સંબંધોની બારાક્ષરી - 18

(૧૮)

ગુરુ એટલે દિશાસૂચક પાટિયું ?

        ગુરુ ચેલાની સદીઓ જૂની પરંપરા આજે પણ એટલીજ જીવંત છે, જેટલી પહેલાં હતી. આજે પણ લોકો ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુની પૂજા કરેછે, તેમની આરતી ઉતારેછે, તેમને ભેટ-સોગાદો આપેછે. લોકોનાં દિલમાં હજુપણ ગુરુઓ પ્રત્યે માન-સંમાન, આદર-અહોભાવ અને ભક્તિભાવ રહેલાં છે. ધર્મ ગુરુનું સ્થાન ભગવાનથી પણ વિશેષ દર્શાવવામાં આવ્યુંછે. કદાચ ગુરુઓ દ્વારાજ આ મહત્ત્તા ઉભી કરવામાં આવી હોય તેવું માનવાને ઘણાં કારણો છે. ખાસ કરીને કલા અને ધર્મના ક્ષેત્રોમાં ગુરુ-શિષ્યની પરંપરા હજુપણ ચાલુછે. હવેતો દરેક પોલીટીકલ વ્યક્તિ, ફિલ્મ અભિનેતા-અભિનેત્રીઓ, કોર્પોરેટ બિઝનેસમેનો, કલાકારો, સરકારી અધિકારીઓ વગેરે લોકોને પોતાનાં મોભા પ્રમાણે ગુરુઓ હોયછે. આવાં લોકો નાની નાની વાતમાં ગુરુની સલાહ માટે દોડી જતાં હોયછે.

        મોટા માણસોનો પ્રભાવ હમેશાં નાનાં માણસો પર પડતો હોયછે. મોટાઓનું જોઈને હવે તો નાનાં માણસો પણ ગુરુ રાખતાં થઇ ગયાછે. ગુરુ કરવાની પરંપરા એટલી વધી ગઈછે કે હવે તો દરેક ટીવી સીરીયલોમાં પણ તેમનું મહત્વ દર્શાવવામાં આવેછે. આવાં ગુરુઓ લોકોની અંગત લાઈફમાં દખલગીરી કરતાં અને તેમનું ધાર્યું કરતાં પણ બતાવાય છે. ધર્મ ગુરુઓ પોતાની મહત્તા દર્શાવવા અને પોતાનાં પંથમાં ભક્તોની સંખ્યા વધારવા અવનવાં તિકડમ લડાવતાં હોયછે. સામાન્ય પ્રજા તેમનાથી અંજાઈને તેમનાં ચરણોમાં તેમનું સર્વસ્વ ધરી દેતી હોયછે. તેમની માલ-મિલકત અને ઈજ્જત લુટાઈ ગયાં પછી તેમને તેનું ભાન થાયછે. તે સમયે તેઓ છેક સુધી પહોંચેલા ગુરુ સામે થુંક ઉડાડવા સિવાય કશુંજ કરી શકતાં નથી.

        ભારત મલ્ટી રીલીજીયસ દેશ છે. અનેક ધર્મો ઉપરાંત દરેક ધર્મોના વાડાઓ, ફાંટાઓ અને ફીરકાઓ તો જુદાં. હિંદુ ધર્મમાં તો જેટલાં ભગવાન એટલાં વાડા અને તેનાથી વધારે ધર્મ ગુરુઓ. હજારોની સંખ્યામાં આવાં ધર્મ ગુરુઓ મંદિરો, ધર્મશાળાઓ કે આશ્રમોની દુકાનો ખોલીને બેઠેલાં છે. હવે તો પરદેશમાં પણ તે લોકોએ પોતાની બ્રાન્ચિસ ખોલી રાખીછે. એક મલ્ટીનેશનલ કંપનીની જેમ તેઓ ધર્મનો ધંધો સુપેરે ચલાવેછે. પરદેશમાં ડોલરિયા ભક્તો મળતાં હોવાથી ત્યાંના મંદિરો અને આશ્રમો અત્યાધુનિક સગવડોથી ભરપુર હોયછે. પોતાનાં દેશથી કંટાળેલાં ગુરુઓ બીજાં દેશમાં પોતાનાં ચેલાઓ સાથે ભક્તોના ખર્ચે, હવાફેર કરવા નીકળી પડતાં હોયછે. થોડાંક દિવસ તાજામાજા થયા પછી જયારે પાછા આવેછે ત્યારે તેમની ઝોળી ડોલરથી છલકાતી હોયછે.

        ધર્મગુરુઓ દ્વારા લોકોનાં મનમાં પાપનો એવો હાઉ ઘુસાડી દેવામાં આવેછે અને સ્વર્ગની એવી લાલચ આપવામાં આવેછે કે ભક્તો તેના ડરથી અને લાલચથી તેમનાં તરફ ખેંચાઈ આવેછે. મૃત્યુ પછીનું સ્વર્ગનું સુખ પામવા માટે લોકો આ જન્મનું સુખ સંપત્તિ, ઈજ્જત અને શાંતિ હોડમાં મુકેછે. લોકોને મોહ-માયા ત્યાગવાનું કહેતાં ગુરુઓજ તેમાંથી મુક્ત નથી હોતાં. જગતને મિથ્યા કહેનારાં ગુરુઓ સંસારનો ત્યાગ કરીને પણ બધાંજ ઐહિક સુખો ભોગવતા હોયછે. મોંઘી કારોનો કાફલો, એ.સી.થી સજ્જ શયન કક્ષ, હવાઈ મુસાફરી, પર્સનલ હેલીકોપ્ટર અને આધુનિક ટેકનોલોજીથી સજ્જ કેટલાંયે ઉપકરણો વાપરતાં ગુરુઓની બોલબાલા છે. મોક્ષ્, મુક્તિ, અને સંસારિક મોહ-માયાનો ત્યાગ કરવાનો ઉપદેશ આપતાં ગુરુઓથી ચેતવાની જરૂર નથી લાગતી ?!

