સંબંધોની બારાક્ષરી - 6

(૬)

વિધર્મી પ્રેમીઓ

        બંને પ્રેમીઓ જયારે વિધર્મી એટલેકે અલગ અલગ ધર્મના હોય ત્યારે ઘણાં બધાં પ્રશ્નો  ઉપસ્થિત થતા હોય છે. બંને પ્રેમીઓ પોતાના ધર્મનું પાલન કરવા માટે એકબીજા પર દબાણ કરતાં હોય છે, ખાસ કરીને પુરુષો. પરણ્યા પછી પુરુષો એવું માનતા હોય છે કે, તેમની પત્નીએ પતિનો ધર્મ અપનાવવો જોઈએ. જો પત્ની તે અપનાવવાનો ઇનકાર કરી દે, તો બંને નાં સંબધોમાં તિરાડ પડવાની શક્યતા વધી જાય છે.

            એક યુવક અને યુવતી બંને પ્રેમમાં પડ્યાં. કહેવાય છે કે પ્રેમ આંધળો હોયછે. બંને જયારે પ્રેમમાં પડ્યા ત્યારે તેમને ખબર ન હતી કે બંનેનો ધર્મ જુદો જુદો છે. યુવક જૈન ધર્મનો હતો અને યુવતી મુસ્લિમ ધર્મની હતી. બન્ને એકબીજાના પ્રેમમાં એટલાં ગળાડૂબ હતાં કે, તેમને વિચાર પણ ન આવ્યો કે લગ્ન પછી કેવાં પ્રોબ્લેમ ઉભા થશે ! સમાજના વિરોધ વચ્ચે બંનેએ લગ્ન કરી લીધાં. બંનેના મા-બાપે તેમને સ્વીકાર્યા નહિ. બંને જણ અલગ રહેવા લાગ્યાં.

        થોડાક મહિના તો બંને પ્રેમના નશામાં ચકચૂર રહ્યાં. બંનેને એવુંજ લાગતું હતું કે તેઓ એકબીજા માટે જ બનેલાં છે. સમય જતાં પ્રેમનો નશો ઉતર્યો. પોતાના સંસ્કારો અને સ્વભાવનો પરચો દેખાવા લાગ્યો. એકબીજા માટે મરી ફીટવાની વાતો કરતાં આ પ્રેમીઓ એકબીજાનાં ગુણ-દોષ જોવા લાગ્યાં, એકબીજાની ખામીઓ કાઢવા લાગ્યાં. બંનેના મતભેદની શરૂઆત થઇ ધર્મથી. યુવતી મુસ્લિમ એટલે તે નોનવેજ ખાતી હોય તે સ્વાભાવિક છે. યુવક જૈન એટલે તેનાં માટે લસણ-ડુંગળી પણ વર્જ્ય હોય.

        પુરુષપ્રધાન દેશમાં મોટાભાગે સ્ત્રીઓનેજ નમતું જોખવું પડતું હોયછે. અહીપણ યુવતી નોનવેજ છોડીને વેજીટેરીયન ખોરાક ખાવા લાગી. તેણે તેનો ધર્મ છોડ્યો, તેના રીત-રીવાજો છોડ્યા, તેની આદતો-ટેવો છોડી, અને તેનો પહેરવેશ પણ છોડ્યો. તેમછતાં બંને વચ્ચે અણબનાવ વધવા લાગ્યો. નાની નાની વાતમાં બંનેને વાંધો પડવા લાગ્યો. યુવતીએ આટલો બધો ભોગ આપ્યો હોવા છતાં યુવક તેનાથી નારાજ રહેવા લાગ્યો. યુવતીએ નોનવેજ બંધ કર્યું તો યુવક તેને લસણ-ડુંગળી બંધ કરવા ફોર્સ કરવાં લાગ્યો. યુવતી કહેતી, મેં તારા માટે આટલું બધું છોડ્યું તો તું મને આટલી છૂટ પણ નહિ આપે ? તારે ન ખાવું હોય તો વાંધો નહિ, મને તે ભાવેછે એટલે હું ખાઉં છું. મને તો ખાવાદે !

