દીકરી- પિતાના અંતરનો અજવાસ Ravi bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દીકરી- પિતાના અંતરનો અજવાસ

એક સ્ત્રી જ એમ વિચારે કે દીકરી નથી જોઈતી તો તેનાથી મોટી મૂર્ખામી અને કરૂણતા બીજી કઈ હોઈ શકે. દીકરીની અનિચ્છા દર્શાવતી સ્ત્રીઓ એક વખત પણ નથી વિચારતી કે તેમના મા-બાપે પણ આવી જ જીદ કરી હોત તો આજે તેમનું અસ્તિત્વ હોત.

અમારી સોસાયટીમાં છેલ્લાં કેટલાક સમયથી અનોખી ચર્ચા ચાલી છે. મારી દીકરી અને તેની ઉંમરની કેટલીક છોકરીઓ ચર્ચા કરતી હતી. અનાયાસે આ ચર્ચા મારે કાને પડી. મને તેમની વાતમાં રસ પડ્યો એટલે હું ગાર્ડન પાસે આવેલા બાકડે ઉંધો બેસી ગયો. દિવ્યા નામની એક દીકરી કહેતી હતી કે, મારે સાસરે નથી જવું કારણ કે ત્યાં આપણી કોઈ વાત માનતું હોતું નથી. ડિમ્પલ વચ્ચે પડી અને બોલી કે ના સાવ એવું નથી, હસબન્ડને દબાવીએ તો આપણું કામ થઈ જાય. મારી મમ્મી ખાલી મારા ડેડી સામે જૂએ તો પણ તેઓ ચુપ થઈ જાય છે. આપણે પણ તેવું કરી શકીએ. સ્વેનીની માનસિકતા તો સાવ જુદી હતી. તેણે કહ્યું લગ્ન કરવા જ ન જોઈએ. લગ્ન કરીએ એટલે બધી વાત ઝઘડા થાય. પ્રિયાએ આ વાતને સમર્થન આપ્યું. આ બધા વચ્ચે મારી દીકરી બોલી કે મારે લગ્ન તો કરવા છે પણ બાબાના ઘરે નથી જવું પણ તેને મારા ઘરે લાવવો છે. તેની તમામ બહેનપણીઓની સાથે સાથે મને પણ થોડો ઝાટકો લાગ્યો. હું કંઈ સમજું એ પહેલાં જ રિયા બોલી, હેં...એવું તો કંઈ હોતું હશે, લગ્ન કરીએ તો આપણે જ બોયના ઘરે જવું પડે, કારણ કે એવો રુલ છે. મારી દીકરીએ તરત જ વિરોધ કરતા કહ્યું, ના હું નહીં જાઉં. આવો રુલ કોણે બનાવ્યો. તને ખબર છે આ રુલ, તારી મમ્મીએ કહ્યો. રિયાએ કહ્યું ના પણ મેરેજ પછી બધી બેબીઓ તો બાબાના ઘરે જ જતી હોય છે. આ સંવાદ હતો આઠથી દસ વર્ષની બાળકીઓ વચ્ચેનો. ગુજરાતી સમાજની અને આધુનિક શિક્ષણ લેતી આ બાળકીઓ એક એવા સોશિયલ ડાયલેમામાંથી પસાર થઈ રહી છે જેમાં સંસ્કારોને છોડી શકતી નથી અને પરંપરાના નામે થતા વર્તન કે વ્યવહારોને સ્વીકારી પણ શકતી નથી.

