સંબંધોની બારાક્ષરી - 16

(૧૬)

સામા વ્યવહારની અપેક્ષા

        કોઈ આપણને વ્યવહારિક પ્રસંગે રૂપિયા, કપડાં કે વસ્તુની ભેટ આપે ત્યારે આપણને આનંદ થાયછે. સાથે સાથે તેને સામો વ્યવહાર કરવો પડશે તેની ચિંતા પણ થાયછે. ઘણાં લોકો પ્રસંગોપાત મળતી આવી ભેટની યાદી બનાવેછે, જેથી સામેવાળાનો પ્રસંગ આવે ત્યારે યાદીમાંથી જોઈને તેને શું આપવું તે નક્કી કરી શકાય. વ્યવહાર કુશળ વ્યક્તિ આવી નોંધ રાખીને પ્રસંગે યોગ્ય ભેટ આપી વ્યવહાર જાળવે છે. દરેક વ્યક્તિ પોતાની સમજ, માન્યતા કે સામેવાળા સાથેના સામાજિક સંબધો પ્રમાણે તેને ભેટ-સોગાદ આપતી હોયછે.

        બધીજ વ્યક્તિઓ વ્યવહારમાં ચોક્કસ હોતી નથી. મોટાભાગે સ્ત્રીઓજ આવો વ્યવહાર કરતી હોયછે. જયારે કોઈ વ્યક્તિએ તેના સગાંને ત્યાં જે વ્યવહાર કર્યો હોય, તેટલો કે તેનાથી વધારે વ્યવહાર તેના પ્રસંગમાં કરવામાં ન આવે ત્યારે મનદુઃખ થતું હોયછે. કેમકે તે વ્યક્તિની અપેક્ષા હોયછે કે તેના જેટલોજ વ્યવહાર સામેની વ્યક્તિ પણ કરે. ઘણીવાર સામેની વ્યક્તિને ભૂલમાં પણ જતું હોય અથવા તો બેદરકારી કે લાસરીયાખાતું હોવાના કારણે આમ બન્યું હોય. દુખની વાત તો એ છે કે આવું મનદુઃખ થાય ત્યારે આપણે, તે વ્યક્તિને સીધું કહેવાને બદલે બીજી વ્યક્તિઓને તેના વિષે જણાવીએ છીએ. બીજાને આ વાત જણાવવાથી સામેની વ્યક્તિને કોઈ ફરક પડતો નથી. તમારે જે વાત જે વ્યક્તિને પહોચાડવાની છે, તેને તે વાત કરો નહિ ત્યાં સુધી તેને કેવી રીતે ખબર પડશે ?

        લવજીભાઈની આદત જાણવા જેવી છે. આ લવજીભાઈ કોઈએ તેમનાં પ્રસંગમાં કરેલા વ્યવહારની નોંધ રાખે પરંતુ તેમણે કોઈનાં સામાજિક પ્રસંગમાં શું આપ્યું તેની નોંધજ ન રાખે. તેમણે તેમની પત્નીને પણ કહી રાખેલું. કોઈવાર પત્ની યાદ અપાવે કે ફલાણા વ્યક્તિએ આપણા પ્રસંગે આટલો ચાંલ્લો કર્યો હતો, ત્યારે લવજીભાઈ જણાવે કે તે સમયે સોંઘવારી હતી હવે મોંઘવારીના પ્રમાણમાં ચાંલ્લો કરવો પડે કે નહિ ! લવજીભાઈની એકજ ફિલોસોફી, કોઈને ભેટ આપતી વખતે ગણતરી કરવાની નહિ અને કોઈ ભેટ આપે ત્યારે તેને રૂપિયાથી મુલવવાની નહિ. તેમની આ ફિલોસોફી અદભુત હતી. તેમનાં આ વ્યવહારને કારણે તેમને કોઈની સાથે મનદુઃખ થતું નહિ.

            થોડુંક મન મોટું રાખીએ તો કોઈ પ્રશ્નજ ઉપસ્થિત થાય નહિ. મેં આટલો વ્યવહાર કર્યો હતો તો સામેવાળાએ પણ એટલોજ અથવા તો એનાથી વધારે વ્યવહાર કરવોજ જોઈએ. આ પ્રકારના જક્કી વલણથી મનદુઃખ થાયછે અને સંબધોમાં તિરાડ પડેછે. આપ્યું મુક્યું બેસી રહેતું નથી. સમાજ છે તો વ્યવહાર પણ હોવાનો તે વાત સાચી પણ તેને જડતાથી વળગી રહેવામાં ભલે આર્થિક રીતે ફાયદો થતો હોય, એકંદરે તો નુકશાનજ  થાયછે. આવાં જડ વલણથી તૂટતાં સંબધો તમે જોયાં હશે કે સાંભળ્યાં હશે. જે સંબધોને જોડવામાં વર્ષો લાગે છે તેને તોડવામાં એકજ મીનીટ લાગેછે.

