સંબંધોની બારાક્ષરી - ૨૬

(૨૬)

કાયદાનું પાલન

        તમે ઈન્ટરવ્યું આપવા નીકળ્યાં હોવ અને રસ્તામાં પોલીસ તમારું વાહન અટકાવીને રસ્તો બંધ કરીદે છે, કેમકે તે રોડ પરથી કોઈ નેતા પસાર થવાના હોવાથી થોડાંક સમય માટે ટ્રાફિક રોકી રાખ્યો છે. તમે ઈન્ટરવ્યુંના સ્થળે એક કલાક મોડાં પહોંચો છો અને તમે નોકરી ગુમાઓ છો. તમારાં કોઈ સ્વજનને એટેક આવ્યો હોય અને તેને હોસ્પિટલ લઇ જતાં હોવ, કોઈકને ટ્રેન પકડવાની હોય, કોઈક પરદેશ જતું હોય ત્યારે આવું થાય તો! આ તો રોજની વાત છે. આવો અનુભવ ઘણાને થયો હશે. જો સામાન્ય વ્યક્તિ ટ્રાફિકનો નિયમ તોડે તો તેને દંડ થાયછે. જયારે રાજકીય મંત્રીઓ કે પ્રધાનો માટે ટ્રાફિકના બધાંજ નિયમો નેવે મુકીને સામાન્ય જનતાને મુશ્કેલીમાં મૂકી દેવામાં આવેછે. સુરક્ષાના નામે આવી રીતે પ્રધાનો દ્વારા આમ જનતાને રંજાડવી યોગ્ય નથી. શું આ વાતની આપણા નેતાઓને જાણ નહિ હોય! જાણ હોય તો તેઓ શા માટે લોકોને અટકાવીને તેમનો સમય બરબાદ કરતાં હશે?

        આપણા દેશમાં જ આવું બનેછે. બીજાં ડેવલપ કન્ટ્રીમાં પ્રધાનો સામાન્ય પ્રજાની જેમ બધાંજ કાયદાઓનું પાલન કરેછે. આપણા પ્રધાનો તેમના ભાષણોમાં આમ જનતાનાં દુઃખ દુર કરવાનાં અને સુખ-સગવડો આપવાનાં વચનો આપેછે. પરંતુ તે વચનો ઈલેકશન જીત્યા બાદ ભૂલાઈ જાયછે. આપણા દેશની ભોળી અને અભણ પ્રજા તેમની જોહુકમી અને મનમાની ચલાવીલેછે. પ્રજા પણ શું કરી શકે! મોંઘવારીના સમયમાં માંડ પોતાનું ગુજરાન ચલાવતી જનતા આવા નેતાઓ સામે આંદોલન પણ કેવી રીતે કરી શકે?

        જુલાઈ ૨૦૧૦માં હું દિલ્હી એક સ્ટુડન્ટ સાથે ગયેલો. તે સ્ટુડન્ટને કેનેડાની એમ્બેસીમાં સવારે નવ વાગે ઈન્ટરવ્યું હતો. અમે સવારે આઠવાગે રિક્ષામા નીકળ્યાં. સવારે પણ દિલ્હીમાં ટ્રાફિક હતો. અડધો કલાકનો રસ્તો હતો. થોડેક દુર ગયાં હોઈશું ને ક્રોસરોડ પર ટ્રાફિક જામ. થોડીકવાર પછી ખબર પડી કે કોઈક નેતા ત્યાંથી પસાર થવાના છે જેના લીધે ટ્રાફિક રોકી રાખ્યો છે. રિક્ષાવાળા ને બીજાં રસ્તેથી લઈ લેવા કહ્યું પરંતુ ચારેબાજુથી એવાં ઘેરાઈ ગયાં હોવાથી અમે નીકળી શક્યા નહિ. છેવટે પોણા કલાકે ટ્રાફિક ખુલ્યો. અમે થોડા મોડા પડ્યા. જોકે એટલું સારું થયું કે તે સ્ટુડન્ટ નો ઈન્ટરવ્યું થઇ ગયો. આવા અનુભવો થયાં પછી પણ આના માટે આપણે નેતાઓને ગાળો દીધા સિવાય બીજું કરી પણ શું કરી શકીએ? બહુ બહુ તો ઘેરથી થોડાંક વહેલાં નીકળીએ.

માની લઈએ કે નેતાઓની સલામતી માટે આવું બધું કરવું પડે તો પણ સામાન્ય જનતાની તકલીફનો વિચાર કરીને તેમને અગાઉથી જાણ કરવામાં આવે કે આટલા સમયથી આટલા સમય સુધી ફલાણો રોડ બંધ રહેશે અને તેના ઓપ્શન તરીકે તે રોડનો ટ્રાફિક ઢીકણા રોડપર વાળવામાં આવ્યોછે. તો એટલીસ્ટ ઘણાં લોકોને રાહત થાય. સમસ્યાઓ હોય તો તેના ઉકેલ પણ હોવાના, જરૂર છે તેને શોધીને તેનો અમલ કરવાની.

