ટસ કરતાં સંતાનોને વધું હોયછે. પરંતુ માં-બાપ તે વાત માનવા તૈયાર નથી. તેઓ તો એકજ વાત પકડી રાખશે, છોકરાંઓ/છોકરીઓને તેની સમજણ ન પડે, તેમના કરતાં અમે દિવાળી વધું જોઈછે. એક પેરેન્ટ ને તો પોતાનાં દીકરો ડોક્ટરજ બને તેવી ઘેલછા હતી. દીકરો ભણવામાં એવરેજ હતો. બારમા ધોરણમાં ઓછા ટકા આવવાથી એમબીબીએસમાં એડમીશન મળ્યું નહિ. છેવટે ડોક્ટર ઓફ નેચરોપથીમાં એડમીશન અપાવીને છોકરાને ડોક્ટર બનાવીને છોડ્યો. તમેજ કલ્પના કરો કે તે છોકરો અત્યારે શું કમાતો હશે?

        જો છોકરાઓ માટે પેરેન્ટ્સ આટલી જોહુકમી કરતાં હોય તો છોકરીઓના શા હાલ થતાં હશે? છોકરીઓ પર તો માં-બાપ જાત જાતની પાબંધીઓ લાદતાં હોયછે. અમુક લોકોએ તો છોકરીઓ માટેના અભ્યાસક્રમો નક્કી કરી નાખ્યા છે. છોકરીઓએ તો પીટીસી, બીએ, બીકોમ, હોમસાયન્સ કે બહુ બહુ તો બીએડ કરવાનું. ઘણી જ્ઞાતિઓમાં તો છોકરીઓને વધારે ભણાવતાં નથી. કેમકે વધારે ભણેલી છોકરીઓને સારું ભણેલાં છોકરાઓ મળવામાં પ્રોબ્લેમ થાયછે. હવે છોકરીઓ છોકરાં કરતાં વધારે ભણે તો પણ પ્રોબ્લેમ. હજુપણ લોકોમાં એ માનસિકતા ગઈ નથી કે છોકરાં કરતાં છોકરી ઓછું ભણેલી હોવી જોઈએ. જોકે હવે પરિસ્થિતિ બદલાઈ છે. હવે દરેક જ્ઞાતિમાં છોકરીઓને ભણવા દેવાય છે. આ એક સારી નિશાની કહેવાય. હજુ આ તો એક શરૂઆત છે. હજું તો તેમાં ઘણો બદલાવ લાવવાની જરૂર છે.

        જો માં-બાપ તેમના સંતાનોને તેમણે શું ભણવું તે નક્કી કરવાની સ્વતન્ત્રતા આપતાં ન હોય તો તેમને પોતાની મનગમતો જીવનસાથી પસંદ કરવાની છૂટ તો ક્યાંથી આપવાનાં હતાં! પોતાનાં સંતાનોને કોની સાથે પરણાવવા તેની સંપૂર્ણ સત્તા માં-બાપ પાસેજ હોય છે. ઘણીવાર તો સંતાનોને પસંદ ન હોય તેવાં પાત્ર સાથે માં-બાપની જીદને કારણે લગ્ન કરવાં પડતાં હોયછે. માં-બાપની ખુશી ખાતર સંતાનો આખી જીંદગી દુભાઈને જીવેછે. પોતાની ઈજ્જત-આબરૂ અને ઈગો માટે સંતાનોની જીંદગી સાથે રમત રમતાં માં-બાપ પોતાની ફરજ અદા કર્યાનું ગૌરવ અનુભવતાં હોયછે. તેમાંયે છોકરીઓને તો સૌથી વધારે સહન કરવાનું આવેછે. હવે સંતાનોને જીવનસાથી પસંદ કરવામાં થોડીક છૂટછાટ આપવામાં આવેછે. તેમાં યુવક યુવતીની મુલાકાત ગોઠવીને તેમને પસંદગીની તક આપવામાં આવેછે.

        એક યુવક અને યુવતી એકબીજાના પ્રેમમાં હતાં. કોલેજમાં સાથે ભણતા ભણતા પ્રેમ થેઈ ગયો હતો. ભણવાનું પૂરું થયાં પછી યુવતીએ યુવકને લગ્ન કરવા જણાવ્યું. યુવકે કહ્યું કે તેના માટે મમ્મી-પપ્પાની મંજુરી લેવી પડશે. જો તે હા પડશે તો આપણા લગ્ન થશે નહિ તો આપણે છુટા. આ સાંભળીને યુવતીને દુઃખ થયું. તેણે કહ્યું કે તેં જયારે મારી સમક્ષ પ્રેમનો એકરાર કર્યો ત્યારે તારાં મમ્મી-પપ્પાને પુછુવા ગયો હતો ? જો તારા મમ્મી-પપ્પાને પૂછવું હતું તો પ્રેમ શા માટે કર્યો ? તારાં મમ્મી-પપ્પા ના પાડે તે પહેલાં હુંજ ના પાડું છું. સ્વાભાવિક છે કે આમાં આપણને યુવકનો વાંક દેખાય. પરંતુ તમે લાંબુ વિચારશો તો સમજાશે કે યુવકના પેરેન્ટ્સે તેના મગજમાં ઠસાવી દીધું હતું, કે લગ્ન અંગેનો નિર્ણય લેવા માટે તું સ્વતંત્ર નથી. અને આજ માનસિકતાના કારણે પેલો યુવક તેના પેરેન્ટ્સને વચ્ચે લાવ્યો.

        અમે તમને જનમ આપ્યો, ઉછેરીને મોટાં કર્યાં, ભણાવ્યા-ગણાવ્યા, પગભર કર્યાં, લાયક બનાવ્યા વગેરે વગેરે સંવેદનાત્મક વાક્યોનો મારો ચલાવીને સેન્ટીમેન્ટલી એક્સપ્લોઇટ કરવામાં પેરેન્ટ્સ પાવરધા હોયછે. તેમની આવી લાગણીઓમાં તણાઈને તેમના સંતાનો પોતાની તમામ ખુશીઓ ન્યોછાવર કરવા તૈયાર થઇ જાયછે. પેરેન્ટ્સ પણ તેમના સંતાનોને સ્વતન્ત્રતા આપવી જોઈએ તે બાબતે વિચારતાં નથી અથવા તો તેવો વિચાર તેમને આવતો નહિ હોય કે અમે જે કરીએ છીએ તે તેમના ભલા માટેજ કરીએ છીએ તેવાં ખોટાં ખયાલોમાં રાચતાં હશે.

&&&

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Mukta Patel 7 માસ પહેલા

Verified icon

Manhar Oza Verified icon 7 માસ પહેલા

Verified icon

Sunhera Noorani 8 માસ પહેલા

Verified icon

Janki 8 માસ પહેલા

Verified icon

Manjula 8 માસ પહેલા