સંબંધોની બારાક્ષરી - 13

(૧૩)

પૂર્વ ધારણા

                ભાઈ-બહેનના સંબધો પર આપણી હિન્દી ફિલ્મોમાં ઘણાં લાગણીસભર ગીતોની રચના થઈછે. આપણા દેશમાં ભાઈ-બહેનના સંબધને ખુબજ પવિત્ર સંબધ માનવામાં આવેછે. આ સંબધની ઉજવણી માટે ખાસ રક્ષાબંધનના તહેવારની રચના કરવામાં આવીછે. ભારતમાં દરેક ધર્મ અને સંપ્રદાયના લોકો આ પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરેછે. એકજ કુખે જન્મેલાં ભાઈ-બહેનને આપણા હિંદુ ધર્મ કે સમાજમાં સમાન ન ગણતાં ભેદભાવ રાખવામાં આવેછે. મોટાભાગે દીકરીઓને બાપ-દાદાની મિલકતોમાંથી હિસ્સો આપવામાં આવતો નથી. સામાજિક રીવાજ મુજબ દીકરીને પરણાવીને સાસરે મોકલ્યા પછી તે પરાઈ થઇ જાયછે. વારેતહેવારે તે માં-બાપને મળવા આવેછે. તે સમયે મા-બાપ કે ભાઈ તરફથી તેને સાડી આપવામાં આવેછે. બહેન પણ પ્રેમથી તેમની આ ભેટ સ્વીકારેછે.

            આપણી સંસ્કૃતિમાં ભાઈઓ-બહેનો અને કુટુંબના લોકોમાં પ્રેમ જળવાઈ રહે તેના માટે અનેક તહેવારોની રચના કરવામાં આવીછે. બીજાં દેશની સરખામણીએ આપણા દેશની પ્રજા વધારે પ્રેમાળ અને ઉત્સવ પ્રીયછે. સમાજે કુટુંબ ભાવના જળવાઈ રહે તે માટે ભલે ગમે તેટલા રીત-રીવાજો બનાવ્યાં હોય તેમછતાં દરેક વ્યક્તિ તેને અનુસરતી નથી. અને જો સમાજના ડરથી રીવાજો નિભાવે તો તેમાં ઉષ્મા કે લાગણી હોતી નથી. રીવાજ છે તેથી સમાજની શરમે કરવું પડેછે, તેવી માનસિકતા ઘણી વ્યક્તિઓમાં જોવાં મળેછે. ઘણાં એવાં પણ લોકો છે જેમને સમાજની બીક પણ લાગતી નથી. જોકે આવાં લોકો સમાજથી એકલા પડી જાયછે. હમેશાં સારા સંબધો જ મુશ્કેલીના સમયે કામમાં આવેછે.

        મેં એવાં કેટલાયે ભાઈ-બહેન જોયાંછે કે જેમને એકબીજા માટે અનહદ પ્રેમ હોય. તેઓ હમેશાં એકબીજાની મદદ કરવા તત્પર હોય. અને એવાં પણ ભાઈ-બહેનો જોયાં છે કે જેમની વચ્ચે રાખડી બંધાવાના તો ઠીક, બોલાવાનાયે સંબધ ન હોય. આપણે સમજીએ છીએ કે ભાઈ-બહેનોમાં કોઈ બાબતે તુતુ મેમે થઇ જાય પણ તેનો અર્થ એવો નથી કે તેની સાથે સંબધ જ ન રાખવો ! ભાઈ-બહેનો તો નાનપણથીજ ઝઘડતાં આવ્યાં હોયછે. બાળપણમાં લડતાં-ઝઘડતાં, રિસાતાં-મનાતા ભાઈ-બહેનો કેટલાં નિર્દોષ હોયછે ! તો પછી મોટાં થતાં કેમ એકબીજાંની ભૂલોને માફ નહિ કરી શકતાં હોય ! મોટાં થયાં પછી તેમને તેમનો ઈગો નડે છે. જેમ જેમ માણસ મોટો થાયછે તેમ તેમ તેનો ઈગોપણ તેની જાણ બહાર મોટો થાયછે. આ ઈગો જ આપણા સંબધોની આડે આવેછે.

        એક છોકરીને હું ઓળખું છું. આપણે તેને રિદ્ધિ તરીકે ઓળખીશું. રિધ્ધિને બે ભાઈછે. મેહુલ અને દેવાંગ. દેવાંગ સૌથી નાનો ભાઈ છે અને મેહુલ સૌથી મોટો. આ બંને ભાઈઓને રિદ્ધિ એકની એક બહેન છે. ત્રણેયનાં લગ્ન થઇ ગયાં છે. દેવાંગ તેની વાઈફ અને બાળકો સાથે ઓસ્ટ્રેલિયા સેટ થયોછે. પરદેશમાં તે સારું કમાય છે. તે પૈસે ટકે સુખી છે. મોટો ભાઈ મેહુલ ઇન્ડિયામાંજ રહેછે તેને પણ ખાનગી કંપનીમાં નોકરી છે. ઘર ચાલી જાય તેટલું તે કમાય છે. રીધ્ધીનો હસબંડ પણ ધંધામાં સારું કમાય છે. આમ જોવા જઈએતો ત્રણેય ભાઈ-બહેનો સુખીછે.

