પ્રતિક્ષા ૧૬ Darshita Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રતિક્ષા ૧૬

“ઉર્વાનો ફોન ઉપાડતું નથી કોઈ એટલે તને કહું છું ધ્યાનથી સાંભળ...” કહાન હેલો કહે તે પહેલા જ સામે છેડેથી અવાજ આવ્યો
“હમમ”
“ઉર્વિલનું મર્ડર અમદાવાદમાં થશે, અહિયાં નહિ.”
“ઓકે. હું ઉર્વાને કહી દઈશ” પોતાના ચેહરા પર કોઈજ એક્સપ્રેશન લાવ્યા વિના કહાન બોલ્યો
“આર યુ શ્યોર કહાન? ઉર્વા મારી નાખશે હો મને જો તું એને ટાઈમસર વાત નહિ પહોંચાડે તો...” સામે છેડેથી અવાજમાં ગભરાહટ ભળી
“હા, ભાઈ કહી દઈશ એને”
“આગળની સ્ટ્રેટેજી શું છે તો? ક્યારે કહીશ મને?” સામે છેડેથી ઉચાટમાં ફરી પ્રશ્ન આવ્યો
“ભાઈ પહેલા ઉર્વા સાથે વાત તો કરવા દે, હું ફોન કરું તને... સીઝને આવ્યો છું કામથી...” કહાન વાત બને તેટલી જલ્દી પતાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો
“આઈ નો પણ મારે ઉર્વાને આ વાત પહોંચાડવી કેટલી જરૂરી છે યુ નો ધેટ... એવું હોય તો એ જ્યાં હોય અત્યારે ત્યાંના નંબર આપને.”
“અરે ઉર્વા હમણાં અહિયાં જ આવવાની છે, તું ફોન ના કરતો એને.” કહાન ઉતાવળમાં બોલ્યો અને પછી ઉર્વિલ ના સાંભળે તેમ થોથવાતા અવાજે ઉમેર્યું,
“એટલે એ હમણાં થોડા કામમાં હશે, હું જ એને કહી દઈશ... તું ખોટો ફોન કરીને હેરાન ના થતો... હું કહી દઈશ કીધુંને. અત્યારે કામમાં છું.”
“ઓકે, કોલ કર મને પછી” આટલું કહી સામે છેડેથી ફોન કપાઈ ગયો
કહાનની બિલકુલ સામે જ ઉર્વિલ બેઠેલો હતો. કહાન બસ તેને ચુપચાપ એકીટશે જોઈ રહ્યો. કદાચ આવતીકાલની સાંજ ના જોઈ શકે એ વિચારી મનમાં ને મનમાં મલકી રહ્યો

