સંબંધોની બારાક્ષરી - 24

(૨૪)

આપવાનું સુખ

        દુનિયાનાં મોટામોટા ધનાઢ્ય લોકો અચાનક તેમની સંપત્તિ દાનમાં આપવાની વાત કરે ત્યારે ઘણાને આશ્ચર્ય થાય તે સ્વભાવીક્છે. અઢળક સંપત્તિ ધરાવતાં આ ધનકુબેરો કેમ આવું કરતાં હશે ? જે સંપત્તિ મેળવતાં વર્ષોના વરસ લાગ્યાં હોય તેને દાનમાં આપવાનો જીવ કેવી રીતે ચાલતો હશે ! બધીજ સંપત્તિ દાનમાં આપતી વખતે તેમનું મન નહિ કચવાતું હોય ! આવાં બધાં પ્રશ્નો દરેકના મનમાં થતાં હશે. ઘણાં ઈર્ષાળું લોકો એમ પણ કહેતા હશે કે તેમની પાસે છે એટલે આપેછે તેમાં શી નવાઈ મારી ! તેનો જવાબ એટલોજ અપાય કે તમારી પાસે ભલે થોડું હોય, તેમાંથી અડધું તો ડોનેટ કરો ! આખી જિંદગી કમાઈને ભેગું કર્યાં પછી બીજાને બધુજ આપી દેવા માટે છત્રીસની નહિ પણ બોતેરની છાતી જોઈએ.

        જોય ઓફ ગીવીંગ એટલે કે આપવાનો આનંદ. બસ, કોઈને આપવાથી મળતો આ આનંદ મેળવવા માટેજ મોટામોટા લોકો પોતાની બધીજ સંપત્તિ દાનમાં આપી દેતાં હોયછે. આખી જિંદગી જે સમાજ પાસેથી મેળવ્યું હોય, તે સમાજને પાછું આપીને તેમના પ્રત્યે કુતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ તેવું તેમનું માનવું હોયછે. કોઈકની પાસેથી લેવા કરતાં કોઈકને આપવાનો આનંદ વધારે મોટો હોયછે. આપવું એટલે કોઈનાં આનંદનો પડઘો ઝીલવો, કોઈકની ખુશીમાં ભાગીદાર બનવું, કોઈકનું દુખ ઓછું કરવું, કોઈકનો આધાર બનવું. કદાચ આવીજ કોઈક લાગણીઓમાં આનંદ છુપાયેલો હશે. આવીજ કોઈક લાગણી બીજાને આપવા માટેની પ્રેરણા બનતી હશે.

        કોઈકને દાન કરવા પાછળનો હેતુ પણ ઉમદા હોવો જોઈએ. કહેવાય છે કે જમણા હાથે કરેલાં દાનની ખબર ડાબા હાથને પણ ન પડવી જોઈએ. કહેવાનો અર્થ એટલોજ કે તમે જયારે કોઈકને દાન કે મદદ કરો ત્યારે તમારાં મનમાં કોઈનાપર ઉપકાર કર્યો હોય તેવી ભાવના કે અભિમાન ન હોવું જોઈએ. શુદ્ધ હ્રદયથી કરેલું દાનજ આનંદ અને સંતોષ આપેછે. ઘણાંલોકો નામ કે કીર્તિ માટે પણ દાન કરતાં હોયછે. તેમને પોતાનાં નામની તકતી લાગે કે છાપાઓમાં નામ છપાય તેમાંજ રસ હોયછે. આવાં લોકો કોઈને મદદ કરવા માટે નહિ પણ યશ, કીર્તિ અને પુણ્ય કમાવા માટે દાન કરતાં હોયછે.

        સંસ્કૃતમાં ષ્લોક છે, “देशे काले पात्रे च तद्दानं सात्विकं श्रुतम” દેશ, કાળ અને યોગ્ય પાત્રને આપેલું દાન સાત્વિક હોયછે. એટલેકે કુપાત્રને કરેલું દાન વ્યર્થ જાયછે. યોગ્ય વ્યક્તિને જો દાન કરવામાં આવે તો તેનો ઉપયોગ યોગ્ય જગાએ થાયછે. અમુક ધાર્મિક સંસ્થાઓ કે મંદિરોમાં કરેલા દાનનો દુરુપયોગ થતો હોયછે. દાન કરવાવાળાને તેની ખબર હોવાં છતાં તેઓ તેમને દાન કરતાં હોયછે. તેમનું માનવું હોયછે કે આપણે દાન કર્યું એટલે આપણને પુણ્ય મળી ગયું, પછી તે દાનના રૂપિયા કયા જાયછે અને કયા વપરાય છે તે આપણે શું જોવાનું ?

