સંબંધોની બારાક્ષરી - 20

 (૨૦)

છુટાછેડા: સામાજિક કલંક

          આપણા દેશના લગ્નનાં રીતરિવાજોની દુનિયા કૈક અલગ જ છે. આપણે સહુ લગ્નના બંધનને પવિત્ર માનીએ છીએ. હવે તો પશ્ચિમના ઘણાં દેશોમાં લોકો લગ્નને એક સગવડ સમજે છે. ત્યાં લગ્નનાં કાયદા તો છે પણ તે એટલાં બધાં સરળ છે કે સહેલાઈથી છૂટાછેડા મળી જાય છે. હવે તો તે લોકો લગ્નનાં બંધનમાં બંધાવાને બદલે લીવઇન રિલેશનશિપમાં માને છે. હવે તો આપણા દેશમાં પણ લીવઇન રિલેશનશિપને કાયદેસરની માન્યતા આપવામાં આવી છે. સદીઓથી આપણે લગ્નને પવિત્ર બંધન તરીકે સ્વીકાર્યું છે. આપણા દેશમાં લગ્નનો કાયદો ઘર્મ અને સામાજિક રીવાજો પર આધારિત છે. જે તે ધર્મના વ્યક્તિને, જે તે ધર્મના રીવાજો લાગુ પડે છે. ઘણીવાર વિધર્મી લગ્નોમાં આના કારણે કાયદાકીય ગુંચ ઊભી થતી હોય છે.

        કોઇપણ ધર્મના વ્યક્તિ માટે લગ્ન અને છુટાછેડા અંગેની આપણી માન્યતાઓ અને માનસિકતા સરખીજ હોયછે. જુદાં જુદાં રાજ્ય કે પ્રાંતમાં વસતાં વ્યક્તિઓમાં થોડેઘણે અંશે વૈચારિક અસમાનતા જોવાં મળતી હશે, પરંતુ તેમાં બહું તફાવત હોતો નથી. ભારત જેવાં પુરુષપ્રધાન દેશમાં લગ્ન અને છુટાછેડા બાબતે પુરુષોની સરખામણીએ સ્ત્રીઓને જ વધારે સહન કરવાનું આવેછે. છુટાછેડાવાળી સ્ત્રીને માટે કુંવારો વર મેળવવો મુશ્કેલ છે, જયારે છુટાછેડાવાળા પુરુષને કુંવારી અને ઘણીવાર તો નાની ઉમરની કન્યા ઝડપથી મળી જાયછે. બે કે ત્રણ છોકરાના બાપને પણ આપણા સમાજમાં કુંવારી કન્યાઓ મળ્યાના દાખલાઓ અનેક છે. તેના માટે સ્ત્રીઓ પ્રત્યેની આપણી દૃષ્ટિ અને માન્યતાઓ જવાબદાર છે.

        કુટુંબનો વારસ મેળવવાની લાલસામાં ભારત દેશમાં સ્ત્રી જાતિની ભ્રૂણહત્યા ખુબજ વધી ગઈછે, જેના કારણે દિવસે ને દિવસે સ્ત્રીઓની સંખ્યા ઘટતી જાયછે. પરિણામે દરેક જ્ઞાતિમાં વરના પ્રમાણમાં કન્યાઓની ઓછી સંખ્યા જોવાં મળેછે. દિવસેને દિવસે પુરુષોની સંખ્યા વધતી હોવાથી સ્ત્રીઓનું મહત્વ વધતું જાયછે. આ ઉપરાંત યુવકોની સરખામણીએ યુવતીઓનું એજ્યુકેશન પણ વધ્યુંછે. એક રીતે સમાજમાં સ્ત્રીઓનું મહત્વ વધવાની નિશાની સારી કહી શકાય, પરંતુ તેના કારણોના ઊંડાણમાં જઈએ તો તે યોગ્ય નથી. પુરુષોનો સ્ત્રીઓ પ્રત્યેનો અભિગમ બદલાયો હોય અને તેઓ સ્ત્રીઓને પુરુષ સમોવડી માનતા હોય તો તે તંદુરસ્ત નિશાની કહેવાય.

અત્રી અને રૂપાલી બંને ફાસ્ટ ફ્રેન્ડ હતી. બંને એકજ કોલેજમાં ભણતી હતી. ને બંનેએ સાથેજ ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું. રૂપાલી શાંત અને સૌમ્ય સ્વભાવની હતી જયારે અત્રી એકદમ બોલકી અને સ્વતંત્ર મિજાજની હતી. બંનેનું એક કોમન ફ્રેન્ડ સર્કલ પણ હતું. ગ્રેજ્યુએશન કર્યાં પછી એક એન.જી.ઓ.માં રૂપાલીને જોબ મળી ગઈ. અત્રીને હજુ આગળ ભણવું હતું. તેણે ઇન્ટીરીયર ડીઝાઇનના કોર્ષમાં એડમીશન લીધું.