      એકલા આશ્રમો કે મંદિરો ખોલીને બેસી ન રહેતાં હવે તો આ ધર્મ  ગુરુઓએ તેમનાં ટ્રસ્ટના નામે સ્કૂલો, કોલેજો, દવાખાના, ટીવી પ્રોડક્શન માટેના અત્યાધુનિક સ્ટુડીઓ, આયુર્વૈદિક દવાઓનું ઉત્પાદન, યોગા શિબિરો વગેરે કઈ કેટલીયે પ્રવૃત્તિઓ શરું કરીછે. ઇન ડાયરેક્ટલી તેઓ પબ્લીકને પોતાનાં તરફ આકર્ષવા માટેના આ બધાં નુસખા અજમાવતા હોયછે. મારો કહેવાનો મતલબ એ નથી કે આ બધી પ્રવૃત્તિઓ ખરાબ છે. પરંતુ તેની પાછળ ચોક્કસ પણે નફાનો હેતુ છુપાયેલો હોયછે. આ એક જાતનો બિઝનેસ છે અને તેમાં ખોટું પણ નથી, પરંતુ અવનવી પ્રવૃત્તિઓના નામે લોકોનું આર્થિક અને શારીરિક શોષણ થાયછે તે ખોટુછે.

        ગુરુ દ્રોણે એકલવ્યનો જમણા હાથનો અંગુઠો ગુરુ દક્ષિણમાં માગીને તેમનાં શિષ્યનું સદીઓ પહેલાં શોષણ કર્યું હતું. શિક્ષણના ક્ષેત્રમાં પણ ગુરુઓ દ્વારા શોષણના અનેક દાખલાઓ જોવાં મળેછે. ભોળા શિષ્યોની લાગણીઓનો ગેરલાભ કઈ રીતે ઉઠાવવો તે આ લોકો સારી રીતે જાણતા હોયછે. આ લોકો પોતાનાં શિષ્યોનો વિશ્વાસ જીતીને તેમની સાથે ઘરોબો કેળવે છે. તે પછી ધીરે ધીરે તેમનાં પેરેન્ટ્સની સાથે સંબધ વધારેછે. ટીન એજની કે યુવાન વિદ્યાર્થીનીઓ ઝડપથી તેમની ચુંગાલમાં ફસાઈ જતી હોયછે. જયારે તેમનું યૌન શોષણ થાય અને લોકોમાં વાત ફેલાઈ જાય ત્યારે પેરેન્ટ્સ સફાળાં જાગેછે અને હોબાળો મચાવેછે. છેવટે પોલીસ કેસ અને છાપા કે મીડિયામાં આવાં કિસ્સાઓ ચગેછે. અંતે તો છોકરીની બદનામી સિવાય માં-બાપના હાથમાં કાંઈજ આવતું નથી.

        છાછવારે આવાં ગુરુઓની લીલાઓ છાપામાં ચમકતીજ હોયછે, જે થોડાંક સમય પછી દુધના ઉભરાની જેમ શમી પણ જતી હોયછે. લોકો એજ ગુરુનાં ગોરખધંધા ભૂલીને તેની આરતી ઉતરતાં જોવાં મળેછે. એક ફિલોસોફરે કહ્યું છે કે ‘ગુરુ એક દિશા સુચક પાટિયું કે ગાઇડથી વિશેષ કાંઈજ નથી.’ વધારે પડતાં ધર્મીષ્ટો કે માનસિક રીતે નબળાં લોકો ગુરુઓની ચુંગાલમાં ઝડપથી ફસાઈ જતાં હોયછે. ગુરુ સાથેના સંબધોમાં એક અંતર રાખવું જરૂરીછે. જયારે ગુરુ સાથેના સંબધો ઘર સુધી પહોંચેછે ત્યારે ગુરુઓ પોતાની મનમાની કરી શકતાં હોયછે. ગુરુને ઘરનાં આદરણીય વડીલ,  ઘરનો કર્તાહર્તા, કે ભગવાનનો દરજ્જો આપવામાં આવેછે ત્યારે તે પણ પોતાની મહત્તા બતાવવા ઘરનાં મામલાઓમાં દખલ અંદાજી કરવાનું શરું કરેછે.

$$$$

Email- ozamanhar@yahoo.com

***

રેટ કરો અને રિવ્યુ આપો

Mukta Patel 5 માસ પહેલા

Viral 5 માસ પહેલા

Sunhera Noorani 6 માસ પહેલા

Manhar Oza 6 માસ પહેલા

Husen Lakdawala 6 માસ પહેલા