સંબંધોની બારાક્ષરી - 15

(૧૫)

નામ વગરના સંબધો

        આપણા સમાજમાં કેટલાંક એવાં સંબધો હોયછે કે જેને અનામી, બેનામી કે નામ વગરના સંબધો તરીકે ઓળખવામાં આવેછે. આવાં અનામી સંબધોને આપણો સમાજ વિકૃત કે છીછરી નજરે જુએછે. ભલે સમાજની દૃષ્ટિએ આ સંબધો શંકાના દાયરામાં ઘેરાયેલાં હોય પરંતુ આવાં બધાંજ સંબધો આપણે ધારીએ છીએ તેટલાં ખરાબ નથી હોતાં. આવાં સંબધોને સુગાળવી નજરે જોતાં પહેલાં તેની સત્યતા તપાસવી જોઈએ. સમાજના કૂથલીખોર લોકો જોયાં, જાણ્યા કે સમજ્યા વિના આવાં સંબધોને ચર્ચાના ચગડોળે ચઢાવે છે. પરિણામે લેવાદેવા વિના કેટલાંક નિર્દોષ લોકો બલીના બકરા બની જાયછે.

        આમ જોવાં જઈએ તો કોઈના પણ અંગત જીવનમાં માથું મારવું તે સજ્જન માણસને શોભતું નથી. આપણે શું કામ કોઈની લાઈફમાં રસ લેવો જોઈએ ? આ વાત બધાંજ સમજતાં હોવાં છતાં કેટલાંક નવરાં લોકો ફક્ત ટાઈમ પાસ કરવા માટે બીજાં લોકોની પંચાત કરતાં હોયછે. સ્ત્રીઓ નવરી હોય એટલે તેમને ગોસિપ કરવામાં વધારે રસ હોય તેવું આપણે માનીએ છીએ, પરંતુ મેં જોયું છે કે પુરુષો પણ આ બાબતે જરાયે પાછળ નથી. ઘણાં પુરુષો તો સ્ત્રીઓને પણ પાછળ રાખી દે એટલી હદે ગોસિપ કરતાં હોયછે.

        આપણો સમાજ પુરુષના સ્ત્રી સાથેના કે સ્ત્રીના પુરુષ સાથેના નિર્દોષ વિજાતીય સંબધોને સ્વીકારતો નથી. પુરુષ પુરુષને અને સ્ત્રી સ્ત્રીને મદદ કરે કે તેની સાથે સંબધ રાખે તેમા સમજને કોઈ વાંધો નથી, પરંતુ જાતી બદલાય ત્યારે મોટો વાંધો પાડતો હોયછે. અમારાં બાજુનાં ફ્લેટમાં એક ફેમીલી રહેછે. તે બેન તેમની સાત આઠ વર્ષની દીકરીને તેની ઉંમરના છોકરાંઓ સાથે રમવા દેતી નથી. તે છોકરીને ફક્ત છોકરીઓ સાથેજ રમવાની છૂટ છે. આપણે આને શું કહીશું ? નાનાં બાળકોનાં નિર્દોષ સંબધોને જો વિકૃત નજરે જોવામાં આવતાં હોય તો મોટા લોકોની તો વાતજ શી કરવી !

            ‘રંગ તેવો સંગ અને સોબત તેવી અસર.’ તમે જે વાતાવરણમાં રહેતાં હોવ તેનો પ્રભાવ તો પડેજ છે. નાનાં ગામડામાં ઉછરનારના વિચારો સંકુચિત હોય અને મોટા શહેરમાં ઉછ્ર્નારના વિચારો થોડાંક બ્રોડ હોઈ શકે. જોકે રૂઢી, પરંપરા, સંસ્કૃતિ, રીવાજો, જ્ઞાતિ-જાતી વગેરે પરિબળો પણ માણસોના વિચારો ઘડવામાં ભાગ ભજવે છે. ઇન્ડિયામાં રહેતો માણસ પરદેશ જાય, ત્યાનું કલ્ચર જુએ, ત્યાં રહેતાં ઇન્ડિયનોની રહેણીકરણી ખુલ્લા વિચારોનો અનુભવ કરે ત્યાર બાદ તેના વિચારોમાં જરૂરથી બદલાવ આવેછે. ક્યારેક ઉલટું પણ થાયછે. એક ભાઈ તેમનાં એક ભત્રીજાને ત્યાં લંડન ફરવા ગયા હતાં. તેઓ ખાસ્સા ત્રણ મહિના જેવું લંડનમાં રહ્યાં. આખું લંડન ફર્યા, ત્યાનું કલ્ચર જોયું જાણ્યું. તેઓ ફરીને ઇન્ડિયા પરત આવ્યા. તે સમયે તમની દીકરી લંડન ભણવા જવાની તૈયારી કરતી હતી. તે ભાઈએ તેમની છોકરીને લંડન જવાની ના પડી દીધી. તેમને લાગ્યું કે ત્યાના કલ્ચરના રંગે રંગીને તેમની દીકરી બગડી જશે. તે ભાઈની સંકુચિતતાના કારણે તેમની દીકરીની પ્રગતિ અટકી ગઈ.

