ભોપા ને તાવ મગજમાં ચડી ગયો હતો. ડૉક્ટર સાહેબે તેને તપાસ્યો, આંખો જોઈ, નખ તપાસ્યા, કાંડું ઝાલ્યું, સ્ટેથોસ્કોપ થી ધબકારા તપાસ્યા. સાહેબ પણ વિચારમાં પડી ગયા, આમ તો બધું નોર્મલ લાગે છે, તો આટલું બધું ટેમ્પરેચર કેમ છે? બે ત્રણ જાતના રિપોર્ટ કરાવ્યા. પણ રિપોર્ટ પણ નોર્મલ. ડોક્ટર અનુભવી હતા. તેણે ભોપાની સાથે આવેલા તેના કાકાને કહ્યું, "પેશન્ટને કોઇ ઇન્ફેક્શન નો તાવ નથી, પરંતુ તેને કંઈક ભેરાટ (ડર) લાગી ગયો છે, એનો આ તાવ છે. ડર દૂર થશે એટલે તાવ ઊતરી જશે."
ભોપો લોઠકું વરણ એટલે તે કોઈથી બીય ગયો હોય તે માન્યામાં ન આવે. શેરીરે પણ મજબૂત બાંધાનો. બથોબથ બાધવામાં બે જણને ભારે પડે તેવો. ભોપાના લગ્ન થઈ ગયેલા.પણ ઘરવાળી ને હજી આણું નહીં તેડેલી . ભોપો આખો દિવસ ટ્રેક્ટરના ભાડા કર્યા કરે. ભોપા ના ટ્રેક્ટરની ખેડ સારી એટલે ગામના ઘણા ખરા ખેડૂત પોતાના ખેતરની ખેડ ભોપા પાસે જ કરાવે. ભોપા ના ટ્રેક્ટર માં ટેપ ફૂલ વોલ્યુમમાં જ વાગતું હોય. ખેડવાની ફુલ સિઝન હોય ત્યારે ભોપો રાતપાળી પણ ખેંચી લે.
ભોપા ને બધાએ પૂછ્યું, "તને કોઈની બીક લાગી છે? ક્યાંય મોળી ભોં માં પગ પડી ગયો છે?" પણ ભોપો માને નહીં. ને તાવ પણ હઠે નહીં. છેવટે બધાએ બહુ મનાવ્યો. ત્યારે ભોપો માન્યો. કે બે દિવસ પહેલા રાત્રે ત્રણ વાગે ખાખરાવાળા ખેતરમાં ટ્રેક્ટર હાંકતો હતો. ત્યાં તેણે આંબલીમાં ભૂત ભાળ્યું હતું. તાવ નું સાચું કારણ હવે મળ્યું.
ભોપાના કાકા બાજુના ગામના એક ભુવા જે આવું મેલુ, ભૂત, ડાકણ, જીનાદ, પલીત કાઢતા તેને લઈ આવ્યા. તેણે ભોપા ને પેલી આંબલી એ લઈ જઈ વિધિ કરવી પડશે એવું કહ્યું. ભોપો ખૂબ ડરી ગયેલો હતો. તેણે ત્યાં જવાની ધરાર ના પાડી. પણ બધા સાથે છીએ એમ કંઇ બિય ગયે થોડો મેળ આવશે? એમ તેને સમજાવ્યો. ત્યા જવાની તૈયારી કરી. ભુવા એ તો અડદના દાણા, મંત્રેલું પાણી, લાલ કપડું, લીંબુ ને તલવાર, શ્રીફળ એવી બધી ભેદી વસ્તુઓ તૈયાર કરી સૌ ઉપડ્યા.
બધા ટ્રેક્ટર માં બેસી ત્યાં ગયા. આજ ભોપા એ ટ્રેકટર ના ચલાવ્યું. તેના કાકા ટ્રેકટર ચલાવતા હતા. પણ તેણે જોયું, કે આખો રસ્તો, ને વચ્ચે આવતા શેઢા, કોઈકના ધોરીયા, કપાસના છોડ બધું ભોપો ખેડતો આવ્યો હતો. તેના કાકાએ પૂછ્યું તો ભોપો કહે, "મને ભૂત ની એટલી બધી બીક લાગી કે હું સાંતી ઊંચું કરવું જ ભૂલી ગયો. ને ટ્રેક્ટર લઇ ભાગ્યો, રસ્તામાં આવતું બધું ખેડતો આવ્યો.