અત્રી ફ્રી બર્ડની જેમ જીવવામાં માનતી હતી. લગ્ન બાબતે તેણે હજુ કશું વિચાર્યું ન હતું. તેના પેરેન્ટ્સે પણ તેને પોતાની લાઈફ પોતાની રીતે જીવવાની સ્વતંત્રતા આપી હતી. કોલેજના પહેલા વર્ષથીજ તેને બોયફ્રેન્ડ હતો. ઘણીવાર અત્રી રૂપાલીને બોયફ્રેન્ડ શોધી લેવા કહેતી. તેનું માનવું હતું કે લાઈફમાં આજ ઉમર જલસા કરવાની છે. રૂપાલી પણ મોર્ડન વિચારો ધરાવતી હતી. જોકે ફક્ત લફરાં કરવા માટેજ બોયફ્રેન્ડ બનાવવો તેને પસંદ ન હતો. એટલા માટેજ કોલેજકાળમાં રૂપાલીના અનેક ફ્રેન્ડસ હોવાં છતાં એકેય બોયફ્રેન્ડ ન હતો. તેનાથી વિરુદ્ધ અત્રીએ ચારેક જેટલાં બોયફ્રેન્ડ બદલી નાખ્યા હતાં. એટલુજ નહિ દરેકની સાથે મર્યાદા પણ ક્રોસ કરી દીધી હતી.

રૂપાલીના મમ્મી-પપ્પાએ યુએસએથી આવેલો તેમની જ્ઞાતિનો છોકરો બતાવ્યો. અંકિત સારું ભણેલો, હેન્ડસમ, સારું કમાતો અને યુએસ સીટીઝન હતો. રૂપાલીને પણ અંકિત પસંદ આવી ગયો. બંનેની સગાઇ કરવામાં આવી. અંકિતને વધારે રજાઓ હતી નહિ એટલે તેને યુએસ પાછાં જવું પડે તેમ હતું. જતાં પહેલાં બંને પક્ષોએ પરસ્પર સમજુતીથી તેમના રજીસ્ટર મેરેજ કરી દીધાં જેથી રૂપાલીના વિઝાની પ્રોસેસ કરી શકાય. અંકિતના યુએસ ગયા પછી બે-ત્રણ દિવસે અંકિતનો ફોન તેનાપર આવતો. રૂપાલી પણ તેના સાસરે થોડાંક દિવસ રહેવા જતી.

આમ ધીરે ધીરે રૂપાલી તેના સાસરિયાં સાથે હળીમળી ગઈ. એક મહિના પછી અંકિતના ફોનનું  પ્રમાણ ઘટી ગયું. તે ફેસબુક કે સ્કાઇપપર પણ વાત કરતો ન હતો. સતત એક મહિના સુધી અંકિતનો ફોન ન આવતાં રુપલીએ તેની ફરિયાદ તેના સાસુ-સસરાને કરી. જેના જવાબમાં તેમણે અંકિતને સમય નથી મળતો એવો લૂલો બચાવ કર્યો. રુપલીએ અંકિતને ફોન જોડ્યો, તેણે ઉપાડ્યો નહિ. રૂપાલીના મમ્મી-પપ્પાને પણ ચીંતા થવા લાગી. આમને આમ મહિનો વીતી ગયો. હવે રુપાલીએ નિર્ણય લઈ લીધો. જેને પોતાની ભાવી પત્નીની દરકાર ન હોય, તેના માટે વાત કરવાનો સમય ન મળતો હોય તેની સાથે સંબધ રાખીને શો ફાયદો ? બંને એકબીજાથી જુદાં થઈ ગયાં. સંબધો હંમેશા વિશ્વાસના પાયાપર રચાતા હોયછે. જયારે કોઈ વિશ્વાસઘાત કરીને છેતરી જાયછે ત્યારે જે આર્થિક નુકસાન થાયછે તેતો કયારેક ભરપાઈ થઇ જાયછે, પરંતુ તેના દિલપર લાગેલો ઘા હંમેશા માટે રહી જાયછે. તે કયારેય રુઝાતો નથી.   

આ ઘટના બન્યા પછી રૂપાલીના માટે તેના પેરેન્ટ્સ બીજાં છોકરાઓ શોધવા લાગ્યાં, પરંતુ તેના માથે દીવોર્સીનું કલંક લાગેલું હોવાથી જલ્દીથી તેને કોઈ હા પડતું ન હતું. આમાં રૂપાલીનો શો વાંક હતો ? તેણે તો ફક્ત વિઝાની પ્રોસેસ માટેજ મેરેજ રજીસ્ટર કરાવ્યાં હતાં. હકીકતમાં તો તે અંકિત સાથે પતિ-પત્નીની જેમ રહીજ ન હતી. તેઓએ રજીસ્ટર મેરેજ કરાવ્યાં હોવાથી તેનાથી ઉલટી પ્રોસેસ દીવોર્સની પણ કરવી પડી હતી. રજીસ્ટર મેરેજ કરવાની તેમનાથી મોટી ભૂલ થઇ ગઈ હતી. સમાજમાં રુપલીની નિર્દોષતા કોઈ સમજવા તૈયાર ન હતું

અત્રિની પરિસ્થિતિ તેનાથી તદ્દન જુદીજ હતી. તને જયારે તેના એકેય બોયફ્રેન્ડ સાથે ન ફાવ્યું ત્યારે તેના પેરેન્ટ્સે તેને બતાવેલાં છોકરા સાથે પરણી ગઈ. તેને લગ્ન કરવામાં તેનો ભૂતકાળ આડે આવ્યો નહિ. તમેજ વિચારો કે આ બંને બહેનપણીઓના કિસ્સામાં આપણે કોનો વાંક કાઢીશું ?

$$$$

Email- ozamanhar@yahoo.com

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Janki 6 માસ પહેલા

Verified icon

Manhar Oza Verified icon 7 માસ પહેલા

Verified icon

Mukta Patel 7 માસ પહેલા

Verified icon

Sunhera Noorani 8 માસ પહેલા

Verified icon

Manjula 9 માસ પહેલા