સંબંધોની બારક્ષરી - 2

(૨)

નવા પડોશી

આપણને આપણા પાડોશીની ચિંતા વધારે હોય છે, તેમાંયે સ્ત્રીઓને વિશેષ. કોઈ નવો પડોશી રહેવા આવ્યો હોય કે આવી હોય, તો તે અન્ય પાડોશીઓનું કેન્દ્ર બિંદુ બની જાયછે. ફ્લેટ કે સોસાયટીની સ્ત્રીઓને વાતો કરવાનો એક નવો વિષય મળી જાય છે. તેમાંયે જો તે પડોશીનું ફેમીલી અતડું અતડું રહેતું હોય ત્યારે તો ખાસ તેની ટીકા થાયછે. ‘અભિમાની છે, બહુ અકડું છે, સોસીયલ નથી,’ વગેરે અનેક લેબલો તેના પર લાગી જાયછે.

        આવુંજ એક ફેમીલી એક ફ્લેટમાં રહેવા આવ્યું. ફેમિલીમાં હસબન્ડ અલકેશભાઈ, વાઈફ નીલીમાબેન અને એક છોકરી મોના હતી. હસબંડ વાઈફ બંને જોબ કરતાં હોવાથી હમેશાં તેઓ ભાગ-દોડમાં રહેતાં. રજાના દિવસે પણ તેઓ ઘરમાં આરામ કરતાં અથવા બહાર ફરવા જતાં. તેમના ફલેટનો દરવાજો હમેશાં બંધ રહેતો. તેઓ પડોશીઓ સાથે કેમછે સારું છે નો વ્યવહાર જ રાખતાં. તેમની છોકરી કોલેજમાં ભણતી હતી. તે પણ પોતાનામાં મસ્ત રહેતી હતી.

        નવા પાડોશીની આ લાઈફસ્ટાઈલ ફ્લેટના મહિલા મંડળને પસંદ ન હતી. તેઓ ખાનગીમાં તેની ઈર્ષા કરતાં હતાં. તેમના આવાં સ્વભાવ વિષે ટીકા-ટીપ્પણી કરતાં. કેટલીક હરખપદૂડી સ્ત્રીઓએ સામે ચાલીને તેમની દોસ્તી કરવાનો પ્રયત્ન કર્યો, પણ તેમનો આ પ્રયત્ન નિષ્ફળ જતાં તેમનો રોષ બેવડાયો. તેમની ગેરહાજરીમાં જોર શોરથી તેમની ટીકાઓ થવા લાગી. નવી પડોશણ સામે મળે ત્યારે ઘણી સ્ત્રીઓ તેની સામે મ્હો મચકોડતી કે મ્હો ફેરવી લેતી.

        એક સાંજે ફ્લેટનાં બાળકો નીચે ફ્લેટમાં ક્રિકેટ રમતાં હતાં. રમતાં રમતાં એક સાત આઠ વર્ષના છોકરાને મ્હો પર જોરથી બોલ વાગ્યો. તેનો હોઠ તૂટી ગયો. આખું મ્હો લોહી લુહાણ થઇ ગયું. તે છોકરાની મમ્મી એકલીજ ઘરમાં હતી. તેને ખબર પડતા તે ગભરાઈને રડવા લાગી. ફ્લેટના બધાજ લોકો ભેગા થઇ ગયા.

        તેવામાં અલકેશભાઈ બહારથી આવ્યા. તેમને આ વાતની જાણ થતાં તેઓ છોકરાને અને તેની મમ્મીને પોતાની ગાડીમાં બેસાડીને ઝડપથી દવાખાને લઈ ગયાં. સમયસર સારવાર મળવાથી છોકરો ઝડપથી સાજો થઇ ગયો.

        આ ઘટના બન્યા પછી ફ્લેટના લોકોનો તેમના પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો. જે લોકો તેમની નિંદા કરતાં હતાં, તે જ લોકો હવે તેના ગુણ ગાવા લાગ્યાં. કોઈ વ્યક્તિને સમય ન હોય અથવા ઓટલા પરિષદમાં રસ ન હોય તો તે તમારી સાથે ન જોડાય, તો તેમાં ખોટું શું છે ? તેનાં કારણે આપણે તેને અભિમાની, સ્વાર્થી કે નકામો ચિતરવાની જરૂર ખરી?

