સંબંધોની બારાક્ષરી - 10

(૧૦)

જર જમીન અને ભાઈઓ  

        આપણે રોજ છાપામાં કે ટીવીમાં જોતાં હોઈએ છીએ. કેટલાંયે કિસ્સાઓમાં ભાઈ-ભાઈ વચ્ચે મિલકતો બાબતે ઝઘડાઓ જોવાં મળેછે. કેટલીકવાર મિલકતના ઝઘડામાં ભાઈ ભાઈનું ખુન કરતાં પણ અચકાતો નથી. એકજ કૂખેથી જન્મેલાં, લોહીનો સંબધ ધરાવતાં ભાઈઓ મિલકત માટે એક બીજાનાં ખુન કરવાં તૈયાર થઇ જાય તે સંભાળીને દિલ વલોવાઈ જાયછે. મગજ સુન્ન થઇ જાયછે. આવું કેમ થાયછે? શું તેમના ઉછેરમાં ખામી રહી ગઈ હશે કે પછી તેઓ તેવાં વાતાવરણમાં ઉછર્યા હશે? આ પ્રશ્નોના જવાબ શોધવા સહેલાં તો નથીજ.

            આજકાલ પૈસાનું મહત્વ વધી ગયુંછે. કદાચ તેના માટે મોંઘવારી જવાબદાર હશે! લોકોના મન ટૂંકા થઇ ગયાં છે. દરેક માણસ પોતાનું અને પોતાના કુટુંબનું જ વિચારેછે. હવેતો કુટુંબની વ્યાખ્યા પણ ટૂંકી થઇ ગઈછે. હાલની કુટુંબની વ્યાખ્યામાં પતિ-પત્ની અને બાળકોનો સમાવેશ થાયછે. મા-બાપની પણ હવેતો કુટુંબમાં ગણતરી કરવામાં આવતી નથી. મિલકતના ઝઘડાઓ માટે થોડોક વાંક મા-બાપનો પણ હોયછે. મોટાભાગનાં લોકો પોતાની હયાતીમાં મિલકતનું વિલ એટલેકે વસિયતનામું બનાવતાં નથી. પરિણામે તેમનાં ગુજરી ગયાં પછી ભાઈઓ-બહેનોમાં મિલકતને લઈને ઝઘડા થવા લાગેછે. મને વસીયત અંગેનો માણેકલાલનો કિસ્સો યાદ આવેછે.

        માણેકલાલને ત્રણ સંતાનો હતાં. એક દીકરી અને બે દીકરા. મોટો દીકરો મનોજ, વચોટ દીકરી સુનીતા અને નાનો દીકરો બિમલ. ત્રણેય જણના લગ્ન કરી દીધાં હતાં. તેઓ તેમનાં ફેમીલી સાથે અલગ રહેતાં હતાં. માણેકલાલ તેમની પત્ની સાથે તેમનાં જુના મકાનમાં રહેતાં હતાં. ત્રણેય સંતાનો અવારનવાર તેમની ખબર કાઢી જતાં હતાં. દીકરાઓ તો તેમનાં મા-બાપને તેમની સાથેજ રહેવાંનું કહેતાં હતાં પરંતુ માણેકલાલને એકલાજ રહેવું પસંદ હતું. તેમની દીકરી સુનીતા પણ સુખી હતી. તે પણ તેના મા-બાપની સંભાળ લેતી હતી.

        વારેતહેવારે ત્રણેય ભાઈ-બહેનો પોતાનાં સંતાનોને લઈને રહેવાં આવી જતાં. પોતાની અનુકુળતા મુજબ બધાં રોકતાં. તહેવારોના દિવસોમાં માણેકલાલનું ઘર હર્યુંભર્યું થઇ જતું. ભાઈ-બહેનોમાં આટલો પ્રેમ અને સંપ જોઈને તે ખુશ થતાં. તેમને સંતોષ હતો કે તેમણે તેમનાં સંતાનોને શિક્ષણની સાથે સાથે સારા સંસ્કારોનું પણ સિંચન કર્યુંછે.

        એક દિવસ માણેકલાલને જાણવા મળ્યું કે તેમનો મિત્ર હરેશના સંતાનો મિલકત માટે કોર્ટે ચડ્યા હતાં. હરેશને ગુજરી ગયે હજું તો છ મહિના માંડ થયાં હતાં. જોકે હરેશે એક ભૂલ કરી હતી. તેણે મરતા પહેલાં વસીયત બનાવી ન હતી. માણેકલાલને તેનાપરથી પોતાની વસીયત બનાવાવનો વિચાર આવ્યો. તેમણે વિચાર્યું, કે આજે તેમનાં સંતાનોમાં એકબીજા પ્રત્યે પ્રેમ અને લાગણી છે પણ કાલે હું નહિ હોઉં ત્યારે મિલકતના કારણે તેમનાં મન બદલાઈ જશે તો ! માણેકલાલે તેમનાં સંતાનોને જણાવ્યા વિના તેમના ઓળખીતા એક વકીલને બોલાવીને તેને વસિયતનામું તૈયાર કરવા જણાવ્યું.

