પ્રતીક્ષા ૧૮ Darshita Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રતીક્ષા ૧૮

“બેબ, એનું મર્ડર અમદાવાદમાં થશે, અહિયાં નહિ... કહાને તને કીધું નહિ? અને મોસ્ટ ઈમ્પોર્ટન્ટ રઘુભાઈ ભેગા ગયા છે અમદાવાદ...”
રચિતના મોઢે આટલું સાંભળી તેના હોશ ઉડી ગયા પણ તેનું મગજ બમણી ઝડપે ચાલવા લાગ્યું. કોફીનો મોટો ઘૂંટડો ભરી તે અચાનક જ બોલી પડી
“તું અત્યારે જ જુહુ આવ, આપણે અમદાવાદ માટે નીકળીએ છીએ.”
“શું? કેમ... અ...ત્યારે...” રચિત આ જવાબ માટે તૈયાર નહોતો તેને સુઝ્યું જ નહિ કે તે આગળ શું કહે... તે ચુપચાપ ઉર્વા ના આગળના વિધાનની રાહ જોઈ રહ્યો ત્યાં જ ઉર્વા બરાડી ઉઠી
“રચિત, તું આવે છે કે નહિ?”
“હા, આવું છું... તું સામાન પેક કરી આવ... ઘરે જઈને.” તે થોથવાઈ રહ્યો “હું અડધી કલાકમાં આવું.” રચિત ના છુટકે બોલ્યો પણ તે અંદર ને અંદર ઈચ્છતો હતો કે ઉર્વા તેને સાથે ના લઇ જાય
“રચિત, ઉર્વિલ નીકળ્યા આહિયાથી એને પણ બે કલાક થઇ ગયા છે. સીરીયસલી તારે હજી મોડું કરવું છે??” ઉર્વા કોફીશોપના ટેબલ પર સતત પગ અથડાવતા ઉર્વા સંયમ રાખવાની કોશિશ કરી રહી હતી
“આવું છું...” રચિતે ધડકતા દિલે ફોન કાપી નાંખ્યો.
તેને નહોતું આ બધી લપમાં પણ ઉર્વાને તે કોઈ રીતે ઇનકાર કરી શકે તેમ નહોતો. તે જાણતો હતો કે અત્યારે અમદાવાદ જવાનો સીધો અર્થ છે કે રઘુ ભાઈની નજરમાં આવી જવું...
અને જો રઘુભાઈને ખબર પડી જાય કે પોતે જ ગુડ્ડુ પાસેથી ઇન્ફર્મેશન કઢાવતો હતો તો.... આ વિચારીને જ તેના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઇ ગયું

તેણે તરત જ પોતાનો ફોન કાઢ્યો અને મેસેજ ટાઇપ કરવા લાગ્યો
“હેય ઉર્વા, મારે અરજન્ટ કામ આવી ગયું છે, હું નહિ આવી શકું, સોરી...” પણ સેન્ડ પર ક્લિક કરતા પહેલા જ તેની સામે ઉર્વાનો જીદ્દી ચેહરો તરવરી રહ્યો. બે ક્ષણ તે મોબાઈલ સામે જોઈ રહ્યો ત્યાંજ સ્ક્રીન ઓફ થઇને તે પોતાનું પ્રતિબિંબ નિહાળી રહ્યો
“ઉફ્ફ આ છોકરી!!! એને કંઈ પણ થઇ ગયું તો હું પોતાને માફ કરી શકીશ??” તે પોતાને જ કહી રહ્યો અને પછી અચાનક હસી પડ્યો,
“જો એ હેમખેમ પાછી આવી તો જીવતો છોડશે??”
પોતાને જ હળવી ટપલી મારી પોતાના વિચારોને પણ મોબાઈલ સાથે પોકેટમાં મૂકી તે ચાલી નીકળ્યો