આંબલી આખી બળીને ખાખ થઈ ગઈ છે. બધા બુંગણ પાથરીને બેઠા છે. ભુવાજી વિધિ ની તૈયારી કરે છે. ભોપો હજી તાવથી ધગ ધગી રહ્યો છે. આંબલી બાજુ જોવાની હજી તેની હિંમત નથી ચાલતી. તે રાત્રીનું દ્રશ્ય તેને ફરી...ફરી.. યાદ આવે છે. તે ટ્રેક્ટરની ઉથલ વળ્યો. શેઢેથી પાછો વળ્યો તો તેની નજર સામે શેઢે આવેલી આંબલી પર પડી. તેને ધુવાડા નીકળતા હોય તેમ લાગ્યું. પણ ભોપો એમ કઈ બીવે તેવો નહીં. થોડી વાર થઈ ત્યાં આંબલીની ઉપર મિલના ભૂંગળામાંથી ભડકો નીકળી તેમ ભડકો નીકળ્યો. આંબલીની ડાળીઓ ભડભડ સળગતી નીચે પડવા લાગી. ને ભોપા ને લાગ્યું નક્કી આંબલી એ ભૂત થયું છે. ભોપો ભાગ્યો ટ્રેક્ટર લઈ. ઘરે જઈ ગોદડુ ઓઢી સુઈ ગયો. પણ મગજમાં તાવ ચડી ગયો.
અહી ભૂત ભગાડવા ની વિધિ ચાલુ છે. એવું સાંભળીને આજુબાજુ નાં ખેતર વાળા ને જોણું થયું. માણસો ભેગું થવા લાગ્યું. ભુવાજી એ આંખો બંધ કરી, મંત્ર બોલી, ભોપા પર પાણી છાંટ્યું. ને કહેવા લાગ્યા, "આ આ આંબલી માં ભયંકર ભૂત બસો વર્ષથી રહે છે. તેણે ભોપા માં વાસ કર્યો છે. જુઓ એ કેટલું ભયંકર હશે. તેણે આંબલી ને આખેઆખી સળગાવી નાખી. ભૂત નહિ કાઢીએ તો એ ભોપાને પણ આંબલી ની જેમ જ સળગાવી દેશે
આ બધું ક્યારના જોઈ રહેલા નુરા પગી કહેવા લાગ્યા, "એવું નથી ભુવાજી, આ ખાખરા વાળુ ખેતર મેં ભાગવું વાવવા રાખેલું છે. ચાર દિવસ પહેલા પવન ખૂબ હતો, એટલે મેં આ સુકાઈ ગયેલી ને વચ્ચે થી પોલી થઈ ગયેલી આંબલી ના થડિયાની ઓથ લઈ ત્યાં મંગાલો કરી ચા કરી હતી. આંબલી એ અગન પકડી લીધી હશે. ધીમે ધીમે સળગતી સળગતી... આગ ઉપર સુધી નીકળી હશે. તે રાતે પવનના લીધે આંબલીના પોલા થડિયામાંથી ભડકો બહાર નીકળ્યો હશે. ને રાતે ત્રણ વાગે ભોપો ભાળીને ભાગ્યો હશે."
બધા નુરા પગીની સામે જોઈ રહ્યા. ભોપા એ ઉભા થઇ આંબલી ના થડીયે ત્રણ પથ્થર મૂકી બનાવેલો ચૂલો જોયો. બળીને કાળા મશ થઈ ગયેલા આંબલી ના પોલારામાં જોયુ. ભોપો જોર જોરથી હસવા લાગ્યો. ભુવાજી બધી વસ્તુ ભેગી કરવા લાગ્યા. ભોપા ના કાકા એ ભોપા નો તાવ જોવા કાંડું ઝાલ્યું. ભોપો ટાઢો બોળ થઈ ગયો હતો.
લેખક: અશોકસિંહ ટાંક