સંબંધોની બારાક્ષરી - ૨૫

(૨૫)

પહેલો સગો પડોશી  

આપણે કોઇપણ મકાન ખરીદતાં હોઈએ કે ભાડે રાખતાં હોઈએ ત્યારે પડોશી કોણ છે, કેવો છે તેની તપાસ કરતાં હોઈએ છીએ. માણસ સામાજિક પ્રાણી છે અને તેમાંયે ભારત દેશમાં આપણે પાડોશીને પહેલો સગો માનતા હોઈએ છીએ. પાડોશીઓની મહેરબાનીથી ઘણાં લોકોનાં જીવન સુધરી જતાં હોય છે અને ઘણાલોકોના જીવન ખરાબે ચઢી જતાં હોય છે. જોકે હવે શહેરોમાં ફ્લેટની સિસ્ટમના કારણે પડોશીઓ સાથે ઘરોબો ઓછો કેળવાય છે. મોટાભાગે તો હાઉસમેડ સ્ત્રીઓને પડોશીઓ સાથે સંબધો કેળવવામાં વધારે રસ હોય છે. પુરુષો તો સવારથી સાંજ સુધી બહાર હોય છે. રજાના દિવસે પણ સામાજિક કે અન્ય કામોના કારણે વ્યસ્ત રહેતાં હોય છે.

સ્ત્રીઓ બપોરના સમયે એકલી હોવાથી પડોશમાં તેમની બેઠક હોય છે. ઘણી સ્ત્રીઓ તો નિયમિત કોઈ એકના ઘરે મળીને ગોસીપ કરતી હોય છે. કેટલીક સ્ત્રીઓ કિટ્ટીપાર્ટીમાં જોડાઈને પોતાનો સમય પસાર કરતી હોય છે. પડોશીઓ સાથે સારા સંબધો રાખવા જ જોઈએ, તેમાં કઈ ખોટું નથી. વાર તહેવારે એકબીજાં સાથે બહાર જઈએ કે એકબીજાને મદદરૂપ થઈએ તે પણ સારી બાબત છે. લોકોમાં હળતાં ભળતાં રહેવાથી આપણે રિલેક્ષ રહીએ છીએ. સહુની સાથે રહેવાથી કે બીજાને આપણું દુઃખ વહેચવાથી આપણું દુઃખ ઓછુ થઇ જાય છે. ઘણી સ્ત્રીઓ તો તેમની પડોશણોની ખાસ બહેનપણીઓ બની ગઈ હોય છે. તેઓ એકબીજાની વાતોથી લઈને ખાવા-પીવાની વસ્તુઓ પણ શેર કરે છે.

પડોશીઓ સાથે સંબધો રાખવામાં ખાસ નુકશાન નથી હોતું. પણ હા, તેની એક મર્યાદા હોવી જોઈએ. જયારે તે મર્યાદા તૂટે છે અને તેમાં માલિકીભાવ, અહમ કે ઈર્ષાનો પ્રવેશ થાય છે ત્યારે તે નુકશાન કારક સાબિત થાય છે. શરૂઆતમાં આપણને દરેક પડોશી સારોજ લાગતો હોય છે. કોઇપણ વ્યક્તિ સાથે લાંબો સમય રહેવાથી તેના અસલી સ્વભાવનો પરિચય થાય છે. ઉતાવળ કરીને કોઈ સંબધને એકદમ ગાઢ ન બનાવવો જોઈએ. થોડાંક સમયમાં આપણ ને તેમનો પુરતો પરિચય થાય અને આપણને તેનો સ્વભાવ અનુકુળ આવે, ત્યારબાદ જ તેની સાથે સંબધ ગાઢ કરવો જોઈએ. ઘણીવાર ઓળખ્યા પારખ્યા વિના ગાઢ સંબધ બાંધી દઈએ અને પાછળથી આપણને તેમની રીતભાત કે સ્વભાવ અનુકુળ ન આવે ત્યારે તેમનાથી છુટકારો મેળવવો અઘરો પડે છે.

કેટલાંક પુરુષોની ટેવ પણ ખરાબ હોય છે. પાડોશીને ત્યાં મોટાં ટીવી ઉપર મેચ જોવા કે સીરીયલો જોવા જતાં હોય છે. કેટલીકવાર તો પેલા લોકોને સુઈ જવું હોય તો પણ પેલા ભાઈ ઉભા જ ન થાય. કેટલાંક લોકોને તો એવી ખરાબ ટેવ હોય છેકે તમારાં ઘરે કોઈ મહેમાન આવ્યું હોય તો પણ ઊભાં ન થાય અને તમે તેમને જવાનું કહો તો ખોટું લાગે.

મીનાબેનને આવોજ અનુભવ થયેલો. તેઓ એક ફ્લેટમાં રહતા હતાં. મીનાબેન માયાળું અને મળતાવડા સ્વભાવનાં હતાં. ફ્લેટમાં બધાંની સાથે તેમને સારા સંબધો હતાં. તેમની સામેના ફ્લેટમાં એક ફેમીલી નવું રહેવા આવ્યું. મીનાબેને તો પોતાનાં સ્વભાવ મુજબ પેલા બેન સાથે ઝડપથી ઘરોબો કેળવી દીધો. મીનાબેનને કુકિંગનો શોખ હોવાથી તેઓ અવનવી વાનગીઓ બનાવે અને લોકોને ખવરાવે. તેમની સામે રહેવા આવેલી પડોશણ સરલા ખુબજ આળસુ અને લાલચું સ્વભાવની હતી. તે મીનાબેનને મસ્કા મારીને તેમનો લાભ ઉઠાવવા લાગી. સરલા મીનાબેન પાસે અવનવી વાનગીઓ બનાવડાવતી. મીનાબેન ઘણીવાર સરલાને પોતાનાં ઘરમાં પોતાની વસ્તુઓ વાપરીને વાનગીઓ બનાવી આપતી. થોડાંક મહિના તો આવું ચાલ્યું.