        આપણે સમજમાં એવાં તો કેટલાંયે કિસ્સા સાંભળ્યા હશે. એક બહેન અને ભાઈનો કિસ્સો મને યાદ આવેછે. સેજલને બે ભાઈઓ હતાં. દીપેશ અને અનંત. બંને ભાઈઓ તેનાથી મોટાં હતાં. ત્રણેય ભાઈ-બહેન પરણેલાં હતાં અને દરેકને સંતાનો પણ હતાં. વારે તેહેવારે સેજલને તેના ભાઈઓ કઈકને કઈક ભેટ કે રોકડ રકમ આપતાં. સેજલના મેરેજનો ખર્ચો પણ મોટા ભાઈ અનંતેજ કરેલો. અનંત સૌથી મોટો હતો અને તેની નોકરી પણ સારી હતી. તેના માં-બાપ ગુજરી ગયાં હોવાથી બધીજ જવાબદારી અનંતના માથે આવી હતી. જોકે હવે તો નાનો ભાઈ દીપેશ પણ કમાવા લાગ્યો હતો. તેના લગ્ન થઇ ગયાં હોવાથી તે પણ જુદો રહેતો હતો. આમ બધાં હવે સ્વતંત્ર રીતે પોતપોતાની જીંદગી જીવતાં હતાં.

        થોડાંક વર્ષો બાદ સેજલના ઘેર પ્રસંગ આવ્યો. સેજલને એક દીકરી હતી જે હવે મોટી થઇ ગઈ હતી. દીકરી માટે સારું સગું મળતાં સેજલે તેના લગ્ન ગોઠવી દીધાં. સમાજના રીવાજ મુજબ અનંત અને દીપેશ મામા થતાં હોવાથી તેમને મામેરું લઇને જવાનું હતું. સેજલના હસબન્ડનો સ્વભાવ મોટાઈ બતાવવાનો અને દેખાડો કરવાનો હતો. તેની દીકરીના લગ્ન ધામધુમથી થાય અને બધાં જોતાં રહી જાય. મામા પણ મોટું મામેરું લાવે જેથી સમાજમાં તેમનો વટ પડે એવું તે ઈચ્છતો હતો. તેણે સેજલ દ્વારા બંને ભાઈઓને મામેરામાં શું લાવવું તે કહેવડાવી દીધું હતું. સેજલ પણ તેના હસબન્ડના જ પક્ષમાં હતી.

        સેજલની માગણી વાજબી ન હતી. અનંતને અને તેની વાઈફને સેજલની માગણીથી દુઃખ થયું પરંતુ અનંત બહેનને દુખી કરવા માગતો ન હતો. અનંતની નોકરી મુંબઈમાં હતી અને દીપેશ સુરતમાં રહેતો હતો. અનંતે મામેરાની ખરીદી દીપેશ અને તેની વહુને કરવા જણાવ્યું અને જે ખર્ચ થશે તેનો હિસાબ પાછળથી કરશું તેવું નક્કી કર્યું. દીપેશ અને તેની વહુ સમજ્યા કે માંમેરાનો ખર્ચ તેમને એકલાએજ કરવાનો છે. આ વાત તેમણે સેજલને કરી.

        દીપેશે મામેરાની ખરીદી કરી લીધી. લગ્નના દિવસે બંને ભાઈઓ મામેરું લઈને ગયાં. મામેરું ભરાયું તેજ સમયે સેજલે બધાની વચ્ચે આવીને જણાવ્યું કે આ મામેરું એકલો દીપેશ જ લાવ્યોછે. અનંતે તેમાં ભાગ આપ્યો નથી. આ સાંભળીને અનંત અને તેની વાઈફને આઘાત લાગ્યો. પ્રસંગમાં તો તે કઈ બોલી શક્યાં નહિ. દીપેશે પણ સેજલની વાતનો વિરોધ કર્યો નહિ. જેમ તેમ પ્રસંગ પતાવીને ત્યાંથી તેઓ નીકળી ગયાં. તે પછી અનંતે તેના ભાઈ દીપેશ અને સેજલ સાથેના સંબધો કાપી નાખ્યાં. આખી જીંદગી જે ભાઈ બહેન માટે ઘસાયો હતો તેમણે જ બધાની વચ્ચે તેમનું અપમાન કર્યું હતું. આ અપમાનના ઘા રૂઝાય તેમ ન હતાં.

        સેજલની અને દીપેશની મૂર્ખતાના કારણે ભાઈ બહેનના સંબધો તૂટી ગયાં હતાં. સેજલે કે દીપેશે આ વાત જો અનંતને ખાનગીમાં કરી હોત તો આ પરિણામ ન આવત. વધારે પડતી વ્યવહારુતા અને સમાજમાં વટ પડવાની મનોવૃત્તિ કેટલીકવાર સંબધોની ઘોર ખોદી નાખેછે. વ્યવહારિક બનો પરંતુ એટલાં બધાં વ્યવહારિક ન બનો કે સંબધોપર તેની અસર પડે.

$$$$

Email- ozamanhar@yahoo.com

 

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Nisha Jani 7 માસ પહેલા

Verified icon

Abhishek Patalia 7 માસ પહેલા

Verified icon

Mukta Patel 7 માસ પહેલા

Verified icon

Sunhera Noorani 8 માસ પહેલા

Verified icon

Viral 9 માસ પહેલા