સંબંધોની બારાક્ષરી - 4

(૪)

સાસુ-વહુ

            દુનિયા ગમે તેટલી પ્રગતિ કરે પણ સાસુ-વહુના સંબધોમાં ક્યાંક ને ક્યાંક કશુક ખુચવાનું, ખટકવાનું. બંને ભલે સ્ત્રીઓ હોય, તોયે એકબીજાની પ્રતિસ્પર્ધી, એકબીજાની  હરીફ રહેવાની તે વાતમાં બે મત નથી. સાસુ-વહુના સંબધોને લઈને કેટલીયે ફિલ્મો અત્યાર સુધીમાં આવી ગઈ અને આવતી રહેશે. હવે તો આ સબ્જેક્ટની ટીવી સીરીયલો પણ ધૂમ મચાવે છે અને વ્યુઅરશીપ વધારીને પ્રોડ્યુસરો પણ પોતાના ખિસ્સા ભરેછે.

        દાયકા બે દાયકા પહેલાં વહુઓને કનડતી સાસુઓનું પ્રમાણ વધારે હતું. તેમના વહુઓને હેરાન કરવાના તોર-તરીકા પણ અલગ હતાં. હવે જમાનો બદલાયો છે. એજ્યુકેશનને કારણે સાસુઓનો ત્રાસ ઘટ્યોછે. જો કે સાવ બંધ થયો નથી. હા, વહુઓને હેરાન કરવાની રીત રસમો જરૂર બદલાઈ છે.

        એક કોડભરી વહુ પરણીને સાસરે આવેછે. તેની સાસુ બહુ કચકચિયણ હોય છે. વાત વાતમાં તે વહુને ઉતારી પાડતી અને ગુસ્સે થઇ જતી. સાસુની કચકચથી વહુ કંટાળી ગઈ. તેણે પતિને ફરિયાદ કરી. પતિ પણ તેની મા ને સમજાવી શક્યો નહિ. વહુ દુખી દુખી રહેવા લાગી.

        એક દિવસ રસ્તામાં વહુને તેની બહેનપણી મળી ગઈ. વહુએ તેની સાસુની વાત તેને કરી. બહેનપણીએ વહુને ઉપાય બતાવ્યો. તેણે તેની સાસુને ઝેર આપીને મારી નાખવાનો ઉપાય બતાવ્યો. વહુના ગળે આ વાત ઉતરી ગઈ. વહુ તો સીધી વૈધને ત્યાં પહોંચી અને વૈધ પાસે ઝેર માગ્યું. વૈધે તેનું કારણ પૂછતાં વહુએ સાચેસાચું જણાવી દીધું. વૈધ તેને ઝેર આપવા તૈયાર થઇ ગયો પણ તેણે શરત મૂકી. વૈધે કહ્યું કે ‘આ ઝેર ધીમે ધીમે અસર કરશે. તારી સાસુને મરતા છ મહિના જેટલો સમય લાગશે. પણ જ્યાં સુધી તારી સાસુ મરે નહિ ત્યાં સુધી તારે સાસુની સાથે ઝઘડવાનું નહિ અને તેમની સાથે સારી રીતે વર્તવાનું. તે તને ગમે તે બોલે તો પણ તારે સાંભળી લેવાનું.’ વૈધની શરત પાળવા વહુ તૈયાર થઇ ગઈ.

        વહુ રોજ દાળ-શાકમાં થોડું થોડું ઝેર તેની સાસુને આપવા લાગી. સાસુ તેની સાથે ઝઘડે તો પણ તે સાંભળી લેતી. ધીરે ધીરે સાસુનો સ્વભાવ બદલવા લાગ્યો. હવે સાસુ વહુને સારી રીતે રાખવા લાગી. લોકો સમક્ષ તેના વખાણ કરવાં લાગી.

        એક દિવસ વહુને પછતાવો થયો. વહુ વૈધ પાસે ગઈ. તેણે વૈધને કહ્યું કે મારાથી મોટી ભૂલ થઇ ગઈ. મારે મારી સાસુને જીવતી રાખવી છે, તે મરે નહિ તે માટેની મને દવા આપો. વૈધ તેની સામે જોઈને હસવા લાગ્યાં. તેમણે કહ્યું, ‘મને ખબર હતી એટલા માટે જ મેં તને ઝેરની જગાએ દાળ શાકનો મસાલો આપ્યો હતો.

