સંબંધોની બારાક્ષરી - 19

(૧૯)

અજાણ્યા લોકો

        આજકાલ અજાણ્યા માણસો દ્વારા કોઈને લુટી લેવાના કે છેડતી કરવાનાં કિસ્સા વધારે સાંભળવા મળેછે. આનું કારણ શું હોઈ શકે ? આવા ઠગ, લુંટારા, કે વિકૃત માનસ ધરાવતાં લોકો ત્યારેજ તમને છેતરી શકશે કે જયારે તમે તેમનાપર વિશ્વાસ મુકશો. આવા લોકો સૌથી પહેલાં ભોળા લાગતાં વ્યક્તિને શોધીને તેનો વિશ્વાસ સંપાદન કરશે. ત્યારબાદ ધીરે ધીરે તેની વાકપટુતાથી સામેવાળાને ઈમ્પ્રેસ કરીને છેતરશે. મોટાભાગે મુસાફરીમાં આવા કિસ્સા વધારે જોવામાં આવેછે. અને તેમાં પણ સ્ત્રીઓને છેતરવાના કિસ્સા પુરુષોના પ્રમાણમાં વધારે જોવા મળેછે. કેમકે પુરુષો કરતા સ્ત્રીઓ વધારે લાગણીશીલ અને ભોળી હોયછે, જેથી તે સામેવાળા પર જલ્દીથી વિશ્વાસ મૂકીદે છે.

        લાલચમાં સપડાઈને લુટાઈ જવાવાળા પણ ઓછા નથી. આવા લોકોને છેતરવા માટે છાછવારે એકના ડબલ કે ત્રીપલની સ્પોન્જી સ્કીમો આવતીજ હોયછે. સોનાના દાગીના ધોઈને પોલીશ કરવાનાં બહાને દાગીના લઈને ફરાર થઇ જતાં ઠગ, નકલી પોલીસ બનીને રસ્તામાં સ્ત્રીઓના દાગીના ઉતરાવીને લુંટી લેતાં બદમાશો, ટ્રેનમાં પ્રસાદ ખવડાવીને લુંટી લેતી ટોળકી વગેરે વગેરે. છાપામાં આવા સમાચાર અવારનવાર છપાતાં હોવા છતાં લોકો છેતરતા હોયછે. કેમકે તેમની આંખોપર લાલચની પટ્ટી બાંધેલી હોયછે. આંખોથી અંધ હોય તે ખાડામાં પડે તો એને બચાવી શકાય, પણ લાલચથી અંધ બનેલાં લોકો જાણી જોઇને ખાડામાં પડે તો તેને કોણ બચાવે ? પોલીસ ફરિયાદ કરે તો પણ ભાગ્યેજ કઈ થાય. પાણી વહી ગયા પછી પાળ બાંધવાનો શો અર્થ ?

        કોઈને લુંટવાના કે ઠગવાના કિસ્સા બને ત્યારે લોકો કહેતા હોયછે. ‘ઘોર કળિયુગ આવી ગયોછે.’ ‘જમાનો બહુજ ખરાબ થઇ ગયોછે.’ ‘કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ ગયા છે.’ ‘ચોર લુંટારા વધી ગયા છે.’ વગેરે. પરંતુ આમ કહેવાથી પરિસ્થિતિ બદલાઈ જવાની નથી. આવી ઘટનાઓ બન્યા પછી આપને એ બોધપાઠ લેવો જોઈએ કે આપણે તેનાથી કેવી રીતે બચવું જોઈએ ! ફક્ત વાતો કરવાથી કે બધુજ સરકાર પર ઢોળી દેવાથી કે જમાનાને ગાળો દેવાથી કઈ થવાનું નથી. કાયદાની વાતો કરવાવાળા જયારે તેમની સાથે આવી ઘટના બને ત્યારે પોલીસ ફરિયાદ કરવાનું ટાળતા હોયછે. તેમને પોલીસમાં ફરિયાદ કરવાનું જણાવીએ ત્યારે તેમની ફિલોસોફી સાંભળવી પડે. ‘ના ના આટલી વાતમાં ક્યાં પોલીસને ફરિયાદ કરવી ! ફરિયાદ કરીએ તોયે કઈ ગયેલી વસ્તુ પછી થીડી આવવાની છે ? પોલીસને ફરિયાદ કરવી એટલે ખાતર ઉપર દીવેલ.’

        કોઇપણ વ્યક્તીપર એકદમ વિશ્વાસ મૂકી દેવો જોઈએ નહિ. અજાણી વ્યક્તિ અંધ, અપંગ કે ગરીબ હોય તો પણ તેનાપર વિશ્વાસ મુક્ત પહેલા સો વાર વિચાર કરવો જોઈએ. હિન્દી ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’ માં હિરોઈન મંદાકિની હીરો રાજીવ કપૂરને શોધવા એકલીજ ટ્રેનમાં એકલીજ નીકળી પડેછે. તેની સાથે લગ્ન કરીને હીરો ચાલ્યો ગયો હોયછે અને તે પ્રેગ્નન્ટ હોયછે. રસ્તામાં તેને એક ઠગ ભટકાઈ જાયછે. તે ઠગ પોતે આંધળો હોવાનું નાટક કરીને મંદાકિનીને ભોળવીને કોઠાપર લઈ જાયછે અને તેને કોઠાવાળી બાઈને વેચી નાખેછે. આ વાતની મંદાકિનીને ખબર પડેછે ત્યારે તે પેલા ઠગને કહેછે. આઇન્દા અંધે હોકર કિસીકો ઠગના મત, વર્ના લોગ અંધો પર વિશ્વાસ કરના છોડ દેંગે. આતો ફિલ્મની વાત હતી. વાસ્તવમાં પણ આવી ધટનાઓ ક્યાં નથી બનતી ?