        બસ, આવી નાની નાની વાતોમાં ટસલ થવા લાગી. આ નાની લાગતી વાતોએ એક દિવસ મોટું સ્વરૂપ લીધું. અહમનું વ્રુક્ષ ધીરે ધીરે મોટું થતું ગયું. છેવટે બંને પ્રેમીઓ છુટા થઇ ગયાં. તમને શું લાગેછે ? જે કંઈ થયું તે બરાબર થયું ? શું આ પ્રેમ કહાનીનો આવોજ અંજામ આવવો જોઈતો હતો ? કાચની જેમ નંદવાઈ ગયેલાં આ સંબધો બચાવી શકાયાં હોત !

        લગ્ન કરવાં સહેલાં છે, પણ ટકાવવા અઘરાં છે. તેમાંયે લવ મેરેજ હોય ત્યારે તો ખાસ. એરેન્જ મેરેજમાં મોટાભાગે યુવક યુવતી એકજ જ્ઞાતિના હોયછે. આ ઉપરાંત એક બીજાને પહેલાથી ઓળખતાં હોતાં નથી. લગ્ન કરતાં અગાઉ બંનેજણ પોતાના ગમા અણગમા, શોખ, રીવાજો, આર્થિક સામાજિક સંજોગો, વગેરેથી પરિચિત હોયછે. જેથી તેમને એકબીજા સાથે એડજેસ્ટ થવામાં ઓછી તકલીફ પડેછે. બંનેના સગાં પણ એકબીજાથી પરિચિત હોવાથી અને એકજ જ્ઞાતિના હોવાથી તેનો પણ ફેર પડેછે.

        ઉપરના કિસ્સામાં બંને પ્રેમીઓને જુદા પાડવામાં ધાર્મિક માન્યતાઓ અને રૂઢીઓ કારણભૂત બની. ખરેખર તો માનવને જોડે તેને ધર્મ કહેવાય. માનવ પહેલો કે ધર્મ પહેલો ? માનવે ધર્મની ઉત્પત્તિ કરી છે કે ધર્મથી માનવની ઉત્પત્તિ થઇ છે ? એનીવે અહીં આપણે ધર્મની બાબતમાં ઊંડા ઉતારવાની જરૂર નથી. આપણે તો માનવીય સંબધો ટકાવી રાખવાની વાત કરવાની છે.

        સંબધો જોડતા તો જોડાઈ જાયછે પણ તેને ટકાવી રાખવા માટે જે બાંધછોડ કરવી પડેછે તેના માટે આપણે તૈયાર હોતાં નથી. દરેક વ્યક્તિને પોતાનો ધર્મ મોટો લાગેછે, પોતાની વાત સાચી લાગેછે. આ કપલે જો પોતાની જાતને એકબીજાનાં સ્થાને મુકીને જોયું હોત, તો તેમને પોતાની ભૂલ સમજાઈ હોત. તો તેઓ જુદા પણ ન પડ્યા હોત. સામેનું પાત્ર બહુ મોટો ત્યાગ કરતુ હોય ત્યારે તેના ત્યાગને બિરદાવવું જોઈએ, એટલુંજ નહિ પોતે પણ અમુક બાબતો જતી કરવી જોઈએ.

        જયારે બે વિધર્મીઓ લગ્નના બંધનથી જોડાવાનાં હોય, ત્યારે બંનેએ સમજુતી કરીને કોર્ટ મેરેજ કરવાં જોઈએ. તે સિવાય બંનેએ પોતાના ધર્મનો ત્યાગ કરવો જોઈએ અથવા તો બંનેજણને પોત પોતાનો ધર્મ પાળવાની છૂટ આપવી જોઈએ. સાથે રહીને પણ જુદા જુદા ધર્મ પાળીજ  શકાય. ધર્મ બાબતે જડ વલણ ન રાખવું જોઈએ. બંનેજણ ફ્લેક્સિબલ રહેશે તો જ સંબધ લાંબા સમય સુધી ટકશે. સીધી ને સાદી વાત કહું તો આવાં કપલોએ દરેક તબ્બકે સમાધાન કરવાની તૈયારી રાખવી પડશે. સમાધાન જ સંબધ ટકાવી રાખવાની માસ્ટર કી છે, એ સત્યને બંનેએ સ્વીકારવું પડશે.

Email- manharguj@yahoo.com

 

 

***

રેટ કરો અને રિવ્યુ આપો

Janki 3 માસ પહેલા

Nisha Jani 4 માસ પહેલા

Abhishek Patalia 4 માસ પહેલા

Jigar Pandya 5 માસ પહેલા

Jasmita 5 માસ પહેલા