સંબંધોની બારાક્ષરી - 11

(૧૧)

લોહીના સંબધો

        કેટલાંક સંબધો બનાવવા કે તેમાંથી મુક્ત થઇ જવું, તે આપણા હાથમાં નથી હોતું. જેમકે લોહીના સંબધો. બ્લડ રીલેશન. મા-બાપ, ભાઈ-બહેન, કાકા-મામા, માસી-ફોઈ, દાદા-દાદી, નાના-નાની, પુત્ર-પુત્રી, ભાણીયા-ભત્રીજા, વગેરે સંબધો જન્મતાની સાથેજ આપણને વારસામાં મળી જતાં હોય છે. જે ગમતાં હોય કે ન ગમતાં હોય છતાં નિભાવવા પડેછે.

        મેં જોયુંછે કે પરાણે મળેલાં આવા સંબધોથી કેટલાંક લોકો નારાજ હોય છે. તેમાંયે જયારે તે વ્યક્તિનો સગો ઉંમરમાં તેના કરતાં નાનો હોય અને સગપણમાં તેનાથી મોટો હોય, ત્યારે તો ખાસ. આવા સંબધો વિચિત્ર લાગે તેવાં હોવાં છતાં તેને આપણી મરજી મુજબ બદલી શકાતા નથી, કે નથી કેન્સલ કરી શકાતાં. કોઈને આપણે કહી શકતા હોત કે, આજથી તું મારો મામો નહી અને હું તારો ભાણિયો નહિ ! કે, આજથી હું તને મારાં કાકાનાં સંબંધમાંથી છૂટાછેડા આપુંછું ! કદાચ ગુસ્સામાં આપણે તેમ કહી દઈએ, તો પણ આ લોહીનો સંબધ થોડો બદલાઈ જવાનો છે ?

        તો પછી જે સંબધ આપણે બદલી શકવાના નથી તેના પ્રત્યે નફરત કરવાથી શો ફાયદો ! જે છે તેને સ્વીકારી લેવાથી નુકસાન શું જવાનું છે ? પણ નાં, માણસનું મન આવા સમયે નફો નુકસાન જોતું નથી. આવું થવા પાછળનું કારણ શું ? કૈં સમજાય છે? વાત એકદમ મામુલી છે. પણ આ મામુલી લાગતી વાતને નજરઅંદાજ કરવાં જેવી નથી. આઈસબર્ગનું ટોપકું ઉપરથી દેખાતું હોય  તેટલું નાનું હોયછે ખરું ? બસ આવુંજ આ સંબંધોનું છે.

        સિત્તેર પહેલાંના દાયકામાં ફેમીલી પ્લાનીંગ કરવામાં આવતું નહિ હોવાના કારણે દરેક કુટુંબમાં બાળકોની સંખ્યા સારી એવી જોવા મળતી. ઘણાં કુટુંબોમાં તો મોટી છોકરી પિયરમાં સુવાવડ કરવા આવે ત્યારે તેની મા પણ પ્રેગનન્ટ હોય. ઘણીવાર તો છોકરીને બે ત્રણ બાળકો થયાં પછી તેની માને પેટે ભાઈ કે બહેનનો જન્મ થાય. જેના લીધે વહેલો જન્મેલો ભાણિયો મોટો અને મામો નાનો હોય. આવાં બીજાં સંબધોમાં પણ તેવુંજ થાય, જેના કારણે સંબધોમાં મોભો જળવાતો નથી.

        ઘણી જ્ઞાતિઓમાં સગામાં સગું કરવાની પ્રથા પણ આવાં સગાઓના ગૂંચવાડા માટે જવાબદાર છે. બે સગાં ભાઈઓ સાથે બે સગી બહેનોના લગ્ન, ભાણીયા સાથે મામીની બહેનનાં લગ્ન, કાકીના ભાઈ સાથે ભત્રીજીના લગ્ન, વગેરે વગેરે. આવાં લગ્નોને કારણે સંબધો બેવડાઈ જાયછે. આ બેવડાતાં સંબધો ગૂંચવાડો ઉભો કરેછે. જેના કારણે ઘણીવાર સામાજિક વહેવાર બાબતે ઝઘડાઓ થતાં હોયછે. મુસ્લિમોમાં બ્લડ રીલેશનમાં લગ્ન કરવાનો રીવાજ છે. તેમનામાં કાકા-મામા, ફોઈ-માસી વગેરે તદ્દન નજીકનાં સગાંઓનાં પુત્ર કે પુત્રી સાથે લગ્ન કરવાનો રીવાજ છે. વિચાર કરો કે આવાં લગ્નો થતાં હોય તે સમાજમાં સંબધો કેવાં ગૂંચવાઈ જતાં હશે ! અને આ ગૂંચવાડાના કારણે ઝઘડાઓનું પ્રમાણ પણ વધારે જ હશે તેમાં બેમત નથી. હિંદુઓમાં પણ કેટલીક જ્ઞાતિઓમાં મામા-ફોઈના દીકરા કે દીકરી સાથે લગ્ન કરવાનો રીવાજ ચાલેછે. આપણા પુરાણો અને રામાયણ મહાભારત જેવાં ધાર્મિક ગ્રંથોમાં પણ આવાં અંદરોઅંદર ગૂંચવાયેલા સંબધોની વાર્તાઓ જોવાં મળેછે.     

        મને યાદ છે. મારાં એક દુરના સગાના મામા તેનાથી ઉંમરમાં ચાર વર્ષ નાના છે. હવે જયારે પણ કોઈ પ્રસંગ આવે, કે તહેવાર આવે ત્યારે, પેલા મામાને ભાણિયાએ રીવાજ મુજબ પગે તો લાગવું જ પડે ! આ સમયે પેલા ભાણીયાનો ચહેરો જોવા જેવો હોય છે. અધૂરામાં પૂરું મામો તેના પર રોફ જમાવે, કે ખખડાવે ત્યારે જોવા જેવી થાયછે. કેમકે તે ઉમરમાં નાનો હોવા છતાં સંબધમાં મોટો છે. આથી બંને વચ્ચે મનદુઃખ છે.

        સગાં મામા-ભાણીયાનાં આ સંબધમાં શો પ્રોબ્લેમ છે ? તેમના સંબધોમાં કેમ કડવાશ છે ? આમ જોવા જઈએ તો બાબત સામાન્ય છે. બંને જણ વાસ્તવિકતા સ્વીકારી લે, તો કોઈ પ્રશ્નજ નથી. પરંતુ બંનેને પોતાનો ઈગો નડેછે. ભાણિયો એવું સમજે કે ઉંમરમાં નાનો છે તો શું થયું, સંબધમાં તો તે મારો મામો જ છેને ? તો પછી તેને માનથી બોલાવવામાં શો વાંધોછે ! તે જ રીતે મામો એવું સમજે કે હું તેનો મામો ભલે હોઉં, ઉંમરમાં તો તે મારાથી મોટો છેને ! પછી તે મને માનથી ન બોલાવે તો પણ શું ! બંને પક્ષે ફક્ત આટલી સમજણની જરૂર છે. સંબધો સુધારવામાં થોડીક સમજણ, થોડીક બાંધછોડ, થોડીક લેટ ગો ની ભાવના જરૂરી છે.  

$$$$

***

રેટ કરો અને રિવ્યુ આપો

Pravin shah 4 માસ પહેલા

Nisha Jani 6 માસ પહેલા

Abhishek Patalia 6 માસ પહેલા

Sunhera Noorani 8 માસ પહેલા

bhasha mankad 8 માસ પહેલા