        ૨૦૦૭ની વાત છે. તે સમયે હું અને મારી પત્ની ઓસ્ટ્રેલિયામાં કેઈન્સ પાસે આવેલાં મરીબા નામના નાનકડા વિલેજમાં રહેતાં હતાં. ત્યાંથી અમે મારી કારમાં અમારાં સંતાનોને મળવા સિડની આવવાં નીકળ્યા. સિડની ત્યાંથી ત્રણ હજાર કી.મી. દુર હતું. રોજના હજાર કી.મી. અંતર કાપવાનું વિચારેલું. સવારે છ વાગયાથી સાંજે છ વાગ્યા સુધી કાર ચલાવવી પડતી. જોકે દર બે કલાકે કાર ઠંડી પડવા પંદરથી વીસ મીનીટ જેવું રોકાવું પડતું. સાતસો કી.મી. કાપ્યા હશે ત્યાં વાદળાં ઘેરાયા. કડાકા-ભડાકા સાથે જોરદાર વરસાદ તૂટી પડ્યો. વાઈપર પણ કામ કરતું ન હતું. આગળનો રસ્તો માંડ બે ફૂટ જેટલો દેખાતો હતો. હાઇવે પર ગાડી ઉભી રાખવામાં જોખમ હતું. કોઈ પાછળથી ઠોકી દે તેનો દર હતો. ગાડીની હેડલાઈટ અને બ્લીન્કર ચાલુ કરીને હું ધીરે ધીરે આગળ વધતો ગયો. અમારાં સદનસીબે અડધો કલાકમાં તો વરસાદ બંધ થઇ ગયો. થોડીવારમાં આકાશ ચોખ્ખું થઇ ગયું.

        મેં ગાડીની સ્પીડ વધારી. નાઈટ હોલ્ટ કરવા માટે મારે એક મોટા ટાઉન ઇનીસફેલ પહોંચવું જરૂરી હતું. કેરેવાન પાર્કમાં અમે નાઈટ હોલ્ટ કરતાં હતાં. કેરેવાનમાં કિચનની અને સુવાની વ્યવસ્થા રહેતી. વરસાદના કારણે અમે એક કલાક લેટ પડ્યા હોવાથી અમને કેરેવાન ફૂલ હતાં. આખા ટાઉનમાં તપાસ કરી છતાં અમને કોઈ જગાએ નાઈટ હોલ્ટ માટે જગા ન મળી. અમે એક મોટા મોલના પાર્કિંગમાં ગાડી પાર્ક કરી અમારી પાસેનું ખાવાનું ખાઈને અમે ગાડીમાંજ લંબાવ્યું.

        થોડીક્વારે અમારી બાજુમાં એક કાર આવીને ઉભી રહી. તે કારમાં એક આધેડ વયની લેડી બેઠી હતી. તે અમારી સામે જોયાં કરતી હતી. તેણે મારી મિસિસને અહીં રોકાવાનું કારણ પૂછ્યું. મારી મિસિસે તેને બધી વાત કરી. તમે માનશો અમારી મુશ્કેલી જાણ્યા પછી તે લેડી અમને તેના ઘરે લઇ ગઈ અને અમને સુવા માટે એક રૂમ આપ્યો. એટલુંજ નહિ વહેલી સવારે તેણે અમારાં માટે ચા બનાવીને સાથે બિસ્કીટનો નાસ્તો પણ આપ્યો. અમે તેને પૈસા આપવાં પ્રયત્ન કર્ર્યો પણ તેણે ધરાર ન લીધાં. અમે તેનો આભાર માનીને નીકળી ગયા.

      આને આપણે કયા સંબધો કહીશું ? રાત્રીના સમયે કોઈક અજાણી વ્યક્તિ મદદ કરે અને તા પણ પરદેશમાં ! માની ન્ સ્કાય તેવી પરંતુ એકદમ સાચી અનુભવેલી આ ઘટના છે. ઘણીવાર લોહીના સંબધો કામમાં નથી આવતાં અને ક્યારેક નામ વગરના સંબધો આપણી આંખો ભીંજવી જાયછે.

$$$$

Email- ozamanhar@yahoo.com

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Nisha Jani 7 માસ પહેલા

Verified icon

Abhishek Patalia 7 માસ પહેલા

Verified icon

Mital Sutariya 7 માસ પહેલા

Verified icon

Mukta Patel 7 માસ પહેલા

Verified icon

Sunhera Noorani 8 માસ પહેલા