            સાસુ-વહુના સંબધો દર્શાવતી આ વાર્તામાં વહુ અંને સાસુની પરસ્પરની સમજણની વાત કરી છે. સ્વાભાવિક છે કે વહુ પરણીને સાસરે જાય ત્યારે તેના માટે ઘર, વર, સાસુ, સસરા, દિયર, જેઠ, નણદ વગેરે અપરિચિત હોય. વહુ આવા અજાણ્યા લોકો સાથે રહેવા ટેવાયેલી ન હોય. તેમના સ્વભાવથી, તેમની ટેવોથી, તેમની જીવન શૈલીથી વાકેફ ન હોય. તેવાં સમયે કોઇપણ વ્યક્તિ મુંજાઈ જાય. સ્ત્રીની જગાએ કોઈ પુરુષ હોય તો પણ બઘવાઇ જાય.

        દરેક સ્ત્રીએ સાસરામાં એડજેસ્ટ થવું પડે તેવું કહેવું સહેલું છે. તે સ્ત્રીની જગાએ આપણે આપણી જાતને મુકીને જોઈએ ત્યારે જ આપણને વાસ્તવિકતા સમજાય. સૌથી મોટી કરુણતા તો એ છે, કે જે સ્ત્રી પોતે પહેલાં વહુ હતી તેજ સ્ત્રી તેની દુશ્મન બનેછે.  તે ભૂલી જાય છે કે તે પણ ક્યારેક વહુ હતી. ખરેખર તો તેણે વહુની પરિસ્થિતિ સમજીને તેને નવા કુટુંબ સાથે હળવા-ભળવામાં મદદ કરવી જોઈએ.

        સાસુ વહુ સાથે એક માની જેમ વર્તવાને બદલે સાસુની જેમ વર્તેછે તેનું શું કારણ હશે ? મને તો લાગે છે કે વહુના આવ્યા પછી સાસુને એમ થતું હશે, કે ‘આ પારકી જણી મારા છોકરાને તેના મોહપાશમાં ફસાવીને મારાથી ઝુંટવી લેશે. આ ઘરમાં પછી તો વહુનુંજ રાજ ચાલશે. તેનું કહ્યુંજ થશે. મારો કોઈ ભાવ નહિ પૂછે. મારું કોઈ વર્ચસ્વ નહિ રહે.’ કદાચ આ ડર, આ માનસિકતા કે આ સત્તા જાળવી રાખવા માટેજ તે વહુની સાથે જંગે ચડતી હશે અથવા તો, તેની સાસુએ કરેલી હેરાનગતીનો બદલો તેની વહુ પાસેથી લેવા માગતી હશે.

        કારણ ગમે તે હોય, પરંતુ આમાં બંને જણને નુકશાન થાયછે. શરૂઆતમાં સાસુ વહુ પર જુલમ કરેછે અને પાછળની જિંદગીમાં વહુ સાસુ સાથે તેનો બદલો લે છે. ઘણી વહુઓ જુલમ સહન ન કરી શકે તો કાંતો ડિવોર્સ લઇ લે છે અથવા તો ઉપર વાર્તામાં જોયું તેવું પગલું ભરેછે. મુદ્દાની વાત તો એ છે કે આમ તો બંને એ એકબીજાને સમજવાની જરૂર છે. તેમાંયે સાસુએ વધારે સમજદારી બતાવવી પડશે. આમેય સાસુ મોટી કહેવાય, ઉંમરમાં અને સંબધમાં પણ. સાસુ જો મા થવા તૈયાર હશે તો વહુ દીકરી થઈને રહેશે તેમાં બેમત નથી.

Email- manharguj@yahoo.com

***

રેટ કરો અને રિવ્યુ આપો

Nisha Jani 6 માસ પહેલા

Jigar Pandya 6 માસ પહેલા

Bhesaniya Vimal 6 માસ પહેલા

Falguni Parikh 7 માસ પહેલા

Jasmita 7 માસ પહેલા