આ સવાલ-જવાબ લગભગ એક મહિના સુધી મારા મગજમાં ચકરાવો લેતા ગયા. મારી દીકરીને લગ્ન કરવા છે પણ પરણીને સાસરે નથી જવું. મેં એક દિવસ અનાયસ પુછી લીધું કે દીકરા તારે સાસરે કેમ નથી જવું. તેને ખૂબ જ સાહજિકતાથી જવાબ આપ્યો કે, દર વખતે છોકરીઓએ જ શા માટે જવું જોઈએ... એક વખત છોકરાને પણ છોકરીને ત્યાં રહેવા મોકલો, અથવા તો બંનેના ઘરે પંદર-પંદર દિવસ રહેવાનું. આ જવાબ આપતાની સાથે તેણે મને સવાલ કર્યો કે, તમારું શું માનવું છે. જવાબ મારે પાસે નહોતો. મેં સામે સવાલ કર્યો કે, પણ તારે કેમ નથી જવું.

તેણે ખૂબ જ નિર્દોષતાથી જવાબ આપ્યો કે, થોડા દિવસ પહેલાં મમ્મી ન્યૂઝપેપર વાંચતી હતી તેમાં ન્યૂઝ હતા કે, પૈસા માટે બેબીને મારી નાખી. ફેસબુક ઉપર એક વીડિયો હતો જેમાં કોઈ અંકલ તેમની દીકરીને ડસ્ટબિનમાં મૂકીને જતા રહ્યા. આ બધું ખરેખર સાચું હશે. લોકો આવું શા માટે કરતા હશે. હું સાવ દિગમૂઢ હતો. આઠ વર્ષની છોકરીના મગજમાં આવા સવાલો ચાલતા હશે તેની મને ખબર નહોતી. મેં વાતને વાળી લેવા પૂછ્યું કે, પણ તારે છોકરાને તારા ઘરે શા માટે લાવવો છે. તેણે તરત જ ચોપડાવી દીધું કે, કાયમ ગર્લ્સ હોય એણે જ એડજસ્ટ થવાનું, થોડું છોકરાઓને પણ શીખવાડો. હું તો પહેલી જ શરત કરીશ કે લગ્ન પછી થોડા દિવસ તારા ઘરે રહેવાનું અને થોડા દિવસ મારા ઘરે.

મારી પાસે આ દલીલોના જવાબ નહોતા. એક પિતા તરીકે થોડો સ્વાર્થ જણાતો હતો કે ખરેખર આવું થાય તો સારું કહેવાય. આ દલીલો વચ્ચે એક વિચાર આવતો હતો કે, સમાજની કેટલીક પરંપરાઓ અને સ્ત્રીઓની ઉપેક્ષા પાછળ મોટાભાગે વિચિત્ર માનસિકતા રહેલી છે, અને એ છે દીકરીને પારકી થાપણ સમજવાની. દીકરો હોય તો મોટો થાય અને આપણા જ ઘરે રહે. તેની પાછળ કરેલા તમામ ખર્ચા વ્યાજ સ્વરૂપે પાછા આવે. ઘડપણમાં પોતાને સાચવે અને વારસો જાળવે. દીકરીને તો સાસરે વળાવી એટલે પૂરું... આપણી જવાબદારીઓ પૂરી અને સાસરે ગયા પછી તે જે કરે તે.

ખરેખર વિચાર કરીએ તો આટલેથી વાત અટકી જાય છે. આપણી દીકરી કોઈના ઘરે જાય પછી તો આપણી અને દીકરીની જવાબદારી વધી જાય છે. મા-બાપના સંસ્કારો અને સાસુ-સસરાંની આબરૂ બંને તેના હાથમાં હોય છે એટલે જ તેને પુત્રવધુ કહેવાય છે. પુત્ર કરતાં વધુ જવાબદારી તેના ખભે હોય છે. આ દીકરીઓ આપણી મૂડી હોય છે. જ્યાં સુધી તેનામાં સંસ્કારો, જુસ્સો, હિંમત, શિક્ષણ વગેરેનું રોકાણ નહીં કરો ત્યાં સુધી તેનું વ્યાજ નહીં મળે.