***

મુંબઈથી અમદાવાદના રસ્તા પર ડ્રાઈવ કરતા કરતા ઉર્વિલના મગજમાં લાગણીઓનું તોફાન મચ્યું હતું. આ કાર જેમાં રેવાને તેણે છેલ્લી વાર જોઈ હતી તે તેને પુરેપુરો ધ્રુજાવી રહી હતી. રેવાની હયાતીનો એહસાસ કરાવી રહી હતી. તે થોડી થોડી વારે બાજુની સીટ પર જોઈ લેતો, તેને ખોટો ભાસ થયે રાખતો થતો ત્યાં રેવાના બેઠેલા હોવાનો અને ત્યાં ખાલી સીટ જોઈ તેની ગ્લાની સતત વધતી રહેતી...
કોઈએ બે મણનો ભાર તેની છાતી પર મુક્યો હોય તેવું તેને સતત લાગ્યા કરતુ હતું. બરોડા પહોંચ્યા સુધી તે પોતાની લાગણીઓને કાબુમાં રાખી શકતો હતો પણ જેમ જેમ અમદાવાદ નજીક આવતું હતું તેની તકલીફો વધતી જતી હતી.
આમ તો મનસ્વીને આજીવન અંધારામાં જ રાખી હતી તેણે પણ હવે તેનાથી ખોટું બોલી શકાશે કે કેમ તે જ નક્કી નહોતું થતું... આટલી પ્રેમાળ પત્ની હતી છતાં તે ક્યાં તેનો હતો જ ક્યારેય... અને રેવાનો પણ ક્યાં રહી શક્યો હતો ક્યારેય...
આ કાર વિષે, ફ્લેટ વિષે, રેવાની બધી વસ્તુઓ વિષે મનસ્વીને શું કહેશે તે હજુ સુધી તેને સમજાયું નહોતું. કેટલી વાતોમાં ખોટું બોલશે અને કેટલી વાતો છુપાવશે તે પણ હજી સુધી તે નક્કી નહોતો કરી શક્યો. મુંબઈથી નીકળ્યો ત્યારથી અત્યાર સુધી મનસ્વીના ૭ ફોન આવી ચુક્યા હતા અને ઉર્વિલે એકપણ રીસીવ નહોતો કર્યો
તેને લાગતું હતું કે તેનું કાળજું ચિરાઈ જશે.
આટલી તકલીફ તો તેને ત્યારે પણ નહોતી થઇ જયારે તેણે રેવાને છોડી હતી.
તેના વિચારોની ગૂંચવણો વચ્ચે તે ક્યારે અમદાવાદમાં એન્ટર થઇ ગયો તેની ખબર તેને પોતાને પણ ના રહી.
સુરજ ઢળી ચુક્યો હતો પણ ઉર્વિલને ક્યાં દિવસ રાતનું ભાન જ હતું અત્યારે. એક તો ભૂતકાળને વિખવાનો થાક અને મુંબઈથી અત્યાર સુધી નોનસ્ટોપ ડ્રાઈવ કરવાનો થાક ઉર્વિલને બેચેન બનાવી રહ્યો હતો. તેણે આજુબાજુનો રસ્તો જોયા વિના જ એક સુમસાન જગ્યાએ કારને બ્રેક મારી અને સ્ટેરીંગ વ્હીલ પર ઢળી પડ્યો

