સંબંધોની બારાક્ષરી - 5

(૫)

પારદર્શક સંબધો

        સંબધોમાં જો પારદર્શકતા ન હોય તો ઘણી બધી ગેરસમજો ઉભી થતી હોય છે. પારદર્શકતા લાવવા માટે નિખાલસ હોવું જરૂરી છે અને તે પણ બંને પક્ષે. જો બંને પક્ષ નિખાલસ હશે તો એક બીજાને સાચી વાત કહી શકશે, પૂછી શકશે, સાંભળી શકશે, સમજી શકશે.

        રમેશભાઈનો દીકરો હર્ષિલ કેનેડા સ્ટડી કરવાં જવાનો હતો. તેમણે કેનેડામાં રહેતાં તેના કઝીન ગૌરાંગ સાથે વાત કરીને હર્ષિલની થોડા સમય માટે રહેવાની વ્યવસ્થા ગોઠવી કાઢી. ગૌરાંગ નિયત સમયે હર્શીલને રીસીવ કરવાં માટે એરપોર્ટ ગયો. તે સમયે હર્શીલને લેવા માટે તેનો ફ્રેન્ડ પણ પહોંચી ગયો હતો.

        ગૌરાંગે બંનેને તેની કારમાં બેસાડીને તેના ઘર તરફ ચાલવા લાગ્યો. રસ્તામાં હર્ષિલે ગૌરાંગને જણાવ્યું કે મારે મારા ફ્રેન્ડને ત્યાં જવાનું છે. કારણ પૂછતાં ખબર પડી કે તેની કોલેજ તેના ફ્રેન્ડના ઘરની પાસે હતી. હર્ષિલે ગૌરાંગને તેના ફ્રેન્ડને ત્યાં ડ્રોપ કરવાં જણાવ્યું. પરંતુ ગૌરાંગ તેમને સબસ્ટેશન પાસે ડ્રોપ કરીને જતો રહ્યો.

        આ વાત હર્ષિલે ઇન્ડિયામાં તેના મમ્મી-પપ્પાને કરી. હર્ષિલની વાત સંભાળીને તેના મમ્મી-પપ્પાને ખોટું લાગી ગયું. તેમણે ઇન્ડિયામાં આ વાત તેમના સગાઓને કરી. ફરતી ફરતી વાત ગૌરાંગના મા-બાપ અને ત્યાંથી ગૌરાંગ સુધી પહોંચી ગઈ. તેના વિષે ભળતી-સળતી વાતો સાંભળીને ગૌરાંગને પણ ખોટું લાગ્યું.

        થોડાક મહિના પછી ગૌરાંગને કોઈ પ્રસંગે ઇન્ડિયા આવવાનું થયું. ઇન્ડિયામાં તે બધાં સગાં-વહાલાંઓને મળ્યો પરંતુ તેના કઝીન રમેશને મળ્યો નહિ. આ બાજુ રમેશને પણ ગૌરાંગ ઇન્ડિયા આવ્યોછે તેની જાણ હોવા છતાં તે પણ તેને મળવા ગયો નહિ કે તેને પોતાના ઘેર પણ બોલાવ્યો નહિ. થોડાક દિવસો રહીને ગૌરાંગ કેનેડા પાછો જતો રહ્યો.

        બંને ભાઈઓ વચ્ચે કાયમી તિરાડ પડી ગઈ. બંનેના ઘર જેવાં સંબધો તૂટી ગયાં. આવું કેમ થયું ? આમાં કોનો વાંક હતો ? હર્ષિલે ભૂલ કરી હતી કે ગૌરાંગે ? આમ જોવા જઈએ તો ભૂલ કોઈની ન હતી. વાંક કોઈનો ન હતો. ઘટનાના મૂળમાં જઈએ તો આ વાત સમજાશે.