***

“શું શોધે છે?” પર્સમાં કંઇક શોધી રહેલી ઉર્વાનું ધ્યાન દેવે ભંગ કર્યું
“અરે આઈ થીંક મોબાઈલ ઘરે રહી ગયો છે...” પર્સની અંદર જ નજર રાખીને ઉર્વા બોલી
“એમાં નવું શું છે?” સીઝન ટાવરના રસ્તા પર કાર ચલાવતા દેવ બોલ્યો અને ઉર્વા તેની સામે મજાકમાં આંખો કાઢી જોઈ રહી
“એટલે હું કેરલેસ છું એમ?” ઉર્વા મસ્તી કરતા બોલી
“ઉર્વા પોઈન્ટ પર આવીશ?” દેવે ડ્રાઈવીંગ પર ધ્યાન રાખતા રાખતા જ ઉર્વાને પૂછ્યું
“પહેલા પ્રોમિસ કરો ગુસ્સો નહિ કરો...” ઉર્વા પરાણે વ્હાલું લાગે એવું સ્મિત કરતા બોલી
“ઉર્વા...” દેવે સહેજ ભારે અવાજે કહ્યું
“ઓકે, રચિત દેસાઈ, ચેનલ વનનો ન્યુઝ રિપોર્ટર છે. રઘુભાઈની ગેંગના ગુડ્ડુ સાથે એને સારા વ્યવહાર છે. ગુડ્ડુ એને ન્યુઝ આપે છે અને રચિત ગુડ્ડુ સુધી એ ન્યુઝ પહોંચાડવામાં હેલ્પ કરે છે જે મારે પહોંચાડવી હોય છે.” ઉર્વા વાત સમજાવતા બોલી
“એટલે હાઉ?” દેવ હજુ અસમંજસમાં જ હતો
“એટલે ગુડ્ડુ જયારે મારા પર નજર રાખેછે એ વાત મને રચિત થ્રુ ખબર પડી. અને વાત વાતમાં હું અને કહાન કોફીશોપમાં બેઠા હતા ત્યારે મેં કહી દીધું કે ઉર્વિલને બાંદ્રા વાળા ફલેટે બોલાવ્યો છે. એટલે ત્યાં ઇન્ફર્મેશન જ ખોટી પહોંચી.” ઉર્વા પોતાની ચાલાકી પર મુસ્તાક થતા બધું કહી રહી અને દેવ એની સામે બસ એક સુકુન ભર્યું સ્મિત કરી રહ્યો
“શું જોવો છો??” ઉર્વા દેવને આમ સ્મિત કરતા જોઈ પૂછી રહી
“બિલકુલ...” દેવ કંઇક બોલવા ગયો પણ એક ઊંડો શ્વાસ લઇ તેણે વાક્ય અધૂરું મૂકી દીધું
“બિલકુલ સ્વાતી જેવી છું ને...” ઉર્વાએ વાક્ય પૂરું કરી દીધું પણ દેવ આગળ બોલી ના શક્યો તે ચુપચાપ કાર ચલાવતો રહ્યો
“બાય ધ વે, મળ્યો ક્યાં આ તને રચિત?” દેવ વાત કરવાના આશયથી ઉત્સુકતાવશ પૂછ્યું
“ટીંડર... પર...” સહેજ ખચકાટ સાથે હસવાનું રોકતા બોલી
“ઉર્વા...” દેવ એક ક્ષણ ઉર્વા સામે જોઈ રહ્યો અને બીજી જ ક્ષણે તે બન્ને ખડખડાટ હસી પડ્યા

***

ઉર્વિલ ખોટેખોટા જ મેગેઝીનના પાનાં ઉથલાવી રહ્યો હતો. તેણે એક વાક્ય પણ પૂરું વાંચ્યું નહોતું. કહાનનો ફોન પૂરો થયો ત્યારથી તે બસ તેના મગજમાં શબ્દો ગોઠવી રહ્યો હતો કહાન સાથે વાત શરુ કરવા માટે પણ તેનાથી કોઈ શરૂઆત થઇ જ નહોતી રહી પણ ત્યાંજ તેનો ફોન રણક્યો
સ્ક્રીન પરનું નામ અને ફોટો જોઈ ક્ષણભર પુરતી તેને આત્મગ્લાની ઘેરી વળી પણ બીજી જ મિનિટે સ્વસ્થતાનો દંભ કરતા ઉર્વિલે ફોનના ગ્રીન બટન પર રાઈટ સ્વાઈપ કર્યું
“હા, બોલો ને મેડમ...”
“જમી લીધું ઉર્વિલ?” સામે છેડેથી મનસ્વીનો લાગણી ભર્યો સ્વર આવ્યો
“હા, એટલે નાસ્તા પાણી કર્યા, કામમાં છું હજી એટલે જમવાનું થોડે મોડેથી થશે...” ઉર્વિલે ખાલીખોટું જુઠું ચલાવ્યું. તેને કહેવાની ઈચ્છા થઇ આવી કે પાણી પણ પીવે છે તો ઝેરની જેમ સોંસરવું ઉતરે છે તો જમે તો શું હાલત થાય...
“ઓકે બહુ મોડું ના જમતા અને દવા લઇ લેજો હા” મનસ્વી પ્રેમથી બોલી રહી
“તું જમી?” ઉર્વિલને આ પ્રેમ અકળાવી રહ્યો હતો. થોડી રુક્ષતા સાથે તેણે મનસ્વીને પૂછ્યું
“હા, મેં જમી લીધું છે. તમે નીકળો ત્યાંથી એટલે ફોન કરજો.”
“ઠીક છે બાય” ઉર્વિલ વધુ વાત કરવા નહોતો માંગતો મનસ્વી સાથે તેણે ફટાફટ ફોન કાપી નાંખ્યો. આખરે તે કઈ રીતે કહે કે જે સ્ત્રીએ તેને ૨૩ વર્ષથી આટલો પ્રેમ કર્યો છે. જે તેની સાથે સતત જીવતી આવી છે તેનાથી જ જુઠ્ઠુ બોલીને તે પોતાની દીકરીને મળવા આવ્યો છે, પોતાની પ્રેમીકાની અંતિમ યાદો લેવા આવ્યો છે.