        અહી એક દાન સંબધી આડવાત કહેવાની ઈચ્છા રોકી શકતો નથી. આપણા દેશમાં તો લોકો પાસેથી દાન પડાવવાનો ધંધો ખુબજ સલુકાઈથી ચાલેછે. NGO એટલે કે નોન ગવર્નમેન્ટ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કરીને જાત જાતનાં પ્રોજેક્ટો દ્વારા સરકારમાંથી અને પરદેશોમાંથી રૂપિયા અને ડોલર મેળવવા અને તેને પોતાનાં લાભમાં કેવી રીતે વાપરવા તે અમુક લોકો સારી રીતે જાણેછે. જોકે બધાંજ ટ્રસ્ટોને દોષ દેવો વાજબી નથી. ઘણાં એવાં પણ ટ્રસ્ટો છે કે જે આવી કોઈ આર્થિક મદદ વિના પોતાનાથી થાય તેટલી સમાજસેવા કરતાં હોયછે. વિનોબા ભાવેએ જયારે ભૂદાન યજ્ઞ શરુ કર્યો ત્યારે તેઓ ગામેગામ જઈને ખેડૂતોને સમજાવીને તેમની પાસેથી જમીનો દાનમાં મેળવતાં હતાં અને પછી જેની પાસે જમીન ન હોય તેવાં જરૂરિયાતમંદ લોકોને આપતાં હતાં. તેમના આ ભૂદાન યજ્ઞમાં ઘણાં નાના ખેડૂતોએ પણ પોતાની જમીનો દાનમાં આપી હતી.

        આપણે બધાં એવું માનતા હોઈએ છીએ કે દાન તો જેની પાસે રૂપિયા હોય તે જ કરી શકે. પૈસાદાર વ્યક્તિજ બીજાની મદદ કરી શકે. શું આ માન્યતા સાચી છે ? જો આ માન્યતાને આપણે  સાચી માનતા હોઈએ તો ચીનની ‘લોઉં જીન્હુઆના’ની વાત જાણવા જેવી છે. ચીનના એક સમાચાર પત્ર ‘યાંઝાઓ મેટ્રો ડેઈલી’ એ અઠ્યાસી વર્ષની લોઉની સ્ટોરી છાપી હતી. લોઉં રસ્તાપર કચરો વીણીને પોતાનું ગુજરાન ચલાવનારી સામાન્ય સ્ત્રી છે. તેણે અત્યાર સુધીમાં કચરામાં ફેંકી દેવાયેલાં ત્રીસ જેટલાં બાળકોને તેના પતિની મદદથી બચાવ્યાં છે. એટલુંજ નહિ તે બાળકોમાંથી છ બાળકોને પોતે ઉછેરીને મોટાં કર્યાં છે અને બાકીના બાળકોને સગાં-સંબધીઓ અને ઓળખીતાઓને સોંપ્યા છે.

        લોઉંનો પતિ સત્તર વર્ષ પહેલાં ગુજરી ગયો છે. લોઉં પોતે હાર્ટ અને કિડનીની બીમારીથી પીડાયછે. લોઉની આ ભલમનસાઈ અને ઉદારતાના કારણે સમાજમાં તેની એક ઓળખ ઉભી થઈછે. જેના લીધે તેની મદદ માટે અનેક સંસ્થાઓ અને અનેક લોકો આગળ આવ્યાછે. પોતે ગંભીર રીતે બીમાર હોવાં છતાં લોઉં તેણે દત્તક લીધેલાં બાળકોની ચીંતા કરેછે. તે આ બાળકોને સારી રીતે ભણાવવા માગેછે. કેમકે ગરીબીના કારણે તે પોતાનાં ત્રણ સંતાનોને ભણાવી શકી ન હતી. લોઉની આ ઉદારતાએ તેને દેશ અને દુનિયામાં નામના અપાવીછે.

        દાન ફક્ત પૈસાનું જ હોતું નથી. કોઈ રૂપિયાનું દાન આપેછે, કોઈ સમયનું દાન આપેછે, કોઈ માલ-મિલકતનું દાન આપેછે તો કોઈ ઉદારતા, નિષ્ઠા, અને પ્રમાણિકતાનું દાન આપેછે. જેને આપવુંજ છે કે બીજાને મદદ કરવીજ છે તેને કોઈ બહાનાની જરૂર નથી. ઉદાર વ્યક્તિ તેનેજ કહેવાય કે જે થોડામાંથી થોડું આપીને બીજાને મદદ કરવા હમેશાં તત્પર હોય. સમૃદ્ધ એ વ્યક્તિજ નથી કે જેની પાસે અઢળક ધન-દોલત છે, જેની પાસે કરુણા, મમતા, મદદની ભાવના અને ઉદારતા હોય તે દુનિયાની સૌથી સમૃદ્ધ વ્યક્તિ છે. બીજાનું દુઃખ અને આપવાનું સુખ તે જ વ્યક્તિ સમજી શકેછે.

&&&

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Manhar Oza Verified icon 7 માસ પહેલા

Verified icon

Mukta Patel 7 માસ પહેલા

Verified icon

vishal desai 8 માસ પહેલા

Verified icon

Paras Nakum 8 માસ પહેલા

Verified icon

Pratyush Patel 8 માસ પહેલા