હવે સરલા મીનાબેન ઉપર રીતસર હક જમાવવા લાગી. ઘણીવાર તો તે બહાર જવાની હોય ત્યારે તેના છોકરાને મીનાબેનને ત્યાં જમવાનું કહીદે. મીનાબેન થોડાંક ઢીલાં હોવાથી તેને ના પાડી શકતાં ન હતાં. તેમના પતિને જયારે આ વાત ધ્યાનમાં આવી ત્યારે તેમણે મીનાબેનનો ઉધડો લીધો. તેમના પતિનાં કડક વલણથી ધીરે ધીરે મીનાબેને સરલાને વાનગીઓ આપવાનું અને બનાવવાનું બંધ કરી દીધું. સરલા પણ સમજી ગઈ, તેણે પણ મીનાબેન સાથેનો સંબધ કાપી નાખ્યો.

આ કિસ્સામાં મીનાબેનનો કેટલો વાંક? તેમની ભલમનસાઈ અને બીજાને મદદ કરવાની ભાવના જ તેમની દુશ્મન બની. સ્વાર્થી અને લાલચું સરલાએ તેને જેવો લાભ મળવાનો બંધ થઇ ગયો કે તરત જ સંબધ કાપી નાખ્યો. પડોશીઓ સાથે વાડકી વ્યવહાર રાખવો જોઈએ પણ તેમાં એક લીમીટ હોવી જોઈએ. જો મર્યાદા ચુક્યા તો નક્કી સંબધો બગડવાના. ઘણાલોકો તો તેમના પડોશીઓ ઉપર હક જતાવીને છાપાં જેવી વસ્તુઓથી લઈને મોંઘી લેપટોપ કે કેમેરા જેવી વસ્તુઓ વાપરવા માટે લઈ જતાં હોય છે. શરૂઆત નાની વસ્તુઓથી થાય, આગળ જતાં તેમની નાની માંગ મોટું સ્વરૂપ ધારણ કરે છે.

અમારાં એક સમ્બધીની પડોશણને દરેક વસ્તુ માગવાની ટેવ હતી. સવાર પડેને તે બારણું ખખડાવે. ‘હીનાબેન લીંબુ આપોને.’ ‘થોડીક ચા આપોને, સાંજે પાછી આપી દઈશ.’ ‘ખાંડ હશે?’ ‘હજાર રૂપિયા આપશો, કાલે આપી દઈશ.’ ‘ગેસનો બાટલો છે, અમે નોંધાવ્યો છે પણ આવ્યો નથી.’ ‘વાડકી બાસમતી ચોખા આપોને, મારે મહેમાન આવ્યા છે.’ ‘તમારું એકટીવા લાવોને મારું બગડી ગયું છે.’ ‘બે બટાટા આપોને.’ વગેરે વગેરે. દિવસમાં કૈકને કૈક માગવાનું એટલે માગવાનું. એ તો ઠીક પરંતુ આ માગેલી વસ્તુઓ સમયસર પરત આપવામાં ઠાગાઠૈયા કરવાનાં. પેલા બહેન સામેથી માંગે નહિ એટલે પડોશણને ફાવતું જડેલું. મેં અમારાં સંબધીની પત્નીને કહ્યું, ‘તમે તેમને શા માટે બધી વસ્તુઓ આપો છો, ના પાડી દો.’ પેલાં બહેને મને કહ્યું, ‘ના પાડીએ તો ખોટું લાગે.’

હવે આનો કોઈ ઉપાય ખરો? આપણામાંના ઘણાલોકો કોઈને ના પાડી શકતાં નથી. જો આપણે ન ગમતાં લોકોને ના પાડી શકીએ તો આપણા ઘણાં પ્રશ્નો ઉકલી જાય. ના પાડવા માટે પણ હિમત જોઈએ. ના પડવાથી સામેના માણસને કેવું લાગશે તેવું વિચારીને આપણે તેને સહન કરે જઈએ છીએ. જે વ્યક્તિ સ્વાર્થી હોય, જે કોઈ દિવસ આપણા કામમાં આવવાનું ન હોય તેની સાથે સંબધો રહે તો પણ શું અને ન રહે તો પણ શું! તાળી એકજ હાથે ન વાગે. કોઈ વેંત નમે તો કોઈ હાથ નમે. એક હાથ દે, એક હાથ લે, એમજ વ્યવહાર ચાલે. એક પક્ષી વ્યવહાર લાંબો ટકતો નથી. આવાં સ્વાર્થી વ્યક્તિઓને સંબધો સાચવવાની પરવા હોતી નથી, નહિતર તેઓ આવો સ્વાર્થી વ્યવહાર કરે જ નહિ. કોઈ થોડું ઘસાય તો કોઈ વધારે, પણ ઘસાવું તો બંનેને પડે.

&&&

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Mukta Patel 7 માસ પહેલા

Verified icon

Manhar Oza Verified icon 7 માસ પહેલા

Verified icon

Nimish Thakar Verified icon 8 માસ પહેલા

Verified icon

Daya Miyani 8 માસ પહેલા

Verified icon

Janki 8 માસ પહેલા