        એક ઘરડાં માજીછે. મણિબા તેમનું નામ. આ મણિબા એક ફ્લેટમાં એકલાં જ રહેછે. દીકરાઓ પરદેશમાં છે અને તેમના પતિ ગુજરી ગયા છે. માજીએ બે ટાઇમ ટીફીન બંધાવી દીધુછે. તેમના દુરના સગાં કોઈવાર ખબર કાઢવા આવતાં હોયછે. ફ્લેટના આગળના દરવાજે તેમણે લોખંડની જાળી બનાવડાવેલી છે. અંદરથી તેઓ હંમેશા જાળીને લોક લગાવીને રાખેછે. ટીફીનવાળો છોકરો આવે તો પણ અડધી જાળી ખોલીને ટીફીન લે છે. કોઈ સેલ્સમેન કે અજાણી વ્યક્તિ આવે તો જાળી ખોલ્યા વિનાજ વાત કરવાની. અજાણી વ્યક્તિ પાણી માંગે તો પણ આપવાનું નહિ. આમ પાછાં મણિબા ઉદાર. બધાં પડોશીઓ સાથે સંબધ રાખે. નાના છોકરાઓને મીઠાઈ, ચોકલેટ કે ખાવાની વસ્તુ પણ વહેંચે. સાથે સાથે પોતાને કોઈ છેતરી ન જાય તેની ચોકસાઈ પણ એટલીજ રાખે.

        મણિબા ભલે ઓછું ભણેલાં હોય પરંતુ તેઓ બરાબર જાણેછે કે અજણ્યા લોકો સાથે કેવાં સંબધો રાખવા. બધાંજ અજાણ્યા માણસો ખરાબ હોતાં નથી અને બધાંજ સારાં પણ નથી હોતાં. એટલા માટેજ સાવચેતી રાખવી જરૂરીછે. ૨૦૦૨ની સાલમાં હું મારી મીસીસ સાથે લંડનના વેમ્બલી વિસ્તારમાં રહેતો હતો. અમારી સામેના હાઉસમાં એક પાકિસ્તાની ફેમીલી રહેતું હતું. સામે મળીએ ત્યારે એક બીજાને હાય, હેલો કહીએ. આનાથી વધારે અમારે કોઈ પરિચય ન હતો. અમે એક બીજાનું નામ પણ જાણતા ન હતાં. તે દિવસે મારી મિસીસને ઇન્ડિયા જવાનું હોવાથી હું તેને મુકવા જતો હતો. અમારી પાસે ગાડી નહિ હોવાથી અમે બેગ લઈને ચાલતાં બસસ્ટોપ પર જવા નીકળ્યાં. અમે થોડે દુર ગયાં હોઈશું ત્યાં પેલા પાકિસ્તાની ભાઈ ત્યાંથી ગાડી લઈને નીકળ્યાં. અમને જોઇને તેમણે ગાડી ઉભી રાખી. ક્યાં જવુછે પૂછીને તેમણે અમને ગાડીમાં બેસવા કહ્યું. તે માણસ અમને છેક બસસ્ટોપ સુધી મૂકી ગયો.

        જનરલી આપણે પાકિસ્તાનીઓ વિષે ખરાબ અભિપ્રાય ધરાવતાં હોઈએ છીએ. એનું કારણ કદાચ પોલીટીક્સ અને મીડિયા હોઈ શકે. પડોશી દેશ સાથેની દુશ્મની અકબંધ રાખવા પાછળ  મતબેન્કનું રાજકારણ કારણભૂત હશે. મારો આ અનુભવ પરદેશનો અને પરદેશી સાથેનો હતો. તેના ઉપરથી સર્વ સામાન્ય તારણ કાઢી શકાય નહિ, પરંતુ એક વાત તો ચોક્કસ સંજય છે કે અજણ્યા લોકો સાથે તેમણે પુરેપુરા ઓળખ્યા વિના એકદમ ગાઢ સંબધો બાંધી ન દેવા. જોકે તેમની સાથે અણછાજતું વર્તન પણ ન કરવું જોઈએ. જયારે અજાણ્યા માણસોના સંપર્કમાં આવવાનું થાય ત્યારે તેમનાથી એક અંતર ચોક્કસ રાખવું જોઈએ. એક લક્ષ્મણ રેખા નક્કી કરવી જોઈએ જેથી અજાણી વ્યક્તિ આપણને છેતરીને આપણો લાભ ન ઉઠાવે.

$$$$

Email- ozamanhar@yahoo.com

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Manhar Oza Verified icon 7 માસ પહેલા

Verified icon

Mukta Patel 7 માસ પહેલા

Verified icon

Sunhera Noorani 8 માસ પહેલા

Verified icon

Manjula 9 માસ પહેલા

Verified icon

Janki 9 માસ પહેલા