પહેલાના નેતાઓ ખુલ્લેઆમ પબ્લિકમાં એક સામાન્ય વ્યક્તિની જેમ ફરી શકતા હતાં. તેનું કારણ એ હતું કે તે નેતાઓ પ્રજાના લોકપ્રિય નેતાઓ હતાં. તેમણે પ્રજાનો પ્રેમ જીત્યો હતો જેથી તેમના દુશ્મનો ન હતાં. એટલા માટેજ તેઓ નિર્ભીક થઈને પ્રજાની વચ્ચે જઈને તેમને મળી શકતા હતાં. અત્યારના નેતાઓએ એવાં કામો કર્યાં છે કે જેથી તેઓ પ્રજાની સામે જતાં ડરેછે. દરેક નેતાની છબી કોઈક ને કોઈક કૌભાંડોથી ખરડાયેલી છે. અને તેથીજ તેઓ પ્રજાથી ડરેછે.

મહાત્મા ગાંધીનો એક પ્રસંગ મેં વાંચેલો. સને ૧૯૨૩ની આ વાત છે. તે સમયે સ્વાતંત્ર્ય સંગ્રામ ચાલતો હતો. બાપુને તે સમયે પુનાની યરવડા જેલમાં પુરવામાં આવ્યા હતાં. તે દિવસોમાં પણ કેદીઓને મળવા માટે જેલતંત્રની મંજૂરી લેવી પડતી હતી. કેદી સાથે મુલાકાત પણ જેલના વોર્ડન કે પોલીસ કર્મચારીની હાજરીમાં થતી હતી. જેલનો આ નિયમ હતો.

        એક દિવસ કસ્તુરબા ગાંધીજીને મળવા માટે જેલમાં આવ્યા. નિયમ મુજબ તેમણે મુલાકાત માટે જેલતંત્રની પરવાનગી લીધી. કસ્તુરબાને મુલાકાત માટે એક રૂમમાં લાવવામાં આવ્યા. થોડીવારમાં ગાંધીજીને પણ તે રૂમમાં લાવવામાં આવ્યા. ગાંધીજી એક મોટા ગજાના માણસ હોવાથી વોર્ડનને તેમની મુલાકાતના સમયે ત્યાં રોકાવાનું યોગ્ય ન લાગ્યું. તે ત્યાંથી બહાર જતાં રહ્યાં. ઘણાં સમય બાદ જયારે વોર્ડન પાછો આવ્યો. તેણે જોયું તો ગાંધીજી અને કસ્તુરબા એકબીજાની સામે ચુપચાપ શાંતિથી ઉભા રહ્યાં હતાં. બંને જણે એકબીજા સાથે વાત કરી ન હતી. વોર્ડને તેમણે ચુપચાપ ઉભા રહેવાનું કારણ પૂછ્યું ત્યારે ગાંધીજીએ જણાવ્યું. ‘મને જેલના નિયમોની ખબર છે. જેલમાં આ રીતે કેદીઓને એકલા તેમના સંબંધીઓને મળવા દેવાની કે વાતચીત કરવાં દેવાની મંજૂરી હોતી નથી. તો પછી મારાપર આવી કૃપા શા માટે ? હું પણ બીજાં કેદીઓ જેવોજ છું. તેમનાથી જરાયે અલગ નથી. મારી પત્ની કસ્તુરબા પણ મારી વાત સાથે સંમત થશે. તેઓ પણ જેલના કાયદાઓથી પરિચિત છે અને તેનું સંમાન કરેછે. જેલના બધાંજ કેદીઓ સાથે સમાન વ્યવહાર થવો જોઈએ. તમે જતાં રહ્યાં હોવાથી અમેં ચુપચાપ ઉભા રહ્યાં હતાં. જો અમે વાતો શરુ કરી દીધી હોત તો અમે જેલના નિયમોનો ભંગ કર્યો હોત.’

        ગાંધીજી પ્રમાણિક રીતે નિયમો અને કાયદાઓને વળગી રહેતાં હતાં, એટલા માટેજ તો એ મહાત્મા કહેવાતા હતાં. તે સમયે ગાંધીજીએ કસ્તુરબા સાથે વાત કરી હોત તો જેલર તેમને કશું કહેવાનો ન હતો. ઉલટાનું જેલર તો તેમને એકાંત આપવા માંગતો હતો. આપણા અત્યારના નેતાઓએ જો ગાંધીજીનો એકાદ નિયમ પણ અપનાવ્યો હોત તો દેશની પરિસ્થિતિ જુદીજ હોત. સારા નેતા એજ કહેવાય કે જે પોતે આમ જનતાની જેમ બધાંજ કાયદાઓનું પાલન કરે, અને આમ જનતાની જેમ તેમની સાથે રહે. એવો નેતાજ પ્રજા સાથે આત્મીય સંબધ કેળવી શકશે.

&&&

 

 

***

રેટ કરો અને રિવ્યુ આપો

Janki 3 માસ પહેલા

Mukta Patel 4 માસ પહેલા

Manhar Oza 5 માસ પહેલા

Rekha Jadav 5 માસ પહેલા

Ashvin Magan Bhai 5 માસ પહેલા