સંબંધોની બારાક્ષરી - 3

(૩)

ગુસ્સાની સંબધપર અસર

        ગુસ્સાથી કોઈ બચી શક્યું નથી, મોટામોટા સંત મહાત્માઓ, ઋષિમુનીઓ, નામાંકિત વ્યક્તિઓ, સમાજ સેવકો, નેતાઓ, દેવી-દેવતાઓ, અને સામાન્ય માણસો. આ બધાંજ લોકોએ કોઈ વાર તો આવેશ અને ગુસ્સાને કારણે નાની-મોટી ભૂલો કરી હશે. આપણા પુરાણોમાં પણ ઋષીમુનીઓના ગુસ્સાના અને તામસી સ્વભાવના અનેક ઉદાહરણો ઉપલબ્ધ છે. કોઈને થોડો તો કોઈને વધારે, ગુસ્સો દરેક માણસને આવતો હોયછે. તામસી સ્વભાવના લોકોને ગુસ્સો જલ્દી અને વારંવાર આવતો હોયછે. નાની નાની વાતમાં તેઓ ઉશ્કેરાઈ જતાં હોયછે. તેમનું ધાર્યું ન થાય ત્યારે તેઓ ગુસ્સે થઇ જતાં હોયછે. ગુસ્સામાં વ્યક્તિ સારા નરસાનું કે સાચા ખોટાનું ભાન ગુમાવી દે છે. તે સમયે તેને જે સમજાય તે જ સાચું, તેવું તે માનેછે. ઘણીવાર ગુસ્સો ઉતરી ગયાં પછી તેને ભારોભાર પસ્તાવો થતો હોયછે, પરંતુ તે સમયે ઘણું મોડું થઇ ગયું હોયછે.

        માનવ મનનો તાગ મેળવવો મુશ્કેલ છે. પેપરમાં એક સમાચાર એવાં હતાં કે એક ભાઈએ પોતાની સગી બહેનને તલવારથી કાપી નાખી. અને બીજા સમાચાર એવાં હતાં કે એકસીડન્ટમાં જખ્મી થયેલા યુવાનને એક અજાણ્યા વ્યક્તિએ સમયસર દવાખાને પહોચાડીને તેનો જીવ બચાવ્યો.

        એક બહેન પોતાના પતિથી ઝઘડીને પિયર આવી હતી. તેને તેનાં સાસરિયાં એટલો ત્રાસ આપતાં હતાં કે જેના કારણે તે પાછી પોતાના સાસરે જવા તૈયાર ન હતી. તેના ભાઈનું માનવું હતું કે છોકરીને એક વાર પરણાવ્યા પછી તેણે સાસરે જ રહેવું જોઈએ, પછી ગમે તેટલું દુઃખ પડે તો પણ. તેનો ભાઈ તેને પરાણે સાસરે મોકલવા માગતો હતો. યુવતી જયારે સાસરે જવા તૈયાર ન થઇ ત્યારે તેના ભાઈએ તેને જાનથી મારી નાખી. તે યુવતીનો વાંક એ હતો, કે તેણે ભાઈનું કહેવું માન્યું ન હતું. પરિણામે તેણે પોતાનો જીવ ખોવો પડ્યો હતો. આ તે કેવી જંગાલીયત ! કોઈ વ્યક્તિ તમારું કહેવું ન માને તો તેને મારી નાખવાની ? પશુથીયે બદતર આ કૃત્ય કહેવાય.

        બીજી તરફ એકસીડન્ટમાં ઘાયલ થયેલા અજાણ્યા વ્યક્તિને હોસ્પિટલમાં પહોંચાડીને તેનો જીવ બચાવવાની ઘટના છે. જે વ્યક્તિને તમારી સાથે કોઈ જાતનો સંબધ નથી કે નથી કોઈ જાતનું સગપણ, છતાં તેને મદદ કરવી તે માનવતા કહેવાય. જેનામાં આવી માનવતા હોય, તે વ્યક્તિ સાચો માણસ છે. લોકો અનેક રીતે બીજાની મદદ કરતાં હોયછે. કીડની કે બ્લડ ડોનેટ કરીને ઘણી વ્યક્તિઓએ પોતાનાં અને અજાણ્યા લોકોનાં જીવ બચાવ્યાછે.