***

અમદાવાદ પહોંચવાને હજુ અડધી કલાકની વાર હતી છતાં રઘુ વારંવાર હાથમાં પહેરેલી કાંડા ઘડિયાળ જોયે રાખતો હતો. કેશુ ૯૦ની સ્પીડે બોલેરો ચલાવતો હતો છતાં પણ રઘુને તે ગતિ ધીમી લાગતી હતી. ગુડ્ડુ અત્યાર સુધીમાં પાંચ વખત કહી ચુક્યો હતો બ્રેક લેવા માટે પણ રઘુએ તેને દબડાવીને ચુપ કરાવી દીધો. ગુડ્ડુને બહુ ચીડ ચડી રહી હતી રઘુ પર પણ તેના ગુસ્સાથી પુરેપુરો વાકેફ હોવાથી તે કંઇજ એવું નહોતો કરવા માંગતો કે રઘુને ના ગમે.
રઘુના ત્રણેય ખાસ માણસો તેની સાથે હતા. ત્રણેય વારાફરતી બોલેરોનું સ્ટેરીંગ સંભાળી રહ્યા હતા પણ રઘુનો અજંપો પણ હજુ એમ નો એમ જ હતો. તે જલ્દીથી જલ્દી તે ઉર્વિલને મળવા માંગતો હતો. તે વિચારી રહ્યો કે ખરી રીતે તો આ તે બન્નેની પહેલી જ મુલાકાત હશે અને વળતી જ પળે તેની કમર પર લટકતી તેની ગન પર હાથ ફેરવતા વિચારી રહ્યો કે છેલ્લી મુલાકાત પણ આ જ હશે
ઉર્વિલને મારી નાખવાનો વિચાર જ તેને સુકુન આપી રહ્યો હતો અને હવે તેનાથી આ વિલંબ જરાપણ સહેવાતો નહોતો

***

સ્ટેરીંગ વ્હીલ પર ઢળતા જ ઉર્વિલની આંખો મીંચાઈ ગઈ. દિવસ આખાના થાક અને મસ્તિષ્ક પર હાવી થઇ ગયેલી ગ્લાનીમાં તે રોડ વચ્ચે કારની ડ્રાઈવીંગ સીટ પર જ મીઠી ઊંઘ માણી રહ્યો.
અધકચરી ઊંઘમાંથી તેણે જાગીને જોયું તો લગભગ ૩ કલાકથી તે સુઈ ગયો હતો. આંખો ચોળતા ચોળતા જ તે કારની બહાર આવ્યો ને મોઢા પર પાણીની છાલક મારી. તે હજુ પાણીની ભીનાશ ચેહરા પર માણી જ રહ્યો હતો કે તેનો ફોન ફરી રણક્યો,
“ઉર્વિલ કેટલી વાર લાગશે તમને હજી? હું ક્યારની રાહ જોઉં છું... ફોન તો ઉપાડો તમે.” હેલોની રાહ જોયા વિના જ મનસ્વી પોતાની ચિંતા એકીશ્વાસે વ્યક્ત કરી રહી પણ ઉર્વિલ સખત ચિડાઈ રહ્યો
“મનસ્વી આવી જઈશ હું. મારી રાહ ના જોતી. મારે મોડું થશે.” તોછડાઈથી આટલું બોલી ઉર્વિલે ફોન કાપી નાંખ્યો.
એક પળ તે ફોન સામે જોઈ રહ્યો કે આ ખોટું કર્યું અને મનસ્વીને સોરી કહેવું જોઈએ પણ વળતી જ પળે કારમાં બેસી ફોનનો ઘા કરતા તે ચાવી સ્ટાર્ટ કરવા લાગ્યો

૧૫ મિનીટ સતત કોશિશ કર્યા પછી પણ કાર સ્ટાર્ટ ના જ થઇ. તેને પોતાની જાત પર જ ગુસ્સો ચડ્યો કે શું જરૂર હતી આવી રીતે સર્વિસ વગરની, ખખડી ગયેલી કાર લાવવાની.
તેણે આજુબાજુ નજર કરી તો રસ્તો સાવ સુમસાન અને ભેંકાર હતો. અમદાવાદની સરહદમાં તો તે આવી ચુક્યો હતો પણ મેઈન સીટી હજી દુર હતું. તે ગાડીનું બોનેટ ખોલી તેમાં પ્રોબ્લેમ જોવાની કોશિશ કરતો રહ્યો પણ તેને કંઇજ ના સમજાયું તેમાં.
તે હજુ વિચારી રહ્યો હતો કે આગળ શું કરવું ત્યાંજ તેને દુરથી એક બોલેરો આવતી દેખાઈ અને ઉર્વિલ હાથ બતાવી તેને રોકીને મદદ માંગવાનો પ્રયાસ કરતો રહ્યો

***

(ક્રમશઃ)