        વાત એમ હતી કે હર્શીલને કેનેડા સ્ટડી માટે જવાનું થયું એટલે રમેશભાઈએ તેની થોડાક દિવસ રહેવાની સગવડ ગૌરાંગને ત્યાં કરી દીધી. હર્ષિલ પણ ગૌરાંગને ત્યાજ રહેવાનો હતો. પરંતુ તેના જવાના આગળના દિવસે તેને ખબર પડી કે ગૌરાંગના ધરેથી તેની કોલેજ ખુબજ દુર છે. જેથી તેને ત્યાં સ્ટડી કરતાં તેના ફ્રેન્ડના ફ્રેન્ડને વાત કરી. તેને હર્ષિલની રહેવાની વ્યવસ્થા તેને ત્યાં કરી દીધી. ત્યાંથી હર્ષિલની કોલેજ નજીક હતી. અને હર્શીલને લેવા માટે તે એરપોર્ટ પર પણ પહોંચી ગયો.

        આ વાતની જાણ ગૌરાંગને ન હતી. ગૌરાંગ પણ તેની જોબમાંથી બે કલાક વહેલી રજા લઈને હર્શીલને લેવા ગયો. ગાડીમાં આવતાં રસ્તામાં હર્ષિલે ગૌરાંગને તેના ફ્રેન્ડના ઘરે મૂકી આવવા જણાવ્યું. પરંતુ તેના ફ્રેન્ડનું ઘર એટલું બધું દુર હતું કે તેને જો મુકીને પાછો ઘેર આવે તો રાત્રીના બાર વાગી જાય તેમ હતું. તેને વહેલી સવારે તો જોબ પર પણ  જવાનું હતું, એટલે ગૌરાંગે તેને મુકવા આવવાની નાં પાડી.

        બસ, આટલી વાત હતી. ગૌરાંગની વાત પણ સાચી હતી. પરદેશમાં બધાજ લોકો નજીક નથી રહેતાં હોતાં. અને દરેકને જોબ હોવાથી કોઈની પાછળ વધારે સમય સ્પેન્ડ કરી શકે નહિ. આ વાત અહીં ઇન્ડિયામાં રહેતાં લોકો સમજી શકે નહિ.

        વાત આટલી નાની હતી. જેની ગેરસમજ મોટી થઇ હતી. તમે શું માનો છો ? આમાં કોનો વાંક હતો ? બંને જણા મૌન રહ્યાં તે તેમનો વાંક કહી શકાય. બંને વચ્ચે જે ગેરસમજ ઉભી થઇ હતી તે એક મિનીટમા દુર થઇ શકે તેવી હતી. બંને જણાએ પોતાની વાત, પોતાના પ્રશ્નો એક બીજાને કહી દીધા હોત તો ગેરસમજ ઉભી થાત જ નહિ.

        ગૌરાંગે તથા હર્ષિલે એક બીજા સાથે સ્પષ્ટતા કર્યા વિના એક બીજા પ્રત્યે ખોટી ધારણાઓ બાંધી દીધી. તેમની આ ધારણાઓ છેક ઇન્ડિયા સુધી પહોંચી ગઈ, જેના કારણે ગેરસમજ વધી ગઈ. અધૂરામાં પૂરું, હર્ષિલના મમ્મી-પપ્પાએ હર્ષિલની વાત માની લીધી અને ગૌરાંગ સાથે તે બાબતની ચોખવટ ન કરી. ગૌરાંગ પણ ઇન્ડિયા આવ્યો ત્યારે રમેશને મળીને કે ફોન કરીને આ બાબતે વાત ન કરી. આમ બંનેના જીદ્દી વલણને લીધે વાત વણસી ગઈ.

        આ પ્રસંગમાં બંને પક્ષે નિખાલસતાનો અભાવ જોવા મળ્યો. જો બંને પક્ષ અથવા તો કોઈ એક જણે પોતાની જીદ છોડીને વાત કરવાની પહેલ કરી હોત તો પ્રશ્ન ઉકેલી શકાયો હોત. કોઇપણ સામાજિક વ્યવહારમાં પારદર્શકતા હોવી જરૂરી છે. પારદર્શક વ્યવહાર હશે તો સંબધો પણ એટલા જ મજબુત બનશે.

Email- manharguj@yahoo.com

 

 

 

 

***

રેટ કરો અને રિવ્યુ આપો

Nisha Jani 6 માસ પહેલા

Abhishek Patalia 6 માસ પહેલા

Jigar Pandya 6 માસ પહેલા

Bhesaniya Vimal 6 માસ પહેલા

Charmi Savalia 7 માસ પહેલા