        રિધ્ધિના પપ્પા જીવેછે જે મેહુલની સાથેજ રહેછે. રીધ્ધીનું સાસરું એકજ શહેરમાં હોવાથી તે દર અઠવાડિયે તેના પપ્પાને મળવા મેહુલના ઘેર જતી હતી. રિધ્ધિના પપ્પા રીટાયર્ડ હોવાથી તેઓ સવાર સાંજ બહાર નીકળે અને બાકીનો સમય ઘરમાંજ પસાર કરે. વધારે સમય ઘરમાં રહેતાં હોવાથી તે નાની મોટી કચકચ કર્યા કરે. મેહુલની વહુપણ તેમની આ કચકચથી કંટાળી ગયેલી. એક દિવસ રિદ્ધિ મેહુલને ત્યાં આવી. તેના આવ્યાં પહેલાંજ મેહુલની વહુ સાથે તેના પપ્પાને બોલવાનું થયેલું. રિધ્ધિના પપ્પાએ તેને મેહુલની વહુની ફરિયાદ કરી. રીધ્ધીએ તેની ભાભીને ખખડાવી. તેવામાં તેનો ભાઈ મેહુલ આવી ચઢ્યો. મેહુલે તેની પત્નીનો પક્ષ લઈને રિધ્ધિને ધમકાવી. રિધ્ધિને ખોટું લાગતાં તે તેના ઘરેથી નીકળી ગઈ.

        આ વાતને છ મહિના થઇ ગયાં. હજું પણ રિદ્ધિ તેના ભાઈના ઘરે જતી નહતી કે મેહુલ પણ રિધ્ધિના ઘરે જતો નથી. રિદ્ધિ તેના પપ્પાને ઘરની બહાર જ મળેછે. મેહુલની વહુ સમજું હતી. તેણે મેહુલને સમજાવવા પ્રયત્ન કર્યો પણ મેહુલ જીદ લઈને બેઠો હતો કે રિદ્ધિ પહેલ કરે. આ બાજુ રીધ્ધીપણ તેનો ભાઈ પહેલાં તેણે બોલાવે તેની રાહ જોતી હતી. બંને જણ પોતાની જીદપર અડગ હતાં. જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ તેમની જીદ વધતી ગઈ.

        રક્ષાબંધનનો દિવસ આવ્યો. રિદ્ધિ મનમાં વિચારવા લાગી, ‘ભાઈ બોલાવશે તો રાખડી બાંધવા જઈશ.’ આ બાજુ ભાઈ વિચારતો હતો. ‘રિદ્ધિ રાખડી બાંધવા આવશે તો તે તેને માફ કરી દેશે.’ બંને ભાઈ-બહેનને એકબીજાં પ્રત્યે લાગણી તો હતીજ પરંતુ તેમને તેમનો અહમ નડતો હતો. સાંજ સુધી બંને ભાઈ-બહેને એકબીજાનાં ફોનની રાહ જોઈ પણ એકેયનો ફોન આવ્યો નહિ. રીધ્ધીનો પતિ સમજું હતો. તે રિધ્ધિને સમજાવીને મેહુલના ઘરે લઇ આવ્યો. બધાનાં આશ્ચર્ય વચ્ચે બંને ભાઈ-બહેન એકબીજાની સાથે લડવાને બદલે એકબીજાને ભેટીને રડ્યાં. બંનેના અશ્રુઓમાં તેમનો અહમ ઓગળી ગયો.

        મેહુલ અને રિદ્ધિ બંને એકબીજાં માટે પૂર્વ ધારણાઓ બાંધીને ચાલતાં હતાં. હકીકતમાં તેઓ એક બીજાં વિષે જેવું ધારતા હતાં તેવું કઈ હતું નહિ. ઘણીવાર આપણે બીજી વ્યક્તિ માટે ખોટી મનઘડંત પૂર્વ ધારણાઓ બાંધી લેતાં હોઈએ છીએ. અને આ ધારણાઓને આધારે તેની સાથે તેવું વર્તન કરતાં હોઈએ છીએ. મારી દૃષ્ટિએ કોઈનાં પણ વિષે પૂર્વ ધારણાઓ કરતાં પહેલાં તેની સાથે વાત કરીને ખાતરી કરી લેવી જોઈએ. તમે શું માનોછો ?    

$$$$

Email- ozamanhar@yahoo.com

 

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Pravin shah 5 માસ પહેલા

Verified icon

Janki 6 માસ પહેલા

Verified icon

Nisha Jani 7 માસ પહેલા

Verified icon

Abhishek Patalia 7 માસ પહેલા

Verified icon

Mukta Patel 7 માસ પહેલા