વેદો-ઉપનિષદો અને અન્ય ધર્મગ્રંથોમાં ક્યાંક એવું લખ્યું નથી કે, દીકરીઓ બોજ બનીને આવે છે અને તે પરણ્યા પછી જ પિતાનો બોજ ઓછો થાય છે. જો ખરેખર તેમ હોત તો આ દેશમાં અનેક એવી સ્ત્રીઓએ જન્મ લીધા છે જેમણે આપણા દેશના સર્જનમાં, તેના રક્ષણમાં અને તેના સંવર્ધનમાં વિશેષ યોગદાન આપ્યું છે તેમનું અસ્તિત્વ જ ન હોત. અનેક ઋષી કન્યાઓ હતી જેમણે ધર્મ, સાહિત્ય, શિક્ષણના ક્ષેત્રમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. આપણા દેશની પ્રખ્યાત વિશ્વવિદ્યાલયો ચલાવતી હતી. આ બધું શક્ય જ ન બન્યું હતો. જો દીકરો એકલો જ માતા-પિતાની સેવા કરી શકતો હોત તો તેની પત્નીની જરૂર શા માટે હોત. સૌથી મોટો સવાલ તો એ જ છે કે સ્ત્રી માતા છે અને સર્જન તેની પ્રકૃતિ છે. ઘણા કિસ્સાઓમાં સ્ત્રીઓ (સાસુઓ) એમ જડ વલણ અપનાવે છે કે અમારે દીકરી તો નથી જ જોઈતી ત્યારે કેટલી કરુણતા ઉપજે છે. તેઓ એકક્ષણ પણ એમ વિચારે કે આવો વિચાર તેના મા-બાપે કર્યો હોત તો આજે તેનું અસ્તિત્વ હોત. દીકરીઓના જન્મને વધારે ઉત્સાહથી ઉજવવો જોઈએ અને વધાવવો જોઈએ. દીકરા પાછળ ઘેલાં થઈશું અને દીકરીઓને મારતા રહીશું અને વારસદારોની શોધમાં ફરતા રહીશું તો એક સમય એવો આવશે કે તમારો, મારો કે આપણો વારસદાર પોતાનો વારસદાર જન્માવી નહીં શકે.

અહીંયા દીકરા કે દીકરી વચ્ચે ભેદ રાખવાની કે દીકરીઓ અને સ્ત્રીઓની તરફેણનો પ્રશ્ન નથી થતો. દીકરી સાસરે જાય કે ઘર જમાઈ લાવે કે બંને કોઈ ત્રીજો જ ઉકેલ લાવે ત્યારની વાત ત્યારે છે પણ આપણે હવે આપણી માનસકિતા અને સમાજના કહેવાતા નિયમો અને પરંપરાને ત્યજવાનો સમય પાકી ગયો છે. સર્જન ઈશ્વરની ભેટ છે અને તેના સ્વરૂપે જે મળે તે પ્રેમથી સ્વીકારવું જોઈએ. માગીને લીધેલી ભેટનો આનંદ લાંબો ટકતો નથી. તેમાં આપનાર અને લેનાર બંનેના મન ખચકાતા હોય છે. દુનિયાના કોઈપણ પુરુષને જો લાગણીશીલ કરવો હોય તો તેના ઘરે દીકરીનો જન્મ થવો જોઈએ. દીકરીને જોતાંવેંત ગમે તેવા પાષાણ જેવા પુરુષના મનમાં પ્રેમ અને સ્નેહના અંકુર ફુટવા લાગે છે. આવી દીકરીઓ ત્રાસ નહીં પણ પિતાની આત્માનો અજવાસ હોય છે જે આજીવન સમાજમાં પ્રકાશ ફેલાવવાનું જ કામ કરે છે. સ્ત્રીની શક્તિ વિશે હોલિવૂડના હંક અને ડબ્લ્યૂડબલ્યૂએફના ચેમ્પિયન ધ રોક એવા ડ્વેન જ્હોન્સને ખૂબ જ સરસ વાત કરી છે

I was raised by strong women, and that DNA is in my daughter and wife.

- ravi.writer7@gmail.com