***

“ચેકઆઉટ ક્યારે કરવાનું છે?” બેડ પર બેસીને પીઝા ખાતા ખાતા બંદિશે રઘુને પૂછ્યું
“પરમદિવસે સવારે...” બેડથી થોડે દુર કાઉચ પર પગ લાંબા કરતા રઘુએ કહ્યું અને બંદિશ આશ્ચર્યમાં પડી ગઈ
“કેમ પરમદિવસે છેક?” આટલું કહી બંદિશે હસીને ઉમેર્યું,
“કલાકો વિતાવતા વિતાવતા દિવસો વિતાવવાની ઈચ્છા થઇ ગઈ લાગે છે.”
“તું કહે તો આ જનમ આખો સાથે વિતાવી લઈએ.” રઘુએ હસીને આંખ મીચકારી
“કહે ને કેમ હજી પરમદિવસે?” બંદિશ ફરી એ જ મુદ્દા પર આવી
“કેમ તારે કંઈ કામ છે?” રઘુએ અણગમાથી પૂછ્યું
“હા, ભીલવાસમાં કાલે ગોળીઓની ડીલીવરી છે. નવો છોકરો કામ કરે છે કે નહિ એ પણ જોવું પડશે ને. એના ભરોસે થોડીને મૂકી દેવાય છે?” બંદિશે ચોખવટ કરી
“નવું કોણ રાખ્યું વળી?”
“સાચું નામ તો મને ય નથી ખબર, અમે તો લાલો જ કહીએ છીએ શીખી ઝડપથી જાય છે બધુય. પણ આમ ડાયરેક્ટ ભરોસો ના કરાય ને મારે રેવું પડે ડીલીવરી ટાઇમેં હાજર.” બંદિશે પોતાના ધંધાની વાત પૂરી કરી
“હા તો કાલે ગોપીને કહેજે સંભાળી લે.” રઘુ હુકમના સ્વરમાં બોલ્યો અને પછી કાઉચ પરથી ઉભો થઇ બંદિશઈની લગોલગ જઈ બોલ્યો “તારે કાલે અહિયાં તો રહેવું પડશે...”
“ઠીક છે એ હું કરી લઈશ કંઇક પણ કહે તો ખરા કાલે શું છે?” બંદિશને રઘુની આ જીદ નહોતી સમજાઈ રહી
“કાલે પાર્ટી નહિ કરીએ? કાલે રેવાનો ઉર્વિલ ઉપર વયો જશે એની ખુશીમાં પાર્ટીતો બને છે...” રઘુ નિષ્ઠુરતાથી બોલ્યો અને બંદિશે પીઝાનું બોક્સ સાઈડમાં મૂકી દીધું
“એટલે? કાલે એનું ગેમ પ્લાન છે?” બંદિશ થોડી ગંભીર થઇ
“હા” રઘુના ચેહરા પર કોઈ ભાવ નહોતા
“તો તું અહિયાં શું કરતો હોઈશ? તારે ત્યાં હાજર ના રહેવું જોઈએ?” બંદિશે રઘુનો ચેહરો પોતાની તરફ ફેરવતા કહ્યું
“એટલે એને મારી આંખે મરતા જોઉં એમ?” રઘુએ પ્રશ્ન કર્યો
“જે બદામી આંખોએ તારી પાસેથી પ્રેમ કરવાનો હક છીનવી લીધો એ બદામી આંખો મીચાવી તો તારા હાથે જ જોઈએ ને... એ આશિકને તારે તારી આંખે મરતા નથી જોવાનો, તારે જ મારવાનો છે. ઉર્વિલને મારવાનો હક ખાલી તને છે.” આટલું કહી રઘુની ઉઘાડી છાતી પર હાથ રાખી તેણે ઉમેર્યું,
“અહિયાં, એકઝેટ અહિયાં ગોળી મારજે એને, જે દિલમાં રેવા રહી છે ને... એ દિલના ફુરચેફુરચા બોલાવી નાખજે તારા હાથે જ...”

***

(ક્રમશઃ)