        વસિયતનામાની વાત પાડોશીઓ કે સગાં મારફતે લીક થઇ ગઈ. માણેકલાલના બધાં સંતાનોને તેની ખબર પડી ગઈ. નાનો દીકરો બિમલ માણેકલાલને મળવા આવ્યો. તેણે તેના પપ્પાને વસિયતનામા વિષે પૂછ્યું. માણેકલાલને લાગ્યું કે તેને કેટલો ભાગ મળેછે તે વાત બિમલ જાણવા માગતો હશે. માણેકલાલે બિમલને ભાગની વાત કરી નહિ. જોકે બિમલે તે જાણવાનો પ્રયત્ન પણ ન કર્યો. બિમલે માણેકલાલને કહ્યું કે, ‘મારે મિલકતમાંથી વધારે હિસ્સો જોઈતો નથી. તમે મારામાંથી થોડોક હિસ્સો મોટાભાઈને આપજો કેમકે તેમને ત્રણ સંતાનો છે જયારે અમારે તો એકજ સંતાન છે.’ બિમલનો ભાઈ માટેનો પ્રેમ જોઈને માણેકલાલ ખુશ થયાં.

        થોડાંક દિવસ બાદ તેમનો મોટો પુત્ર મનોજ તેમને મળવા આવ્યો. મનોજે પણ વસિયતની વાત કાઢી. મનોજે માણેકલાલને કહ્યું કે, મારા ભાગની મિલકત નાનીબેન સુનીતાને આપજો. સુનીતાને ત્રણ દીકરીઓ છે, જેથી તેની જવાબદારીઓ પણ વધારે છે. હું તો ગવર્નમેન્ટમા સારી પોસ્ટ પર છું. મને તો પેન્શન પણ મળશે. મારો મોટો છોકરો હવેતો કમાતો થઇ ગયોછે.’ મનોજની બહેન પ્રત્યેની ભાવના જોઈને માણેકલાલ ગદગદ થઇ ગયાં.

        સુનીતા પણ એકલીજ તેના પપ્પાને મળવા આવી. તેણે ચોખ્ખું કહી દીધું, ‘પપ્પા મારે તમારી કોઈ મિલકત જોઈતી નથી. તમે તમારી મિલકતો બંને ભાઈઓને વહેંચી દેજો. આમ પણ મારે સાસરિયે કોઈ વાતની ખોટ નથી. તમારા જમાઈનો ધંધો પણ સરસ ચાલેછે. તમારા પ્રેમ સિવાય મારે કંઈ જોઈતું નથી.’ પુત્રીનો ની:સ્વાર્થ પ્રેમ જોઈને માણેકલાલ અને તેમની પત્નીની આંખો ભીની થઇ ગઈ. અંતે માણેકલાલે ત્રણેય સંતાનોને સરખે હિસ્સે મિલ્કતની વહેંચણી કરી. તેમણે ત્રણેયને કહ્યું, ‘મને એક વાતનો આનંદ છે કે તમે ભાઈ-બહેનો એક બીજાને પ્રેમ કરોછો. આવોજ પ્રેમ કાયમ માટે રાખજો. મને ખાતરી છે કે મુશ્કેલીમાં તમે એક બીજાનાં પડખે ઉભા રહેશો.’

        આ હતું માણેક્લાલનું ફેમીલી, કે જે ની:સ્વાર્થ પ્રેમ અને બલીદાનની ભાવનાના પાયા પર ઉભું હતું. માણેકલાલના જો એકપણ સંતાને સ્વાર્થીપણું બતાવ્યું હોત તો આખું ફેમીલી વિખેરાઈ જાત. પૈસાના મુલ્ય કરતાં ફેમિલીનું મુલ્ય વધારે છે તે વાત ત્રણેય સંતાનો સારી રીતે સમજી ગયાં હતાં. જ્યાં પ્રેમ હોયછે ત્યાં સંબંધો પણ અકબંધ રહેછે. લોહીના ખોખલા સંબધો કરતાં લાગણીના નાજુક સંબધો વધારે મજબુત હોયછે. સંબધો તો કાચ જેવાં નાજુક હોયછે, તેને જીવની જેમ સાચવવાં પડેછે.  તા-૧૦-૦૮-૨૦૧૩

$$$$

 

 

***

રેટ કરો અને રિવ્યુ આપો

Pravin shah 3 માસ પહેલા

Janki 3 માસ પહેલા

Nisha Jani 4 માસ પહેલા

Abhishek Patalia 4 માસ પહેલા

Ashvin Magan Bhai 5 માસ પહેલા