        અહીં દર્શાવેલી બંને ઘટનાઓ તદ્દન વિરોધાભાસી છે. બહેનનું ખુન કરવાવાળો ભાઈ કદાચ માનસિક રીતે વિકૃત હશે. કે પછી ખુબજ ગુસ્સાવાળો હશે. તે તેનો ગુસ્સો કંટ્રોલ નહિ કરી શકતો હોય. આવા સમયે તે ખુબજ હાઇપર થઇ જતો હશે. પાછળથી તેને પછતાવો પણ થયો હશે. પણ બધુજ બરબાદ થઇ ગયા પછી પછતાવો કરવાથી શું થવાનું હતું ?

        આવા જ એક ભાઈને હું ઓળખું છું. તે ભાઈ પણ ગુસ્સો આવે ત્યારે તેમની પત્નીને ગાળા ગાળી કરે અને હાથમાં જે આવે તે છુટ્ટું ફેકે. કલાક બે કલાકમાં જયારે ગુસ્સો ઉતારી જાય ત્યારે પોતે જે કર્યું હોય તેનો અફસોસ કરે. તેમની પત્નીની માફી પણ માગે, અને રીસાઈ ગઈ હોય તો મનાવે પણ ખરાં. આને આપણે શું કહીશું ? તે ભાઈને હું ઘણીવાર સમજાવું કે તમારો આ ગુસ્સો કોઈક દિવસ તમને બહુ મોટું નુકસાન કરશે. તમારા ગુસ્સાના કારણે તમારું બ્લડપ્રેશર વધશે અને તેનાં લીધે કદાચ હાર્ટએટેક પણ આવે. જેના લીધે તમારા ફેમિલીણે તથા નજીકના સ્વજનોને સહન કરવાનું આવશે.

        તે ભાઈ બધુજ સમજે છે પરંતુ તેઓ પોતાના ગુસ્સાપર કંટ્રોલ નથી કરી શકતા. મેં તેમને એક ઉપાય સૂચવ્યો. જયારે તમને ગુસ્સો આવે ત્યારે તમારે સોથી એક સુધી ઉંધી ગણતરી શરુ કરવાની. તેનાથી તમારું ધ્યાન બીજી તરફ ફંટાશે. શરૂઆતમાં તકલીફ પડશે, પણ ધીરે ધીરે ફાવી જશે. જો આ પણ શક્ય ન હોય, તો જયારે ઝઘડો થાય ત્યારે તમારે તે સ્થળ છોડીને બીજે ચાલ્યા જવાનું.

        મારી વાત ધ્યાનમાં લીધા પછી તેમના ગુસ્સામાં થોડોક ફેર પડ્યો છે. હવે તેમના ઝઘડાઓનું પ્રમાણ ઘટી ગયું છે. ધીરે ધીરે ઘરના લોકો સાથેના તેમના સંબધો સુધરવા લાગ્યાં છે. ખરાબે ચઢેલું તેમનું વહાણ હવે તોફાનમાંથી બહાર આવી ગયું છે.

        સીધી વાતછે. જયારે પણ આપણને ગુસ્સો આવે ત્યારે આપણે આપણા વિચારો બદલી નાખીએ અથવા તો આપણું ધ્યાન બીજે ડાઈવર્ટ કરીએ તો આપણો ગુસ્સો થોડીવારમાં ઠંડો પડી જાયછે. ઘણાલોકોને એટલો બધો ગુસ્સો આવતો હોયછે કે તેઓને ભાન રહેતું નથી કે તેઓ શું કરી રહ્યાછે. આવાં લોકોએ જેવો ગુસ્સો આવે કે તુર્તજ તે સ્થળ છોડીને બીજે ચાલ્યાં જવું જોઈએ.   

Email- manharguj@yahoo.com

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Sudhirbhai Patel 3 માસ પહેલા

Verified icon

Rutu Sunny Patel 5 માસ પહેલા

Verified icon

Jitendra 6 માસ પહેલા

Verified icon

Veer Solanki 7 માસ પહેલા

Verified icon

Mamta Ganatra 8 માસ પહેલા