        આપણે ઘણીવાર કોઈ વ્યક્તિને ઓળખ્યા વિના તેના પર જાત-ભાતના લેબલ લગાડી દઈએ છીએ. તેના સ્વભાવ વિષે જાત જાતની ધારણાઓ બાંધી લઈએ છીએ. એનું કારણ એ છે કે આપણે એવું ઇચ્છીએ છીએ, કે સામેની વ્યક્તિ આપણી ઇચ્છાનુસાર વર્તે. આપણી હામાં હા મિલાવે. મોટા ભાગે આપણે આપણી માન્યતાઓને બીજી વ્યક્તિઓ પર ઠોકી બેસાડવા માંગતા હોઈએ છીએ.

        અહીં સ્ત્રીઓનું ઉદાહરણ આપવામાં આવ્યું છે તેનો અર્થ એવો નથી કે ફક્ત સ્ત્રીઓ જ આવું કરતી હોયછે. પુરુષો પણ આમાં પાછળ નથી. પોતાની સાથે રહેતાં, સાથે નોકરી કરતાં, પોતાના મિત્રો, પોતાના સ્વજનો, વગેરે પાસેથી  પણ આપણે એવી જ અપેક્ષા રાખીએ છીએ, કે તે લોકો આપણને ગમે તેવું વર્તન કરે.

        ઘણાં પુરુષો તો પોતાના ઘરમાં પણ આવી જો હુકમી ચલાવતાં હોય છે. તે લોકો તેમની પત્ની અને બાળકો પર પોતાના વિચારો, પોતાની માન્યતાઓ ઠોકી બેસાડતા હોયછે. સારી કે ખરાબ કોઈ પણ જાતની માન્યતાઓ કે વિચારો જયારે બીજી વ્યક્તિ પર લાદવામાં આવેછે, ત્યારે તે બીજાને ગમતું નથી. કદાચ કમને તે તમારી વાત માને તો પણ દિલથી તો તે સ્વીકારતો નથી. અને જે વાત અંદરથી, મનથી, કે દિલથી સ્વીકારવામાં ન આવે તેની અસર લાંબા સમય સુધી રહેતી નથી. તેની ઉંધી અસર પણ પડી શકેછે.

        તમે માર્ક કરજો, જે વ્યક્તિને તમારી વાત ગમતી નહિ હોય તે તમારાથી દુર રહેવા પ્રયત્ન કરશે. જો ઘરમાંજ આવી વ્યક્તિ હશે, તો તેની સામે આવવાનું અને વાત કરવાનું ટાળશે. તમારે તમારી જાતની આ બાબતે ચકાસણી કરવી હોય, તો ઘરમાંજ આ પ્રયોગ કરી જોજો. જો તમારા ઘરમાં તમે પ્રિય હશો, તો બહાર પણ તમે એટલાજ લોકપ્રિય હશો. જો ઘરના સભ્યો તમારાથી દુર ભાગતા હશે તો તમારે ચેતી જવાની જરૂર છે, તમારી જાતને તટસ્થપણે ચકાસવાની જરૂર છે.

        નવા નવા સંબધો કોઈકની નિંદા કે કુથલી કરીને નહિ પણ તેનો પ્રેમ અને સહાનુંભૂતી જીતીને જ વધારી શકાયછે. માનવ મનની ખાસિયત છે, તેને જેટલો જીતવા પ્રયત્ન કરો, એટલો તે તમારાથી દુર ચાલ્યો જાયછે. તેને જીતવો હોય તો તમારે હારવું પડેછે.

 

મનહર ઓઝા

Email- manharguj@yahoo.com

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Hemal Sompura 2 માસ પહેલા

Verified icon

Sudhirbhai Patel 3 માસ પહેલા

Verified icon

Rutu Sunny Patel 5 માસ પહેલા

Verified icon

Bhumi Patel 6 માસ પહેલા

Verified icon

Chandubhai Panchal 6 માસ પહેલા